એક નવા અભ્યાસ મુજબ ભારતમાં સેકન્ડ-હૅન્ડ સ્મોકિંગ એક જાહેર આરોગ્ય ચિંતા બની રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
એક નવા અભ્યાસ મુજબ ભારતમાં સેકન્ડ-હૅન્ડ સ્મોકિંગ એક જાહેર આરોગ્ય ચિંતા બની રહ્યું છે. ત્રણ દાયકામાં પૅસિવ સ્મોકિંગથી થતાં મૃત્યુમાં લગભગ ૫૦ ટકાનો વધારો થયો છે. પરોક્ષ ધૂમ્રપાનમાં વ્યક્તિ સિગારેટ કે બીડી પીતી નથી પણ જે અન્ય લોકો આ વ્યસન કરતા હોય છે એના ધુમાડાથી અસર પામે છે. આ તારણો તમાકુના ધુમાડાના સંપર્કમાં આવવાથી આરોગ્ય પર થતી સતત અસરને પ્રકાશિત કરે છે.
અભ્યાસનો અંદાજ છે કે ૨૦૨૩માં ભારતમાં ૩,૨૫,૬૦૦ મૃત્યુ સેકન્ડ-હેન્ડ સ્મોકિંગને કારણે થયાં હતાં, જે ૧૯૯૦માં થયેલાં ૨,૧૭,૭૦૦ મૃત્યુથી લગભગ ૫૦ ટકા વધારે છે. સ્ત્રીઓમાં મૃત્યુ ૧૯૯૦માં ૧,૧૩,૪૦૦થી વધીને ૨૦૨૩માં ૧,૫૬,૯૦૦ થયાં, જ્યારે પુરુષોમાં
મૃત્યુ ૧,૦૪,૩૦૦થી વધીને ૧,૬૮,૭૦૦ થયાં હતાં.
આ અભ્યાસ ‘ધ લૅન્સેટ પબ્લિક હેલ્થ’માં પ્રકાશિત થયો છે, જે વૈજ્ઞાનિક જર્નલ છે અને જાહેર આરોગ્ય પર કેન્દ્રિત સંશોધન, સમીક્ષાઓ અને નીતિ-વિશ્ળેષણ પ્રકાશિત કરે છે.
