અડધા કલાકે ઍમ્બ્યુલન્સ આવી અને હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે ડૉક્ટરોએ સતીશ શાહને મૃત જાહેર કર્યા : ઑલ્ઝાઇમર્સથી પીડાતી પત્ની માટે કરાવ્યું હતું કિડની-ટ્રાન્સપ્લાન્ટ, પણ પછી થયેલા ઇન્ફેક્શનમાં જીવ ગુમાવ્યો
સતીશ શાહના પાર્થિવ દેહને કાંધ આપતા ફિલ્મમેકર અશોક પંડિત અને રાજેશ કુમાર. તસવીરો : આશિષ રાજે
બૉલીવુડ અને ટીવીની દુનિયાના ખ્યાતનામ ઍક્ટર સતીશ શાહનું શનિવારે ૭૪ વર્ષની વયે કિડની-ફેલ્યરને લીધે નિધન થયું હતું. તેમના મૅનેજરે આપેલી માહિતી પ્રમાણે સતીશ શાહ શનિવારે બપોરે લગભગ બે વાગ્યે બપોરે ભોજનનો પહેલો કોળિયો ખાધા પછી બેહોશ થઈ ગયા હતા. અડધા કલાક બાદ ઍમ્બ્યુલન્સ ઘરે પહોંચી અને હૉસ્પિટલમાં પહોંચતાં જ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ગઈ કાલે થયા અંતિમ સંસ્કાર
ADVERTISEMENT
ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે-વેસ્ટના પવનહંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. ટીવી-શો ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં તેમના ઑનસ્ક્રીન દીકરા રોશેશની ભૂમિકા ભજવનાર રાજેશ કુમાર તેમ જ નજીકના મિત્ર અશોક પંડિતે સતીશ શાહના પાર્થિવ દેહને કાંધ આપી હતી. તેમના અંતિમ સંસ્કારમાં દિલીપ જોશી, ડેવિડ ધવન, મધુર ભંડારકર, ફારાહ ખાન, નસીરુદ્દીન શાહ, જૅકી શ્રોફ, નીલ નીતિન મુકેશ, પૂનમ ઢિલ્લોં, સરત સક્સેના, સુરેશ ઑબેરૉય, અલી અસગર અને ટીકુ તલસાણિયા જેવી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.
હાજર રહ્યો સારાભાઈ પરિવાર
સતીશ શાહને તેમના શો ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના ઇન્દ્રવદન સારાભાઈના રોલથી સારીએવી લોકપ્રિયતા મળી હતી. જે. ડી. મજીઠિયાએ પ્રોડ્યુસ કરેલા આ શોમાં સતીશ શાહ સાથે રત્ના પાઠક શાહ, સુમિત રાઘવન, રાજેશ કુમાર અને રૂપાલી ગાંગુલી જેવા કલાકારો જોવા મળ્યા હતા. સતીશ શાહનાં અંતિમ દર્શન કરવા માટે આ તમામ કલાકારો પહોંચ્યા હતા. આ સમયે શોમાં સતીશ શાહની પુત્રવધૂનો રોલ ભજવનાર રૂપાલી ગાંગુલી અત્યંત ભાવુક થઈ ગઈ હતી અને તે પોતાનાં આંસુ રોકી શકી નહોતી.




સતીશ શાહના અંતિમ સંસ્કાર માટે પહોંચેલી ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની ટીમ : રાજેશ કુમાર, આતિશ કાપડિયા, જે. ડી. મજીઠિયા, પરેશ ગણાત્રા, દેવેન ભોજાણી, રૂપાલી ગાંગુલી, સુમિત રાઘવન તથા પતિ નસીરુદ્દીન શાહ અને દીકરા વિવાન સાથે રત્ના પાઠક શાહ.
પત્ની માટે કરાવ્યું કિડની-ટ્રાન્સપ્લાન્ટ
સતીશ શાહના નજીકના મિત્ર સચિન પિળગાવકરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું અને સતીશ ગાઢ મિત્રો હતા. અમે ઘણી વાર એકબીજાની પાર્ટીમાં હાજરી આપતા હતા. સતીશને કિડનીની સમસ્યા હતી અને તેઓ ડાયાલિસિસ પર હતા. તેમની પત્ની મધુને ઑલ્ઝાઇમર્સ છે. સતીશ પત્ની માટે લાંબું જીવવા માગતા હતા એટલે તેમણે આ વર્ષે કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.’
જોકે રિપોર્ટ પ્રમાણે કલકત્તામાં કરાવેલા આ કિડની-ટ્રાન્સપ્લાન્ટ પછી સતીશ શાહની તબિયત સારી નહોતી રહેતી. શરૂઆતમાં તેમની રિકવરી સારી હતી, પણ પછી તેમને ભારે ઇન્ફેક્શન થઈ ગયું હતું.
ઇન્દુએ અવસાનના બે કલાક પહેલાં વાત કરી હતી માયા સાથે
શનિવારે બપોરે જમતી વખતે સતીશ શાહનું અણધાર્યું અવસાન થઈ જતાં તેમના મિત્રો અને સ્વજનોને ભારે આંચકો લાગ્યો છે. સતીશ શાહને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’થી અત્યંત લોકપ્રિયતા મળી હતી. આ શોમાં તેમનું ઇન્દ્રવદન સારાભાઈ એટલે કે ઇન્દુનું પાત્ર બહુ લોકપ્રિય બન્યું હતું અને શોમાં તેમની પત્ની માયા સારાભાઈનો રોલ ભજવનાર રત્ના પાઠક શાહ સાથે રિયલ લાઇફમાં પણ તેમની સારી મિત્રતા હતી. આ શોના પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયા અને ઍક્ટર રત્ના પાઠકને સતીશ શાહના અણધાર્યા અવસાનનો ભારે આંચકો લાગ્યો હતો, કારણ કે મળતી માહિતી પ્રમાણે મૃત્યુના બે કલાક પહેલાં લગભગ બપોરે ૧૨.૫૭ વાગ્યે સતીશ શાહે ફોન પર રત્ના પાઠક શાહ સાથે અને સવારે ૧૧ વાગ્યે ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના મુખ્ય રાઇટર અને ક્રીએટર આતિશ કાપડિયા સાથે પણ વાતો કરી હતી.
અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યું દુઃખ
સતીશ શાહના નિધન પછી તેમની સાથે ‘ભૂતનાથ’માં કામ કરનાર અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર દુઃખની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘દરરોજ એક નવી સવાર, એક નવું કામ અને વધુ એક સાથીએ વિદાઈ લઈ લીધી... સતીશ શાહ, એક ઉમદા પ્રતિભા, ખૂબ જલદી ચાલ્યા ગયા. આ દિવસોની આ ઉદાસી સામાન્ય નથી, પરંતુ જીવન તો આગળ વધે છે અને શો પણ ચાલુ રહે છે.’


