Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વૈશ્વિક પડકારો સામે વિકસિત ભારત બનાવવા માટેની બ્લુપ્રિન્ટ

વૈશ્વિક પડકારો સામે વિકસિત ભારત બનાવવા માટેની બ્લુપ્રિન્ટ

Published : 02 February, 2026 07:03 AM | Modified : 02 February, 2026 07:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં અનેક વિકસિત દેશો પોતાની સામેના ટૂંકા ગાળાના પડકારોને મૅનેજ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એમણે પોતાની વગદાર સ્થિતિનો ઉપયોગ કરીને અમુક પગલાં ભર્યાં છે.

નીલેશ શાહ  મૅનેજિંગ ડિરેક્ટર, કોટક મહિન્દ્ર AMC

નીલેશ શાહ મૅનેજિંગ ડિરેક્ટર, કોટક મહિન્દ્ર AMC


ભારત સામે અત્યારે અનેકવિધ પડકારો છે, જેની સાથે અને જેનો સામનો કરતાં-કરતાં આર્થિક વિકાસ તરફ આગળ વધી રહેલા ભારતને આ વખતના બજેટે નવી બ્લુપ્રિન્ટ તૈયાર કરી આપી છે જેના આધારે સરકાર વિકસિત ભારતની દિશામાં આગળ વધવા કટિબદ્ધ છે

વૈશ્વિક સ્તરે વેપાર બાબતે ચાલી રહેલાં ઘર્ષણો તથા ભૂરાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે આ વખતનું કેન્દ્રીય બજેટ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઝડપે વૃદ્ધિ કરનારા દેશ તરીકેનું ભારતનું સ્થાન ટકાવી રાખવાના ઉદ્દેશ સાથે રજૂ કરવામાં આવ્યું છે.



રિયલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) એટલે કે કુલ રાષ્ટ્રીય ઉત્પાદનનો વૃદ્ધિદર આગામી વર્ષ માટે ૬.૮ ટકાથી ૭.૨ ટકા આસપાસ અંદાજાયો છે અને એ માટે વિકાસલક્ષી મૂડીખર્ચની
સાથે-સાથે શિસ્તબદ્ધ ફિસ્કલ મૅનેજમેન્ટ (રાજકોષીય સંચાલન)નું આયોજન કરવામાં આવ્યું છે.


નાણાપ્રધાને વિકસિત ભારતના ઊંચા વિઝનને ટોચ પર રાખીને એવાં કર્તવ્યો (લક્ષ્યો) નિર્ધારિત કર્યાં છે જેમાં સર્વસમાવેશ (ઇન્ક્લુઝિવ)નો અભિગમ સામેલ થઈ જાય છે, અર્થાત્ બધાને વિકાસનાં ફળ મળશે. સરકાર એને ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ કહે છે. આ સંજોગોમાં અંદાજપત્રએ લાંબા ગાળાના રેઝિલિયન્સ પ્લાન (પડકારોનો સામનો કરતાં-કરતાં પ્રગતિ કરવા) સાથે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવાની રૂપરેખા ઘડી છે.  આ રેઝિલિયન્ટ ગ્રોથ-પ્લાન એટલે કપરા સંજોગો વચ્ચે પણ મજબૂત રહેવાનો તથા એનર્જેટિક (ઊર્જાસભર), આશાવાદી અને પ્રતિબદ્ધ રહેવાનો નિર્ધાર.

હાલમાં અનેક વિકસિત દેશો પોતાની સામેના ટૂંકા ગાળાના પડકારોને મૅનેજ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એમણે પોતાની વગદાર સ્થિતિનો ઉપયોગ કરીને અમુક પગલાં ભર્યાં છે. આવા સમયે ભારત લાંબા ગાળાનું સાતત્ય જાળવી રાખવાના નિર્ધાર સાથે આગેકૂચ કરવા કટિબદ્ધ બન્યું છે. સરકારે ફિસ્કલ ડેફિસિટને નાણાકીય વર્ષ ૨૦૨૭ સુધીમાં GDPના ૪.૩ ટકાના સ્તરે નીચે રાખવા કમિટેડ હોવાનો દાવો કર્યો છે જે ગયા વર્ષે ૪.૪ ટકા હતી. સરકારે બજેટ મારફત એનો GDP સામેનો ડેટ રેશિયો પણ ૫૫.૬ ટકા જેવો નીચે લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે, જેને ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા પર લઈ જવાનો મધ્યમ ગાળાનો નિર્ધાર પણ જાહેર કર્યો છે.


સરકારે રાજકોષીય શિસ્ત જાળવવાનું વચન પાળ્યું છે: નીલેશ શાહ

આ દિશામાં આગળ વધવાનો અર્થ એ થાય કે આગળ જતાં સરકારનો વ્યાજબોજ ઘટે અને સરકાર રચનાત્મક જાહેર મૂડીગત ખર્ચ માટે નોંધપાત્ર અવકાશ ઊભો કરી શકે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસ

આ બજેટનું મુખ્ય લક્ષ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસ પર ભાર મૂકવાનું છે જેથી સરકારે ૧૨.૨ લાખ કરોડ રૂપિયાનો વિક્રમી મૂડીગત ખર્ચ જાહેર કર્યો છે જે ૨૦૨૬ની તુલનાએ ૯ ટકા વધુ છે. આનો આધાર સરકારે ટ્રાન્સપોર્ટ, એનર્જી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રાખ્યો છે. આને ઇકૉનૉમીની ઇમારતનું માળખું કહી શકાય. ખાનગી મૂડીરોકાણને આકર્ષવા તેમ જ મધ્યમ ગાળાના વિકાસને હાંસલ કરવાનો વ્યૂહ આમાં સામેલ છે.  બજેટની મુખ્ય જાહેરાતોમાં  સાત હાઈ સ્પીડ રેલ કૉરિડોર, પૂર્વમાં ડંકુનીથી પશ્ચિમમાં સુરતને જોડતા ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોર અને ૨૦ નવા રાષ્ટ્રીય જળમાર્ગો સામેલ છે. સિટી ઇકૉનૉમિક રીજન્સ મારફત સરકાર શહેરી વિકાસને પણ જબરદસ્ત બળ પૂરું પાડવા માગે છે. બજેટે પાંચ યુનિવર્સિટી ટાઉનશિપ્સ પણ પ્લાન કરી છે. આ બધાં પગલાં ભરવા પાછળનો ઉદ્દેશ આર્થિક વિકાસના અનેક અને સસ્ટેનેબલ (સાતત્યપૂર્ણ) ચાલકબળ તૈયાર કરવાનો છે. 

મારા મતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગૅરન્ટી ફન્ડ પણ મહત્ત્વનું કદમ છે, જે લેન્ડર્સને આંશિક ક્રેડિટ ગૅરન્ટી આપે છે, આને પગલે ધિરાણ ઉપલબ્ધિ બહેતર બનશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ માટેનો મૂડીગત ખર્ચ ઘટશે.

ડિજિટલ ઇન્ડિયા અને રોકાણ માટેનાં પ્રોત્સાહનો

આ બજેટની એક આંખે ઊડીને વળગે એવી જાહેરાત વિદેશી કંપનીઓને ભારતમાં ડેટા સેન્ટર્સ સ્થાપવા માટે ૨૦૪૭ સુધી ઑફર થયેલા ટૅક્સ હૉલિડેની છે. આ કૅપિટલ ઇન્ટેન્સિવ (મૂડી રોકાણલક્ષી) સ્વરૂપનાં ડેટા સેન્ટર્સ ભારતના લાભમાં રહેશે અને આને પગલે પાવરકોસ્ટ, ઑપરેટિંગ કાર્યક્ષમતા અને ડિજિટલ કનેક્ટિવિટીનો લાભ મળશે, જેનાથી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રાક્ચર માટે ભારત સંભવિત હબ બની શકશે. ભારતના ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટર (GCC) ઇકો-સિસ્ટમ મજબૂત બનશે તેમ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા રોજગારનું સર્જન કરવામાં એ સહાયરૂપ થશે.

STTની માર્કેટ પર અસર

એક ચર્ચા બજેટ બાદ કેન્દ્રમાં રહી છે જે કૅપિટલ માર્કેટમાં એસટીટી સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ (STT)ના વધારાની છે. આ ટૅક્સવધારો ફ્યુચર્સ અને ઑપ્શન્સ માર્કેટના સોદાઓને લાગુ કરવામાં આવ્યો છે, જેના પરિણામે ટૂંકા ગાળામાં વૉલેટિલિટી વધી શકે છે, પરંતુ લાંબા ગાળે ફન્ડામેન્ટલ્સ ગ્રોથના આધારે માર્કેટ આઉટલુક રચનાત્મક રહેશે. બધા જ શૅરધારકો માટે બાયબૅકના નફા પરનો કૅપિટલ ગેઇન ટૅક્સ અને માત્ર પ્રમોટર્સ પર જ વધારાનો ટૅક્સ લાગુ કરવાનો નિર્ણય માઇનૉરિટી શૅરધારકો માટે પૉઝિટિવ પગલું કહી શકાય. ગ્રોસ માર્કેટ બોરોઇંગ વધીને ૧૭.૨ લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ મુકાયો છે, પણ નેટ બોરોઇંગમાં કોઈ ફેરફાર નથી જે ચિંતા ઘટાડનારું પગલું છે.

શિસ્ત સાથે કમિટમેન્ટ

બજેટનાં તમામ પાસાંઓ પર નજર કરતાં નિષ્કર્ષ એ આવે છે કે બજેટે સરકારી ખર્ચ સતત ચાલુ રાખીને અને ડિજિટલ ઇકૉનૉમી માટે ટાર્ગેટેડ પ્રોત્સાહન આપીને ભારતની વિકાસગાથા આગળ વધારવાનો વ્યૂહ રાખ્યો છે. સરકારે આ સાથે રાજકોષીય શિસ્ત જાળવવાનું કમિટમેન્ટ પાળ્યું છે. આ પગલાં ભારતને લાંબા ગાળે વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ તરફ લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK