Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > યુએસ-ભારત વેપારકરાર અધ્ધર છે ત્યાં સુધી બજારની ચાલ પણ રહેશે અધ્ધર

યુએસ-ભારત વેપારકરાર અધ્ધર છે ત્યાં સુધી બજારની ચાલ પણ રહેશે અધ્ધર

Published : 15 December, 2025 10:28 AM | IST | Mumbai
Jayesh Chitalia

વીતેલા સપ્તાહ દરમ્યાન ટ્રેન્ડ કરેક્શનનો રહ્યા બાદ છેલ્લે શુક્રવારે બજારે કરેક્શનની બાજી પલટીને રિકવરી તરફ વાળી દીધી હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વીતેલા સપ્તાહ દરમ્યાન ટ્રેન્ડ કરેક્શનનો રહ્યા બાદ છેલ્લે શુક્રવારે બજારે કરેક્શનની બાજી પલટીને રિકવરી તરફ વાળી દીધી હતી. જોકે ભારત-યુએસ દ્વિપક્ષીય વેપાર કરાર યોગ્ય રીતે ફાઇનલ નહીં થાય ત્યાં સુધી અને રૂપિયાની તબિયત યોગ્ય રીતે સુધરે નહીં ત્યાં સુધી શૅરબજારનું સ્વાસ્થ્ય પણ ઠંડું રહેવાની શક્યતા ગણીને ચાલવું જોઈશે. હાલ ટ્રેડર્સ વધ-ઘટની રમત રમ્યા કરશે, પરંતુ લાંબા ગાળાના ઇન્વેસ્ટર્સ માટે કરેક્શન કરેક્ટ ટાઇમ ગણાશે

છેલ્લા સમાચાર અને સંકેતો મુજબ યુએસ તરફથી ભારત સાથેના વેપાર-કરાર બાબતે પૉઝિટિવ મંતવ્ય વ્યક્ત થઈ રહ્યાં છે. તાજેતરમાં યુએસના વેપાર-પ્રતિનિધિ જેમિસન ગ્રીર તરફથી ભારત માટે જાહેર થયેલા મત મુજબ ભારત પાસેથી તેમને (યુએસને) દ્વિપક્ષીય વેપાર-કરાર માટે ઉત્તમ ઑફર મળી છે. અત્યાર સુધીમાં ભારત-યુએસ વચ્ચે વાટાઘાટના પાંચ રાઉન્ડ થયા છે અને હજી ક્યાંક કોઈક મામલે મતભેદ છે, પરંતુ બન્ને દેશો સમજૂતીની નજીક જઈ રહ્યા છે. હાલમાં યુએસના વેપાર-પ્રતિનિધિઓ દિલ્હીમાં છે. બીજી તરફ ટ્રમ્પ-મોદી વચ્ચે વેપાર-કરાર બાબતે વાતચીત આગળ વધવાના અહેવાલ પણ છે. એકાદ મહિનામાં પરિણામની આશા છે. જોકે એ પછી પણ ભારતે યુએસ સિવાયની માર્કેટોમાં પોતાની જગ્યા બનાવવાના પોતાના પ્રયાસ વધારવા પડશે. દરમ્યાન રશિયા સાથે ભારત વ્યૂહાત્મક રીતે આગળ વધી રહ્યું છે એ સારા સંકેત છે. બીજી તરફ ચીન કરતાં ભારત બહેતર ગણાય એવો મત પણ વ્યાપક બની રહ્યો છે. અલબત્ત, ભારત ચીન સાથે પણ સંબંધ બહેતર બનાવવાની વ્યૂહરચના ધરાવે છે, ભારતે ચીનના વર્કર્સ માટે વીઝાના નિયમ હળવા કર્યા છે. દરમ્યાન મેક્સિકોએ ભારતથી થતી નિકાસ પર ૫૦ ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. બાય ધ વે, મોદી સરકાર હાલમાં અમેરિકા, રશિયા અને ચીન સાથેના સંબંધ ભારતના હિતમાં ગોઠવાય એ રીતે પ્લાન કરી રહી હોવાનું પ્રતીત થાય છે.



બજારની ધારણા અનુસાર યુએસ ફેડરલ રિઝર્વે પા (૦.૨૫ ટકા) ટકાનો રેટ-કટ કર્યો છે એ પછી ૨૦૨૬માં રેટ-કટની સંભાવના નહીંવત્ અથવા સાવ ઓછી રહેશે એવું નિવેદન પણ કર્યું છે. જોકે આ રેટ-કટ ઉપરાંત અન્ય પરિબળોની અસરે શૅરબજાર રિકવરીના માર્ગે પાછું ફર્યું હતું. અલબત્ત, કરેક્શન દરમ્યાન વૅલ્યુ બાઇંગ પણ આવ્યું હતું છતાં રેટ-કટની અસર શૉર્ટ ટર્મ જ રહેશે એમ લાગે છે, કારણ કે રૂપિયાની ડૉલર સામેની નબળાઈને લીધે FIIનું સેલિંગ પ્રેશર ચાલુ રહેવાનો અંદાજ છે.


ધ્યાન ખેંચતી ઘટનાઓ

ગયા સપ્તાહમાં કેટલીક ઘટના ધ્યાનાકર્ષક બની હતી, મીશો લિમિટેડના IPO બાદ એના શૅરનું લિસ્ટિંગ ધમાકેદાર થયું હતું, જેણે રોકાણકારોના વ્યાપક વર્ગનું ધ્યાન ખેંચ્યું હતું. નવેમ્બરનો મોંઘવારી દર (રીટેલ ઇન્ફ્લેશન) પણ એક ટકાની નીચે જાહેર થયો હતો, જે વપરાશ અને ડિમાન્ડ વધવાની શક્યતા દર્શાવે છે. બીજી બાજુ ઍમેઝૉન અને માઇક્રોસૉફ્ટ દ્વારા ભારતમાં જંગી રોકાણની જાહેરાત થઈ હતી. ૨૦૩૦ સુધીમાં ઍમેઝૉનનું ભારતમાં રોકાણ ૩૫ અબજ ડૉલર સુધી પહોંચી જશે. આ ગ્લોબલ કંપનીએ છેલ્લે ૨૦૨૪ સુધીનાં ૧૫ વર્ષમાં ભારતમાં ૪૦ અબજ ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. માઇક્રોસૉફ્ટે ભારતમાં ૧૭.૫ અબજ ડૉલરના રોકાણની જાહેરાત કરી છે, જે રોકાણ અહીં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) તથા ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થશે. આ રોકાણ એશિયામાં સૌથી ઊંચું છે. યુવાવર્ગ AIના પાવરનો ઉત્તમ ઉપયોગ કરી શકશે. બાય ધ વે, ભારતમાં ગૂગલ-અદાણી-ઍરટેલ ૧૫ અબજ ડૉલરનું, ઍમેઝૉન વેબ સર્વિસિસ ૮.૩ અબજ ડૉલરનું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ-બ્રુકફીલ્ડ ડિજિટલ રિયલ્ટી ૧૧ અબજ ડૉલર અને TCS-TPGટ બે અબજ ડૉલરનું રોકાણ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં ભારતમાં AI ક્ષેત્રે આવેલું આ મુખ્ય રોકાણ છે.


મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને IPOનો રોકાણપ્રવાહ

અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના આંકડા પરથી ઇક્વિટી માર્કેટની દૃષ્ટિએ એક વાત નોંધવા જેવી છે કે નવેમ્બરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડનો પ્રવાહ ૨૯,૯૧૧ કરોડ રૂપિયા રહ્યો જે ઑક્ટોબરની તુલનાએ ૨૧ ટકાની વૃદ્ધિ સૂચવે છે. આ પ્રવાહમાં ઘણા મહિના બાદ ગતિ આવી છે. નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ દ્વારા ૨૪ નવી યોજનાઓ જાહેર થઈ હતી, જેણે ૩૧૨૬ કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું હતું. મજાની વાત એ છે કે લાર્જ, મિડ અને સ્મૉલકૅપ ફન્ડ્સ એમ દરેકમાં વૃદ્ધિ નોંધાઈ છે.

દરમ્યાન સેબી તરફથી IPO ક્લિયરન્સનો પ્રવાહ સતત ચાલુ છે. એક પછી એક IPO કતારમાં છે અને ઑફર દસ્તાવેજો સેબીમાં ફાઇલ થતા જાય છે. બજાર ભંડોળ ઊભું કરવાના મૂડને વેગ આપી રહ્યું છે. કૉર્પોરેટ્સ તથા નવાં સાહસો મૂડીબજારનો લાભ લેવાનું ચૂકવા માગતાં નથી, કેમ કે રોકાણપ્રવાહ પ્રોત્સાહક છે. મ્યુચ્યુઅલ ફન્ડ માર્ગે તેમ જ રીટેલ રોકાણકારોના માર્ગે ઇક્વિટીઝમાં રોકાણનો રસ વધી રહ્યો છે. પરિણામે કરેક્શનનો સામનો કરતું બજાર રિકવર પણ થઈ જાય છે અને ગયા સપ્તાહના અંતે નિફ્ટી ફરી ૨૬,૦૦૦ ઉપર અને સેન્સેક્સ ૮૫,૦૦૦ બંધ રહ્યો હતો. નવા સપ્તાહમાં બજારની વિશેષ નજર યુએસ પર રહેશે.

સંપત્તિસર્જન કરવું હોય તો...

જો તમે શૅરબજારમાં સંપત્તિનું સર્જન કરવાનું ધ્યેય ધરાવતા હો તો માર્કેટ કરેક્શનમાં જાય ત્યારે ચિંતા ન કરતા, ઉપરથી કરેક્શન ભલે વધે એવી ઇચ્છા પણ રાખજો, કેમ કે બજારની લૉન્ગ ટર્મ ગ્રોથ સ્ટોરી મજબૂત માર્ગે આગળ વધી રહી છે. બાકી ટ્રેડર્સને તો રમવા માટે જેવું માર્કેટ જોઈએ એ ઉપલબ્ધ છે. બજાર ગ્લોબલ સમાચારો અને સંકેતોના આધારે વધ-ઘટ કર્યા કરે છે. આ ગ્લોબલ સંજોગો, યુએસ ટ્રેન્ડ અને ભારતના પોતાના આર્થિક સંજોગો પર નજર કરીએ તો મંદીનો અવકાશ મિનિમમ છે અને તેજીનો અવકાશ મૅક્સિમમ છે છતાં સ્ટૉક્સ સિલેક્ટ કરવા  બાબતે ધ્યાન રાખવું જરૂરી છે અને રહેશે.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

IPOની તેજીની એક અસરે આ માર્કેટના લૉયર્સની ડિમાન્ડ પણ વધી રહી છે.

મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ઇક્વિટી ઍસેટ્સનું પ્રમાણ આગામી દાયકામાં ૫૫૦ લાખ કરોડ થઈ જવાની ધારણા છે જેનો મુખ્ય આધાર રીટેલ રોકાણકારો હશે એવું એક અભ્યાસ કહે છે.

રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ બૅન્કોને ડિજિટલ કૌભાંડો પ્રત્યે સાવચેત રહેવાની સલાહ આપવા સાથે ગ્રાહકોની ફરિયાદોના ઉકેલ પર ધ્યાન આપવા અને ઇન્ટર્નલ સિસ્ટમ મજબૂત બનાવવા કહ્યું છે.

મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓ દેશભરમાં ખૂણે-ખૂણે પહોંચી શકે એ માટે BSE અને પોસ્ટલ વિભાગે જોડાણ કર્યું છે જેથી હવે પોસ્ટ-ઑફિસોમાં પણ મ્યુચ્યુઅલ ફન્ડ્સની સ્કીમ્સ ઑફર થશે.


વિશેષ ટિપ

સંપત્તિસર્જન શાંતિપૂર્વક થતું હોય છે, જ્યારે સંપત્તિવિનાશ બહુ ઘોંઘાટ સાથે થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

15 December, 2025 10:28 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK