Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્કે કહ્યું કે ગ્રોથ ઘટશે, ફુગાવો વધશે; બજારે જણાવ્યું કે વાંધો નહીં, ચાલશે

રિઝર્વ બૅન્કે કહ્યું કે ગ્રોથ ઘટશે, ફુગાવો વધશે; બજારે જણાવ્યું કે વાંધો નહીં, ચાલશે

Published : 06 June, 2026 08:27 AM | IST | Mumbai
Anil Patel

ધિરાણનીતિમાં કપરા સમયનાં એંધાણ વચ્ચે સેન્સેક્સ નજીવા ૧૧૬ પૉઇન્ટના ઘટાડે બંધ : ચાલુ વર્ષના પાંચેક મહિનામાં અત્યાર સુધી FIIની નેટ વેચવાલી લગભગ ત્રણ લાખ કરોડે પહોંચી, સરકારે FIIને ખુશ કરવા ગવર્નમેન્ટ બ્રૉન્ડ્સમાં રોકાણ બદલ વેરાકીય રાહતો જાહેર કરી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. વિદેશી રોકાણની સરવાણી શરૂ થવાની આશામાં ડૉલર સામે રૂપિયામાં મજબૂતી આવી
  2. જોકે, કેટલું ટકશે એ મોટો સવાલ?
  3. રિલાયન્સ ૧૩ મહિનાના તો TCS ૭૧ મહિનાના નવા તળિયે

રિઝર્વ બૅન્ક તરફથી વ્યાપક ધારણા પ્રમાણે વ્યાજદરના માળખાને યથાવત્ રખાયું છે. રેપો-રેટમાં કોઈ બદલાવ થયો નથી, પરંતુ દેશ કાળના કપરા સંજોગોને અનુલક્ષીને ચાલુ વર્ષ માટેના આર્થિક વિકાસદરનો અંદાજ નીચે લઈ જવાયો છે. ફુગાવો અગાઉના અનુમાન કરતાં વધુ હશે એનો સ્વીકાર થયો છે. રિઝર્વ બૅન્ક માને છે કે ચાલુ વર્ષે ફુગાવો ૪.૬ ટકાને બદલે ૫.૧ ટકા રહેશે તથા આર્થિક વિકાસદર ૬.૯ ટકાને બદલે ૬.૬ ટકા જોવા મળશે. ધિરાણનીતિમાં સૌથી મહત્ત્વનાં પગલાં ડૉલર સામે ગગડતા રૂપિયાને અટકાવવા અને એના ભાગરૂપ દેશમાં વિદેશી રોકાણનો પ્રવાહ પ્રોત્સાહિત કરવા માટે લેવાયાં છે. FII ભારતીય બજારથી એકધારી વિમુખ છે. એની બેલગામ વેચવાલી ચાલુ છે. એને ધ્યાનમાં લઈને રિઝર્વ બૅન્કની સલાહને અનુસરતાં સરકારે FII માટે પાછલી તારીખથી ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલી બને એ રીતે સરકારી બૉન્ડ્સ તથા સિક્યૉરિટીઝ ઉપરના વ્યાજની આવક વેરામુકત બનાવી દીધી છે. વધુમાં કૅપિટલ ગેઇન ટૅક્સ પણ આ કિસ્સામાં રદ કર્યો છે. ચાલુ વર્ષે ૪ જૂન સુધીના પાંચેક મહિનાના સમયગાળામાં FII તરફથી ભારતીય શૅરબજારમાંથી ૨.૯૯ લાખ કરોડની નેટ વેચવાલી કરવામાં આવી છે. ડૉલર સામે રૂપિયો લગભગ ૯૭ની વરવી વિક્રમી સપાટીએ જઈ આવ્યો છે. સરકાર તેમ જ રિઝર્વ બૅન્ક માને છે કે આ પગલાથી FIIની નેટ લેવાલી ફરી શરૂ થશે. રૂપિયો મજબૂત થશે. જોકે અમને આમાં ખાસ દમ લાગતો નથી. બે-ચાર દિવસના સુધારા પછી ડૉલર સામે રૂપિયો ફરી માર ખાવા માંડશે. ડૉલર સામે આગલા દિવસે ૯૫.૮૦ બંધ થયેલો રૂપિયો ગઈ કાલે આ પગલાની તાત્કાલિક અસરમાં ૯૪.૮૮ થઈ ૮૫ પૈસા વધીને ૯૪.૯૫ જોવા મળ્યો છે.

દરમ્યાન બ્રેન્ટ ક્રૂડ ૯૫ ડૉલર આસપાસ રહ્યું છે. તમામ અગ્રણી એશિયન બજારો સતત બીજા દિવસે ડાઉન થયાં છે. સાઉથ કોરિયા સાડાપાંચ ટકા ગગડી ૮૧૬૦ હતું. ઇન્ડોનેશિયા ૪ ટકા નજીક સાફ થયું છે. આ બન્ને દેશોની કરન્સી ડૉલર સામે નવા તળિયે ગઈ છે. જપાન, હૉન્ગકૉન્ગ, તાઇવાન એકથી સવા ટકાની ઉપર, ચાઇના તથા થાઇલૅન્ડ પોણો ટકો અને સિંગાપોર સાધારણ નરમ થયું છે. યુરોપ રનિંગમાં બહુધા નહીંવતથી સાધારણ પ્લસ હતું. બિટકૉઇન નીચામાં ૬૧,૩૮૫ ડૉલરે જઈ પોણાબે ટકાના ઘટાડામાં ૬૨,૪૦૧ ડૉલર હતો.



ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૨૭૦ પૉઇન્ટ પ્લસ, ૭૪,૬૩૦ ખૂલી છેવટે ૧૧૬ પૉઇન્ટ ઘટીને ૭૪,૨૪૩ તથા નિફ્ટી ૫૦ પૉઇન્ટ ઘટીને ૨૩,૩૬૭ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક ઉપરમાં ૭૪,૭૧૭ થયા પછી ત્યાંથી ઘસાતો રહી નીચામાં દેખાયો હતો. રસાકસીની માર્કેટ-બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૬૨૩ શૅરની સામે ૧૬૯૪ જાતો માઇનસ થઈ છે. બજારનું માર્કેટકૅપ ૫૭,૦૦૦ કરોડ વધી ૪૬૧.૬૦ લાખ કરોડ રૂપિયા જોવા મળ્યું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૫૩૨ પૉઇન્ટ કે ૦.૭ ટકા તથા નિફ્ટી ૦.૮ ટકા કે ૧૮૧ પૉઇન્ટ ઘટ્યો છે. 


નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરના જોરે બેસ્ટ ગેઇનર

વિંધ્ય ટેલિ ૫.૩ ટકા, HFCL પાંચ ટકા, સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ પાંચ ટકા, તેજસ નેટ ૪.૪ ટકા, સુયોગ ટેલિમેટિક્સ ૫.૫ ટકા ખરડાતાં ટેલિકૉમ ઇન્ડેક્સ દોઢ ટકા ડૂલ થયો છે. હેવીવેઇટ્સ ભારતી ઍરટેલ ૧.૨ ટકા તથા તાતા કમ્યુનિકેશન્સ પોણો ટકો માઇનસ થઈ હતી. તાતા ટેલિ ૪.૪ ટકા વધી અહીં અપવાદ બની છે. IT બેન્ચમાર્ક પોણો ટકો કે ૨૩૮ પૉઇન્ટ નરમ હતો, પરંતુ રામકો સિસ્ટમ્સ ૬ ગણા કામકાજે ઉપરમાં ૫૬૭ થઈને ૧૯ ટકાના ઉછાળે ૫૬૨ બંધ આવી છે. ઇન્ફોબીન્સ સવાત્રણ ટકા, સુબેક્સ ૪.૩ ટકા, સિલ્વરટચ ૩.૩ ટકા પ્લસ હતી. ડાયનાકૉન્સ સિસ્ટમ્સ ૨૭ મેથી એકધારી ખરાબીમાં ૧૮૦૩થી તૂટી ગઈ કાલે એક વધુ નીચલી સર્કિટમાં ૧૨૮૭ બતાવી ત્યાં જ બંધ હતી. ૨૫ મેએ ભાવ ૧૯૨૫ના શિખરે હતો.


મેટલ ઇન્ડેક્સ ૧.૬ ટકા કે ૭૦૯ પૉઇન્ટ પીગળ્યો છે. હિન્દુસ્તાન ઝિન્ક ૬.૧ ટકા, નાલ્કો ૪.૪ ટકા, સેઇલ સવાત્રણ ટકા, હિન્દાલ્કો ત્રણ ટકા, NMDC ૧.૮ ટકા, તાતા સ્ટીલ ૧.૮ ટકા બગડી હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૩૦૫૯ની ૧૯ મહિનાની ટોચે જઈ અઢી ટકા વધી ૩૦૪૮ થઈ છે. હિન્દુસ્તાન કૉપરમાં ૨.૮ ટકાની નરમાઈ હતી. નેટવર્ક્સ૧૮ બાર ટકા, ઝી એન્ટરપ્રાઇઝિસ ૭.૬ ટકા, સારેગામા ૪.૭ ટકા, પ્રાઇસ ફોક્સ પાંચ ટકા, ટીપ્સ મ્યુઝિક બે ટકા, હેથવે કેબલ્સ ૫.૧ ટકા મજબૂત બનવાની અસરમાં નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરના સથવારે ૩.૫ ટકા ઊંચકાયો છે. ડી. બી. કૉર્પ એક ટકો નરમ રહી છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૦ શૅર વધવા છતાં ૦.૪ ટકા જેવો વધ્યો છે, તો PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅર પ્લસમાં આપી અડધો ટકો સુધર્યો હતો. કોટક બૅન્ક, HDFC બૅન્ક, સ્ટેટ બૅન્ક જેવી હેવીવેઇટ્સ બૅન્કોની કમજોરી અહીં વર્તાઈ છે. 

TCS ૨૨૦૦ની અંદર, રિલાયન્સ ૧૩૦૦ની નીચે બંધ

ગઈ કાલની સૌથી નોંધપાત્ર ઘટના રિલાયન્સ તેમ જ TCSના ઐતિહાસિક બૉટમની છે. રિલાયન્સ ૧૨૮૪ની ૧૩ મહિનાની નીચી સપાટી નોંધાવી એક ટકો ઘટી ૧૨૯૧ બંધમાં બજારને ૭૪ પૉઇન્ટ નડી છે. નંબર વનને સાથ આપતાં IT સેક્ટરની બીજી TCS પણ ૨૧૯૨ની લગભગ ૬ વર્ષની બૉટમ બનાવી ૧.૯ ટકા ગગડી ૨૧૯૮ બંધમાં બજારને ૩૫ પૉઇન્ટ ભારે પડી છે. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસ ૩૦૫૯ની ૧૯ મહિનાની ટૉપ હાંસલ કરી અઢી ટકા વધી ૩૦૪૮ બંધમાં નિફ્ટી ખાતે ઝળકી હતી. સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનિલીવર ૨.૧ ટકા વધી ૨૧૨૨ બંધમાં મોખરે રહી છે. અદાણી પોર્ટ્સ ૧.૮ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૭ ટકા, એટર્નલ ૦.૯ ટકા, SBI લાઇફ એક ટકો, મૅક્સ હેલ્થ કૅર ૧.૧ ટકા વધી હતી. HDFC બૅન્ક એક ટકો ઘટી ૭૪૭ના બંધમાં બજારને સર્વાધિક ૯૩ પૉઇન્ટ નડી હતી.

ઘટાડામાં નિફ્ટી ખાતે હિન્દાલ્કો ત્રણ ટકા તથા વિપ્રો ૨.૯ ટકા ગગડીને મોખરે હતી. સેન્સેક્સમાં ટ્રેન્ટ સવાબે ટકા, TCS ૧.૯ ટકા અને તાતા સ્ટીલ ૧.૮ ટકા ગગડીને અગ્રક્રમે રહી છે. NTPC ૧.૩ ટકા, કોલ ઇન્ડિયા બે ટકા, ભારતી ઍરટેલ ૧.૧ ટકા, HCL ટેક્નૉલૉજીઝ સવા ટકો, તાતા કન્ઝ્યુમર દોઢ ટકો, JSW સ્ટીલ ૧.૩ ટકા, ONGC એક ટકો માઇનસ થઈ છે. ITC નહીંવત્ પ્લસ તો ઇન્ફી સહેજ ઘટીને બંધ રહી છે.

નેટવર્ક૧૮ એ-ગ્રુપ ખાતે ૧૨ ટકા ઊછળીને ઝળકી હતી. કેમલલિન ફાઇન ૧૨.૭ ટકા, ક્વેસ કૉર્પ ૯.૭ ટકા, પારસ ડિફેન્સ ૮ ટકા, ઝી એન્ટરપ્રાઇઝિસ ૭.૮ ટકા વધી છે. સામે વૉકહાર્ટ ૭.૪ ટકા તૂટી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. થંગમયિલ જ્વેલરી ત્રણ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૬.૧ ટકા, નેટવેબ ૫.૫ ટકા, આશાપુરા માઇન પાંચ ટકા ડૂલ થઈ છે. 

રાજેશ એક્સપોર્ટ્‌સમાં મૅનેજમેન્ટના ખુલાસા કામ ન આવ્યા

હિસાબી ગોલમાલ દ્વારા પાંચ વર્ષમાં ૧૫.૧૫ લાખ કરોડની આવક વધુ પડતી બતાવી અનેકવિધ ગેરરીતિ આચરી રોકાણકારોને ૧૨૭૨૬ કરોડની હાનિ કરી હોવાના આક્ષેપ સાથે સેબીના સપાટે ચડેલી રાજેશ એક્સપોર્ટ્‌સ સતત બીજા દિવસે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૯૯ થઈ ત્યાં જ બંધ રહી છે. સેબીની ગેરસમજ થઈ છે, અમે કશું ખોટું કર્યું નથી એવી કંપનીની સફાઈની બજારમાં કોઈ સારી અસર દેખાઈ નથી. જેમ જ્વેલરી સેક્ટરના અન્ય શૅરની વાત કરીએ તો બુલ રનમાં નવા બેસ્ટ લેવલની હારમાળા બનાવનારી થંગમયિલ જ્વેલરી ગઈ કાલે પ્રૉફિટ બુકિંગમાં નીચામાં ૫૦૯૫ થઈ ત્રણ ટકા કે ૧૭૧ રૂપિયા ઘટીને ૫૪૫૧ થઈ છે. સ્કાય ગોલ્ડ ઉપરમાં ૫૭૮ બનાવી ૭.૫ ટકા ઝંખવાઈ ૫૨૯ હતી. TBZ લિમિટેડ ૧૭૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નીચામાં ૧૬૪ થઈ ૪.૪ ટકા ગગડીને ૧૬૭ હતી. સામે સ્પાઇસ લેન્ડ્સ ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૪૫૫ના શિખરે જઈ ૪૫૦ હતી. ભાલ વર્ષ પહેલાં ૪૧ના તળિયે હતો. RBZ જ્વેલર્સ ૪.૮ ટકા વધી ૧૩૨ રહી છે. કલ્યાણ જ્વેલર્સ અઢી ટકા વધીને ૩૭૨ હતી. ગોલ્ડિયમ ઇન્ટર બે ટકા ઘટી ૪૨૨ હતી. રેનેસાં ગ્લોબલ સવા ટકો ઘટ્યો હતો. ડીપી આભૂષણ પોણાબે ટકા નરમ તો સેન્કો ગોલ્ડ સવા ટકો સુધર્યો છે. આગલા દિવસે ઝળકેલી ટાઇટન ઉપરમાં ૪૨૯૫ થઈ પોણો ટકો વધી ૪૨૬૦ રહી છે. રાજેશ એક્સપોર્ટ્સમાં LICનું હોલ્ડિંગ પોણાઅગિયાર ટકાનું છે. જોકે હજી સુધી એને રાજેશ એક્સપોર્ટ્‌સની ખરાબીની અસર થઈ નથી. શૅર ગઈ કાલે નીચામાં ૩૯૫ તથા ઉપરમાં ૪૦૩ થઈ અડધો ટકો સુધરી ૪૦૦ બંધ રહ્યો છે. IFCI લિમિટેડ ૮૩ નજીક જઈ ત્રણેક ટકાની નરમાઈમાં ૭૯ ઉપર જોવા મળી છે. 

હેક્સાજેનમાં ૧૩નું પ્રીમિયમ, ઓરિયેટમાં લિસ્ટિંગ લૉસ

હાલની તારીખે આગામી સપ્તાહે એક પણ ભરણું દેખાતું નથી. ગઈ કાલે બે ભરણાં ખૂલ્યાં એમાંથી મેઇનબોર્ડ ખાતે અંધેરી-વેસ્ટની હેક્સાજેન ન્યુટ્રેશનનો એકના શૅરદીઠ ૪૫ની અપરબૅન્ડ સાથે ૧૩૯ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૨.૩ ગણા સહિત કુલ ૧.૬ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૧૩ ચાલે છે. જયપુરની જેનઝાઇ ઍનલિટિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૬ની અપરબૅન્ડ સાથે ૫૫ કરોડનો NSE SME IPO પ્રથમ દિવસે રીટેલમાં ૪૦ ટકા સહિત કુલ ૬૦ ટકા જેવો ભરાયો છે. હાલ પ્રીમિયમ પાંચ છે.

મેઇનબોર્ડ ખાતે હરિયાણાની CMR ગ્રીન ટેક્નૉલૉજીઝનો બેના શૅરદીઠ ૧૯૨ની અપરબૅન્ડ સાથે ૬૩૧ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૨૭ ગણા સહિત કુલ ૧૨૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૭૫ રૂપિયા છે. SME સેગમેન્ટમાં ગુરુવારે જે બે ભરણાં ખૂલ્યાં હતાં એમાં બીજા દિવસના અંતે અંધેરી-ઈસ્ટની UHM વેકેશનનો ૧૦ના શૅરદીઠ ૧૬૬ની અપરબૅન્ડ સાથે કુલ ૩૬ કરોડના BSE SME IPO કુલ ૬૫ ટકા તથા સુરતની વાહ કેમિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવનો ૧૩૪૫ લાખનો BSE SME ઇશ્યુ કુલ સવાછ ગણો ભરાઈ ચૂક્યો છે. બન્ને ભરણાં સોમવારે બંધ થશે. હાલ વાહ કેમિકલ્સમાં ૧૨ રૂપિયા તથા UHM વેકેશનમાં ૩૪ પ્રીમિયમ છે.

નરીમાન પૉઇન્ટની ઓરિયેટ ટ્રેડ ૧૦ના શૅરદીઠ ૭૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૩થી શરૂ થયા બાદ ગગડીને છેલ્લે એક થઈ ગયેલા પ્રીમિયમ સામે ગઈ કાલે BSEમાં ભાવોભાવ ૭૦ ખૂલીને ૬૬ બંધ થતાં એમાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. રાજનંદિની ફૅશન ૫૪.૬૮ની વર્સ્ટ સપાટી બનાવી પાંચ ટકા તૂટી ત્યાં જ હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 08:27 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK