ઑગસ્ટમાં ૩૨ લાખથી વધુ ખૂલ્યાં, જ્યારે યુનિક રોકાણકારોની સંખ્યા અંદાજે ૧૩,૫૦,૦૦,૦૦૦
પ્રતીકાત્મક તસવીર
જાન્યુઆરી ૨૦૨૫ અને મે ૨૦૨૬ વચ્ચેના લાંબા સમયગાળાના નરમ વલણ પછી ઑગસ્ટમાં નવાં ડીમૅટ અકાઉન્ટનો ઉમેરો ૭ મહિનાની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો છે જે ડીમૅટ ખાતાંની વૃદ્ધિમાં સળંગ ત્રીજો મહિનો દર્શાવે છે, કારણ કે મજબૂત ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) પ્રવૃત્તિએ વધુ રોકાણકારોને બજારો તરફ આકર્ષ્યા હતા.
નૅશનલ સિક્યૉરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL) એમ બન્નેએ ઑગસ્ટમાં લગભગ ૩૨,૭૦,૦૦૦ ડીમૅટ અકાઉન્ટ ઉમેર્યાં હતાં, જે જાન્યુઆરી ૨૦૨૬ પછીનો સૌથી વધુ માસિક ઉમેરો છે. મહિનાના અંતે કુલ ડીમૅટ અકાઉન્ટની સંખ્યા ૨૩,૭૭,૦૦,૦૦૦ પર પહોંચી હતી.
આ આંકડો વ્યક્તિઓ ધરાવી શકે એવાં મલ્ટિપલ ડીમૅટ અકાઉન્ટ્સ દર્શાવતો નથી. યુનિક રોકાણકારોની સંખ્યા અંદાજે ૧૩,૫૦,૦૦,૦૦૦ હોવાનો અંદાજ છે.
એવું માનવામાં આવે છે કે IPO બજારોમાં તેજી નવાં ડીમૅટ અકાઉન્ટ્સમાં વધારો થવાનું એક મુખ્ય કારણ છે. મજબૂત સ્મૉલકૅપ અને મિડકૅપ સંબંધિત IPO લિસ્ટિંગથી રોકાણકારોને મળી રહેલા આકર્ષક વળતરને કારણે રોકાણકારોની અપેક્ષાઓ પણ વધી છે.
