ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજાશે રિવ્યુ મીટિંગ, તળાવોમાં ૮૮.૪૦ ટકા પાણી જમા
ગઈ કાલના વરસાદનો સામનો કરવા માટે આ ટૂ-વ્હીલરવાળા બરાબર સજ્જ હતા.
મુંબઈગરાને ટૂંક સમયમાં જ પાણીકાપમાંથી મુક્તિ મળી શકે છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન(BMC)ના વરિષ્ઠ અધિકારીઓએ સંકેત આપ્યો છે કે જો જળાશયોમાં પાણીની આવક આ જ રીતે ચાલુ રહેશે તો ૧૫ ઑગસ્ટ પહેલાં મુંબઈમાં લાગુ કરાયેલો પાણીકાપ પાછો ખેંચી લેવાશે. આ વિશે ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં એક મહત્ત્વની સમીક્ષા બેઠક યોજાશે, જેમાં આખરી નિર્ણય લેવામાં આવશે. અત્યારે BMC દ્વારા ઘરગથ્થુ વપરાશના પાણીમાં ૧૦ ટકા અને ઔદ્યોગિક વપરાશ માટે ૨૦ ટકા પાણીકાપ અમલમાં છે.
BMCના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ‘મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં ૮૮.૪૦ ટકા પાણી જમા થઈ ગયું છે. આગામી સાતથી ૮ દિવસ સુધી જળાશયોની જળસપાટી પર સતત નજર રાખવામાં આવશે. ત્યાર બાદ ઑગસ્ટના પ્રથમ અઠવાડિયામાં બેઠક યોજીને પાણીકાપ વિશે આખરી નિર્ણય લેવામાં આવશે. જો તળાવો એમની પૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ જશે તો ૧૫ ઑગસ્ટ પહેલાં મુંબઈમાં અમલી પાણીકાપ નાબૂદ કરી દેવાશે.’
ADVERTISEMENT
મુંબઈમાં બે દિવસ સામાન્ય વરસાદની સંભાવના
મુંબઈમાં આ સપ્તાહ દરમ્યાન સમયાંતરે હળવો વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાનનિષ્ણાતોના મતે વીક-એન્ડ સુધી ભારે કે અતિભારે વરસાદનાં એંધાણ નથી. વચ્ચે-વચ્ચે તડકો નીકળવાને કારણે તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમને કારણે આગામી બે દિવસ દરમ્યાન વીસથી ૩૦ મિલીમીટર સુધી વરસાદ પડી શકે છે, પરંતુ ૨૯ જુલાઈ પછી વરસાદી પ્રવૃત્તિઓ નબળી પડી જશે.
આજે અને આવતી કાલે મુંબઈના કેટલાક ભાગોમાં ૧૫ ટકા પાણીકાપ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આજે અને આવતી કાલે મુંબઈના અમુક વિસ્તારોમાં પાણીકાપ જાહેર કર્યો છે. પાંજરાપુર પમ્પિંગ સ્ટેશન પર રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હોવાથી સાઉથ મુંબઈ, પશ્ચિમી ઉપનગરો અને પૂર્વીય ઉપનગરોમાં મંગળવારે સવારે ૯ વાગ્યાથી બુધવારે સવારે પાંચ વાગ્યા સુધી પાણીપુરવઠાને અસર થશે.
BMCનો હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગ પાંજરાપુરના મુંબઈ-૩A પમ્પિંગ સ્ટેશન પર હાલના ૬.૬ કિલો વૉટની હાઈ-વૉલ્ટેજ કન્ટ્રોલ પેનલ્સને બદલશે જેને કારણે ભાંડુપ પ્લાન્ટને મળતો પાણીપુરવઠો બંધ રહેશે. અેથી મુંબઈના અનેક વિસ્તારોમાં ૨૦ કલાક સુધી પાણીકાપ લાગુ રહેશે.
