અમેરિકન વિદેશપ્રધાન માર્કો રુબિયોએ મુંબઈમાં કહ્યું...જેમ ઈરાન સાથે ભારતે સંબંધ રાખવો પડે છે એમ અમારે પણ પાકિસ્તાન સાથે સંબંધો જાળવવા જરૂરી છે
ગઈ કાલે મુંબઈમાં તાજ મહલ પૅલેસ હોટેલમાં મીડિયા સાથે વાત કરતા માર્કો રુબિયો.
અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ ગઈ કાલે મુંબઈમાં જણાવ્યું હતું કે અમેરિકાએ શા માટે પાકિસ્તાન સાથે સંબંધ રાખવો જરૂરી છે અને આ માટે તેમણે ભારત અને ઈરાનના સંબંધનું ઉદાહરણ આપ્યું હતું.
આ મુદ્દે માર્કો રુબિયોને પૂછવામાં આવ્યું હતું કે ‘પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનું વલણ કેવું છે? સેનેટર તરીકે તમે ૨૦૨૫માં કહ્યું હતું કે જો પાકિસ્તાન ભારત સામે આતંકવાદને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે તો તમે પાકિસ્તાનને અમેરિકન સુરક્ષાસહાય ઘટાડવા માટે બિલ રજૂ કરશો. શું તમારું વલણ બદલાયું છે? શું આ નીતિમાં કોઈ ફેરફાર થયો છે?’
આના જવાબમાં રુબિયોએ કહ્યું હતું કે ‘અમે દુનિયામાં ગમે ત્યાં આતંકવાદની વિરુદ્ધ છીએ. અમે આતંકવાદને આશ્રય આપતા બધા લોકો અને દેશોની વિરુદ્ધ છીએ. હું હવે સેનેટર નથી, પરંતુ વિદેશપ્રધાન છું. મારે અમેરિકાની વિદેશનીતિનું સંચાલન કરવાનું છે. આ કરવા માટે અમારે વિવિધ દેશો સાથે સંબંધો જાળવવા પડશે, એમાં એવા દેશોનો પણ સમાવેશ થાય છે જેમની સાથે અમને અમુક મુદ્દાઓ પર મતભેદ હોઈ શકે છે. પાકિસ્તાન એક એવો દેશ છે જેની સાથે અમારે સંબંધો જાળવવા જ જોઈએ. એની પાસે પરમાણુ શસ્ત્રો છે. ભૌગોલિક સ્થિતિને જોતાં અમારે એની સાથે વાતચીત અને સંપર્ક પણ જાળવવાની જરૂર છે. જેમ ભારત સરકારને ઈરાન સાથે સંબંધ રાખવો પડે છે, એ સંબંધ ધરાવે છે અને ઈરાનના નેતાઓને મળે છે, એમ અમારે આ સંબંધ રાખવો પડે છે.’
ADVERTISEMENT
ટ્રમ્પ-પ્રશાસને ૨૦૨૫ના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૩ લાખ કરતાં વધારે વીઝા રદ કરી નાખ્યા
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ટ્રમ્પ-પ્રશાસને ૨૦૨૫ના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૩,૦૦,૦૦૦થી વધુ લોકોના વીઝા રદ કર્યા છે. અધિકારીઓનું કહેવું છે કે વીઝા રદ કરવાની આ કાર્યવાહી ઇમિગ્રેશન સંબંધિત છેતરપિંડી, ગુનાહિત પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય સુરક્ષા માટેનાં જોખમો સામેની ઝીરો-ટૉલરન્સ નીતિનો એક ભાગ છે. ઇમિગ્રેશન કાર્યવાહી અને દેશનિકાલ અભિયાનનો હેતુ સ્થાનિક સુરક્ષા સુધારવાનો છે.
