Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વિદેશમાં રોકાણ વૈવિધ્યીકરણની દૃષ્ટિએ પણ ઘણું ઉપયોગી હોય છે

વિદેશમાં રોકાણ વૈવિધ્યીકરણની દૃષ્ટિએ પણ ઘણું ઉપયોગી હોય છે

28 October, 2021 01:09 PM IST | Mumbai
Amit Trivedi

ભારતની તુલનાએ આ વધારો ઓછો લાગે, પરંતુ સંતાનને વિદેશ મોકલવા ઇચ્છુક માતા-પિતાએ ભારતીય રૂપિયા અને અમેરિકન ડૉલરના વિનિમય દરમાં આવતા ફેરફારને પણ ધ્યાનમાં રાખવો પડે છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


છેલ્લા થોડા વખતમાં આપણે જોયું છે કે ઘણાં ફન્ડ હાઉસ વિદેશી બજારમાં રોકાણ કરનારી નવી સ્કીમ લૉન્ચ કરી રહ્યાં છે. આ જ રીતે સમાજમાં આપણે જોઈએ છીએ કે માતા-પિતા પોતાનાં સંતાનો વિદેશમાં શિક્ષણ પ્રાપ્ત કરે એવી ઇચ્છા રાખતાં હોય છે. અખબારોમાં પ્રગટ થતી વિદેશમાં અભ્યાસને લગતી સંખ્યાબંધ જાહેરખબરો પરથી પણ આ વાતનો અંદાજ આવે છે. દેખીતી વાત છે કે વિદેશમાં ભણવાનો ખર્ચ પણ ઘણો વધારે આવે છે. 
www.usnews.com નામની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર અમેરિકામાં શિક્ષણ લેવાનો ખર્ચ વાર્ષિક પાંચ ટકાના દરે વધ્યો છે. ભારતની તુલનાએ આ વધારો ઓછો લાગે, પરંતુ સંતાનને વિદેશ મોકલવા ઇચ્છુક માતા-પિતાએ ભારતીય રૂપિયા અને અમેરિકન ડૉલરના વિનિમય દરમાં આવતા ફેરફારને પણ ધ્યાનમાં રાખવો પડે છે (અહીં આપણે ધાર્યું છે કે બાળક અમેરિકા જઈને ભણશે). 
વર્ષ ૨૦૦૨માં એક ડૉલરના ૪૩ રૂપિયા હતા, પણ વર્ષ ૨૦૨૦માં એ ભાવ ૭૫ રૂપિયા થઈ ગયો હતો. ભારતીય રૂપિયામાં વાર્ષિક વૃદ્ધિના હિસાબે જોઈએ તો તેનો વૃદ્ધિદર ૮ ટકા થાય છે. 
ભવિષ્યમાં કોઈ પણ મોટો ખર્ચ આવે તો તત્કાલીન વિનિમય દરના આધારે તેને ધ્યાનમાં લેવો પડે, અન્યથા બજેટ બગડી જાય અને ખર્ચ પૂરો કરવામાં મુશ્કેલી પડે. 
વિનિમય દર અથવા ફી કે બીજા કોઈ ખર્ચમાં થતા વધારાને તમે ફુગાવો ગણી શકો. કોઈ પણ રોકાણને ફુગાવા સામે રક્ષણ આપવા માટે એવી ઍસેટમાં રોકાણ કરવું જોઈએ, જેમાં ફુગાવાના દર કરતાં વધુ વળતર આપવાની ક્ષમતા હોય.
અત્યાર સુધીનો અનુભવ કહે છે કે ઇક્વિટીમાં એ ક્ષમતા છે. જોકે આ લેખના વિષય પરથી સ્પષ્ટ થાય છે કે આપણને વિનિમય દરમાં થતા ફેરફારનું જ ફુગાવાનું જોખમ વધારે નડે છે. આવી સ્થિતિમાં આપણે વિદેશી ઇક્વિટી ફન્ડમાં રોકાણ કરવું સલાહભર્યું કહી શકાય. 
હવે ધારો કે કોઈ માતા-પિતા સંતાનને દસ વર્ષ પછી વિદેશમાં ભણાવવા ઇચ્છે છે તેમણે આંતરરાષ્ટ્રીય ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવા વિશે વિચાર કરવો જોઈએ. ભારતીય રૂપિયાના મૂલ્યમાં જો કોઈ ઘટાડો આવે તો આ પ્રકારનું રોકાણ તેની સામે રક્ષણ આપી શકે છે. 
ઉપરોક્ત વાત પરથી કોઈને એમ લાગી શકે છે કે હું ભારતીય રૂપિયાનું મૂલ્ય વિશ્વનાં અન્ય ચલણોની સામે ઘટવાની ધારણા રાખું છું. વાસ્તવમાં એવું નથી. રૂપિયાનું મૂલ્ય વધશે કે ઘટશે એની કોઈને ખબર નથી. ખરું પૂછો તો આવી અનિશ્ચિતતા હોવાને લીધે જ રક્ષણ જરૂરી છે. 
આજની તારીખે ભારતીય બજારમાં મ્યુચ્યુઅલ ફન્ડની એવી ઘણીબધી સ્કીમ છે જે વૈશ્વિક બજારના વિવિધ ભાગોમાં ઇક્વિટીમાં રોકાણ કરે છે. આપણે ઉપર જે લાભની વાત કરી એ ઉપરાંત આ સ્કીમ ભારતીય રોકાણકારોને વૈવિધ્યીકરણ (ડાઇવર્સિફિકેશન)નો લાભ પણ આપે છે. વિદેશમાં પૈસા ખર્ચવાની જરૂર ન પડવાની હોય એવી વ્યક્તિઓ પણ વૈવિધ્યીકરણની દૃષ્ટિએ આ ફન્ડમાં રોકાણ કરી શકે છે. 
અત્યાર સુધીનો અનુભવ કહે છે કે મોટા ભાગના ભારતીયોનું મોટા ભાગનું રોકાણ ભારતની અંદર જ કરાયેલું હોય છે. તેમાં સ્ટૉક્સ, મ્યુચ્યુઅલ ફન્ડ, ડિબેન્ચર્સ, ફિક્સ્ડ ડિપોઝિટ, પોસ્ટ ઑફિસની બચત યોજનાઓ, પીપીએફ, રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. 
ભારતનો હજી ઘણો વિકાસ થશે એવી આશા સૌને છે, પરંતુ આ સફર સહેલી હશે કે વચ્ચે અવરોધો આવશે એના વિશે કોઈને ખબર નથી. 
ભારતીયો માટે વિદેશમાં રોકાણ કરવાના કયા વિકલ્પો આજની તારીખે ઉપલબ્ધ છે? 
૧. દરેક કરદાતા દર વર્ષે અમુક નિશ્ચિત રકમનું રોકાણ રિઝર્વ બૅન્કની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ કરી શકે છે. જોકે આ પ્રક્રિયા જટિલ છે અને જેમની પાસે ભરપૂર નાણાં હોય એમને જ એ માફક આવે છે. 
૨. ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડ્સને વિદેશી સિક્યૉરિટીઝમાં રોકાણ કરનારી સ્કીમ લૉન્ચ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકા, યુરોપ, બ્રાઝિલ, ચીન (ચીનમાં પ્રત્યક્ષપણે અથવા હૉન્ગકૉન્ગ મારફતે), નવાં ઊભરતાં અર્થતંત્રો, એશિયન ઇક્વિટી માર્કેટ વગેરે માર્કેટમાં રોકાણ કરી શકાય એવાં આંતરરાષ્ટ્રીય ઇક્વિટી ફન્ડસ ભારતમાં ઉપલબ્ધ છે. 
વિદેશમાં પ્રત્યક્ષપણે સિક્યૉરિટીઝ ખરીદનારા અને વિદેશી સિક્યૉરિટીઝમાં રોકાણ કરતાં મ્યુચ્યુઅલ ફન્ડસમાં રોકાણ કરનારાં એમ બે પ્રકારનાં ફન્ડસ ભારતમાં ઉપલબ્ધ છે. કરવેરાની દૃષ્ટિએ આ બધાં ફન્ડસને નોન ઇક્વિટી ફન્ડ્સ ગણવામાં આવ્યાં છે અને તેથી જો ડિવિડંડનો વિકલ્પ લેવામાં આવ્યો હોય તો તેમને ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ લાગુ પડે છે અને રિડમ્પશન વખતે કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે છે. એમ તો આવાં ફન્ડસ દોઢેક દાયકાથી ચાલી રહ્યાં છે, પરંતુ હવે એને નવો વિકલ્પ ગણીને સાવચેતીપૂર્વક રોકાણ કરવું જોઈએ. સાથે સાથે એ પણ નોંધવું ઘટે કે તેના તરફ સાવ દુર્લક્ષ કરવા જેવું પણ નથી. 

સવાલ તમારા…



હાલ વ્યાજના દર ઘણા નીચા છે તો શું મારે ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાંથી નાણાં કઢાવીને બૅલેન્સ્ડ ઍડવાન્ટેજ ફન્ડમાં રોકાણ કરવું? 
આવકના વિતરણ પરના કરવેરાની અથવા શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સની દૃષ્ટિએ જોઈએ તો બૅલેન્સ્ડ ઍડવાન્ટેજ ફન્ડ્સમાં ડેટ ફન્ડસની તુલનાએ ઓછો કરવેરો લાગુ પડે છે. જોકે અહીં ખાસ જણાવવાનું કે માત્ર કરવેરો બચાવવાની દૃષ્ટિએ કોઈ રોકાણ કરાય નહીં. તમે પોતે કેટલું જોખમ ખેડી શકો છો એના આધારે રોકાણના નિર્ણયો લેવાના હોય છે. બૅલેન્સ્ડ ઍડવાન્ટેજ ફન્ડસ ડેટ ફન્ડ્સ કરતાં વધુ જોખમ ધરાવતાં હોય છે. 
બીજું ખાસ કહેવાનું દરેક મ્યુચ્યુઅલ ફન્ડ બૅલેન્સ્ડ ઍડવાન્ટેજ ફન્ડનું સંચાલન પોતપોતાની રીતે કરતી હોય છે. તેનો અર્થ એવો થયો કે દરેક કંપનીની દરેક સ્કીમ અલગ અલગ હોય છે અને તેને લીધે સ્કીમને બરોબર સમજી લીધા બાદ જ રોકાણ કરવું. 


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2021 01:09 PM IST | Mumbai | Amit Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK