Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ફાધર્સ ઑફ ઑલ ડીલ્સનો બજારમાં જયજયકાર

ફાધર્સ ઑફ ઑલ ડીલ્સનો બજારમાં જયજયકાર

Published : 04 February, 2026 09:29 AM | IST | Mumbai
Anil Patel

બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ, માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ : મજબૂત બજારમાં પણ ઓલા ઇલેક્ટ્રિક અઢી ટકા ગગડી : સેન્સેક્સ, નિફ્ટીમાં અદાણીના શૅર બેસ્ટ ગેઇનર બન્યા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


સેન્સેક્સ ૨૦૭૩ પૉઇન્ટ, નિફ્ટી ૬૩૯ પૉઇન્ટ વધીને બંધ, માર્કેટકૅપમાં ૧૨.૧૩ લાખ કરોડનો વિક્રમી ઉછાળો : બજારે ઇન્ટ્રા-ડેમાં ૪૨૦૬ પૉઇન્ટની છલાંગ મારીને ત્યાંથી ૨૩૭૧ પૉઇન્ટ નીચે ઊતરી ગયું : ડૉલરની સામે રૂપિયામાં ડિસેમ્બર ૨૦૧૮ પછીનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો જોવા મળ્યો : બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ, માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ : મજબૂત બજારમાં પણ ઓલા ઇલેક્ટ્રિક અઢી ટકા ગગડી : સેન્સેક્સ, નિફ્ટીમાં અદાણીના શૅર બેસ્ટ ગેઇનર બન્યા : ગાર્મેન્ટ્સ ઉદ્યોગના ૩૯માંથી ૩૬, ટેક્સટાઇલના ૨૧૦માંથી ૧૬૩, જેમ્સ-જ્વેલરીના ૭૨માંથી ૫૩, ફાર્માના ૧૮૨માંથી ૧૩૭ શૅર પ્લસમાં

૨૦૨૬નું વર્ષ અનોખું પુરવાર થશે એમ લાગે છે. યુરોપિયન યુનિયન સાથે થયેલા વેપાર-કરાર ‘મધર્સ ઑફ ડીલ્સ’નાં ગુણગાન હજી માંડ શરૂ થયા છે ત્યાં ‘ફાધર્સ ઑફ ઑલ ડીલ્સ’નું અવતરણ થયું છે. અમેરિકા સાથે ખટવાઈ પડેલી ટ્રેડ-ડીલ જાહેર થઈ ગઈ છે. દેશના નોંધારા વિદેશ-વેપારને વર્ષારંભે જ ડીલ-માતા અને ડીલ-પિતા બન્ને મળી ગયાં છે. આ મા-બાપ તેમની જવાબદારી કેવી રીતે, કેટલી અદા કરે છે એની ખબર તો બે-ત્રણ વર્ષે પડશે. દેશની નિકાસમાં તેમ જ વેપારખાધમાં આનાથી કેટલો ફરત પડે છે એ અત્યારે કેવળ અટકળનો વિષય છે, પરંતુ પ્રચારતંત્ર અને મીડિયા જબરું ગેલમાં આવી ગયું છે. હરખમાં ને હરખમાં ગજબના ગાંડા-ઘેલા શરૂ થઈ ગયા છે. ટ્રેડ-ડીલની પૂરેપૂરી સચોટ વિગત હજી બહાર આવી નથી, પણ એક વાત ચોક્કસ છે. શૅરબજારને હાલ જબરું ટ્રિગર મળી ગયું છે. ટ્રેડ-ડીલની જાહેરાતના પગલે અમેરિકન બજારમાં ભારતીય કંપનીઓના ADRના ભાવ સવાચારથી પોણાસાત ટકા વધીને સોમવારની મોડી રાત્રે બંધ થયા હતા એટલે મંગળવારે માર્કેટ મઝેદાર રહેશે એ વાત નક્કી હતી. તદાનુસાર સેન્સેક્સ આગલા બંધથી ૩૬૫૭ પૉઇન્ટની છલાંગમાં ૮૫,૩૨૩ તથા નિફ્ટી ૧૨૨૦ પૉઇન્ટની હરણફાળમાં ૨૬,૩૦૮ ખૂલ્યો હતો. છેલ્લે સેન્સેક્સ ૨૦૭૭ પૉઇન્ટ કે અઢી ટકાના ઉછાળે ૮૩,૭૩૯ અને નિફ્ટી ૬૩૯ પૉઇન્ટ કે ૨.૬ ટકાની તેજીમાં ૨૫,૭૨૭ બંધ થયો છે. શૅરઆંક ઇન્ટ્રા-ડેમાં ૪૨૦૬ પૉઇન્ટના જમ્પમાં ઉપરમાં ૮૫,૭૭૨ નજીક ગયા બાદ ત્યાંથી ૨૩૭૧ પૉઇન્ટ ઘટીને નીચામાં ૮૩,૫૦૧ થયો હતો. નિફ્ટી ૧૨૫૩ પૉઇન્ટ ઊછળી ૨૬,૩૪૧ બતાવી ત્યાંથી ૭૦૦ પૉઇન્ટ ઘટી નીચામાં ૨૫,૬૪૧ દેખાયો હતો. ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૬૯૪ શૅરની સામે ૫૩૪ જાત ઘટી છે. BSE ખાતે કુલ ૪૪૨૨ શૅરમાં કામકાજ થયું હતું. એમાંથી ૩૩૦૩ શૅર પ્લસ તો ૯૮૨ કાઉન્ટર માઇનસ હતાં. બજારનું માર્કેટકૅપ ૧૨.૧૩ લાખ કરોડના વિક્રમી ઉછાળામાં હવે ૪૬૭.૧૫ લાખ કરોડ નજીક જોવાયું છે. ડૉલર સામે રૂપિયો ડિસેમ્બર ૨૦૧૮ પછીના મોટા જમ્પમાં વધીને ૯૦.૦૫ થયો હતો. બર્નસ્ટેનવાળા નિફ્ટીમાં હવે વર્ષાન્ત સુધીમાં ૨૮,૧૦૦નું ટાર્ગેટ લાવ્યા છે.



વિશ્વબજારોની વાત કરીએ તો તમામ એશિયન બજાર મંગળવારે મજબૂત હતાં. સાઉથ કોરિયન કોસ્પી સાડાછ ટકાની તેજીમાં ૫૨૮૮ બંધ થયો છે. જૅપનીઝ નિક્કેઈ ૫૪,૮૦૨ની નવી ઑલટાઇમ હાઈ બનાવી પોણાચાર ટકા કે ૨૦૭૯ પૉઇન્ટના જમ્પમાં ૫૪,૭૩૭ હતો. ઇન્ડોનેશિયા તથા તાઇવાન પોણાબે ટકા, થાઇલૅન્ડ સવા ટકો, ચાઇના ૧.૩ ટકા, સિંગાપોર એક ટકા, ઑસ્ટ્રેલિયા એક ટકા નજીક પ્લસ હતું. હૉન્ગકૉન્ગ નજીવા ઘટાડે ફ્લૅટ રહ્યું છે. યુરોપ રનિંગમાં સાધારણથી પોણા ટકા જેવું ઉપર ચાલતું હતું. લંડન ફુત્સી નહીંવત્ સુધારામાં હતો. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ઉપરમાં ૧,૮૭,૫૧૯ થઈ ૨૦૦૫ પૉઇન્ટ વધીને ૧,૮૭,૦૫૭ દેખાયું છે. કૉમેક્સ ગોલ્ડ સવાછ ટકાના ઉછાળે ૪૯૪૬ ડૉલર તથા ચાંદી સવાબાર ટકાની તેજીમાં ૮૬.૪૪ ડૉલર હતી. કૉપર વાયદો ૪ ટકા વધ્યો હતો. અન્ય મેટલ વાયદા બે અઢી ટકા તથા ટીન સવાદસ ટકા ડાઉન હતો. બિટકૉઇન ૭૮,૫૯૮ ડૉલરે નહીંવત્ નરમ હતા. 


તમામ સેક્ટોરલ પ્લસ, બૅન્ક નિફ્ટી તથા ફાઇનૅન્સ નવા બેસ્ટ લેવલે

બન્ને બજારનાં તમામ સેક્ટોરલ ગઈ કાલે ખાસ્સાં મજબૂત હતાં. એકમાત્ર FMCG ઇન્ડેક્સ પોણો ટકો પ્લસ થયો છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૪ શૅરના સથવારે ૬૧,૭૬૫ની ઑલટાઇમ હાઈ બનાવી ૨.૪ ટકા કે ૧૪૨૨ પૉઇન્ટ વધીને ૬૦,૦૪૧ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની હૂંફમાં ૨.૭ ટકા પ્લસ હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧ શૅરમાંથી ૩૮ જાત વધી છે. ઉત્કર્ષ બૅન્ક ૩.૮ ટકા તો ઇ​ક્વિતાસ બૅન્ક અઢી ટકા નરમ હતી. સિટી યુનિયન બૅન્ક ૫.૬ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૯ ટકા, ફેડરલ બૅન્ક દોઢ ટકા, કરૂરવૈશ્ય ૨.૪ ટકા, સ્ટેટ બૅન્ક ૩.૫ ટકા વધીને નવા શિખરે બંધ થઈ છે. બૅન્કિંગની હૂંફ મળી જતાં ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩,૩૮૧ની લાઇફટાઇમ હાઈ બનાવી ૨.૮ ટકા વધીને ૧૩,૦૭૫ બંધ થયો છે. એના ૧૮૪માંથી માત્ર ૧૫ શૅર નરમ હતા. પૉલિસીબાઝાર ૬.૪ ટકા ગગડી ૧૪૬૨ હતી. મોબી​ક્વિક ૨૦ ટકાની તેજીમાં ૨૩૮ બંધ આપી અત્રે ઝમકી છે. મોતીલાલ ઓસવાલ, નુવામા વેલ્થ, સેન્ટ્રમ કૅપિટલ, શૅર ઇન્ડિયા, રેલીગેર, એન્જલવન, SMC ગ્લોબલ જેવાં કાઉન્ટર છથી પોણાઆઠ ટકા ઊંચકાયાં હતાં. ઇન્ડોસ્ટાર ૧૦.૭ ટકા ઊછળી છે.


રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી ૧૦ શૅરની આગેકૂચમાં ૪.૭ ટકા, પાવર ઇન્ડેક્સ ૧૮માંથી ૧૮ શૅરના ઉજાસમાં ૪.૧ ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૪માંથી ૨૯ શૅરના સુધારામાં ૩.૭ ટકા કે ૨૪૩૩ પૉઇન્ટ, યુટિલિટી ઇન્ડેક્સ ૩૫માંથી ૩૩ શૅરની મજબૂતીમાં ૩.૯ ટકા, ઑટો ઇન્ડેક્સ ૨૦માંથી ૨૦ શૅરની રેસમાં ૨.૯ ટકા કે ૧૭૧૦ પૉઇન્ટ, એનર્જી ઇન્ડેક્સ ૩૩માંથી ૨૮ શૅરની તાકાતમાં બે ટકા, હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૧૯માંથી ૯૮ શૅરની તંદુરસ્તીમાં ૨.૮ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ ૨.૬ ટકા, ટેલિકૉમ ૨.૪ ટકા નિફ્ટી ડિફેન્સ ૨.૩ ટકા વધ્યો છે. IT ઇન્ડેક્સ ઉપરમાં ૩૮,૫૯૮ વટાવી પ્રૉફિટ બુકિંગમાં ૩૭,૧૧૩ થઈ છેવટે દોઢ ટકા વધીને ૩૭,૧૫૦ હતો. એના ૭૭માંથી ૬૮ શૅર વધ્યા છે. ASM ટેક્નૉલૉજીઝ સતત ત્રીજા દિવસે બગડી પાંચ ટકાની નરમાઈમાં ૨૫૬૦ બંધ રહી છે. 
મેટલ ઇન્ડેક્સ ૨.૯ ટકા કે ૧૦૮૩ પૉઇન્ટ વધ્યો છે. એના ૧૩માંથી ૧૩ શૅર પ્લસ હતા. FMCG ઇન્ડેક્સ ૯૩માંથી ૮૧ શૅરની હૂંફમાં પોણો ટકા પ્લસ હતો. સીફૂડ કંપની ઍપેક્સ ફ્રોઝન ૨૦ ટકાની તેજીમાં ૩૫૧, ડ્રાયફૂડ્સ, નમકીન તથા અથાણાં વેચતી એડીએફ ફૂડ્સ ૨૦ ટકાની તેજીમાં ૨૦૭, અવતિફીડ્સ ૨૦ ટકાના જમ્પમાં ૯૬૦ બંધ થઈ હતી. રાઇસ કંપની એલટી ફૂડ્સ ૧૪.૯ ટકા ઊંચકાઈ છે. વરુણ બેવરેજિસ ૩.૩ ટકા, ઝાયડસ વેલનેસ ૨.૮ ટકા અને ધામપુર બાયો ઑર્ગેનિક્સ ૩ ટકા ડાઉન હતી.

પાંચ બૅન્ક બજારને ૭૬૧ પૉઇન્ટ ફળી, સ્ટેટ બૅન્ક અને ઍક્સિસ બૅન્ક નવી ટોચે

ગઈ કાલે HDFC બૅન્ક ૨.૩ ટકા વધીને ૯૪૮ બંધમાં બજારને ૨૭૨ પૉઇન્ટ તથા ICICI બૅન્ક ૨.૭ ટકા વધીને ૧૩૮૯ બંધમાં ૨૨૪ પૉઇન્ટ ફળી છે. સ્ટેટ બૅન્ક ૧૦૯૦ની વિક્રમી સપાટી બતાવી સાડાત્રણ ટકા વધીને ૧૦૬૪, ઍક્સિસ બૅન્ક ૧૪૧૮ની ઑલટાઇમ હાઈ હાંસલ કરી ૨.૯ ટકા વધીને ૧૩૫૫ તથા કોટક બૅન્ક ૧.૯ ટકા વધીને ૪૧૬ બંધ થઈ છે. આ પાંચ બૅન્ક શૅરબજારને કુલ ૭૬૧ પૉઇન્ટ ફળી છે. બજાજ ફાઇનૅન્સ ૬.૮ ટકા તો બજાજ ફિનસર્વ ૪.૩ ટકા પ્લસ હતી. બજાજ ઑટો ૯૯૦૦ની ઐતિહાસિક ટૉપ બતાવી એક ટકો વધીને ૯૫૯૫ રહી છે. મારુતિ સુઝુકી ૨.૭ ટકા, મહિન્દ્ર ૧.૯ ટકા, આઇશર ૩.૩ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર અઢી ટકા વધી છે. અન્ય ઑટો શૅરમાં હીરો મોટોકૉર્પ ૨.૮ ટકા, તાતા મોટર્સ ૩.૨ ટકા, હ્યુન્દાઇ મોટર અડધો ટકો, TVS મોટર ૧.૯ ટકા પ્લસ હતી. અશોક લેલૅન્ડ ૨૦૩ની વિક્રમી સપાટી મેળવી ૨.૮ ટકા વધીને ૨૦૦ નજીક રહી છે. આટલા મજબૂત બજારમાં પણ ઓલા ઇલેક્ટ્રિકે અઢી ટકાના ઘટાડામાં ૩૧ બંધ આપી છે.

ઇન્ડિગો ૫.૫ ટકા કે ૨૫૮ રૂપિયા ઊછળી ૪૯૪૫ થઈ છે. પાવરગ્રીડ ૪.૯ ટકા, લાર્સન ૩ ટકા, એટર્નલ અઢી ટકા, ટ્રેન્ટ ૨.૭ ટકા, ટાઇટન ૨.૮ ટકા, NTPC સવાબે ટકા, તાતા સ્ટીલ ૨.૩ ટકા, મેક્સ હેલ્થકૅર ૪.૮ ટકા, સનફાર્મા ૪.૫ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૪.૫ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૪ ટકા, હિન્દાલ્કો ૨.૭ ટકા, તાતા કન્ઝ્યુમર ૨.૮ ટકા, JSW સ્ટીલ અઢી ટકા, અપોલો હૉસ્પિટલ સવાબે ટકા, ભારતી ઍરટેલ દોઢ ટકા, ગ્રામિમ સવા ટકો વધી હતી.

ટેક મહિન્દ્ર ૧૮૫૦ના શિખરે જઈને પ્રૉફિટ બુકિંગમાં ૧૭૧૪ બતાવી અડધો ટકો ઘટીને ૧૭૧૪ રહી છે. ઇન્ફોસિસ ૧.૬ ટકા, TCS ૧.૭ ટકા, વિપ્રો નજીવો, HCL ટેક્નો પોણો ટકા, લાટિમ અડધો ટકો પ્લસ હતી. ટ્રેડ-ડીલના પગલે અમેરિકન બજારમાં આગલા દિવસે વિપ્રોનો ADR પોણાસાત ટકા, ઇન્ફીનો ADR ૪.૩ ટકા, ICICI બૅન્કનો ADR પાંચ ટકા, HDFC બૅન્કનો ADR ૪.૪ ટકા, ડૉ. રેડ્ડીઝનો ADR ૧.૪ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો DCR સવાચાર ટકા વધીને બંધ થયો હતો. અમેરિકન બજારમાં આવેલા ઉછાળાના મુકાબલે મોટા ભાગે અહીં ભાવ ઓછો વધ્યો છે. નિફ્ટી ખાતે નેસ્લે ૧૩૪૦ના શિખરે જઈ નીચામાં ૧૨૯૧ થઈ છેવટે નામપૂરતા ઘટાડે ૧૩૦૮ રહી છે.

BSE લિમિટેડનાં રિઝલ્ટ ૮ ફેબ્રુઆરીએ છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૯૨૯ થઈ ૫.૯ ટકા કે ૧૫૯ રૂપિયાની તેજી દાખવીને ૨૮૬૧ બંધ હતો. MCX ઉપરમાં ૨૫૫૪ થઈ પોણાપાંચ ટકા ઊંચકાઈ ૨૪૩૫ હતી. NSDL ૪.૫ ટકા તો CDSL સાડાઆઠ ટકા વધી છે. ગઈ કાલે ગરવારે હાઇટેક, અવંતિ ફીડ, ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ, ગોકળદાસ એક્સપોર્ટ્‍સ, એવલોન, મોબીક્વિક, અપાર ઇન્ડસ્ટ્રીઝ, પોકર્ણા લિમિટેડ, ગુજરાત પોલી, શ્રી જગદંબા પૉલિમર્સ, ફેઝ-૩ લિમિટેડ, રાજેશ પાવર, ઍપેક્સ ફ્રોઝન, ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ, કેમલીન ફાઇન, મેઘના ઇલેક્ટ્રો, વૉટરબેઝ, ADF ફૂડ્સ, કિટેક્સ ગાર્મેન્ટ્સ, નેલકાસ્ટ, કાનપુર પ્લાસ્ટિક્સ, વેલસ્પન લીવિંગ, પેરામાઉન્ટ કૉમ્યુનિકેશન જેવા શૅર ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટમાં બંધ હતા.

કસ્તુરી મેટલનો SME IPO શૅરદીઠ ૬૪ની ઇશ્યુ પ્રાઇસ સામે BSEમાં ૬૪ ખૂલી નીચામાં ૬૦.૮૦ થઈ છેવટે ૬૪ બંધ થતાં એમાં ઝીરો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

અદાણી તથા અંબાણીના શૅર મોટા વધારા સાથે મજબૂત

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૮ તો નિફ્ટીના ૫૦માંથી ૪૬ શૅર પ્લસ થયા છે. અમેરિકા સાથે ટ્રેડ-ડીલ અને ટ્રમ્પ  તરફથી મોદીની થયેલી ભરપૂર પ્રશંસાના પગલે અદાણીના શૅર જોરમાં આવ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ ૨૨૭૩ વટાવી ૧૦.૪ ટકા કે ૨૦૭ રૂપિયાના ઉછાળે ૨૨૦૨ બંધ આપી નિફ્ટીમાં ટૉપ ગેઇનર બની છે. અદાણી પોર્ટ્સ બમણા કામકાજે ૧૫૩૭ થઈ ૯.૧ ટકા ઊછળી ૧૫૩૧ બંધમાં સેન્સેક્સ ખાતે ઝળકી હતી. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર સાડાસાત ટકા, અદાણી એનર્જી સવાદસ ટકા, અદાણી ગ્રીન સાડાદસ ટકા, અદાણી ટોટલ પાંચેક ટકા, ACC બે ટકા, અંબુજા સિમેન્ટ્સ સાડાત્રણ ટકા, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ સવાપાંચ ટકા, ઓરિયન્ટ સિમેન્ટ્સ ૨.૮ ટકા, NDTV ત્રણેક ટકા, PSP પ્રોજેક્ટ્સ ૪ ટકા, સેમિઇન્ડિયા પ્રોજેક્ટ્સ ૬.૭ ટકા ઊંચકાઈ છે.

અંબાણીની વાત કરીએ તો મુકેશ અંબાણીની ફ્લૅગશિપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં ૧૪૮૯ બતાવી ૩.૪ ટકાની તેજીમાં ૧૪૩૮ બંધ આપી સેન્સેક્સને ૨૭૩ પૉઇન્ટ ફળી છે. એની ૪૭.૧ ટકા માલિકીની સબસિડિયરી જિયો ફાઇનૅન્શિયલ સાડાચાર ગણા કામકાજે ૨૬૭ નજીક જઈ ૮ ટકાની તેજીમાં ૨૬૪ હતી. ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ૩.૫ ટકા, હેથવે કેબલ ૨.૮ ટકા, ડેન નેટવર્કસ પોણો ટકો, આલોક ઇન્ડસ્ટ્રીઝ ૬.૭ ટકા, લોટસ ચૉકલેટ ૩.૯ ટકા, નેટવર્કસ ૧૮ ૩.૮ ટકા, જસ્ટ ડાયલ સવા ટકા, સ્ટર્લિંગ વિલ્સન પાંચ ટકા વધી છે. મુકેશ અંબાણીના પરમસખા આનંદ જૈનની જયકૉર્પ સાડાચાર ટકા વધીને ૧૧૫ હતી. અનિલ અંબાણી ગ્રુપ હાલ મની લૉન્ડરિંગ અને ફ્રૉડના આક્ષેપ હેઠળ EDના સકંજામાં છે. એની રિલાયન્સ ઇન્ફ્રા ૧૭૫ ગણા જંગી વૉલ્યુમે ૧૧૫ની મલ્ટિયર બૉટમ બતાવી ૪.૨ ટકા વધીને ૧૨૬ થઈ છે. રિલાયન્સ પાવર ઉપરમાં ૨૮.૫૦ થઈ પાંચ ટકાના જોરમાં ૨૮.૧૮ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 09:29 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK