Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અણધાર્યા સેલિંગ પ્રેશરમાં બજાર ઉપલા મથાળેથી 730 પૉઇન્ટ નીચે ઊતર્યું, ‘૫૨’નું લેવલ ગુમાવ્યું

અણધાર્યા સેલિંગ પ્રેશરમાં બજાર ઉપલા મથાળેથી 730 પૉઇન્ટ નીચે ઊતર્યું, ‘૫૨’નું લેવલ ગુમાવ્યું

10 June, 2021 11:30 AM IST | Mumbai
Anil Patel

માર્કેટ બ્રેડથ બગડી, બન્ને બજારના તમામ સેક્ટોરલ રેડ-ઝોનમાં બંધ : પાવર ઇન્ડેક્સ દાયકાના નવા શિખરે, મિડ કૅપ, સ્મૉલ કૅપ અને બીએસઈ-૫૦૦માં પણ ઓલટાઇમ હાઈ : ટાઇડ વૉટર બોનસ મીટિંગની પૂર્વસંધ્યાએ ડાઉન, પીએનબી તથા ગ્રુપ શૅર પણ ગગડ્યા

બીએસઈ

બીએસઈ


વિશ્વ બૅન્ક તરફથી તાજેતરના રિપોર્ટમાં વર્ષ ૨૦૨૧માં વૈશ્વિક અર્થકારણનો ગ્રોથ રેટ ૫.૬ ટકા રહેવાની ધારણા મુકાઈ છે. છેલ્લાં ૮૦ વર્ષમાં રિસેશન પછીના વર્ષે આટલો ઊંચો વિકાસદર ક્યારેય જોવાયો નથી. ગ્લોબલ ઇકૉનૉમીનો સવાલ છે ત્યાં સુધી આ અંદાજ ફળીભૂત થાય તો વિશ્વવેપાર માટે બહેતરીન સ્થિતિ નિર્માણ પામશે. ચાઇના માટે વિશ્વ બૅન્કની અપેક્ષા ચાલુ કેલેન્ડર વર્ષમાં સાડાઆઠ ટકાના ગ્રોથ રેટની છે, ખરાબ સમાચાર આપણા માટે છે. વર્લ્ડ બૅન્કે ૨૦૨૧-’૨૨ માટે ભારતના વિકાસદરનો અંદાજ ૧૦.૧ ટકાથી ઘટાડીને ૮.૩ ટકા કરી નાખ્યો છે આનો અર્થ એ થયો કે ચાલુ વર્ષ માટે જીડીપી ગ્રોથ રેટનું હજી આગળ ઉપર ડી-રેટિંગ થઈ શકે છે. કોરોનાના પ્રકોપમાં નોંધપાત્ર ઘટાડો તથા તેની અસરમાં લૉકડાઉનમાં શરૂ થયેલી ખાસ્સી છૂટછાટ વચ્ચે સારા મોન્સૂનના સાર્વત્રિક આશાવાદથી ઘણાખરા ઉદ્યોગો બે-એક માસમાં સારા દિવસ નક્કી માની રહ્યા છે. જેમાં ઑટોનોય સમાવેશ થાય છે. જોકે ગ્રામીણ અર્થતંત્રની કોવિડના સેકન્ડ વેવથી જે રીતે ખાનાખરાબી થઈ છે, લોકોની બચત સાફ થઈ ગઈ છે, ઘણાના ધંધા-રોજગાર છીનવાઈ ગયા છે એ જોતાં ઑટો, જ્વેલરી, મલ્ટિપ્લેક્સ, વાઇટ ગુડ્સ, ટ્રાવેલિંગ, હોટેલ-રેસ્ટોરાં, હૉસ્પિટાલીટી સહિત સંખ્યાબંધ ક્ષેત્રોનું દળદર ફીટવાનું નથી. એટલિસ્ટ ૪-૬ મહિના તો અવશ્ય લાગી જશે અને તેમાંય જો કોવિડનો ડેલ્ટા વર્ઝન કે થર્ડ વેવ ત્રાટક્યો તો પછી અલ્લાહ માલિક  દરમ્યાન ‘એમ્ફી’ના આંકડા પ્રમાણે મે માસમાં ઇક્વિટી મ્યુ. ફન્ડમાં નેટ ઇનફ્લો સતત ત્રીજા મહિને વધી ૯૨૩૫ કરોડની ૧૪ માસની ટોચે નોંધાયો છે. મતલબ કે કોરોના અને લૉકડાઉનના ઓથાર વચ્ચે પણ લોકો શૅરબજારને ભૂલ્યા નથી અથવા તો એમ પણ કહી શકાય કે ભયંકર વિપદાના સમયે લોકોને ‘રામ-નામ’ પછી બીજો સૌથી મોટો સહારો શૅરબજારમાં જ દેખાયો છે. આ એનિયલ સ્પિરિટ્સ ક્યાં સુધી ટકે છે તે જોવું રસપ્રદ બનશે. નજીકમાં જ આવી રહેલા આઇપીઓમાં એક નવું નામ ઉમેરાયું છે. સોના બીઅેલડબ્લ્યુ પ્રિસિઝન કે સોના કોમસ્ટાર નામની ઑટો કૉમ્પોનન્ટ કંપની શૅરદીઠ ૨૮૫-૨૯૧ની પ્રાઇસ બેન્ડ સાથે ૫૫૫૦ કરોડ ઊભા કરવા ૧૪મીએ મૂડીબજારમાં આવી રહી છે, જેમાં ૫૨૫૦ કરોડ ઑફર ફોર સેલ પોર્શન છે. 

બજારનો સુધારો એક વાગ્યા પછી એકાએક ગાયબ થઈ ગયો!
બુધવારે બજારની ચાલ થોડીક ખટપટી રહી છે. આગલા બંધથી સવાસો પૉઇન્ટની ગેપમાં ઉપર ખૂલ્યા બાદ સેન્સેક્સ ઉપરમાં ૫૨૪૪૭ નજીક જઈ છેક એક વાગ્યા સુધી પાંચ-પંદર પૉઇન્ટ ઉપર-નીચે થતો રહી બહુધા ૫૨૪૦૦ના લેવલને વળગી રહ્યો હતો. એક પછી અચાનક આંચકો અનુભવાયો અને આઠેક મીનિટમાં માર્કેટ ૩૦૦ પૉઇન્ટ નીચે ઊતરી ગયું અને ૫૨૦૦૦ની આસપાસ ટકવાની મથામણ જોવાઈ. અઢી વાગ્યાની આસપાસ બીજો આંચકો આવ્યો નેઅ ૧૫ મીનિટમાં બીજા ૩૦૦ પૉઇન્ટના ઘટાડે ૫૧૭૧૭ની ઇન્ટ્રા-ડે બૉટમ દેખાઈ. શૅર આંક છેલ્લે ૩૩૪ પૉઇન્ટની નરમાઈમાં ૫૧૯૪૨ બંધ આવ્યો છે. નિફ્ટી ઉપરમાં ૧૫૮૦૦ની નવી ઓલટાઇમ હાઈ બાદ નીચામાં ૧૫૫૬૭ થયો છે. બજાર ટકાવારીની રીતે મામૂલી ૦.૭ જેવું ડાઉન થયું છે. પરંતુ બ્રોડર માર્કેટ વધુ ઢીલું હતું. એક પણ સેક્ટોરલ ઇન્ડેક્સ વધ્યો નથી. માર્કેટ બ્રેડથમાં નોંધપાત્ર ખરાબી જોવાઈ છે. અેનઅેસઈ ખાતે ૭૧૩ શૅર પ્લસ હતા સામે ૧૨૧૭ જાતો રેડ ઝોનમાં બંધ રહી છે. આંતરપ્રવાહ હજી મક્કમ છે. બીએસઈ ખાતે વધેલા ૧૪૬૫ શૅરમાંથી ૫૧૪ કાઉન્ટર ઉપલી સર્કિટમાં બંધ રહ્યા છે. ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૫૪૯ સ્ક્રીપ્સ ઐતિહાસિક ઊંચા શિખરે ગઈ હતી. બજારના ગઈ કાલના આંચકા કોઇક મોટા માથાના બાસ્કેટ સેલિંગનું પરિણામ હોવાની વાત સંભળાતી હતી. બ્રોડર માર્કેટનો માપદંડ ગણાતો બીએસઈ-૫૦૦ ઇન્ટ્રા-ડેમાં ૨૧૬૦૮ની ઓલટાઇમ હાઈ બતાવી ૨૧૨૩૩ની અંદર ઊતરી ગયો હતો. અંતે ૧૫૯ પૉઇન્ટ કે પોણા ટકાની કમજોરીમાં ૨૧૩૩૩ રહ્યો છે, પરંતુ અહીં વધેલા પ્રત્યેક શૅર સામે ત્રણ જાત માઇનસ હતી. ૫૦૧માંથી ફક્ત ૧૨૯ શૅર જ વધી શક્યા હતા. નવા શિખરે ગયા બાદ પોણો-એક ટકો ઘટીને બંધ રહેલા સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં પણ બ્રેડ્થ આવી જ ખરડાયેલી હતી.



રિયલ્ટી, એનર્જી અને ઑટો શૅરમાં વધુ નબળાઈ દેખાઈ
બીએસઈ ખાતે રિયલ્ટી, ઑટો, એનર્જી કેપિટલ ગુડ્સ, ઑઇલ-ગૅસ, ટેલિકૉમ ઇન્ડેક્સ સવા ટકાથી લઈને પોણા બે ટકા જેવા ડૂલ થયા છે. એનએસઈ ખાતે રિયલ્ટી અને મીડિયા બેન્ચમાર્ક બે ટકા જેવા ગગડ્યા હતા. રિયલ્ટી ઇન્ડેક્સમાં તમામ ૧૦ શૅર માઇનસ હતા. બ્રિગેડ એન્ટર ૪ ટકાથી વધુ તૂટ્યો હતો. બીએસઈના રિયલ્ટી આંકમાં મહિન્દ્ર લાઇફ નહીંવત સુધર્યો હતો. બાકીની નવ જાતો ડાઉન હતી. શોભા, સનટેક રિયલ્ટી, ડીએલએફ, ફિનિક્સમાં બેથી સવા ત્રણ ટકાની ખરાબી જોવા મળી છે. ઑઇલ તથા ગૅસ ઇન્ડેક્સમાં ઇન્દ્રપ્રસ્થ ગૅસના પોણા ટકાના સુધારાને બાદ કરતાં બાકીની નવ જાત નરમ હતી. નબળા રિઝલ્ટમાં પેટ્રોનેટ આઠેક ટકા ખરડાઈ ૨૨૯ નીચે બંધ હતો. ઇન્ડિયન ઑઇલ દોઢ ટકો, રિલાયન્સ પોણા બે ટકા, કેસ્ટ્રોલ સવા બે ટકા અને ગેઇલ સવા ત્રણ ટકાથી વધુ લપસ્યા હતા. બોનસ અને પરિણામ માટે બોર્ડ મિટિંગની પૂર્વ સંધ્યાએ ટાઇડ વૉટર ઑઇલ સવા ત્રણ ટકાની ખરાબીમાં ૧૦૯૭૧ રૂપિયા રહ્યો છે. રિલાયન્સની નરમાઈ સેન્સેક્સને સર્વાધિક ૧૧૮ પૉઇન્ટ નડી છે. ઑઇલ-ગૅસ સેગમેન્ટના મોટા ભાગના શૅરની નરમાઈના ભાટમાં અૅનર્જી ઇન્ડેક્સ ૨૦માંથી ૧૭ શૅરના ઘટાડે ૧.૭ ટકા ગુગૂ થયો છે, જ્યારે પાવર ઇન્ડેક્સ ૩૦૮૪ નજીક દાયકાની નવી ઊંચી સપાટી હાંસલ કરીને પોણા ટકાની આગેકૂચમાં ૩૦૦૯ બંધ હતો. અહીં ૧૪માંથી ૮ શૅર પ્લસ હતા. તાતા પાવર સાડા છ ટકા, પાવર ગ્રીડ સાડા ત્રણ ટકા, અેનટીપીસી પોણા બે ટકા અને ટોરન્ટ પાવર સવા ટકો ઝળક્યા હતા. ઑટો ઇન્ડેક્સનો ૧૫માંથી એક પણ શૅર વધ્યો નથી, આમ છતાં ઇન્ડેક્સ સવા ટકો જ ઢીલો જોવાયો છે. ટીવીએસ મોટર, અશોક લેલેન્ડ અને તાતા મોટર અત્રે બેથી પોણા ત્રણ ટકાની નરમાઈમાં મોખરે હતા. મારુતિ સવા ટકો નરમ હતો. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૩માંથી ૧૮ શૅરના ઘટાડે દોઢ ટકો માઇનસ થયો છે. ફિનોલેક્સ કેબલ્સ સાડા છ ટકા તૂટી ટૉપ લૂઝર બન્યો છે. હેવીવેઇટ લાર્સન પોણા બે ટકા, અદાણી ગ્રીન ૧.૭ ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ દોઢ ટકો, ભેલ સવા ટકો ઢીલા હતા.


બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં ઇન્ડેક્સ કરતાં વધુ ખરાબી
બૅન્ક નિફ્ટી ઉપરમાં ૩૫૪૦૨ અને નીચામાં ૩૪૬૪૧ બતાવી અંતે પોણો ટકો કે ૨૮૫ પૉઇન્ટ જેવા સામાન્ય ઘટાડામાં ૩૮૦૦ બંધ રહ્યો છે. તેની ૧૨માંથી ૧૦ જાતો માઇનસ હતી. આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક સર્વાધિક પોણો ટકો તો બંધન બૅન્ક પરચૂરણ સુધર્યો હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ખાતે બૅન્ક ઑફ બરોડાના નજીવા સુધારા સિવાય બાકીના ૧૨ શૅર રેડ ઝોનમાં હતા. આંક ૧.૪ ટકા ડાઉન હતો. બૅન્કેક્સ ૧૦માંથી નવ શૅરના ઘટાડે એકાદ ટકો કે ૩૬૪ પૉઇન્ટ નરમ હતો. આ બધાની સામે સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૫ શૅરમાંથી બુધવારે માત્ર ૪ શૅર વધ્યા છે તેની નોંધ લેવી રહી. સીએસબી બૅન્ક બે ટકા તથા ઉજજીવન એક ટકાના સુધારા સાથે અહીં મોખરે હતા. લગભગ બે ડઝન બૅન્કિંગ શૅર એકાદ ટકાથી લઈને છ ટકાની રેન્જમાં ઘટ્યા છે. સેન્ટ્રલ બૅન્ક છ ટકા નજીક તો ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક પોણા છ ટકા ગગડ્યા હતા. યસ બૅન્કમાં પોણા ચાર ટકાની ખરાબી હતી. પંજાબ નૅશનલ બૅન્ક સવા બે ટકા ઘટીને ૪૧ નીચે હતો. તેની સબસિડિયરી પીએનબી હાઉસિંગમાં કાર્લાઇસનું ટેકઓવર શૅરધારકોનો વિરોધ જોતાં મુશ્કેલ બનવાની ગણતરી કામે લાગતાં ભાવ બીજા દિવસે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૮૦૯ બંધ હતો. પીએનબી ગિલ્ટ સાડા ત્રણ ટકા નરમ હતો.

બીએસઈનો ફાઇનૅન્સ ઇન્ડેક્સ આમ તો પોણો ટકો જ ડાઉન થયો છે પરંતુ તેની ૧૧૦માંથી ૨૧ જાતો જ વધી શકી હતી. ક્રીસિલ છ ગણા વૉલ્યુમે ૨૪૭૭ની નવી ટૉપ બનાવી સાડા નવ ટકાની તેજીમાં ૨૩૬૫ રૂપિયા બંધ રહ્યો છે. આરઈસીમાં છ ટકાની તેજી હતી. રિલાયન્સ કેપિટલ તથા રિલાયન્સ હોમમાં પાંચ ટકાનો ઉછાળો હતો. રેલીગેરમાં ડાબરવાળું બર્મન ફૅમિલીની એન્ટ્રીના અહેવાલ છતાં શૅર આઠ ટકા તૂટી ૧૩૫ નજીક બંધ આવ્યો છે. એંજલ બ્રોકિંગ, એડલવીસ, આઇઆઇએફએલ, આદિત્ય બિરલા મની ચારથી સવા પાંચ ટકા તૂટ્યા હતા. 
બીએસઈનો હેલ્થકૅર ઇન્ડેક્સ ૭૨માંથી ૨૨ શૅરના સુધારા વચ્ચે ૦.૬ ટકા નરમ હતો. સિપ્લા ૯૭૫નું બેસ્ટ લેવલ બનાવી અડધો ટકો વધીને ૯૫૮ થયો છે. દીવીસ લેબ ૪૩૧૭ નજીકની નવી ટોચે જઈ અડધો ટકો સુધરીને ૪૨૬૫ રૂપિયા હતો.


આઇટી ઇન્ડેક્સના ૫૧માંથી માત્ર ૧૬ શૅર વધ્યા હોવા છતાં આ બેન્ચમાર્ક નહીંવત એવા ૪૯ પૉઇન્ટ કે ૦.૨ ટકા ઘટ્યો છે. ઇન્ફી અને ટીસીએસ નજીવી વધ-ઘટમાં હતા. વિપ્રો સવા ટકો ડાઉન હતો. મજેસ્કો ૧૦ ટકાની તેજીમાં ૧૦૬ રૂપિયા, એચસીએલ ઇન્ફો ૧૦ ટકાના ઉછાળે ૧૫ રૂપિયા નજીક તો આરપીએસજી વેન્ચર્સ સવા આઠ ટકાના જમ્પમાં ૫૦૦ રૂપિયા ઉપર જોવાયા છે. નીટમાં પરિણામની તેજી અટકી છે, ભાવ સાડા છ ટકા તૂટ્યો છે. તેની પાછળ એપટેક સાડા પાંચ ટકા માઇનસ હતો. મેટલ ઇન્ડેક્સ પણ પોણા ટકા જેવો ઢીલો થયો હતો. વેદાન્તા, હિન્દાલ્કો, તાતા સ્ટીલ, જીંદાલ સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ એકથી સવા ટકો તો નાલ્કો ત્રણ ટકા ગગડ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2021 11:30 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK