આ SITની તપાસમાં હવે શું બહાર આવે છે એના પર બધાની નજર છે.
મનોજ જરાંગે
મનોજ જરાંગે દ્વારા જાહેર કરાયેલી ૫૦૦ કરોડની ઑડિયો-ક્લિપ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવીને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એથી હવે ૩ સભ્યોની SITની સ્થાપના કરવામાં આવી છે. સાઉથ ઝોનના ઍડિશનલ પોલીસ-કમિશનર શૈલેષ બલકવડેની અધ્યક્ષતા હેઠળ બે ડેપ્યુટી કમિશનર સાઉથ ઝોનના વિજયકાંત સાગર અને ક્રાઇમ બ્રાન્ચ હેઠળ આવતી સાઇબર બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર બજરંગ બનસોડેની સભ્યો તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ SITની તપાસમાં હવે શું બહાર આવે છે એના પર બધાની નજર છે.
SITની સ્થાપના કરીને ફોસલાવી ન દેતા, ઊંડી તપાસ કરજો : મનોજ જરાંગે
ADVERTISEMENT
હવે જ્યારે SITની સ્થાપના થઈ ગઈ છે ત્યારે મનોજ જરાંગેએ એના પર પણ તેમની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘ફક્ત SITની સ્થાપના કરીને અમને ફોસલાવી ન દેતા, તપાસનાં મૂળ સુધી જવાની જરૂર છે. આ ઑડિયો-ક્લિપ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ નથી. એ ૧૦૦ ટકા સાચી છે. આટલી મોટી ક્લિપ AIથી બનાવી જ ન શકાય. આ ક્લિપ આખા દેશમાં વાઇરલ થઈ રહી છે. આ ક્લિપમાંના વિચારો બહુ જ ઝેરીલા છે. એ પ્લાનિંગ તોડી પાડવું જોઈએ. SITના અધ્યક્ષ શૈલેશ બલકવડે જાલનાના સુપરિન્ટેન્ડેન્ટ રહી ચૂક્યા છે અને દેવેન્દ્ર ફડણવીસની નજીકના ઑફિસર હોવાનું કહેવાય છે. એમ છતાં તેમણે આની તપાસ નિષ્પક્ષ કરવી જોઈએ. આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ ક્લિપ નથી જ. હું કેમ ખોટી ઑડિયો-ક્લિપ બનાવું? આની પાછળ BJPના લોકો સંકળાયેલા છે. હું આ સરકારને છોડીશ નહીં.’
મનોજ જરાંગેએ એવો પણ સવાલ કર્યો હતો કે ‘શું આ એકનાથ શિંદેની પૉલિટિકલ કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ હતો? એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની વચ્ચે હાલ કોલ્ડ વૉર ચાલી રહી છે. જો આ કેસની ઝીણવટભરી તપાસ કરાય તો શક્ય છે કે એવું પણ જાણવા મળે કે આ દેવેન્દ્ર ફડણવીસની પૉલિટિકલ કારર્કિર્દી ખતમ કરવા જ કાવતરું ઘડાયું હતું.’
