Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > માર્કેટ નીચલા મથાળેથી ૪૩૮ પૉઇન્ટ બાઉન્સ થઈ નહીંવત્ ઘટાડે બંધ

માર્કેટ નીચલા મથાળેથી ૪૩૮ પૉઇન્ટ બાઉન્સ થઈ નહીંવત્ ઘટાડે બંધ

Published : 16 December, 2025 07:14 AM | IST | Mumbai
Anil Patel

ICICI-પ્રુડેન્શિયલ AMCનો ૧૦,૬૦૩ કરોડનો શૅરદીઠ ૨૧૬૫ના ભારેખમ ભાવનો પ્યૉર OFS IPO બે ગણો છલકાઈ જતાં પ્રીમિયમ ૨૬૦ રૂપિયા થયું : થાણેની કે. વી. ટૉય્ઝમાં ૪૦.૬ ટકા તથા અમદાવાદી કોરોના રેમેડીઝમાં ૩૫.૩ ટકા લિસ્ટિંગ ગેઇન, રિદ્ધિ ડિસ્પ્લેમાં ૨૪ ટકા મૂડી સાફ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ટિકિટબારી પર ‘ધુરંધર’ની ધમાલ ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુટર્સ કંપનીઓને ફળી
  2. વોડાફોન ૧૪ મહિનાની ટોચે જઈ અઢી ટકા કપાઈ, નૉલેજ મરીન નવા શિખરે જઈ નવ ટકા ઊછળી
  3. હિન્દુસ્તાન કૉપર નવી ટૉપ બતાવીને નરમાઈમાં બંધ : શક્તિ પમ્પ્સ સતત જોરમાં

નૅસ્ડૅકની નબળાઈ પાછળ ટેક્નૉલૉજી શૅરના ભારમાં એશિયન બજારોએ નવા સપ્તાહની શરૂઆત નરમાઈથી કરી છે. ગઈ કાલે જપાન સવા ટકો, હૉન્ગકૉન્ગ દોઢ ટકો, તાઇવાન સવા ટકો, સાઉથ કોરિયા ૧.૯ ટકા, ચાઇના અડધો ટકો ડાઉન થયું છે. થાઇલૅન્ડ દોઢ ટકા પ્લસ હતું. ઑસ્ટ્રેલિયા ખાતે બૉન્ડી બીચ પર થયેલા હત્યાકાંડને પગલે ત્યાંનું શૅરબજાર પોણો ટકો ઘટ્યું છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૭૧,૦૦૨ નજીક નવી સર્વોચ્ચ સપાટી બતાવી રનિંગમાં હજારી જમ્પમાં ૧,૭૦,૯૨૦ દેખાયું છે. એશિયાથી વિપરીત યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો પ્લસ હતું. કૉમેક્સ ગોલ્ડ એક ટકો વધી ૪૩૭૪ ડૉલર તો હાજર સોનું એકાદ ટકાના સુધારામાં ૪૩૪૦ ડૉલર, જ્યારે કૉમેક્સ સિલ્વર અઢી ટકા ઊંચકાઈ ૬૩.૬૪ ડૉલર ચાલતી હતી. બ્રેન્ટ ક્રૂડ ૬૧ ડૉલરે ટકેલું હતું.

બિટકૉઇન નીચામાં ૮૮,૦૬૭ ડૉલરે જઈ સવાબે ટકા ઘટી ૮૯૮૫૭ ડૉલર રહ્યા છે. ડૉલર સામે રૂપિયો વધુ દયામણો બનતાં ૯૦.૭૫ના નવા ઑલટાઇમ તળિયે જોવાયો છે. સરકારી આંકડા પ્રમાણે નવેમ્બરમાં દેશની નિકાસ ૨૩.૨ ટકા જેવી વધીને ૩૮૧૩ કરોડ ડૉલર થઈ છે. આ આંકડા સાચા હોય તો ટૅરિફના ટેન્શન વચ્ચે પણ દેશના નિકાસક્ષેત્રની કામગીરી ખરેખર ઉમદા ગણવી જોઈએ. આયાત ગયા મહિને ૧.૯ ટકા ઘટી ૬૨૬૬ કરોડ ડૉલર રહી છે. જોકે અમને સરકારી આંકડા પર વિશ્વાસ બેસતો નથી, કેમ કે ટ્રમ્પના ટૅરિફ વચ્ચે અમેરિકામાં પણ ગયા મહિને નિકાસ ૨૨ ટકા વધી ૬૯૭ કરોડ ડૉલર થઈ હોવાનો દાવો કૉમર્સ મિનિસ્ટ્રી કરી રહી છે. આંકડાના માંકડા નચાવવામાં આ દેશની દરેક સરકાર પાવરધી રહી છે અને એમાંય આજની સરકાર તો બેશક લાજવાબ છે.



શૅરબજારની વાત કરીએ તો સેન્સેક્સ આગલા બંધથી ૩૭૬ પૉઇન્ટ નરમ, ૮૪૮૯૨ ખૂલી છેવટે ૫૪ પૉઇન્ટના મામૂલી ઘટાડે ૮૫૨૧૩ તથા નિફ્ટી ૨૦ પૉઇન્ટના ઘટાડે ૨૬૦૨૭ સોમવારે બંધ થયો છે. માર્કેટ નરમ ખૂલ્યા બાદ નીચામાં ૮૪,૮૪૦ થયું હતું અને ત્યાર પછી ક્રમશઃ ત્યાંથી વધતું રહીને ઉપરમાં ૮૫,૨૭૮ વટાવી ગયું હતું. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૬૬૭ શૅર સામે ૧૪૭૧ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૭૪,૦૦૦ કરોડ વધી ૪૭૧.૦૩ લાખ કરોડ થયું છે. મોટા ભાગનાં સેક્ટોરલ પ્લસમાં હતાં. FCMG, PSU બૅન્ક નિફ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ઇન્ડેક્સ સર્વાધિક અડધા ટકા આસપાસ સુધર્યા હતા. સામે ટેલિકૉમ અને ઑટો બેન્ચમાર્ક ૦.૯ ટકા ડૂલ થયા છે.


સરકારી કંપની ડ્રેજિંગ કૉર્પોરેશન ૧૦૭૦ પર નવી ટૉપ બતાવી બે ટકા વધી ૧૦૫૭ થઈ છે. પિયર ગ્રુપની નૉલેજ મરીન ઍન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ ૩૬૨૪ની ઑલટાઇમ હાઈ દેખાડી ૨૯૫ કે ૯ ટકા ઊછળી ૩૫૭૯ થઈ છે. ૭ એપ્રિલે ભાવ ૧૨૬૫ના વર્ષના તળિયે હતો. મુથૂટ ફાઇનૅન્સ ૩૫૬૯ના શિખરે જઈ અડધા ટકાના સુધારામાં ૩૮૫૬ હતી. તાજેતરમાં લિસ્ટેડ થયેલી આણંદની વિદ્યા વાયર્સ ૪૮.૭૭નું વર્સ્ટ લેવલ દેખાડી ૪.૭ ટકા ખરડાઈ ૪૯.૨૨ બંધ થઈ છે.

પુણેની KSH ઇન્ટરનૅશનલનો ૭૧૦ કરોડનો ઇશ્યુ આજે ખૂલશે


આજે મંગળવારે પુણેના ચાકણ ખાતેની KSH ઇન્ટરનૅશનલ પાંચના શૅરદીઠ ૩૮૪ની અપરબૅન્ડમાં કુલ ૭૧૦ કરોડનો ઇશ્યુ કરવાની છે. એમાંથી ૨૯૦ કરોડ ઑફર ફૉર સેલ પેટે પ્રમોટર્સના ઘરમાં જશે. કંપનીના મુખ્ય પ્રમોટર કુશલ સુબૈયા હેગડેના નામ પરથી કંપનીનું નામ KSHથી શરૂ થાય છે. ૧૯૭૯માં સ્થપાયેલી મૅગ્નેટ વાઇન્ડિંગ વાયર્સની દેશની સૌથી મોટી ત્રીજા નંબરની મૅન્યુફૅક્ચરર્સ તથા લાર્જેસ્ટ એક્સપોર્ટર્સ હોવાનો દાવો કરે છે. કંપનીએ ગયા વર્ષે ૩૯ ટકા વધારામાં ૧૯૩૮ કરોડ આવક પર ૮૨ ટકા વૃદ્ધિદરથી ૬૮ કરોડ નેટ નફો કર્યો છે. પ્રથમ ૬ મહિનામાં ચાલુ વર્ષે આવક ૫૬૨ કરોડ તથા ચોખ્ખો નફો ૨૨૬૮ કરોડ થયો છે. દેવું હાલમાં ૩૭૯ કરોડ કરતાં વધુ છે. ઇશ્યુમાંથી ૪૨૦ કરોડ જે કંપનીમાં જવાના છે એમાંથી ૨૨૬ કરોડ દેવાની ચુકવણીમાં વાપરવાની યોજના છે. પિયર ગ્રુપમાં વર્ષે ૩૩૦૦ કરોડની આવક ધરાવતી પ્રિસિઝન વાયર્સનો શૅર હાલ ૪૧.૬ના પીઈ પર મળે છે. એની સામે આ કંપનીની ઇશ્યુ પ્રાઇસ ૩૮.૩નો પીઈ સૂચવે છે. ગ્રેમાર્કેટમા પ્રીમિયમ શરૂ થયું નથી.

દરમ્યાન ગઈ કાલે અમદાવાદી કોરોના રેમેડીઝ ૧૦ના શૅરદીઠ ૧૦૬૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૩૦૭થી શરૂ થઈ ઉપરમાં ૩૬૫ અને નીચામાં ૨૬૨ થઈ છેલ્લે બોલાતા ૩૪૨ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૪૫૨ ખૂલી ૧૪૩૭ બંધ થતાં ૩૫.૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ખોટ કરતી ફર્નિચર કંપની વેકફિટ ઇનોવેશન્સ એકના શૅરદીઠ ૧૯૫ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ગ્રેમાર્કેટમાં ૩૬થી શરૂ થઈ ઝીરો થયા બાદ છેલ્લે ચાલતા ચારના પ્રીમિયમ સામે ૧૯૪ ખૂલી ૧૯૨ બંધ રહેતાં ૧.૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. SME સેગમેન્ટમાં થાણેની કેવી ટૉય્ઝ શૅરદીઠ ૨૩૯ની ઇશ્યુ પ્રાઇસ અને ૨૪થી શરૂ થઈ છેલ્લે બોલાતા ૧૨૯ના પ્રીમિયમ સામે ૩૨૦ ખૂલી ૩૩૬ બંધ થતાં એમાં ૪૦.૬ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. અંધેરી-ઈસ્ટની પ્રોડોક્સ સૉલ્યુશન્સ શૅરદીઠ ૧૩૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૪૪ ખૂલી ૧૫૧ બંધ થતાં ૯.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. તો ગોંડલની રિદ્ધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સ શૅરદીઠ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ એક જ દિવસ માટે એકાએક ૨૪ બોલાયા પછી ઝીરો થયેલા પ્રીમિયમ સામે ૮૦ ખૂલી ૭૬ બંધ થતાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. 

હિન્દુસ્તાન ઝિન્ક નવા શિખરે, જેફરીઝ તરફથી ૬૬૦ની ટાર્ગેટ પ્રાઇસ જારી

ઘરઆંગણે ચાંદી કીલોદીઠ વિક્રમી સપાટી સાથે બે લાખ રૂપિયાની પાર જતાં હિન્દુસ્તાન ઝિન્ક સતત પાંચમા દિવસની આગેકૂચમાં બમણા કામકાજે ૫૭૨ નજીક નવી વિક્રમી સપાટી નોંધાવી સવા ટકો વધી ૫૬૮ રહી છે. વેદાન્તા ૫૫૨ની ઑલટાઇમ હાઈ દેખાડી સવા ટકો વધી ૫૫૦ હતી, તો હિન્દાલ્કો અડધો ટકો ઘટી ૮૪૮ રહી છે. બોનસ તથા શૅરવિભાજન બાદ થતાં શુક્રવારે તગડો જમ્પ મારનારી ભારત રસાયણ ગઈ કાલે પોણાબે ગણા કામકાજે નીચામાં ૨૪૯૮ બતાવી ૫.૬ ટકા ગગડી ૨૫૧૩ થઈ છે. BSE લિમિટેડ તાજેતરની મજબૂતી બાદ ૩.૨ ટકા બગડી ૨૬૪૯ બંધ આવી છે.

ફિલ્મ ‘ધુરંધર’નું કલેક્શન ૩૦૦ કરોડ વટાવી ગયું છે. પિક્ચર સુપરહિટ જવાની શક્યતા ઘણી વધી  છે. સરવાળે મલ્ટીપ્લેક્સ પીવીઆર આઇનૉક્સ પાંચ ગણા વૉલ્યુમે ગઈ કાલે ઉપરમાં ૧૧૩૩ વટાવી છેલ્લે ત્રણ ટકા ઊંચકાઈ ૧૦૮૩ બંધ આવી છે. ફિલ્મ પ્રોડક્શન તેમ જ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રની કંપનીઓમાં ગઈ કાલે યુએફઓ મૂવીઝ ૮૫ નજીક જઈ સાત ટકાના જોરમાં ૮૩, સિનેલાઇન ઇન્ડિયા ૯૫ વટાવી સવાનવ ટકાના ઉછાળે ૯૩, પ્રાઇસ ફોક્સ પોણાછ ટકા વધી ૨૧૨ બંધ થઈ છે. પેનોરાયા સ્ટુડિયોઝ ૩૯ના વર્સ્ટ લેવલે જઈ પોણો ટકો ઘટીને ૪૩ હતી. નેટવર્ક૧૮ સવા ટકો સુધરી ૪૩ હતી. પ્રીતીશ નંદી કમ્યુનિકેશન્સ પાંચ ટકા તૂટીને ૨૬ થઈ છે. ટિપ્સ ફિલ્મ્સ સાધારણ નરમ હતી.

સરકાર રાહત પૅકેજ તૈયાર કરી રહી હોવાના અહેવાલે વોડાફોન ૧૨ રૂપિયા પર ૧૪ મહિનાની ટૉપ બનાવી સવાયા કામકાજે અઢી ટકા ઘટી ૧૧.૩૬ રહી છે. હિન્દુસ્તાન કૉપર ૩૯૦ની ૧૯ મહિનાની ટોચે જઇ પ્રૉફિટ બુકિંગમાં ૩૭૫ થઈ અડધો ટકો ઘટી ૩૮૦ હતી. ઈડી તથા CBIની ધાકમાં તાજેતરમાં મલ્ટીયર તળિયે ગયેલી અનિલ અંબાણીને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૩ નજીક ગઈ છે. રિલાયન્સ પાવર અડધો ટકો ઘટી ૩૪.૩૭ રહી હતી.

રિફેક્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૭ મહિનાના તળિયે જઈ સત્તર ટકા ઊછળી

ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ ૦.૯ ટકા કે ૫૩૭ નૉઇન્ટ ડૂલ થયો છે. મહિન્દ્ર ૧.૯ ટકા બગડી ૩૬૦૮ બંધમાં ઑટો બેન્ચમાર્કની સાથોસાથ સેન્સેક્સ નિફ્ટીમાં પણ ટૉપ લૂઝર બની બજારને ૫૩ પૉઇન્ટ નડી છે. હ્યુન્દાઇ મોટર ૧.૯ ટકા અને આઇશર ૧.૪ ટકા ડાઉન હતી. અશોક લેલૅન્ડ ૧૬૭ ઉપર નવી ટોચે જઈ પોણાબે ટકા વધી ૧૬૭ રહી છે. તાતા મોટર્સ પૅસેન્જર નહીંવત્ નરમ હતી. સામે તાતા મોટર નવી ૧.૧ ટકા વધી ૩૭૮ થઈ છે. સેન્સેક્સ નિફ્ટીમાં ONCG ૧.૧ ટકા, HDFC લાઇફ ૦.૭ ટકા, JSW સ્ટીલ એક ટકા, સિપ્લા ૦.૭ ટકા, બજાજ ઑટો પોણો ટકો, બજાજ ફિનસર્વ પોણો ટકો માઇનસ હતી. હિન્દુસ્તાન યુનિલીવર ૧.૪ ટકા વધી ૨૨૯૨નો બંધ આપી સેન્સેક્સ ખાતે તથા ઇન્ડિગો ૨.૨ ટકા વધી ૪૯૬૫ બંધ આપી નિફ્ટીમાં ટૉપ ગેઇનર બની છે. અન્યમાં શ્રીરામ ફાઇનૅન્સ ૦.૯ ટકા, તાતા કન્ઝ્યુમર પોણો ટકા, HCL ટેક્નો ૦.૭ ટકા, ટ્રેન્ટ ૦.૮ ટકા, તાતા સ્ટીલ અડધો ટકો સુધરી હતી. રિલાયન્સ ૧૫૫૬ના લેવલે યથાવત્ રહી છે.

ઇન્ડસ્ટ્રિયલ ગૅસ ઉત્પાદક રિફેક્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૧૨ની આશરે ૧૭ મહિનાની બૉટમ બતાવી તગડા બાઉન્સ બૅકમાં ઉપરમાં ૩૦૩ થઈ ૧૭.૧ ટકાની તેજીમાં ૨૯૮ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. શક્તિ પમ્પ્સ ૫૪૯ના વર્સ્ટ લેવલે ગયા બાદ મજબૂત વલણ જાળવી રાખતાં ૭૭૪ થઈ ૧૭ ટકાના જમ્પમાં ૭૬૦ હતી. જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં ગયા ગુરુવારે ૬૦નું તળિયું બન્યું હતું. ભાવ ગઈ કાલે સવાદસ ટકા ઊંચકાઈ ૬૭ થયો છે. કૉફીડે એન્ટરપ્રાઇઝિસ ૧૧.૧ ટકા તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ૮.૬ ટકા મજબૂત બની છે.

JSW હોલ્ડિંગ્સ ઉપરમાં ૨૨૪૮૮ નજીક જઈ સરેરાશ કરતાં ૧૫ ટકા વૉલ્યુમે નીચામાં ૨૧,૩૧૫ થઈ સવાત્રણ ટકા કે ૭૦૯ રૂપિયા ખરડાઈ ૨૧૪૫૦ રહી છે. પીટીસી ઇન્ડસ્ટ્રીઝ ૪.૧ ટકા કે ૭૪૮ રૂપિયાના ઘટાડે ૧૭૪૯૨ હતી. સ્પાઇસ જેટ તાજેતરની રૅલી બાદ ૩.૬ ટકા ઘટી ૩૧.૬૨ બંધ આવી છે. એમ્બેસી ડેવલપમેન્ટ્સ સાડાછ ટકા ગગડી ૬૮ બંધ સાથે એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. થોડા દિવસ પૂર્વે લિસ્ટેડ થયેલી વર્કમેટ્સ કોરટુકલાઉડ આઠ ટકા તૂટી ૩૮૫ થઈ છે તો ફિઝિક્સવાલા સવાત્રણ ટકાની નરમાઈમાં ૧૩૧ હતી.

કચ્છની નેપ્ચ્યુન લૉજીટેકમાં પ્રીમિયમ ૩૫ બોલાઈને ૪ રૂપિયે

કચ્છની નેપ્ચ્યુન લૉજીટેકનો ૧૦ના શૅરદીઠ ૧૨૬ના ભાવનો ૪૬૬૨ લાખનો BSE SME IPO ગઈ કાલે પ્રથમ દિવસે કુલ એક ગણો ભરાયો છે. પ્રીમિયમ હાલ ચાર સંભળાય છે. મેઇનબોર્ડ ખાતે ICICI પ્રુડેન્શિયલ AMCનો એકના શૅરદીઠ ૨૧૬૫ના ભાવનો ૧૦,૬૦૩ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ બે ગણા જેવો ભરાઈ ચૂક્યો છે. ગ્રેમાર્કેટમાં ૨૯૨ રૂપિયાવાળું પ્રીમિયમ ઘટીને હાલમાં ૨૬૦ બોલાય છે.

SME સેગમેન્ટમાં અમદાવાદી સ્ટેનબીક ઍગ્રોનો ૧૦ના શૅરદીઠ ૩૦ના ભાવનો ૧૨૨૮ લાખનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે ૬૦ ટકા, થાણેનો અશ્વિની કન્ટેનર મૂવર્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૨ના ભાવનો ૭૧ કરોડનો NSE SME ઇશ્યુ કુલ ૩૨ ટકા તથા ગુડગાંવની એક્ઝિમ રાઉટ્સનો પાંચના શૅરદીઠ ૮૮ના ભાવનો ૪૩૭૩ લાખનો NSE SME IPO કુલ ૧.૧ ગણો ભરાયો છે. હાલ સ્ટેનબીકમાં ઝીરો, અશ્વિનીમાં ત્રણ ટકા, એક્ઝિમમાં ઝીરો પ્રીમિયમ છે.

કાલે બે SME ભરણાં પૂરાં થયાં છે જેમાં અમદાવાદી HRS એલ્યુગ્લેઝનો ૧૦ના શૅરદીઠ ૯૬ના ભાવનો ૫૦૯૨ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૪૯ ગણા સહિત કુલ ૪૫ ગણો તથા નવી દિલ્હીની પેજસન ઍગ્રો ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૭૪૪૫ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૩.૯ ગણા સહિત કુલ સાડાછ ગણો ભરાઈને પૂરો થયો છે. HRS એલ્યુગ્લેઝમાં ગ્રેમાર્કેટ ખાતે છેલ્લે બોલાતું ૧૪વાળું પ્રીમિયમ હાલમાં ૨૩ તથા પેજસનમાં પાંચનું પ્રીમિયમ ઘટીને અત્યારે ત્રણ ચાલે છે.

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2025 07:14 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK