સગી જનેતાએ જ્યારે ૨૪ વર્ષ બાદ દીકરાને જોયો ત્યારે તે તેને જોઈને રડી પડી હતી અને ભેટી પડી હતી
નવનાથને મળીને ખુશખુશાલ ગાયકવાડ પરિવાર.
સોલાપુર જિલ્લાના કરમાળા તાલુકાના કેડગાંવનો નવનાથ ગાયકવાડ પરિવારમાં ઝઘડો થતાં ગુસ્સે ભરાઈને ઘર છોડીને નીકળી ગયો હતો. અનેક ગામમાં ફર્યા પછી તે બુલડાણા જિલ્લાના મલકાપુરમાં સ્થાયી થયો હતો. તેણે ત્યાં લગ્ન પણ કરી લીધાં હતાં. જોકે તેના ઘરે તેની મમ્મી અને ભાઈ-બહેનો તેની પ્રતીક્ષા કરતાં રહ્યાં હતાં.
દરમ્યાન હાલ રાજ્યમાં મતદાર યાદી અપડેટ કરવાની હોવાથી એ માટે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ચાલી રહ્યું છે. એથી તેની માહિતી લેવા બૂથ લેવલ ઑફિસર (BLO) નવનાથના ઘરે પહોંચ્યા હતા. ચકાસણી કરતાં નવનાથનું નામ સોલાપુરની મતદારયાદીમાં જોડાયેલું હોવાનું જણાઈ આવ્યું હતું. એથી એ વિશેની માહિતી BLO સાથે ક્રૉસ ચેક કરી એ માહિતીની ખાતરી કરી ચકાસણી કરાઈ હતી. એ વખતે નવનાથના પરિવારને જાણ થઈ કે ૨૪ વર્ષ પહેલાં ઘર છોડીને નીકળી ગયેલો નવનાથ જીવતો છે. એથી તેઓ જરા પણ સમય બગાડ્યા વગર ૪૦૦ કિલોમીટરનો પ્રવાસ કરી મલકાપુર પહોંચી ગયા હતા અને નવનાથને મળ્યા હતા.
ADVERTISEMENT
સગી જનેતાએ જ્યારે ૨૪ વર્ષ બાદ દીકરાને જોયો ત્યારે તે તેને જોઈને રડી પડી હતી અને ભેટી પડી હતી. નવનાથ પણ તેને વળગી પડ્યો હતો. આમ SIRની પ્રકિયાથી મા-દીકરાનો, પરિવારનો મેળાપ થયો હતો.
