લૉન્ગ ટર્મ અને સિલેક્ટિવ અભિગમ સાથે રોકાણનો ઉત્તમ સમય આને જ તો કહેવાય
પ્રતીકાત્મક તસવીર
વિદેશી-ગ્લોબલ ફન્ડ્સ ભારતીય માર્કેટમાં રોકાણ માટે સક્રિય થઈ રહ્યાં છે, એમનો વિશ્વાસ ભારતીય ઇકૉનૉમીમાં વધી રહે એવા સંજોગો આકાર લઈ રહ્યા છે ત્યારે ભારતીય રોકાણકારોએ ઇન્વેસ્ટમેન્ટ માટે રાહ જોવાની ન હોય. તમે શું માનો છો? જરા ચર્ચા-વિચારણા કરીએ
શૅરબજારમાં રોજેરોજની વધઘટ આમ તો અગાઉ કરતાં સ્થિર થઈ છે અથવા વૉલેટિલિટી ઘટી રહી હોવાનું કહી શકાય છે. તેમ છતાં, ગ્લોબલ સિનેરિયો યા અનિશ્ચિતતા વિશે વિચારીને જેઓ ગભરાતા હોય અને રોકાણ કરવાનું ટાળતા હોય તો તેમણે કમસે કમ ભારતીય ઇકૉનૉમીની ગતિવિધિ પર વિશ્વાસ રાખવો જોઈએ જેની હકીકત છેલ્લા એકાદ વરસના કપરા સમયમાં પણ વધુ એક વાર વૃદ્ધિના પૉઝિટિવ આંકડાઓ સાથે જાહેર થઈ છે. યસ, લૉન્ગ ટર્મ રોકાણ માટે આ વિધાન કે નિષ્કર્ષ છે. યાદ રહે, આ સાથે સિલેક્ટિવ બનવું પણ જરૂરી રહેશે.
એક વાર ક્રાઇસિસ જેવો ભારે શબ્દ ન વાપરીએ, પણ ગંભીર માહોલ કહીએ તો પણ જે ગ્લોબલ અનિશ્ચિતતા અને તનાવ વચ્ચે ભારતીય અર્થતંત્રએ નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭ના પ્રથમ ક્વૉર્ટરમાં ૭.૮ ટકાનો વૃદ્ધિ દર હાંસલ કર્યો છે અને એકાદ અપવાદને બાદ કરતાં દરેક સેક્ટરે જે વિકાસ નોંધાવ્યો છે અે જોતાં ભારતીય શૅરબજારના રોકાણકારોનો લાંબા ગાળાનો વિશ્વાસ દઢ થવો જોઈએ એવું ચોક્કસ કહી શકાય અને જો એમ છે તો બજારમાં રોકાણ કરવાનો આ ઉત્તમ સમય છે એમ પણ માની શકાય. ભારતીય ઇકૉનૉમીમાં વિશ્વના ઇન્વેસ્ટર્સે પણ વિશ્વાસ રાખ્યો હોવાના પુરાવા પણ હકીકત બનીને ફરી નજર સામે આવ્યા છે. રિઝર્વ બૅન્કના ફૉરેન કરન્સી NRI ડિપૉઝિટમાં પણ મોટો પ્રવાહ જમા થયો છે જેણે રિઝર્વ બૅન્કની ફૉરેક્સ તિજોરીમાં નાણાં જમા કરાવતી વખતે ભારતના અર્થતંત્રમાં કૉન્ફિડન્સ દર્શાવ્યો છે.
ADVERTISEMENT
FPIનો પ્રવાહ
ચાલો વધુ એક પૉઝિટિવ હકીકત પર નજર કરીએ જેમાં ફૉરેન ઇન્વેસ્ટર્સ ભારતીય માર્કેટમાં રોકાણ માટે પાછા સક્રિય થઈ રહ્યા છે. એટલું જ નહીં, નવા પણ નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે જ મહિનામાં ૫૦ જેટલા નવા ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) સેબીમાં રજિસ્ટર્ડ થયા છે, જ્યારે કે ૨૦૨૬ના પ્રથમ હાફમાં કુલ બાવન ફન્ડ્સ (FPI) નોંધાયા હતા. આમ કુલ ફૉરેન ફન્ડ્સની સંખ્યા સેબીના રેકૉર્ડમાં ૧૨,૦૦૦ ઉપર પહોંચી ગઈ છે. એટલું જ નહીં, ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો (FPI) અને FII વર્ગ સતત લાંબો સમય નેટ સેલર્સ રહ્યા બાદ હવે તેમનું નેટ બાઇંગ થવા લાગ્યું છે અથવા સેલ્સ ઘટવા લાગ્યું છે. ઑફશૉર ફન્ડ્સે ૬૫,૦૦૦ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી છે એ પણ નોંધવું રહ્યું.
FPIની બાબતે એક વધુ વાત પણ નોંધવી રહી, તેઓ સેકન્ડરી માર્કેટમાં નેટ સેલ્સ કરી રહ્યા હતા ત્યારે તેમણે ભારતીય કંપનીઓના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)માં રોકાણ કરવાનું રાખ્યું હતું. આશરે ૪.૯ અબજ ડૉલર (૪૫,૮૦૦ કરોડ રૂપિયા)નું રોકાણ તેમણે IPOમાં કર્યું. જોકે તેમનું આ વધુ રોકાણ જુલાઈ-ઑગસ્ટમાં આવ્યું છે પણ સેકન્ડરી માર્કેટમાં તેમનું રોકાણ મોટેપાયે માઇનસ અર્થાત નેટ સેલ્સનું રહ્યું હતું.
IPOની તકો
હવે આ મહિનાની કેટલીક મહત્ત્વની ઘટના પર ધ્યાન કરીએ તો આ મહિનામાં સંખ્યાબંધ IPO માર્કેટમાં આવશે જેમનું લક્ષ્ય અંદાજિત ૨૫,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનું રહેશે. આ IPOની સાઇઝ ૧૦૦૦ કરોડથી ૫૦૦૦ કરોડ રૂપિયા સુધીની છે. આ કંપનીઓમાં મીડ સાઇઝ્ડ અને લાર્જ સાઇઝ્ડ કંપનીઓ છે. આ IPOનો આ પ્રવાહ પણ સેન્ટિમેન્ટના સુધારાનું પ્રતિબિંબ છે. બાય ધ વે, આગામી ટૂંક સમયમાં સપ્ટેમ્બર અથવા ઑક્ટોબરમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ અને જિયો પ્લૅટફૉર્મના જાયન્ટ IPOની અલગથી રાહ જોવાઈ રહી છે. આ વર્ષે પ્રથમ છ મહિના માર્કેટ માટે અમેરિકા-ઈરાન અને ઓવરઑલ ગ્લોબલ માહોલમાં IPO લાવવા માગતી કંપનીઓને રિસ્પૉન્સ વિશે ચિંતા હતી જે હવે બદલાયેલા સંજોગો અને સેન્ટિમેન્ટમાં આશા વધી રહી છે. જોકે રોકાણકારોએ IPO બાબતે સાવચેત અને સિલેક્ટિવ રહેવામાં વધુ સાર રહેશે. એ જ રીતે સેકન્ડરી માર્કેટમાં પણ ખરીદી વખતે ફન્ડામેન્ટલ્સ પર જ વધુ ભાર મૂકવામાં શાણપણ રહેશે. લાંબા ગાળાનું રોકાણ એ ખરું, પરંતુ અમુક સ્ટૉક્સ યા કંપનીઓ લાંબા ગાળા માટે પણ હિતાવહ હોતી નથી, અમુકના કેસોમાં પ્રાઇસ ફેક્ટર કે વૅલ્યુએશન જોવું મહત્ત્વનું બને છે, કારણ કે દર વખતે તેજી યા આશાના માહોલમાં ઘોડા ભેગા ગધેડા ઘૂસી જતા જ હોય છે.
આ હકીકત પણ સમજી લો
ઇકૉનૉમીનો સુધારો સારી વાત ખરી, ડિમાન્ડ વધી રહી છે એ પણ સારી બાબત ગણાય, પરંતુ આ સાથે વધતી મોંઘવારીની કે સંભવિત વ્યાજદરના વધારાની ચિંતા પણ કરવી પડે. ક્રૂડ અને કરન્સી પણ હજી ચિંતામાંથી સાવ મુક્ત થઈ ગયા નથી. સરકાર અને રિઝર્વ બૅન્કના સંકેત કહે છે કે વધુ રિફૉર્મ્સ આવશે. મ્યુચ્યુઅલ ફન્ડ્સ પાસે આવતો રોકાણપ્રવાહ અને ફન્ડ્સ તરફથી માર્કેટમાં આવતો રોકાણપ્રવાહ બહુ મોટો સપોર્ટ છે. છેલ્લાં ૪ સપ્તાહમાં રૂપિયો ડૉલર સામે સુધર્યો છે. મિડકૅપ અને સ્મૉલકૅપ સ્ટૉક્સમાં પણ સુધારો જોવાયો છે.
માર્કેટના કરેક્શનનું શું?
બધું વાચ્યા પછી પણ લોકોને એક સવાલ થયા વિના રહી શકે નહીં. એ જ કે ઇકૉનૉમી મજબૂત છે અને ઊંચા વિકાસદર છતાં શૅરબજાર કેમ ઘટ્યાં કરે છે? જવાબ છે, અમેરિકા બૉન્ડ્સની ઊચા વ્યાજની ઑફર, જ્યાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ખેંચાય છે. બીજું, અમેરિકા-ઈરાન તકરાર હજી ચાલુ છે અને સેન્ટિમેન્ટ બગાડે છે જેને કારણે ક્રૂડને અસર થાય છે. જોકે આ શૉર્ટ ટર્મ કારણો ગણાય. શુક્રવારે બજારે રિકવરી દર્શાવીને બજારના સંકેત આપી દીધા હતા. દરમ્યાન ૭.૮ ટકા ગ્રોથરેટ સામે પણ શંકા અને સવાલ ઊભા થયા છે જે અલગ ચર્ચાનો વિષય છે. ગ્રોથ કેટલા ટકા થયો એ કરતાં કપરા સંજોગોમાં ગ્રોથ થઈ રહ્યો છે એ પણ નોંધવું મહત્ત્વનું છે. સ્ટૉક માર્કેટનો સવાલ છે ત્યાં સુધી અેને તો લાંબા ગાળાની દૃષ્ટિએ જોવું-મુલવવું જોઈએ. અેથી જ ચોક્કસ સંજોગોમાં કરેક્શન એ ખરીદીની તક ગણાય છે.
આ મહિને IPO અને લિસ્ટિંગ
આ લખાય છે ત્યારે NSEના IPOને સેબીની ફાઇનલ મંજૂરી મળી ગઈ છે. અેની ઑફર પ્રાઇસ ૧૮૦૦-૨૦૦૦ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે કે અેનું લિસ્ટિંગ આ જ મહિનામાં થઈ જશે.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
NSEના IPOની તારીખ, ઑફર પ્રાઇસ અને લિસ્ટિંગ વિશે આ સપ્તાહમાં ચિત્ર સ્પષ્ટ થઈ જવાની ધારણા છે.
કેન્દ્ર સરકાર ભારતને સેમિ-કન્ડકટર હબ તરીકે ઊભું કરવા બીજો કમર્શિયલ ચિપ ફૅબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા ગ્લોબલ ટેક્નૉલૉજી કંપનીઓને આમંત્રણ આપી રહી છે. જેમની મારફત અહીં સરકાર આગામી પાંચ વર્ષમાં બે અબજ ડૉલરનું રોકાણ આવવાની આશા રાખે છે.
ભારતનું સોવરિન રેટિંગ BBB પરથી A- કરાયું છે જે ૩૫ વર્ષમાં પ્રથમ વાર બન્યું છે. આ યશ ભારતના આર્થિક વિકાસ, રિફૉર્મ્સ અને ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટીને જાય છે.
ભારત-રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર રૂપિયા અને રૂબલમાં થવાનું પ્રમાણ વધ્યું છે. તેમના ૯૬ ટકા વ્યવહાર-પતાવટ પોતપોતાની કરન્સીમાં થઈ છે.
કર્ણાટકે ટૉયોટા, મહિન્દ્ર સહિતની કંપનીઓની આશરે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની રોકાણ દરખાસ્ત મંજૂર કરી છે જે ત્યાં ૬૦,૦૦૦થી વધુ નોકરીઓનું સર્જન કરશે.
