ક્રૂડ ૧૧૦ ડૉલર પર મક્કમ, ડૉલર સામે રૂપિયો ઘટી ૯૫.૨૬ દેખાયો MRPL વૉલ્યુમ સાથે ઝળકી, ખોટમાંથી નફામાં આવતાં એથર એનર્જી ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બની નફામાં ૩૬ ટકાનો ઘટાડો અને માર્જિન બગડવા છતાં ડૉ. રેડ્ડીઝ લૅબ તગડા ઉછાળે.
પ્રતીકાત્મક તસવીર
ક્રૂડ ૧૧૦ ડૉલર મક્કમ છે. એશિયન બજારોએ નવા સપ્તાહનો આરંભ વિશ્વ વલણથી કર્યો છે. સાઉથ કોરિયા દોઢ ટકા અને ઇન્ડોનેશિયા સવા ટકો ઘટ્યું છે. સામે થાઇલૅન્ડ એક ટકો તો હૉન્ગકૉન્ગ અડધો ટકો પ્લસ હતું. તાઇવાન રજામાં હતું. યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકો પ્લસ રહ્યું છે. ડૉલર સામે નરમાઈના નવા રાઉન્ડમાં રૂપિયો ઘટી ૯૫.૨૬ વટાવી રનિંગમાં ૯૫.૧૯ થયો છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૩૪ પૉઇન્ટ નરમ, ૭૨,૯૯૦ ખૂલી છેવટે ૪૮૩ પૉઇન્ટના સુધારે ૭૩,૬૦૭ અને નિફ્ટી ૧૫૩ પૉઇન્ટ વધી ૨૨,૭૫૩ સોમવારે બંધ આવ્યો છે. સળંગ ૪ દિવસની નરમાઈ બાદ નેગેટિવ ઓપનિંગમાં ખૂલેલો સેન્સેક્સ નીચામાં ૭૨,૫૧૫ની અંદર ગયો હતો. શરૂ-શરૂની આ પ્રારંભિક ખરાબી બાદ બજાર ઝડપથી બેઠું થયું હતું. શૅરઆંક ઉપરમાં કસીનો-સેશનના અંતે ૭૩,૬૦૭ થયો હતો. કસીનો-સેશન પૂર્વે સેન્સેક્સ ૭૩,૪૯૬ તથા નિફ્ટી ૨૨,૭૧૭ હતો. બજારનો ગઈ કાલનો સુધારો મુખ્યત્વે મંગળવારની નિફ્ટી વીકલી એક્સપાયરી, માથે જિયો પ્લૅટફૉર્મનું લિસ્ટિંગ તેમ જ સળંગ ૪ દિવસની લગભગ ૧૬૦૦ પૉઇન્ટ જેવી નબળાઈ પછી સાહજિક ટેક્નિકલ સુધારાનું પરિણામ છે. આ રૅલી લાંબી ચાલવાની નથી. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૦૬૩ શૅરની સામે ૧૫૨૫ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪.૧૯ લાખ કરોડ વધી ૪૫૬.૦૨ લાખ કરોડ થયું છે. નિફ્ટી મીડિયા જેવા જૂજ અપવાદ સિવાય તમામ સેક્ટોરલ પ્લસ થયા છે. મેટલ ઇન્ડેક્સ અઢી ટકા, ટેલિકૉમ બે ટકા, ઑઇલ-ગૅસ દોઢ ટકા, હેલ્થકૅર ૧.૯ ટકા મજબૂત હતો. ઇક્વિટી ઉપર લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સના મામલે ઘટતું કરવા સરકારે સેબી, ટૅક્સ-ઑથોરિટી, બૅન્કો સહિત અન્ય લાગતા-વળગતા સાથે બેઠક યોજી હોવાના બિન-સત્તાવાર અહેવાલ વહેતા થયા હતા એની અશર બજાર બંધ થવાના સમયે વરતાઈ હોવાનું કેટલાક માને છે.
ડૉ. રેડ્ડીઝ લૅબની ત્રિમાસિક આવક દોઢ ટકો ઘટીને ૮૬૭૧ કરોડ થઈ છે, નફો ૩૬ ટકા ઘટી ૯૧૩ કરોડ આવ્યો છે. માર્જિન ૬ ટકા ગગડ્યું છે છતાં શૅર સાડાછ ટકા ઊછળીને ૧૩૧૧ના બંધમાં નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યો છે. JSW સ્ટીલ ૬.૩ ટકા, મૅક્સ હેલ્થકૅર અઢી ટકા, કોટક બૅન્ક ૨.૪ ટકા અત્રે વધી હતી. સેન્સેક્સમાં અદાણી પોર્ટ્સ પોણાત્રણ ટકા, એટર્નલ અઢી ટકા, કોટક બૅન્ક અઢી ટકા, ટ્રેન્ટ પોણાબે ટકા વધી છે. પરિણામની પૂર્વસંધ્યાએ તાતા સ્ટીલ દોઢ ટકો પ્લસ હતી. નિફ્ટીમાં શ્રીરામ ફાઇનૅન્સ સાડાચાર ટકા ગગડી ૮૨૫ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. તાતા કન્ઝ્યુમર પોણાત્રણ ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૧ ટકા, HDFC લાઇફ એકાદ ટકો નરમ હતી. ભારતી ઍરટેલ દોઢ ટકો વધી ૧૯૧૭ના બંધમાં બજારને ૭૧ પૉઇન્ટ ફળી છે. રિલાયન્સ પાંખા વૉલ્યુમે એક ટકો વધી ૧૨૦૨ હતી. ગાઇડન્સિસમાં ઘટાડાના પગલે ઇન્ફોસિસ નીચામાં ૧૧૧૦ની અંદર ઊતરી ગઈ હતી પછીથી એકાદ ટકાના સુધારે ૧૧૬૫ બંધ થઈ છે. હિન્દુસ્તાન યુનિલીવર તેમ જ સનફાર્મા યથાવત્ હતી. તાતા કન્ઝ્યુમર ૯૧૬ની બાવીસ માસની બૉટમ બનાવી પોણાત્રણ ટકા બગડી ૯૩૬ બંધ આવી છે. એથર એનર્જી સાડાછ ગણા કામકાજે ૧૩.૭ ટકા ઊછળી ૧૫૭૪ બંધમાં ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. કંપનીએ ૬૩ ટકા વધારામાં ૧૪૬૪ કરોડ આવક મેળવી છે. ૧૫૪ કરોડની નેટ લૉસમાંથી સવા કરોડના નફામાં આવી છે. સ્કાયગોલ્ડ ૧૦.૫ ટકા, પીસી જ્વેલર્સ ૮.૫ ટકા, TBZ પાંચેક ટકા, PNGS રેવા ૧૨.૭ ટકા, શાંતિ ગોલ્ડ ૧૧ ટકા, દીપ જ્વેલર્સ ૯.૭ ટકા તૂટી છે.
ADVERTISEMENT
નફાના વસવસામાં રેલટેલ કૉર્પોરેશન ૩ વર્ષના તળિયે
એ.યુ. બૅન્ક તરફથી ૩૨ ટકા વધારામાં ૨૮૨૦ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૫૩ ટકા વૃદ્ધિદરથી ૮૫૮ કરોડ નેટ નફો બતાવાયો છે પણ ભાવ ૧૩ ગણા કામકાજે નીચામાં ૮૪૫ થઈ સાતેક ટકા ગગડી ૮૬૯ બંધ થયો છે. નેટવેબ ટેક્નૉલૉઝિસે ૩૩૬ ટકા વૃદ્ધિદરથી ૧૩૭ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. પ્રારંભિક મજબૂતીમાં ૪૬૦૦ થયા પછી શૅર અઢી ગણા વૉલ્યુમે ગગડી ૪૧૦૬ બતાવી સવા ટકાના ઘટાડે ૪૨૮૫ બંધ થયો છે. ડિફેન્સ કંપની અપોલો માઇક્રો સિસ્ટમ્સે ૭૨ ટકા વધારામાં ૩૮૮ કરોડ આવક ઉપર ૫૬ ટકા જેવા વૃદ્ધિદરમાં ૪૮૪૦ લાખ નેટ નફો કરતાં ભાવ સાતેક ગણા કામકાજે ૪૩૨ વટાવીને ૧૦ ટકાના જમ્પમાં ૪૧૧ હતો.
સરકારની રેલટેલ કૉર્પોરેશને ૨૦.૫ ટકા વધારામાં ૧૧૪૬ કરોડની આવક મેળવી છે પણ નફો દસેક ટકા ઘટી ૬૮૬૦ લાખ જોવાયો છે. શૅર ૨૨૧ની ૩ વર્ષની બૉટમ બનાવી દોઢ ટકો ઘટી ૨૨૫ હતો. DCB બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૧૭.૩ ટકા વધી ૬૯૯ કરોડ થઈ છે. નફો ૨૮.૩ ટકા વધી ૨૩૬ કરોડ આવ્યો છે. NPA ઘટી છે. શૅર બમણા કામકાજે નીચામાં ૧૯૧ થઈ સવાત્રણ ટકાની નરમાઈમાં ૧૯૩ થયો છે. તાતા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સની આવક ૩૬.૩ ટકા વધીને ૨૫,૩૩૮ કરોડ થઈ છે. કંપની ૮૬૭ કરોડની નેટ લૉસમાંથી ૧૨૫૭ કરોડના નફામાં આવી છે. શૅર ઉપરમાં ૪૦૧ થયા બાદ ૩૮૨ અંદર જઈ ૩ ટકા બગડી ૩૮૩ રહ્યો છે. IDFC ફર્સ્ટ બૅન્કે ૨૧ ટકા વધારામાં ૬૧૮૪ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૩૫૨ કરોડ સામે ૧૦૪૪ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ૩ ગણા કામકાજે એક ટકો ઘટી ૭૨ નજીક હતો.
SBI ફન્ડ્સ ૩ માસમાં ૬૨૫ના શિખરથી ૪૩૩ના ઑલટાઇમ તળિયે
સ્ટેટ બૅન્ક જેમાં સહપ્રમોટર્સ તરીકે ૫૫.૬ ટકા હોલ્ડિંગ ધરાવે છે એ SBI ફન્ડ્સ મૅનેજમેન્ટ તરફથી ૬ ટકા ઘટાડામાં ૭૦૧ કરોડ ત્રિમાસિક નફો દર્શાવાયો છે. એમાં શૅર બમણા વૉલ્યુમે ૪૩૩ની લાઇફ ટાઇમ બૉટમ બનાવીને અઢી ટકા ઘટી ૪૫૨ થયો છે. ૨૧ જુલાઈ ૨૦૨૬ના રોજ અહીં ૬૨૫નું શિખર બન્યું હતું. આ કંપની ચાલુ વર્ષે મિડ-જુલાઈમાં એકના શૅરદીઠ ૫૭૪ના ભાવથી ૯૭૯૫ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ લાવી હતી. એમાંથી ૫૭૦૧ કરોડ SBIની તિજોરીમાં ગયા હતા. પિયર ગ્રુપમાં ICICI-પ્રુ અસેટ મૅનેજમેન્ટ સાડાત્રણ ટકા વધી ૨૭૪૮ રહી છે. એકના શૅરદીઠ ૨૧૬૫ના ભાવે એનો ૧૦,૬૦૭ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ ડિસેમ્બર ૨૦૨૫માં આવ્યો હતો. કૅનેરા બૅન્ક રોબેકો અસેટ મૅનેજમેન્ટ ૧૦ના શૅરદીઠ ૨૬૬ના ભાવે ૧૩૨૬ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ૨૦૨૫ના મિડ-ઑક્ટોબરમાં લાવી હતી. એનો ભાવ ગઈ કાલે ૧૯૯ના વર્સ્ટ લેવલે જઈ અડધો ટકો ઘટી ૨૦૩ રહ્યો છે. વર્ષ પૂર્વે, ૨૭ ઑક્ટોબરના રોજ એમાં ૩૫૩ની ટૉપ બની હતી.
MRPLમાં બ્રોકરેજ હાઉસિસના બુલિશ વ્યુની થીમમાં ગઈ કાલે પાંચ ગણા વૉલ્યુમ ભાવે ઉપરમાં ૧૮૫ થઈ સાડાબાર ટકા ઊછળી ૧૮૩ બંધ આવ્યો છે. ચાર્ટવાળા કહે છે કે ૧૮૫ ઉપર બંધ આવતાં ઝડપી તેજી દેખાશે. ચેન્નઈ પેટ્રોલિયમ પણ પોણાબે ગણા કામકાજે ૧૫૭૪ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૩.૨ ટકા ઊંચકાઈ ૧૫૨૫ હતી. BSE લિમિટેડનાં રિઝલ્ટ ૪ નવેમ્બરે છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનૅન્સ સર્વિીવસે ૪૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ આપ્યો છે. શૅર ઉપરમાં ૩૩૭૯ થઈ ૪ ટકાની મજબૂતીમાં ૩૩૫૯ થયો છે. NSE લિમિટેડ નીચે ૧૬૫૨ થયા બાદ બાઉન્સબૅકમાં ૧૭૫૧ બતાવી ૪.૫ ટકા વધી ૧૭૪૩ હતી. પરિણામ ૩ નવેમ્બરે છે. MCX લિમિટેડ ૩ ગણા વૉલ્યુમે ૨૯૮૬ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૩૧૩૪ થઈ ૩.૩ ટકા વધીને ૩૧૧૬ બંધ આવી છે. એનાં રિઝલ્ટ પણ ૩ નવેમ્બરે છે.
નવી મુંબઈની SFC એન્વાયર્નમેન્ટલ સહિત આજે ૩ IPO ખૂલશે
આજે મંગળવારે નવાં ૩ ભરણાં ખૂલવાનાં છે. મેઇન બોર્ડમાં નવી મુંબઈના વાશી ખાતેની SFC એન્વાયર્નમેન્ટલ ટેક્નૉલૉઝિસ બેના શૅરદીઠ ૩૩૦ની અપરબેન્ડમાં કુલ ૬૬૮ કરોડનો ઇશ્યુ કરશે જેમાંથી ૫૧૮ કરોડ ઑફર ફૉર સેલ છે. પ્રમોટર્સ એમાંથી ૧૫૪ કરોડ ઘરભેગા કરશે. ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ, વેસ્ટ વૉટર રિસાઇક્લિંગ તથા સૉલિડ વેસ્ટ ટ્રીટમેન્ટના ક્ષેત્રે કામકાજ કરે છે. ગત વર્ષે ૧૩ ટકા વધારામાં ૮૨૧ કરોડ આવક ઉપર પાંચ ટકા વૃદ્ધિદરથી ૧૬૦ કરોડ નેટ નફો કર્યા પછી કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં ૧૩૮ કરોડની આવક અને દોઢેક કરોડ જેવો ચોખ્ખો નફો કર્યો છે. દેવું ૨૦૫ કરોડનું છે. ઇશ્યુમાંથી ૭૫ કરોડ વર્કિંગ કૅપિટલમાં તથા ૪૨ કરોડ સબસિડિયરીના દેવાની ચુકવણીમાં વપરાશે. ઇશ્યુ પ્રાઇસ ૫૪૧ જેવો અતિ અવાસ્તવિક ઊંચો પીઈ સૂચવે છે. કંપનીમાં કૉર્પોરેટર ગવર્નરના પ્રશ્નો છે. એના એક પ્લાન્ટને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી શોકૉઝ મળેલી છે. ગેરરીતિ અને ફ્રૉડ બદલ કંપનીની ઑસ્ટ્રિયન સબસિડિયરીને વિશ્વ બૅન્કે બ્લૅક લિસ્ટમાં મૂકેલી છે. ગ્રેમાર્કેટમાં ૩૧થી શરૂ થયેલું પ્રીમિયમ નીચામાં ૨૧ થયા બાદ ૩૨ થઈ હાલ ૨૮ ચાલે છે.
બીજી કંપની નવી દિલ્હીની BLS પૉલિમર્સ ૧૦ના શૅરદીઠ ૧૫૦ની અપરબેન્ડમાં કુલ ૨૫૫ કરોડનું ભરણું આજે લાવશે. કંપની વાયર્સ, કેબલ્સ તથા અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન્સ બનાવવામાં વપરાતા સ્પેશ્યલાઇઝ્ડ પૉલિમર કમ્પાઉન્ડ્સનું ઉત્પાદન કરે છે. ગત વર્ષે પાંચ ટકા વધારામાં ૩૫૪ કરોડ આવક ઉપર ૨૮ ટકા વધારામાં ૨૭ કરોડ નફો કર્યા પછી પ્રથમ ૩ માસમાં કંપનીએ ૧૦૮ કરોડની આવક અને સવાદસ કરોડ જેવો નફો બતાવ્યો છે. દેવું ૬૩ કરોડ છે. ઇશ્યુમાંથી ૭૭ કરોડ વિસ્તરણ પાછળ તથા ૮૯ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૮થી શરૂ થઈ વધતું રહી ૩૮ થયા બાદ અત્યારે ૩૭ બોલાય છે.
નવી દિલ્હીની વિસ્કોન ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૨૦૪ની અપર બેન્ડમાં કુલ ૧૧૦ કરોડનો BSE SME IPO આજે કરવાની છે. એમાંથી ઑફર ફૉર સેલ પેટે બાવીસ કરોડ રૂપિયા પ્રમોટર સિદ્ધાંત દાલમિયા લઈ જશે. માર્કેટમેકર માટે ૮ કરોડના શૅર રિઝર્વ્ડ છે. QIB પોર્શન ૪૯ ટકા તથા રીટેલ પોર્શન ૩૫.૬ ટકા છે. ૨૦૨૨માં સ્થપાયેલી આ કંપની દેશમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ પ્રોડક્ટ્સનું ટ્રેડિંગ કરે છે. થર્ડ પાર્ટી બ્રૅન્ડ્સથી ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પણ વેચે છે. કંપનીએ ફક્ત છેલ્લાં સવા વર્ષની કામગીરી રજૂ કરી છે જે પ્રમાણે ગત વર્ષે ૧૯૭ કરોડની આવક ઉપર ૨૦૪૧ લાખ નફો બતાવ્યા પછી ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં ૭૦ કરોડ નજીકની આવક અને આઠેક કરોડ નફો દર્શાવ્યો છે. દેવું ૩૭ કરોડનું છે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ શરૂ થયું નથી.
એડલવાઇસની ઇઆ ઇન્ડિયા ઑલ્ટરનેટિવ્સને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ
ગઈ કાલે એડલવાઇસ ગ્રુપની એડલવાઇસ ઓલ્ટરનેટિવ્સ કે ઇઆ ઇન્ડિયા ઓલ્ટરનેટિવ્સનો પાંચના શૅરદીઠ ૧૬૬૫ની અપરબેન્ડમાં ૧૨૦૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ચારેક ટકા સહિત કુલ ૧૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૧૨૧થી શરૂ થયા બાદ સડસડાટ ગગડી નીચામાં ૩૩ થયા બાદ હાલમાં ૩૬ બોલાય છે. મૈસૂરની કૉર ફૉર એન્જિનિયર્સનો ૧૦ના શૅરદીઠ ૯૩ના ભાવનો ૫૫ કરોડનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે રીટેલમાં ૩૮ ટકા સહિત કુલ ૬૪ ટકા ભરાયો છે. ભરણું આજે, મંગળવારે બંધ થવાનું છે. પ્રીમિયમ નથી. જિયો પ્લૅટફૉર્મનું લિસ્ટિંગ ૨૮મીએ થવાનું છે. પ્રીમિયમ હાલમાં ૨૪૪ આસપાસ છે. પારસ હેલ્થકૅર પણ ૨૮મીએ લિસ્ટિંગમાં જશે, પ્રીમિયમ ઘટતું રહી નીચામાં ૯ થયા બાદ હાલ ૧૧ બોલાય છે.
દરમ્યાન આગલા દિવસે એટલે કે શુક્રવારે પાંચ ભરણાં લિસ્ટેડ થયાં હતાં. એમાંથી મેઇન બોર્ડમાં દસેક ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૩૭૮ બંધ થયેલી સહજાનંદ મેડિકલ ગઈ કાલે ૪૪૬નું નવું શિખર બતાવી ૮.૪ ટકા ઊછળી ૪૧૦; ૬૨ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૧૩૩ બંધ આવેલી ટોન્બો ઇમેજિંગ ૧૩૩૧ની નવી ટૉપ દેખાડી ૭.૬ ટકા વધીને ૧૨૨૦; સાડાઆઠ ટકા જેવી લિસ્ટિંગ લૉસમાં ૧૩૮ બંધ રહેલી ઝેટવર્ક મૅન્યુફૅક્ચરિંગ ઉપરમાં ૧૫૦ નોંધાવી પાંચ ટકા ઊંચકાઈને ૧૪૫ તથા માંડ પોણાબે ટકા લિસ્ટિંગ ગેઇન સાથે ૫૭૬ બંધ થયેલી બોનફીગ્લીયોલી ટ્રાન્સમિશન્સ ૬૨૧ની નવી ટોચ બનાવી ૭ ટકા ઊછળી ૬૧૭ બંધ થઈ છે. જ્યારે પાંચ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૭૦ બંધ રહેલી SME કંપની શેલ્ઝ ઇન્ડિયા ગઈ કાલે ૧૬૧નું નવું બૉટમ બતાવી પાંચ ટકા તૂટીને ત્યાં જ હતી. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય શૅરમાં ફ્યુઝન સીએક્સ ગઈ કાલે નીચામાં ૨૭૨ દેખાડી અઢી ટકા વધી ૨૮૮, એચ.ડી. ફાયર ૨૫૫નું વર્સ્ટ બૉટમ નોંધાવી ૫.૪ ટકા વધી ૨૮૧, રાવિતા એન્જિનિયરિંગ ઉપરમાં ૧૧૮ બતાવી પાંચ ટકા ગગડી ૧૧૩ તેમ જ વૈભવ વ્યાપાર નીચામાં ૫૦ થઈ સવા ટકો સુધરી ૫૩ રહી છે.
મિડાસ ફૅશન્સ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે બે ટકાની નીચલી સર્કિટમાં ૯૦.૬૫ થઈ ત્યાં જ બંધ થઈ છે. અગાઉ સાવંત ઇન્ફોકૉમ તરીકે ઓળખાતી નાશિકની મેગ્નસ સ્ટીલ ઍન્ડ ઇન્ફ્રા ૧૦ના શૅરદીઠ ભાવોભાવ, ૧૦ રૂપિયાના ભાવે પાંચ શૅરદીઠ ૫૯ શૅરના પ્રમાણમાં રાઇટ ઇશ્યુમાં આજે એક્સ રાઇટ થવાની છે. શૅર ગઈ કાલે ઉપર ૩૦.૬૬ થઈ ૪.૫ ટકા ઊચકાઈ ૩૦.૫૦ બંધ થયો છે. ૧૪ મે ૨૦૨૬ના રોજ શૅર ૨૨૩ના બેસ્ટ લેવલે જોવાયો હતો.
