Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજાર પર હાલ તો IPO છવાયેલા રહેશે

શૅરબજાર પર હાલ તો IPO છવાયેલા રહેશે

Published : 17 August, 2026 11:50 AM | IST | Mumbai
Jayesh Chitalia

બજારમાં મોટી વધ-ઘટના સંકેત દેખાતા નથી, ગ્લોબલ પરિબળો અને કૉર્પોરેટ પરિણામો પર નજર રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે ગયા વખતે કરેલી ચર્ચા મુજબ ભારતીય સ્ટૉક માર્કેટનો ટ્રેન્ડ પૉઝિટિવ છે, પણ સિલેક્ટિવ રહીને ધીમે-ધીમે આગળ વધવામાં સાર છે, ખાસ કરીને નાના રીટેલ રોકાણકારોએ. બાકી લૉન્ગ ટર્મ રોકાણકારો માટે નવેસરથી તક ઊભી થઈ હોવાનું કહી શકાય, કેમ કે વૅલ્યુએશન એવા સ્તરે આવ્યાં છે જ્યાં લૉન્ગ ટર્મ માટે સ્કોપ ગણાય

બાય ધ વે, આ સંજોગોમાં મજાની વાત એ છે કે આ બે મહિનામાં આશરે ૩૪થી ૩૫ પબ્લિક ઇશ્યુઝ આવવાની ધારણા છે. નોંધનીય એ છે કે આ કંપનીઓને મળેલા સેબીના કિલયરન્સની મુદત અન્યથા પૂરી થશે અને કંપનીઓએ નવેસરથી સેબીમાં ફાઇલિંગ કરવું પડશે. આ ૩૪ કંપનીઓએ ૩૫ દિવસમાં ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) લાવવાના છે જેનો અર્થ એ થાય કે રોજનો એક IPO. આ કંપનીઓ કુલ મળીને બજારમાંથી ૪૫ હજાર કરોડ રૂપિયા ઊભા કરવાનું લક્ષ્ય રાખે છે. આમાંની ઘણી કંપનીઓ વેસ્ટ-એશિયા ક્રાઇસિસને કારણે ઈશ્યુ લાવવાનું ટાળી રહી હતી, બજારમાં વૉલેટિલિટીને લીધે પણ કંપનીઓને પોતાના ઇશ્યુને કેવો પ્રતિસાદ મળશે એ વિશે શંકા હોવાનું કહેવાતું હતું. પરિણામે સેબીએ ચોક્કસ કારણોસર કંપનીઓને સમયની રાહત પણ આપી હતી, જે હવે આ સપ્ટેમ્બરમાં પૂરી થાય છે જેથી આ કંપનીઓના IPO માર્કેટની કતારમાં છે. રોકાણકારો માટે આ એક તક હશે. જોકે પ્રાઇમરી માર્કેટ આમ ધમધમતી હશે તો અેની અસર સેકન્ડરી માર્કેટ પર પડશે. બાકી તહેવારોની મોસમ શરૂ થવાનો સમય આવતાં વપરાશ, માગ અને ખર્ચ પણ વધશે. ઇશ્યુઅર કંપનીઓ માટે આ સમય આ એક તક પણ છે અને પડકાર પણ.



આમાંથી જે મોટા કદના IPO છે અેમાં ક્રેડિલા ફિનસર્વ (૫૦૦૦ કરોડ રૂપિયા), ડોર્ફ કેટલ ઇન્ડિયા (૫૦૦૦ કરોડ), કોન્ટિનમ ગ્રીન (૩૬૫૦ કરોડ), હીરો ફિનકૉર્પ (૩૬૦૦ કરોડ) અને વેરિટાસ ફાઇનૅન્સ (૨૮૦૦ કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે.


IPO લિસ્ટિંગ : આટલું યાદ રાખો

જોકે IPOની બાબતે રોકાણકારો મોટે ભાગે ભૂલી જાય છે અને કોઈ પણ IPOમાં રોકાણ કરવા દોડે છે. તેમની માટે યાદ કરાવવા જેવી વાત એ છે કે આ કતારમાં આવતાં દરેક નવાં
સાહસો-ન્યુએજ કંપનીઓ પોતાના નામથી કેટલાં પણ પોપ્યુલર હોય તેમના નામે અંજાઈ જવું નહીં, કારણ કે કોના-કોના લાંબે ગાળે ભાવ ઢીલા પડી જાય એ સમજવું કઠિન હોય છે, અેમ અભ્યાસ કહે છે. ૨૦૨૪માં આવેલા આવા કેટલાક IPOના ભાવો નબળા પડી ગયા હતા, જે લિસ્ટિંગ વખતે પ્રીમિયમમાં લિસ્ટ થયા હતા. રોકાણકારો લિસ્ટિંગ ગેઇન માટે દોડ્યા હોય તો વાત જુદી છે, પરંતુ જો લિસ્ટિંગના ભાવ જોઈ રોકાણ માટે દોડ્યા હોય તો સમજવું જરૂરી છે. ૨૦૨૪માં મૂડીબજારમાં આવેલી ૧૭ ન્યુએજ કંપનીઓમાંથી સાત કંપનીઓ પ્રીમિયમ ભાવે લિસ્ટ થઈ હતી જેના ભાવ હાલ ઇશ્યુ પ્રાઇસ કરતાં પણ નીચા બોલાઈ રહ્યા છે. યાદ રહે, લિસ્ટિંગના ભાવ એ યુફોરિયા હોય છે અને જુગાર કે જુગાડ પણ હોય છે. રોકાણકારો શૉર્ટ ટર્મ રિસ્ક લેતા હોય છે. આ આખી ગેમ જ લિસ્ટિંગ ગેઈન માટેની હોય છે જેમાં શરૂના ભાવ જોઈ અંજાઈ જનારા લાંબે ગાળે એ ભાવ ન પામે એવું બનવાની શકયતા ઊંચી હોય છે જેથી યાદ એ રાખવાનું છે કે લિસ્ટિંગના ભાવ કરતા કંપનીનાં ફન્ડામેન્ટલ્સ પર ધ્યાન આપવું, તેનો અભ્યાસ કરી રોકાણ કરવામાં જ શાણપણ છે.


મ્યુચ્યુઅલ ફન્ડ્સનો માર્કેટ ટ્રેન્ડ

દરમ્યાન વર્તમાન સંજોગોમાં આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે ભારતીય ઇક્વિટીઝ માર્કેટ માટે તેજીનો આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું છે કે સતત નવા લિસ્ટિંગ, રૂપિયામાં અપેક્ષિત રિકવરી અને કંપનીઓના અર્નિંગ્સ ગ્રોથમાં સુધારાને પરિણામે આગામી વરસે માર્કેટ નવી ઊંચાઈ તરફ આગળ વધશે એવા સંજોગો છે. જોકે ફન્ડે સિલેક્ટિવ રહેવાનું સૂચવ્યું છે. તેજીની રૅલી ધીમી અને સાવેચતીવાળી હશે. આ સાથે દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (GDP) ગ્રોથ (આર્થિક વિકાસદર)ને પણ જોવો પડશે. સરકાર તરફથી મૂડીખર્ચમાં થનારી વૃદ્ધિ પણ ધ્યાનમાં લેવી જોઈશે. મ્યુચ્યુઅલ ફન્ડ મોરચે એક નોંધનીય બાબત એ છે કે જુલાઈમાં રીટેલ રોકાણકારોનું ઇક્વિટીઝમાં (અર્થાત ઇક્વિટી ફન્ડ્સમાં) રોકાણ જૂનની તુલનાએ ઘટ્યું છે. જોકે SIPનો પ્રવાહ સતત વધતો જણાયો છે. આ સાથે એ પણ નોંધવું રહ્યું કે રોકાણકારો સ્મૉલ અને મિડકૅપ્સ વધુ પસંદ કરી રહ્યા છે, જ્યારે કે એક વર્ગ ડેટ ફન્ડ્સ પણ વધુ પસંદ કરે છે. બજારની અનિશ્ચિતતા ઇક્વિટી પ્રત્યે સાવેચતી રાખવાનો સંકેત આપે છે.

ફૉરેક્સ રિઝર્વ બહેતર બન્યું

દરમ્યાન એક મહત્ત્વના અહેવાલ એ છે કે રિઝર્વ બૅન્ક પાસે ફૉરેક્સ રિઝર્વમાં નોંધપાત્ર વૃધ્ધિ થઈ છે. તાજેતરના એક જ સપ્તાહમાં આ રિઝર્વ ૧૪ અબજ ડૉલર જેટલું વધીને ૭૦૭ અબજ ડૉલર પર પહોંચી ગયું છે જે મજબૂત સંકેત ગણાય. આ સાથે ગોલ્ડ રિઝર્વ પણ ૪ અબજ ડૉલર જેટલું વધ્યું છે. વેસ્ટ એશિયા ક્રાઇસિસને પરિણામે રૂપિયો ગબડતો રહેતાં અને ક્રૂડને કારણે ફૉરેક્સ રિઝર્વને ભારે અસર પહોંચી હતી જે હવે રિકવર થવા લાગી છે. જોકે આજે પણ ક્રૂડ એ ભારતની સૌથી મોટી ચિંતાનો વિષય રહે છે. ફૉરેક્સની સમસ્યાને હળવી કરવા રિઝર્વ બૅન્કે તાજેતરમાં NRI વર્ગ માટે ફૉરેન કરન્સી ડિપોઝિટ ઑફર કરી હતી જેના આકર્ષણમાં અત્યાર સુધી રિઝર્વ બૅન્ક પાસે ૪૦ અબજ ડૉલરનું ભંડોળ જમા થયું છે. હવે રિઝર્વ બૅન્ક આ ઑફર બંધ કરશે એવા સંકેત છે જે અેનો વ્યાજનો બોજ વધે નહીં એ માટે જરૂરી છે. જોકે ભારતની ટ્રેડ ડેફિસિટ જુલાઈમાં વધી છે.

માર્કેટ પર છવાયેલા IPO

ગયા સપ્તાહમાં માર્કેટ કરેક્શન મોડમાં રહ્યું. જોકે કરેક્શન હેવી નહોતું જેથી માની શકાય કે માર્કેટના તૂટવાના ચાન્સ ઓછા થતા જાય છે. હાલ નાણાપ્રવાહ IPO તરફ વળતો હોવાનું બની શકે છે. બીજી બાજુ આશરે ૭.૬ અબજ ડૉલરના શૅર્સ માર્કેટમાં આવશે જેમનો લૉક-ઇન-પિરિયડ આ બે મહિનાની અંદર પૂરો થતો હોવાથી આ શૅર્સ બજારમાં ઉપલબ્ધ થઈ શકશે. જોકે અેનો અર્થ એ નથી કે આ શૅર્સ વેચાણ માટે જ આવશે. બજારની ચાલ હાલક-ડોલક રહેવાનાં એંધાણ વધુ છે.
અમેરિકા-ઈરાન યુદ્ધમાં હવે સ્ટ્રેટ હોર્મુઝનો વિવાદ બન્ને દેશો વચ્ચે ઊભો છે, બન્ને પોતાના જુદા-જુદા દાવા કરે છે. આમાં ક્રૂડે સહન કરવાનું આવે અેવી આશા રાખીએ. દેશમાં મોંઘવારીનો દર વધ્યો છે, ડર કેટલો વધે છે એ હજી અધ્ધર છે. આ સપ્તાહમાં મોટે ભાગે IPO પર નજર રહેશે.

 

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 11:50 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK