આ બાબતનો વિડિયો પણ વાઇરલ થયો હતો. જે લોકોને દાદરથી CSMT AC લોકલમાં જવું હતું તેમને ચડવા મળ્યું નહોતું.
દાદર સ્ટેશન પર ઊતરવા ન મળતાં રોષે ભરાયેલા પ્રવાસીઓએ મોટરમૅન અને ગાર્ડ સાથે જીભાજોડી કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
સેન્ટ્રલ રેલવેમાં ગઈ કાલે બદલાપુરથી સવારે ૧૦.૪૨ વાગ્યાની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જઈ રહેલી ફાસ્ટ AC લોકલ દાદર સ્ટેશન પર ૧૧.૫૫ વાગ્યે પહોંચી ત્યારે એના દરવાજા ખૂલ્યા જ નહોતા. એ પછી ટ્રેન ભાયખલા સ્ટેશન પર ઊભી રહી ત્યારે દરવાજા ખૂલ્યા હતા. એથી ભાયખલા ઊતર્યા પછી જે પૅસેન્જરોએ દાદર ઊતરવું હતું અને નાછૂટકે ભાયખલા ઊતરવું પડ્યું તેઓ ભડક્યા હતા અને તેમણે ગાર્ડ અને મોટરમૅન સાથે જીભાજોડી પણ કરી હતી. આ બાબતનો વિડિયો પણ વાઇરલ થયો હતો. જે લોકોને દાદરથી CSMT AC લોકલમાં જવું હતું તેમને ચડવા મળ્યું નહોતું.
સવારના પીક અવર્સમાં ઑફિસ પહોંચવાનું હોય ત્યારે પહેલાં દાદરથી ભાયખલા જવું પડ્યું અને ત્યાંથી પાછા દાદર આવવામાં પ્રવાસીઓનો સમય વેડફાયો હતો અને હેરાનગતિ પણ ભોગવવી પડી હતી. ટ્રેન ભાયખલા ઊભી રહી ત્યારે પ્રવાસીઓએ મોટરમૅન અને ગાર્ડ સાથે ઝઘડો કર્યો હતો. આ વિશે એ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા મુકેશ મખીજાએ ત્યાર બાદ પર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘ફરી એક વાર દાદર સ્ટેશન પર AC લોકલના દરવાજા ન ખૂલ્યા અને ટ્રેન ચાલુ થઈ ગઈ. આ એકદમ રિડિક્યુલસ છે. વળી મોટરમૅનની કૅબિનમાં ૭ જણ કઈ રીતે પ્રવાસ કરી શકે?’
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટેક્નિકલ ફૉલ્ટને કારણે AC લોકલના દરવાજા દાદર સ્ટેશન પર નહોતા ખૂલ્યા એટલે ટ્રેન ભાયખલા લઈ જવાઈ હતી. ત્યાં એ ટેક્નિકલ ફૉલ્ટ બહારથી ઉકેલી શકે એવી વ્યક્તિ પ્લેટફૉર્મ પર હાજર રાખવામાં આવી હતી એટલે એ સમસ્યા સૉલ્વ કરી લેવાઈ હતી. જ્યાં સુધી મોટરમૅનની કૅબિનમાં પ્રવાસ કરવાની વાત છે તો એ માટે ૩+૧ની પરવાનગી હોય છે. જે વ્યક્તિએ એવા આક્ષેપ કર્યા છે કે મોટરમૅનની કૅબિનમાં ૭ જણ હતા તે અમને એ માટેનું પ્રૂફ પ્રોવાઇડ કરે, અમે ચોક્કસ એ બાબતે તપાસ કરાવીશું.’


