સેન્સેક્સ અને નિફ્ટીએ વર્ષનાં નવાં ઊંચાં લેવલ બનાવ્યાં. કોઈએ વિચાર્યું હતું કે ૨૦૨૫ના વર્ષમાં દિવાળી બાદના કામકાજના પ્રથમ દિવસે આમ નવી ઊંચાઈના વિક્રમ બનશે?
પ્રતીકાત્મક તસવીર
દિવાળી મસ્ત રહી. હવે પછી શૉર્ટ ટર્મમાં બજાર ફૂલઝડી અને જમીનચકરીની જેમ ચાલી શકે, ક્યારેક રૉકેટ ઊડશે, ક્યારેક બૉમ્બ ફૂટશે તો ક્વચિત સુરસુરિયું થશે. ટ્રમ્પની ટૅરિફ નવી તેજીનું ટ્રિગર બની શકે યા સેન્ટિમેન્ટ બગાડી પણ શકે. ઊંચામાં પ્રૉફિટ-બુકિંગ આવ્યા કરશે અને મોટા કરેક્શનમાં ખરીદી પણ
સેન્સેક્સ અને નિફ્ટીએ વર્ષનાં નવાં ઊંચાં લેવલ બનાવ્યાં. કોઈએ વિચાર્યું હતું કે ૨૦૨૫ના વર્ષમાં દિવાળી બાદના કામકાજના પ્રથમ દિવસે આમ નવી ઊંચાઈના વિક્રમ બનશે? યુએસ ટૅરિફ સહિત ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે આમ થવાની આશા ન હોય એ સહજ છે, પરંતુ જેને કારણે બગડ્યું હતું એને કારણે જ સુધારો સર્જાયો. યુએસ સાથેના વેપાર-કરારમાં પૉઝિટિવ પરિણામ આવી રહ્યાં હોવાના સંકેતને પગલે બજારે ઉત્સાહનો ઉછાળો દર્શાવ્યો હતો. જોકે બીજા દિવસે પ્રૉફિટ-બુકિંગને કારણે કરેક્શન આવી ગયું હતું. અલબત્ત, આ કરેક્શનને વધાવવું રહ્યું, કારણ કે સતત એકધારી વધી રહેલી માર્કેટને વિરામ મળવો જરૂરી હતો.
ADVERTISEMENT
આમ જોઈએ તો શૅરબજારની દિવાળી ધમાકેદાર રહીને પસાર થઈ ગઈ, માર્કેટ સતત નવી ઊંચાઈ તરફ ગયું અને હવે આગામી વર્ષની દિવાળી સુધીમાં સેન્સેક્સ-નિફ્ટીની નવી ઊંચાઈઓની આશા અને આગાહી પણ બંધાવાની શરૂઆત થઈ ત્યાં તો નવા વર્ષના પ્રથમ દિવસે જ જાણે આશા પૂરી થવાની શરૂ થઈ ગઈ હોવાનું જોવા મળ્યું હતું. ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII) પુનઃ નેટ બાયર્સ બનવા લાગ્યા અને રૂપિયામાં સુધારો થવા લાગ્યો. દિવાળી દરમ્યાનના દિવસોમાં દેશમાં વપરાશની અને ડિમાન્ડની ઊંચી માત્રા નોંધાઈ. ઇકૉનૉમીને અને માર્કેટને બીજું શું જોઈએ? જોકે શુક્રવારે સારી કહી શકાય એવી ઘટનામાં પ્રૉફિટ-બુકિંગ આવ્યું અને FIIનું નેટ વેચાણ નોંધાયું હતું. આ સિલસિલો ટૂંકા ગાળામાં ચાલતો રહેશે, પણ હવે નવા વર્ષમાં સેન્સેક્સ ૯૩ હજાર અને નિફ્ટી ૩૦ હજાર નજીક પહોંચશે એવી ધારણા મુકાવા માંડી છે. રોકાણકારોએ આ વિષયમાં અંજાઈ જવાને બદલે પોતાનું માઇન્ડ-બૅલૅન્સ જાળવવાનું રહેશે. તેમણે વધુ સક્રિય થવા સાથે વધુ સાવચેત પણ થવાનું રહેશે. લાંબા ગાળાના અભિગમ સાથે આગળ વધવા માગતા રોકાણકારો પોતાના સ્ટૉક્સનો અને માર્કેટનો અભ્યાસ વધારશે તો બહેતર સંપત્તિસર્જન કરી શકશે.
ઊંચા વળતરની અપેક્ષા રાખશો નહીં
ગયા સંવત વર્ષમાં નિફ્ટીએ માત્ર ૪થી ૬ ટકા જેવું સાધારણ વળતર આપ્યું છે, જે અન્ય સમાન બજારોની તુલના કરતાં ઓછું છે. વધુમાં હાઈ વૅલ્યુએશનના નામે ફૉરેન ઇન્વેસ્ટર્સ સતત વેચવાલ રહ્યા, જ્યારે કંપનીઓનાં અર્નિંગ્સ લગભગ દોઢ વર્ષ સુધી સિંગલ ડિજિટમાં રહ્યાં. એમાં વળી યુએસ ટૅરિફની સમસ્યા માથે આવી પડી, જેણે વિકાસ અને નિકાસ સહિત અર્થતંત્ર સામે ચોક્કસ સવાલો ઊભા કરી દીધા હતા, જે હવે પછી સ્પષ્ટ થવાના સંકેતો અને આશાઓ વધી રહી છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને રીટેલ ઇન્વેસ્ટર્સ સતત બાયર્સ બનીને બજારને મોટો તથા મજબૂત ટેકો બનતા રહ્યા છે. SIPનો જબરદસ્ત પ્રવાહ ચાલતો રહ્યો છે. સરકારે ભરપૂર રાહતો આપી, જેને લીધે લોકોના હાથમાં નાણાંની પ્રવાહિતા વધતી રહી છે. આ બધાની અસરે નવા વર્ષમાં માર્કેટ બહેતર વળતર આપવા સજ્જ બને એવી આશા છે. જોકે અત્યારના સંજોગો જોતાં વધુ ઊંચા વળતરની અપેક્ષા ન રાખવામાં જ સાર છે. સ્થાનિક વપરાશ, માગ અને રોકાણ ઇકૉનૉમીને ડ્રાઇવ કરશે, ચાલકબળ આપશે. યુએસ માર્કેટની પૉલિસી-સમસ્યાઓ તેમ જ ત્યાંનું ઓવરવૅલ્યુએશન ભારત સહિતના ઇમર્જિંગ માર્કેટ્સ તરફ રોકાણપ્રવાહ વાળશે એવું માની શકાય. ભારત સરકારના આર્થિક સુધારા પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
માર્કેટ સામે હાલના મુખ્ય પડકારોમાં અર્નિંગ્સની વૃદ્ધિનો અભાવ અને હજી માથે ઊભેલી યુએસ ટૅરિફની અનિશ્ચિતતા છે. આવા સંજોગોમાં વિકાસદર ઊંચો જવો મુશ્કેલ છે. ઊંચા ભાવોએ પ્રમોટર્સ દ્વારા થઈ રહેલું રોકાણ, IPOમાં ખેંચાઈ રહેલાં નાણાં બજારની ગતિને ધીમી રાખી શકે છે.
કયાં સેક્ટર્સ પર વધુ ધ્યાન આપશો
આ નવા વર્ષમાં મધ્યમ ગાળામાં બજાર ડબલ ડિજિટ ગ્રોથ પાસે પહોંચશે એવી ધારણા વ્યક્ત કરતા નિષ્ણાતો માને છે કે બહુ ઊંચા વળતરની આશા નવા વર્ષમાં રાખશો નહીં. જોકે લાંબા ગાળા માટે વૃદ્ધિની ઊંચી આશા રાખી શકાય. નવા વર્ષમાં મધ્યમ તેમ જ લાંબા ગાળા માટે કન્ઝમ્પ્શન સેક્ટર જબરદસ્ત ચાલી શકે છે, જેમાં ખાસ કરીને ટ્રાવેલ-ટૂરિઝમ, હોમ અપગ્રેડ, હેલ્થ, એજ્યુકેશન વગેરે જેવાં સેક્ટરમાં વધુ વપરાશ અને વિકાસનો અવકાશ રહેશે. સરકારે આવકવેરા, GST, વ્યાજદર વગેરે મારફત જે-જે આર્થિક રાહતો આપી છે એના પરિણામે રોજગારસર્જન અને અર્નિંગ્સવૃદ્ધિ થઈ શકે. બજારમાં પ્રવેશી રહેલા નવા રોકાણકારોએ વર્તમાન સંજોગોમાં મૅરથૉનની જેમ દોડ કરવી જોઈએ. શિસ્તબદ્ધ રીતે, યોગ્ય ઍસેટ અલોકેશન સાથે અને ફોકસ રાખીને આગળ વધવું જોઈએ. ટ્રમ્પના નિર્ણયો વિશે આશા ભલે વ્યક્ત કરાતી, પરંતુ સાવચેતીનો અભિગમ આવશ્યક બને છે. સોના-ચાંદી વિશે જાણકારો કહે છે કે આ ઍસેટ્સમાં રોકાણ કરવું જોઈએ, પણ એ માટે સેન્ટ્રલ બૅન્કો પર નજર રાખવી જોઈશે, એ ખરીદી કરતી રહેશે તો ભાવ હજી વધી શકે, પણ વેચાણ કરશે તો ભાવ નીચે પણ જઈ શકે છે.
ટ્રમ્પની ટૅરિફ ટ્રિગર બની શકે, પણ...
હવે આગામી દિવસોમાં બજાર પાસે મુખ્ય ટ્રિગર યુએસ વેપારકરાર વિશે છે. આ કરાર વાજબી શરતોએ ફાઇનલ થાય તો માર્કેટ દોડશે, જો બહુ વિપરીત બન્યું તો માર્કેટને મોટો બ્રેક લાગી શકે; પણ યાદ રહે, આ બધું અગાઉ કહ્યું હતું એમ શૉર્ટ ટર્મ માટે બનશે, લૉન્ગ ટર્મ માટે તો મોટાં કરેક્શન એ વારંવાર ખરીદીની તક બનશે. આ સંજોગોમાં બજાર સતત વધે તો ઊંચા ભાવોએ ખરીદીમાં ખેંચાઈ જવું નહીં, બલકે નફો બુક કરી લેવામાં શાણપણ ગણાશે. તહેવારોની મોસમ લગભગ પૂરી થઈ છે, પણ બજારમાં પ્રવાહિતા ઊંચી છે. વપરાશ જોરમાં ચાલી રહ્યો છે, નાણાપ્રવાહ સતત વહી રહ્યો છે, માર્કેટનું સેન્ટિમેન્ટ ટ્રમ્પ સિવાય કોઈ બગાડી શકે એવી શક્યતા જૂજ છે. સેન્સેક્સ ૮૬,૦૦૦ બાદ અને નિફ્ટી ૨૬,૦૦૦ બાદ પાછા વળી ગયા છે. બજારમાં જમીનચકરી અને ફૂલઝડી ચાલ્યા કરશે, ક્યારેક રૉકેટ પણ ઊડશે અને ક્યારેક બૉમ્બ ફૂટશે યા તડાફડી પણ થશે કે પછી સુરસુરિયું થઈ શકે. બાય ધ વે, ઇન્ડેક્સના ઊંચાં લેવલ જોઈ અંજાઈ જવા કરતાં સ્ટૉક-સ્પેસિફિક અને સિલેક્ટિવ બનીને રોકાણ કરતા રહેવું જોઈએ.
નવા વર્ષમાં આ પાંચ બાબતો પર ધ્યાન રાખજો
ઑપ્શન્સ અને ફ્યુચર્સમાં સોદા કરી (ખાસ કરીને ઑપ્શન્સમાં) ૯૦ ટકા ટ્રેડર્સ વર્ષે એક લાખ કરોડ જેવી માતબર મૂડી ગુમાવે છે. કરુણતા એ છે કે આ ટ્રેડર્સ પોતાને રોકાણકાર ગણાવે છે. તમે શું કરો છો?
આપણા દેશમાં છેલ્લાં પાંચેક વર્ષમાં નવા પંદરેક કરોડ ડીમૅટ અકાઉન્ટ્સ ખૂલ્યાં છે એટલે કે પંદરેક કરોડ ઇન્વેસ્ટર્સ આ પાંચેક વર્ષમાં જ બજારમાં આવ્યા હોવાથી તેમણે અગાઉનાં વર્ષોની ક્રાઇસિસ-મંદી, ૨૦૦૮ની ગ્લોબલ ફાઇનૅન્શિયલ ક્રાઇસિસનો અનુભવ મેળવ્યો નથી. આ વર્ગે વધુ સાવચેતી સાથે બજારમાં આગળ વધવું, ઉતાવળ મોંઘી પડી શકે છે.
તાજેતરના સમયમાં ફરીથી લાગેલી IPOની કતાર બાબતે રોકાણકારોએ વૅલ્યુએશન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે, કેમ કે ઇતિહાસ કહે છે કે મોટા ભાગના IPOની કામગીરી થોડા સમય બાદ સારી રહી નથી.
માર્કેટમાં નવા બિઝનેસ સાથે-સ્ટાર્ટઅપ્સ સાથે ઘણી કંપનીઓ આવી છે, જેમનાં નામની અને વૉલ્યુમની ચર્ચા બહુ થાય છે અને તેમનું માર્કેટિંગ અને બ્રૅન્ડિંગ પણ જોરશોરથી થાય છે; પરંતુ આવી કંપનીઓના બિઝનેસની લાંબા ગાળાની સફળતા સામે સવાલ રહી શકે છે. ઊંચું ટર્નઓવર ઊંચા નફાની ખાતરી આપતું નથી.
રોકાણકારોએ બજારની વૉલેટિલિટી પર નહીં, બલકે વૅલ્યુએશન પર નજર રાખવી જોઈએ.


