Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પ્રારંભિક નબળાઈ બાદ બજાર નીચલા મથાળેથી ૬૨૨ પૉઇન્ટ બાઉન્સબૅક થયું, હેલ્થકૅર ફાર્મા મજબૂત

પ્રારંભિક નબળાઈ બાદ બજાર નીચલા મથાળેથી ૬૨૨ પૉઇન્ટ બાઉન્સબૅક થયું, હેલ્થકૅર ફાર્મા મજબૂત

Published : 28 September, 2023 11:10 AM | IST | Mumbai
Anil Patel

આગલા દિવસે ૧૧૦૦ પૉઇન્ટ ખરડાયેલો એસએમઈ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે બૉટમથી ૧૦૫૦ પૉઇન્ટ ઊંચકાયો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


જેએસડબ્લ્યુ ઇન્ફ્રાનો ૨૮૦૦ કરોડનો ઇશ્યુ આશરે ૪૦ ગણા રિસ્પૉન્સ સાથે પૂરો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધીને ૨૦ થયું : આગલા દિવસે ૧૧૦૦ પૉઇન્ટ ખરડાયેલો એસએમઈ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે બૉટમથી ૧૦૫૦ પૉઇન્ટ ઊંચકાયો : મુલુંડની વેલિયન્ટ લૅબનો ઇશ્યુ પ્રથમ દિવસે ૩૩ ટકા પાર પડ્યો, સાંઈ સિલ્ક્સ અને સિગ્નેચર ગ્લોબલનું લિસ્ટિંગ સાધારણ રહ્યું : એમસીએક્સના શ્રાદ્ધ પક્ષમાં નવું સાહસ શરૂ કરી નવો ચીલો પાડવા તલપાપડ : મૂડીઝનું ડાઉન ગ્રેડિંગ આવતાં વેદાંતમાં ધબડકો, એચડીએફસી બૅન્કના ભારમાં બૅન્ક નિફ્ટી ઘટાડામાં બંધ : માર્કેટ બ્રેડ્થ સુધરી


સિંગાપોરના અડધા ટકાના ઘટાડાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારો બુધવારે પૉઝિટિવ ઝોનમાં બંધ થયા છે. હૉન્ગકૉન્ગ પોણો ટકો પ્લસ હતું. બાકી બધે નહીંવતથી સાધારણ સુધારો નોંધાયો છે. યુરોપ પણ રનિંગમાં પૉઝિટિવ બાયસ સાથે લગભગ ફ્લૅટ દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ એકાદ ટકો વધીને ૯૫ હૉલર નજીક સરક્યું છે.



ઘરઆંગણે સેન્સેક્સ નજીવો નરમ, ૬૫,૯૨૬ની અંદર ખૂલી છેવટે ૧૭૩ પૉઇન્ટ વધી ૬૬,૧૧૯ તથા નિફ્ટી ૫૨ પૉઇન્ટના સુધારામાં ૧૯,૭૧૬ બંધ આવ્યો છે. પ્રારંભિક નબળાઈમાં સેન્સેક્સ નીચામાં ૬૫,૫૫૦ની અંદર ઊતરી ગયો હતો. ત્યાર બાદ બજાર ક્રમશઃ સતત સુધારાતરફી ચાલમાં ઉપરમાં ૬૬,૧૭૨ વટાવી ગયું હતું. મતલબ કે નીચલા મથાળેથી ૬૨૨ પૉઇન્ટનો સુધારો થયો.


બ્રૉડર માર્કેટ ૦.૪ ટકા તો સ્મૉલ કૅપ અને મિડ કૅપ પોણા ટકા આસપાસ વધ્યાં છે. જૂજ અપવાદમાં નહીંવત નરમાઈ બાદ કરતાં બન્ને બજારમાં તમામ ઇન્ડાઇસિસ પ્લસ થયાં છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧.૧ ટકા, નિફ્ટી ફાર્મા સવા ટકો, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧.૧ ટકા, એફએમસીજી પોણો ટકો, ટેલિકૉમ પોણા ટકા નજીક વધ્યું છે. આગલા દિવસે સવાત્રણ ટકા કે ૧૧૦૦ પૉઇન્ટ ખરડાઈ ૩૪,૬૩૧ બંધ રહેલો બીએસઈ એસએમઈ ઇન્ડેક્સ ગઈ કાલે નીચામાં ૩૪,૧૫૧ થયા બાદ ૧૦૫૦ પૉઇન્ટના બાઉન્સબૅકમાં ૩૫,૨૦૧ બતાવી છેલ્લે ૧.૪ ટકા કે ૪૭૨ પૉઇન્ટ વધી ૩૫,૧૦૩ રહ્યો છે. અત્રે ૬૩માંથી ૩૬ શૅર વધ્યા હતા. પૉઝિટિવ બનેલી માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે ૧૧૫૮ શૅર પ્લસ તો સામે ૮૭૭ જાતો ઘટી છે.

પ્રાઇમરી માર્કેટમાં બુધવારે કુલ સાત ભરણાં પૂરાં થયાં છે, સામે સાત નવાં ભરણાં ખૂલ્યાં છે. હાઈ પ્રોફાઇલ જેએસડબ્લ્યુ ઇન્ફ્રાનો બેના શૅરદીઠ ૧૧૯ની અપર બેન્ડવાળો ૨૮૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૩૯.૫ ગણા રિસ્પૉન્સમાં પૂરો થતાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સુધરી ૧૯-૨૦ બોલાવા માંડ્યું છે. ચેન્નઈની અપડેટર સર્વિસિસનો ૧૦ના શૅરદીઠ ૩૦૦ના ભાવનો ૬૪૦ કરોડનો ઇશ્યુ ક્યુઆઇબીની મહેરબાનીથી કુલ ત્રણ ગણો પાર પડી ગયો છે. ગ્રે માર્કેટમાં સોદા નથી. મુંબઈના મુલુંડની વેલિયન્ટ લૅબોરેટરીઝનો ૧૦ના શૅરદીઠ ૧૪૦ની અપર બેન્ડ સાથે ૧૫૨ કરોડ પ્લસનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૩૩ ટકા ભરાયો છે. શુક્રવારે પણ મેઇન બોર્ડમાં એક સહિત કુલ છ નવાં ભરણાં ખૂલવાનાં છે, ત્રણ ઇશ્યુ બંધ થવાનાં છે.


નાયક યુગના અંતને લાર્સન ગ્રુપના તમામ શૅરોમાં વધામણાં

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર વધ્યા છે. લાર્સનમાંથી એ.એમ. નાયક નૉન-એક્ઝિ. ચૅરમૅનપદેથી વિદાય લે છે એને વધામણા આપવાના મૂડમાં શૅર સરેરાશ કરતાં સારા વૉલ્યુમે ૧.૭ ટકા ઊચકાઈ ૨૯૬૨ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. લાર્સન ગ્રુપના અન્ય શૅરમાં લાર્સન ફાઇ. બે ટકા વધી ૧૨૬, લાર્સન ટેક્નૉ પોણા ટકાના સુધારે ૪૭૫૦ અને લાટિમ દોઢ ટકો વધી ૫૪૪૨ બંધ થઈ છે. આઇટીસી દોઢ ટકો, સનફાર્મા તથા મારુતિ સુઝુકી ૧.૪ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૨ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક એક ટકો, કોલ ઇન્ડિયા ૧.૭ ટકા, સિપ્લા દોઢ ટકો, અપોલો હૉસ્પિટલ એક ટકો પ્લસ હતા. રિલાયન્સ સરેરાશ કરતાં લગભગ અડધા વૉલ્યુમે ૧.૨ ટકા વધી ૨૩૬૯ના બંધમાં બજારને ૮૩ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. સામે જિયો ફાઇ સવા ટકાથી વધુની નરમાઈમાં ૨૨૭ હતી. ટાઇટન સવા ટકો, સ્ટેટ બૅન્ક પોણા ટકાથી વધુ, એચડીએફસી બૅન્ક પોણા ટકા નજીક, ગ્રાસિમ ૧.૪ ટકા, હીરો મોટોકૉર્પ એક ટકા નજીક, ભારત પેટ્રો અને બજાજ ઑટો પોણો ટકો ડાઉન હતા.

અદાણી ગ્રુપની ફ્લૅગશિપ અદાણી એન્ટર ૧.૨ ટકા વધી ૨૪૮૫ થઈ છે. અદાણી પોર્ટ સવા ટકા નજીક, અદાણી ગ્રીન એક ટકો, અંબુજા સિમેન્ટ્સ નહીંવત પ્લસ હતા. અદાણી ટોટલ એક ટકો તથા અદાણી પાવર અડધો ટકો ઘટી છે. ગ્રુપના અન્ય શૅર પરચૂરણ વધઘટે બંધ હતા. બજારનું માર્કેટ કૅપ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ગઈ કાલે ૧.૪૫ લાખ કરોડ વધીને ૩૧૯.૬૧ લાખ કરોડ થયું છે.

શ્રાદ્ધ પક્ષમાં શુભ કાર્ય આદરીને એમસીએક્સ નવો ચીલો ચાતરશે

એમસીએક્સ ઇન્ટ્રા-ડેમાં ૧૯૬૩ની વીસેક માસની ટૉપ નજીક ૧૯૬૦ વટાવી ૧.૮ ટકા વધી ૧૯૩૫ બંધ થયો છે. આ શૅર છેલ્લા એક સપ્તાહમાં ૧૨.૫ ટકા ઊચકાયો છે, જે માટેનું મુખ્ય કારણ નવું ટ્રેડિંગ પ્લૅટફૉર્મ ટૂંકમાં શરૂ કરવાના અહેવાલ છે. કંપની તરફથી ટીસીએસના સૉફ્ટવેર ઉપર આધારિત નવા ટ્રેડિંગ પ્લૅટફૉર્મ પર પહેલી ઑક્ટોબરથી માઇગ્રેટ થવાની જાહેરાત કરાઈ છે. આશા રાખીએ કે આ વેળા ભૂતકાળનું પુનરાવર્તન નહીં થાય, પરંતુ મઝાની વાત એ છે કે કંપની આવું મોટું પગલું કે ઐતિહાસિક નિર્ણયનો અમલ શ્રાદ્ધ પક્ષમાં કરવા જઈ રહી છે. એમસીએક્સની મૅનેજમેન્ટ તો ભાઈ બહુ જબરી મૉડર્ન નીકળી. હિન્દુસ્તાનમાં સૌકોઈ શ્રાદ્ધમાં નવું કોઈ સાહસ કે શુભ કાર્ય કરવાનું ટાળે છે ત્યારે એમસીએક્સવાળા નવો ચીલો ચાતરવા નીકળી પડ્યા છે. આ તેમની આગવી હિંમતનું પ્રદર્શન છે કે મુર્ખામીનું, એની ખબર અમને નથી.

બીએસઈ લિ.નો શૅર ગઈ કાલે ઉપરમાં ૧૩૧૩ થઈ ૨.૪ ટકા વધી ૧૩૦૮ રહ્યો છે. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૧૦ના શૅરના ૫ રૂપિયામાં વિભાજનમાં શુક્રવારે એક્સ સ્પ્લિટ થશે. ભાવ ૩૮૮૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નીચામાં ૩૮૩૦ થઈ એકાદ ટકો ઘટી ૩૮૩૬ હતો. હરિયાણાની સિસકેમ ઇન્ડિયા ચાર શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૪૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં ૨૯મીએ એક્સ-રાઇટ થવાની છે. શૅર ૬૯ની ટૉપ બતાવી ૧૪.૮ ટકાના જમ્પમાં ૬૭ બંધ થયો છે. બાયબૅક પ્રાઇસ બિનઆકર્ષક હોવાના વસવસામાં ત્રણ દિવસમાં ૨૮૦ના શિખરથી ગગડી ૨૪૦ થયા બાદ રેલિગેર એન્ટર ગઈ કાલે પાંખા કામકાજે અડધા ટકાના સુધારામાં ૨૪૬ થયો છે.

ગ્રેવિટા અને તાતા ઇન્વે. વૉલ્યુમ સાથે તગડા ઉછાળે નવી ટોચે

બુધવારે ૪ નવાં ભરણાં લિસ્ટિંગમાં ગયાં છે. બેના શૅરદીઠ ૨૨૨ની ઇશ્યુ પ્રાઇસવાળી સાંઈ સિલ્ક્સ ૨૩૦ ખૂલી ઉપરમાં ૨૪૭ થઈ ૨૪૫ નજીક બંધ થતાં સવાદસ ટકાનું રીટર્ન મળ્યું છે, તો એકના શૅરદીઠ ૩૮૫ની ઇશ્યુ પ્રાઇસવાળી સિગ્નેચર ગ્લોબલ ૪૪૫ કૂલી ઉપરમાં ૪૭૩ વટાવી ૪૫૮ બંધ થતાં અત્રે ૧૯ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. એસએમઈ સેગમેન્ટમાં અમદાવાદી કોડે ટેક્નૉ લૅબ ૧૬૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૭૦ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૭૮ ઉપર બંધ થતાં એમાં ૧૧.૬ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જ્યારે પુણેની ટેક્નૉ ગ્રીન સોલ્યુશન્સ ૮૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ૮૭ ખૂલી ૫ ટકાની ઉપલી સર્કિટે ૯૧ ઉપર બંધ રહેતાં અહીં સવાછ ટકા જેવું રીટર્ન મળ્યું છે.

ઇન્ડ. મિનરલ્સ કંપની ગ્રેવિટા ઇન્ડિયા ચાર ગણા કામકાજે ૯૬૦ની વિક્રમી સપાટી બતાવી ૧૨૨ કે ૧૫.૨ ટકાની તેજીમાં ૯૨૮ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બની છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ નવા બેસ્ટ લેવલની હારમાળામાં ૩૩૨૮ની ટોચે જઈ નવ ટકા કે ૨૭૨ના ઉછાળે ૩૨૭૬ વટાવી ગયો છે. વેદાંત ડાઉન ગ્રેડિંગ થતાં ૨૦૮ની ઐતિહાસિક બૉટમ બનાવી પોણાસાત ટકાના કડાકામાં ૨૦૯ નજીક ગયો છે. કામકાજ સવાસાત ગણા હતા. ઈકેઆઇ એનર્જી મંદીની સર્કિટની હૅટ-ટ્રિકમાં નવી પાંચ ટકાની લિમિટમાં ૪૭૯ બંધ હતો. બેડમુથા ઇન્ડ. તથા ઇન્પોર્મ્ડ ટેક્નૉલૉજીઝ ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટમાં નવા શિખરે પહોંચી છે.

બૅન્કિંગમાં વ્યાપક સુધારો, ગુજરાત ગૅસ વર્ષના તળિયે ગયો

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅર વધવા છતાં ૩૬ પૉઇન્ટ ઘટ્યો તો હેવીવેઇટ્સ એચડીએફસી બૅન્કની નરમાઈનું પરિણામ છે. જ્યારે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સથવારે પોણો ટકો પ્લસ થયો છે. બૅન્કિંગના ૩૮માંથી ૨૮ શૅર સુધર્યા છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, યુકો બૅન્ક, યુનિયન બૅન્ક, પીએનબી, આઇડીબીઆઇ, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, આરબીએલ બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક બેથી સવાત્રણ ટકા, ધનલક્ષ્મી બૅન્ક ૪ ટકા અને ઉજ્જીવન બૅન્ક નવ ટકા મજબૂત હતી.

હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૫માંથી ૭૨ શૅરના સથવારે ૧.૧ ટકા વધ્યો છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૧૫ શૅરની હૂંફમાં ૫૩૩ પૉઇન્ટ પ્લસ થયો છે, જેમાં લાર્સનનું પ્રદાન ૩૬૩ પૉઇન્ટ હતું. સેફલર છ ટકા જેવા જમ્પમાં ૩૨૪૮ની નવી ટોચે બંધ હતો. પોલીકેબ સવાચાર ટકા ઊચકાઈને ૫૩૬૦ વટાવી ગયો છે. ટેલિકૉમમાં આઇટીઆઇ સાત ટકા રણકી ૨૦૬, એચએફસીએલ ૫.૬ ટકા ઊછળી ૭૬ નજીક, ઑપ્ટિમસ ૫.૪ ટકાની તેજીમાં ૩૦૩ અને ‌વિંધ્ય ટેલી સાડાચાર ટકાની મજબૂતીમાં ૨૨૯૬ હતા. એનર્જીમાં ઑઇલ ઇન્ડિયા સવાચાર ટકા ઊચકાઈ ૨૮૮ નજીક ગયો છે. ફાઇનૅન્સમાં આઇઆઇએફએલ સિક્યૉ. ૧૧ ટકા, તાતા ઇન્વે ૯ ટકા, ઉજ્જીવન ફાઇ ૬.૮ ટકા, પાવર ફાઇ. કૉર્પો સાડાછ ટકા, આરઈસી સવાછ ટકા, એપ્ટસ વૅલ્યુ પાંચ ટકા, એંજલવન સાડાચાર ટકાની તેજીમાં બંધ થયા છે. ગુજરાત ગૅસ ૪૨૦ની વર્ષની બૉટમ બનાવી અઢી ટકા ઘટી ૪૨૧ બંધ રહ્યો છે. ફેડરલ બૅન્ક ૧૫૧ના શિખરે જઈ પોણાબે ટકા વધી ૧૫૦ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2023 11:10 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK