Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ નિફ્ટીમાં સાધારણ નરમાઈ વચ્ચે રોકાણકારોના ૭.૧૫ લાખ કરોડ સાફ

સેન્સેક્સ નિફ્ટીમાં સાધારણ નરમાઈ વચ્ચે રોકાણકારોના ૭.૧૫ લાખ કરોડ સાફ

Published : 22 October, 2026 07:40 AM | IST | Mumbai
Anil Patel

રિલાયન્સ સામાન્ય સુધારામાં, મુકેશ અંબાણીના તમામ શૅર રેડ ઝોનમાં

જિયો પ્લૅટફૉર્મ્સ લિમિટેડનો IPO આવ્યો છે ત્યારે સાયનમાં એક બિલ્ડિંગ પર અંબાણી પરિવારની ત્રણ પેઢી દર્શાવતું એક ભીંતચિત્ર બનાવવામાં આવ્યું છે.

જિયો પ્લૅટફૉર્મ્સ લિમિટેડનો IPO આવ્યો છે ત્યારે સાયનમાં એક બિલ્ડિંગ પર અંબાણી પરિવારની ત્રણ પેઢી દર્શાવતું એક ભીંતચિત્ર બનાવવામાં આવ્યું છે.


બ્રૉડર માર્કેટ, સ્મૉલકૅપ, મિડકૅપમાં ઑલરાઉન્ડ ખરાબીના પગલે માર્કેટ બ્રેડ્થમાં ભારે બગાડ : ઢીલા રિઝલ્ટમાં જસ્ટડાયલ પ્રારંભિક નરમાઈ બાદ ત્યાંથી ૧૦૧ રૂપિયા ઊછળી મજબૂતમાં બંધ : માર્જિન અને નફામાં નબળાઈ પાછળ વારિ રીન્યુએબલ ૩૩ માસના તળિયે જઈ ૧૦ ટકા ડૂલ થઈ : રિલાયન્સ સામાન્ય સુધારામાં, મુકેશ અંબાણીના તમામ શૅર રેડ ઝોનમાં : સારા પરિણામ છતાં બજાજ ફાઇનૅન્સ બગડી, હિન્દુસ્તાન ઝિન્ક ઘટી : જ્વેલરી શૅરોમાં પ્રૉફિટ બુકિંગ કામે લાગ્યું

બ્રેન્ટ ક્રૂડ ૧૧૧ ડૉલર નજીક જઈ હાલ ૧૧૦ ડૉલરની ઉપર આવી ગયું છે, પરંતુ એશિયન બજાર બહુધા બુધવારે સારાં રહ્યાં છે. સાઉથ કોરિયા સવાત્રણ ટકા, તાઇવાન સવા ટકો, જપાન અને ઇન્ડોનેશિયા એક-એક ટકો, સિંગાપોર અડધો ટકો પ્લસ હતું. હૉન્ગકૉન્ગ એક ટકા નજીક તથા ચાઇના અડધો ટકો ઘટ્યું છે. યુરોપ રનિંગમાં અડધા ટકા આસપાસ ઉપર દેખાયું છે. લંડન ફુત્સી ફ્લૅટ હતો. રિઝર્વ બૅન્કના નવા, ત્રીજા બૂસ્ટર ડૉઝની અસરમાં ડૉલર સામે રૂપિયો સળંગ આઠમા દિવસની આગેકૂચમાં વધીને ૯૪.૪૬ જોવાયો છે. ધ ગ્લૂમ, બૂમ ઍન્ડ ડૂમ રિપોર્ટથી જાણીતા બનેલા માર્ક ફેબરે ભારતીય શૅરબજારમાં બુલરન પૂરો થઈ ગયો હોવાનો અભિપ્રાય જારી કર્યો છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં FIIની રોકડી કે નેટ સેલિંગનો આંકડો લગભગ પોણાચાર લાખ કરોડે પહોંચવામાં છે. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૪૮૫ પૉઇન્ટ પ્લસ, ૭૪,૩૩૮ નજીક ખૂલીને છેવટે ૧૪૩ પૉઇન્ટ ઘટી ૭૩,૭૦૯ તથા નિફ્ટી ૭૭ પૉઇન્ટ ઘટી ૨૨,૮૧૧ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક ઉપરમાં ૭૪,૬૮૨ વટાવી ગયો હતો. આગલા બંધ ૮૨૯ પૉઇન્ટની આ પ્રારંભિક મજબૂતી જોકે છેતરામણી પૂરવાર થઈ હતી. બજાર ઘસાતું રહી ત્યાંથી ૧૪૫૩ પૉઇન્ટ ખરડાઈ નીચામાં ૭૩,૨૨૯ થયું હતું. કસીનો-સેશનના આરંભ પૂર્વે સેન્સેક્સ ૭૩,૫૧૪ તથા નિફ્ટી ૨૨,૭૩૮ હતો. સેન્સેક્સ ખાતે માંડ ૦.૨ ટકા અને નિફ્ટીમાં ૦.૩૪ ટકાની આ મામૂલી નરમાઈ સામે બજારનો આંતરપ્રવાહ ઘણો ખરાબ હતો. કંગાળ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૬૦૮ શૅર સામે લગભગ પાંચ ગણા કે ૨૯૮૮ શૅર ગઈ કાલે ઘટ્યા છે. માર્કેટકૅપ પ્રોવિઝનલ ફીગર ૭.૧૫ લાખ કરોડ ધોવાઈ ૪૬૧.૭૮ લાખ કરોડ અંદર આવી ગયું છે. તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં બંધ થયા છે, એક માત્ર IT ઇન્ડેક્સ અઢી ટકા જેવો સુધર્યો છે. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૨૧૧૧ પૉઇન્ટ કે ૩ ટકા નજીક, પાવર ઇન્ડેક્સ સવાબે ટકા, ઑટો દોઢ ટકા, યુટિલિટીઝ પોણાબે ટકા, બ.ન્ક નિફ્ટી એકાદ ટકો, નિફ્ટી મેટલ પોણાબે ટકા, નિફ્ટી કેમિકલ્સ અઢી ટકા, નિફ્ટી ડિફેન્સ અઢી ટકા કપાયો છે. મૅક્સ હેલ્થકૅર, SBI લાઇફ, NTPC, તાતા મોટર્સ પૅસેન્જર જેવા મેઇન ઇન્ડેક્સ બેઝ્ડ શૅરોમાં નવા નીચા ભાવ નોંધાયા છે.



સેન્સેક્સમાં HCL ટેક્નૉલૉઝિસ ૩.૪ ટકા તો નિફ્ટીમાં ઇન્ફોસિસ ૩.૩ ટકા વધી બેસ્ટ ગેઇનર્સ બન્યા છે. અન્યમાં TCS ૨.૭ ટકા, ટેક મહિન્દ્ર ૩.૨ ટકા, અલ્ટ્રાટેક પોણાબે ટકા, ભારતી ઍરટેલ એક ટકો પ્લસ થઈ છે. બજાજ ફાઇનૅન્સ સવાત્રણ ટકાથી વધુની ખરાબીમાં બન્ને બજારમાં ટૉપ લુઝર સવાત્રણ ટકાથી વધુની ખરાબીમાં બન્ને બજારમાં ટૉપ લુઝર હતી. અન્યમાં એટર્નલ પોણાત્રણ ટકા, ટ્રેન્ટ ૨.૩ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૧ ટકા, NTPC બે ટકા, મારુતિ સુઝુકી બે ટકા નજીક, ઇન્ડિગો અને કોટક બૅન્ક ૧.૪ ટકા, આઇશ મોટર્સ અઢી ટકા, ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૧.૬ ટકા, બજાજ ઑટો બે ટકા ડૂલ થઈ છે. ICICI બૅન્ક નહીંવત સુધારામાં તો HDFC બૅન્ક પોણો ટકો ઘટી છે. સ્ટેટ બૅન્ક ૦.૯ ટકા નરમ હતી.


ઇન્ડિયા સિમેન્ટ્સની આવક સાડાનવ ટકા વધીને ૧૭૨૦ કરોડ થઈ છે પણ નફો ૨૪ કરોડ સામે ૮૨ કરોડ આવતાં શૅર ૧૧ ગણા કામકાજે બારેક ટકા ઊછળી ૩૨૯ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ઝળક્યો છે. હિમાદ્રી સ્પેશ્યલિટી કેમિકલ્સ રિઝલ્ટની ખરાબી આગળ વધારતાં ૧૧ ટકા ગગડી ૫૩૯ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર બની છે. TBZ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૭૨૯ થઈ છે. SMR જ્વેલ્સ ૧૦ ટકા, પ્રાયોરિટી જ્વેલ્સ સાડાનવ ટકા, મનોજ વૈભવ જેમ્સ ૯ ટકા, દીપ જ્વેલર્સ ૭.૫ ટકા, સિમંધર ઇમ્પેક્સ પાંચ ટકા, રાધિકા જ્વેલ્સ પાંચ ટકા, રાજેશ એક્સપોર્ટ્સ પાંચ ટકા, RBZ જ્વેલર્સ પાંચ ટકા ઝંખવાઈ છે.

મુલુન્ડની એચડી ફાયર પ્રોટેક્ટનું ધારણા કરતાં નબળું લિસ્ટિંગ


જિયો પ્લૅટફૉર્મના મહાકાય ઇશ્યુની સાથે જ ગઈ કાલે ગુરુગ્રામ ખાતેની પારસ હેલ્થકૅર એકના શૅરદીઠ ૬૯૩ની અપરબેન્ડમાં ૧૪૫૦ કરોડનું ભરણું લાવી છે. એમાં ઑફર ફૉર સેલ ૯૫૦ કરોડની છે. આ ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૭૧ ટકા સહિત કુલ ૧૬ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઘટતું રહી હાલમાં ૩૯ ચાલે છે. શરૂઆત ૮૩થી થયા પછી પ્રીમિયમ વધી ઉપરમાં ૯૬ બોલાયું હતું. ઇશ્યુમાંથી ૩૨૧ કરોડ દેવાની પરત ચુકવણીમાં જવાના છે. ગત વર્ષે ૨૪ ટકા વધારામાં ૧૬૨૯ કરોડ આવક ઉપર ૫૮ કરોડની ચોખ્ખી ખોટ સામે ૪૪ કરોડ નજીકનો નેટ નફો બતાવી દીધા પછી કંપનીએ ચાલુ વર્ષના પ્રથમ ૩ માસમાં જ ૪૭૯ કરોડની આવક ઉપર ૫૦ કરોડ નજીકનો નેટ નફો દર્શાવ્યો છે. દેવું ૧૪૨૯ કરોડથી વધુ છે. કંપનીએ છેલ્લા ૩માંથી માત્ર ગત વર્ષે જ નફો કર્યો છે. QIB પોર્શન ૫૪.૬ ટકા રખાયો છે. ૧૯૮૭માં સ્થપાયેલી આ કંપની ઉતર ભારતનાં ૮ શહેરોમાં કુલ મળીને ૨૨૧૧ બેડની સુવિધા સાથે પારસ હેલ્થ બ્રૅન્ડ નેઇમ હેઠળ ૮ હૉસ્પિટલ્સ ચલાવે છે. આ ભરણામાં રોકાણ ખોટનો સોદો જણાય છે.

દરમ્યાન ગઈ કાલે બે ભરણાં લિસ્ટેડ થયાં છે. મેઇન બોર્ડમાં મુંબઈના મુલુંડ-વેસ્ટની એચડી ફાયર પ્રોટેક્ટ પાંચના શૅરદીઠ ૨૭૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૮૦થી શરૂ થઈ ઉપરમાં ૮૬ અને નીચામાં ૬૧ થયા બાદ છેલ્લે ચાલતા ૭૦ના પ્રીમિયમ સામે ૩૩૪ ખૂલી ૩૦૭ બંધ થતાં ૧૩.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કલકત્તાની વૈભવ વ્યાપાર પાંચના શૅરદીઠ ૫૪ની ઇશ્યુ પ્રાઇસ તથા બેથી શરૂ થઈ પાંચ થયા બાદ છેલ્લે ચાલતા ૩ના પ્રીમિયમ સામે ગઈ કાલે NSE ખાતે ૫૩ નીચે ખૂલી ૫૩ બંધ આવતાં બે ટકા જેવી લિસ્ટિંગ લૉસ મળી છે. આજે, ગુરુવારે ફ્યુઝન સીએક્સ તથા રાવિતા એન્જિનિયરિંગનું લિસ્ટિંગ થવાનું છે. હાલ ફ્યુઝનમાં ૧૭નું તથા રાવિતામાં એકનું પ્રીમિયમ ચાલે છે.

ઇન્ટરમિડિયેટરીના ગોટાળાની ઈ-મુદ્રા વૉલ્યુમ સાથે ૨૦ ટકા લથડી

માર્જિનમાં સવાબે ટકાના ઘટાડા સાથે જસ્ટ ડાયલે પોણાદસ ટકા ઘટાડામાં ૧૦૮ કરોડ નજીકનો નેટ નફો દર્શાવતાં શૅર નરમાઈમાં ૬૮૮ થયા બાદ ૩ ગણા વૉલ્યુમે તગડા બાઉન્સબૅકમાં ૭૮૯ બતાવી સાડાચાર ટકા ઊછળી ૭૬૫ બંધ આવ્યો છે. ગ્લોબલ આઇડેન્ટિટી, ટ્રસ્ટ તેમ જ સિક્યૉરિટી સૉલ્યુશન બિઝનેસમાં પ્રવૃત્ત ઈ-મુદ્રાના ગ્લોબલ ટીએલએસ બિઝનેસમાં એની ઇન્ટરમિડિયેટ સર્ટિફિકેટ ઑથોરિટીઝ તરફથી ગોટાળા અને અનુચિત પ્રવૃત્તિ આચરવામાં આવી હોવાના અહેવાલના પગલે ગઈ કાલે ઈ-મુદ્રાનો શૅર ૧૪ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં પટકાઈ ૪૩૧ થયા બાદ ત્યાં જ બંધ થયો છે. નબળા બજારમાં પણ ગઈ કાલે IT ઇન્ડેક્સ ૮ મહિનાની ટોચે જઈ અઢી ટકા વધી ૩૦,૭૧૩ બંધ રહ્યો છે. લાર્સન ટેક્નૉલૉઝિસે ૧૨.૪ ટકાના વધારામાં ૩૦૪૦ કરોડની આવક ઉપર ૧૬૫ કરોડના વન ટાઇમ ગેઇનના સથવારે ૬૬.૮ ટકા વધારામાં ૫૪૮ કરોડનો નેટ નફો કરતાં ભાવ ૭૭ ગણા ચિક્કાર વૉલ્યુમે ઉપર ૪૧૪૦ વટાવી સવાદસ ટકા કે ૩૭૩ રૂપિયાની તેજીમાં ૩૯૮૨ થયો છે. ફ્રેકટલ ઍનૅલિટિક્સ ૫૯ ગણા કામકાજે ૮૨૮ થઈ ૧૧ ટકા ઊંચકાઈ ૭૯૦ હતી. ઑનવર્ડ ટેક્નૉલૉજી તાજેતરની રૅલી બાદ પ્રૉફિટ બુકિંગમાં નીચામાં ૪૧૨ બતાવી બે ટકા ગગડી ૪૪૪ રહી છે. જેનેસિસ ૭.૬ ટકા ડૂલ થઈ છે. હેક્સાવેર ૫.૬ ટકાની આગેકૂચમાં ૬૦૬ વટાવી ગઈ હતી. IT હેવી વેઇટ્સમાં વિપ્રો ૩.૬ ટકા વધી ૧૮૮ થઈ છે. ટેક મહિન્દ્ર સવાત્રણ ટકા, TCS ૨.૭ ટકા અને HCL ટેક્નૉલૉઝિસ ૩.૪ ટકા પ્લસ હતી. ઇન્ફોસિસના રિઝલ્ટ શુક્રવારે આવવાના છે. શૅર ઉપરમાં ૧૧૭૧ બતાવી ૩.૩ ટકા વધીને નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. એના લીધે બજારને ૧૧૧ પૉઇન્ટ મળ્યા છે. લાર્સન માઇન્ડ ટ્રી પોણો ટકો ઘટી ૪૨૯૯ હતી. તાતાની નેલ્કો ૪.૮ ટકા ગગડી ૭૫૧ થઈ છે. તાતા ટેક્નૉલૉઝિસ ૧.૯ ટકા નરમ તો તાતા ઍલેક્સી દોઢ ટકા વધી છે.

નફામાં ખરાબી પાછળ SML મહિન્દ્ર નીચલી સર્કિટ સાથે લથડી

પિરામલ ફાઇનૅન્સનો ત્રિમાસિક નફો ૬૭ ટકા વધી ૫૪૦ કરોડ આવતાં નોમુરાએ ૨૫૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ દોહરાવ્યો છે. શૅર ૧૦ ગણા વૉલ્યુમે ઉપર ૨૦૩૭ થઈને સાડાત્રણ ટકા વધી ૨૦૧૬ હતો. બજાજ ફાઇનૅન્સે ૨૪ ટકાના વધારામાં ૧૩,૩૩૫ કરોડ આવક ઉપર ૨૯ ટકા વધારામાં ૬૩૬૭ કરોડ નેટ નફો દર્શાવ્યો છે. શૅર પાંચ ગણા કામકાજે ઉપરમાં ૯૬૭ થયા બાદ વેચવાલીના પ્રેશરમાં ૯૧૯ થઈ ૩.૩ ટકા ગગડી ૯૨૫ બંધ આવ્યો છે. હિન્દુસ્તાન ઝિન્કની આવક ૭૬.૫ ટકા વધી ૧૫,૦૯૩ કરોડ તથા નફો ૧૪૨ ટકા ઊછળી ૬૪૧૨ કરોડ નોંધાયો છે. શૅર પ્રારંભિક મજબૂતીમાં ૫૬૨ થઈ સાડાચાર ગણા કામકાજે નીચામાં ૫૨૧ થઈ અઢી ટકા ઘટી ૫૨૫ હતો.

ગેઇમિંગ તથા કસીનો કંપની ડેલ્ટા કૉર્પની આવક ૧૨.૯ ટકા ઘટી ૧૬૦ કરોડ નીચે જતાં કંપની પચીસ કરોડના નેટ નફામાંથી ૧૦૬ કરોડની ચોખ્ખી ખોટમાં સરી પડી છે. ભાવ નીચામાં ૭૧.૬૭ બતાવી સાડાચાર ટકા બગડી ૭૩ હતો. વારિ રિન્યુએબલની આવક ૩૬.૫ ટકા વધી ૧૦૫૮ કરોડ થવા છતાં નફો ૩૦ ટકા ગગડી ૮૧ કરોડ આવ્યો છે. ભાવ ૧૦ ગણા વૉલ્યુમે ૭૨૫ની જાન્યુઆરી ૨૦૨૪ પછીની બૉટમ બનાવી ૧૦.૧ ટકા ખરડાઈ ૭૪૨ હતો. વારિ ટેક્નૉલૉઝિસ ૨.૭ ટકા અને વારિ એનર્જીસ ૨.૩ ટકા ડૂલ થઈ છે. SML મહિન્દ્રએ ૨૦.૭ ટકા વધારામાં ૬૭૦ કરોડની આવક ઉપર ૪૪.૪ ટકાના ધબડકામાં પોણાબાર કરોડ નફો બતાવતાં ભાવ ૧૦ ટકાની નીચલી સર્કિટે ૬૧૩ રૂપિયા તૂટી ૫૫૧૫ નીચે બંધ થયો છે. શોભા લિમિટેડની આવક ૩૧ ટકા ઘટી ૯૬૭ કરોડ અને નફો ૫૫ ટકા ગગડી ૩૩ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૧૧૧૩ થયા બાદ તગડા બાઉન્સબૅકમાં ૧૨૨૦ બતાવી દોઢ ટકા વધી ૧૧૯૩ થયો છે.

જિયો પ્લૅટફૉર્મનો IPO પ્રથમ દિવસે પાર લાગ્યો, પ્રીમિયમ ઘટી ૨૫૮

રિલાયન્સની ૬૬.૪ ટકા માલિકીની સબસિડિયરી જિયો પ્લૅટફૉર્મનો ૧૦ના શૅરદીઠ ૧૧૧૯ની અપરબેન્ડમાં ૩૦,૨૧૩ કરોડનો લાર્જેસ્ટ IPO ગઈ કાલે પ્રથમ ખૂલતાંની સાથે માંડ ૩૫ મિનિટમાં જ પૂરો ભરાઈ ગયો હતો. પ્રથમ દિવસના અંતે ભરણું છલકાયું એમાં QIB પોર્શનનો સિંહફાળો હતો. ૫૦ ટકાનો આ પોર્શન ગઈ કાલે ૯ ગણો છલકાયો છે. જ્યારે ૧૫ ટકાનો હાઈ નેટવર્થ પોર્શન ૧.૬ ગણો તથા ૩૫ ટકાવાળો રીટેલ પોર્શન ૭૦ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ ૨૫૮ બોલાય છે. શરૂઆત ૧૪૮થી થયા પછી રેટ બહુધા સતત વધતો રહી ભરણું ખૂલવાના આગલા દિવસે ૨૭૩ થયો હતો. રિલાયન્સનો ભાવ ગઈ કાલે સારા વૉલ્યુમે ઉપરમાં ૧૨૩૪ વટાવી અંતે સામાન્ય સુધારે ૧૨૦૭ રહ્યો છે. જ્યારે જિયો ફાઇનૅન્શિયલ સર્વિસિસ નીચામાં ૨૧૦ થઈ એક ટકાના ઘટાડે ૨૧૧ હતી. રિલાયન્સ રીલેટેડ અન્ય કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૩.૪ ટકા ગગડી ૭૨૩ હતી. સ્ટર્લિંગ વિલ્સન ૫.૩ ટકા તૂટીને ૧૬૬, આલોક ઇન્ડસ્ટ્રીઝ અડધો ટકો ઘટી ૮.૧૪, લોટસ ચૉકલેટ ૫૧૧નું ઐતિહાસિક તળિયું બનાવી ૪.૨ ટકા ગગડી ૫૧૭, નેટવર્ક૧૮ સાડાત્રણ ટકા બગડી ૨૪.૭૧, હૅથવે કેબલ ૪ ટકા ઘટી ૯.૩૮ તથા ડેન નેટવર્ક ૨.૮ ટકા ઘટી ૨૫ બંધ રહી છે. મુકેશ અંબાણીના પરમ મિત્ર આનંદ જૈનની જયકૉર્પ ૯૯ના લેવલે ફ્લૅટ હતી. મુકેશ અંબાણીના લઘુબંધુ અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બે ટકા ઘટી ૫૧.૪૮ તથા રિલાયન્સ પાવર ૧૭.૧૬ના નવા મલ્ટિયર તળિયે જઈ સાડાત્રણ ટકા ગગડી ૧૭.૨૭ રહી છે.

અંબાણીના હરીફ ગણાતા અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઇઝિસ ગઈ કાલે સવાબે ટકા ઘટીને ૨૫૯૫, અદાણી પોર્ટ્સ ૦.૭ ટકા ઘટી ૧૭૪૯, અદાણી પાવર ૩.૪ ટકા ઘટી ૧૮૭, અદાણી એનર્જી ત્રણ ટકા ઘટી ૧૩૨૬, અદાણી ગ્રીન ૩.૩ ટકા ગગડી ૧૨૫૭, અદાણી ટોટલ અઢી ટકા ઘટી ૫૫૯, NDTV અડધો ટકો સુધરી ૬૩, ACC ૦.૬ ટકા ઘટી ૧૧૬૦, અંબુજા સિમેન્ટ્સ નજીવી ઘટીને ૩૫૮ બંધ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 07:40 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK