સરકારી આંકડાઓ મુજબ દેશમાંથી વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨૫.૨૫ લખ ટન કાંદાની નિકાસ થઈ છે

પ્રતીકાત્મક તસવીર
દેશમાંથી કાંદાની નિકાસમાં વીતેલા નાણાકીય વર્ષમાં ૬૪ ટકા વધીને છ વર્ષની ટોચે પહોંચી છે. સરકારી આંકડાઓ મુજબ દેશમાંથી વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨૫.૨૫ લખ ટન કાંદાની નિકાસ થઈ છે. મૂલ્યની રીતે નિકાસ ૨૨ ટકા વધીને ૫૬.૧૦ કરોડ ડૉલરની નિકાસ થઈ છે.
કાંદાની નિકાસમાં વધારો થવાનું મુખ્ય કારણ બાંગ્લાદેશ, મેલેશિયા, યુએઈ અને શ્રીલંકાની વધતી આયાત છે. છેલ્લા થોડા મહિના દરમ્યાન બીજા દેશો સાથે હરીફાઈ પણ બહુ ઓછી હોવાથી ભારતમાંથી કાંદાની નિકાસમાં વધારો જોવા મળ્યો છે એમ હૉર્ટિકલ્ચર પ્રોડ્યુસર એક્સપોર્ટર્સ અસોસિએસનના પ્રમુખ અજિત શાહે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય કાંદાને વૈશ્વિક પરિસ્થિતિનો પૂરો ફાયદો મળી શક્યો નથી, કારણ કે ફિલિપીન્સે ભારતીય કાંદા માટે આયાત દ્વાર ખોલ્યાં નહોતાં. આ દેશોએ કાંદાની ખરીદી માટે ભારતને બદલે ચાઇનીઝ કાંદા ઉપર વધુ આધાર રાખ્યો હતો.
દેશમાંથી ચાલુ વર્ષ દરમ્યાન કાંદાની નિકાસ પણ સારી થાય એવી ધારણા છે, પંરતુ કમોસમી વરસાદને કારણે કાંદાની ક્વૉલિટીને મોટી અસર પહોંચી છે. સારી ક્વૉલિટીના કાંદા અત્યારે બહુ ઓછા બચ્યા છે. હાલ રેઇન ડૅમેજ અને નબળી ક્વૉલિટીના કાંદાની આવકો જ વધારે થઈ રહી છે. પરિણામે આવા કાંદાની નિકાસ કરવી શક્ય નથી.
પાકિસ્તાનમાં પણ નવા કાંદા આવવા લાગ્યા છે, જેણે પણ નિકાસ બજાર કબજે કર્યું છે, જેને કારણે ભારતને પાકિસ્તાન સાથે હરીફાઈનો સામનો કરવે પડે એવી સંભાવના રહેલી છે.
દેશમાંથી વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૫.૩૭ લાખ ટન અને વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૫.૭૮ લાખ ટન કાંદાની નિકાસ થઈ હતી. ભારતને નિકાસ દ્વારા વીતેલા વર્ષમાં ૪૫૨૨ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થયું છે જે અગાઉનાં બે વર્ષ દરમ્યાન અનુક્રમે ૩૪૩૨ કરોડ રૂપિયા અને ૨૮૨૬ રૂપિયા કરોડ પ્રાપ્ત થયા હતા.