Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વરસતા વરસાદે ને વીજળીના ચમકારે ૬૦ના સેન્સેક્સ સાથે તેજીનો ગડગડાટ

વરસતા વરસાદે ને વીજળીના ચમકારે ૬૦ના સેન્સેક્સ સાથે તેજીનો ગડગડાટ

25 September, 2021 08:54 AM IST | Mumbai
Anil Patel

ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓના શૅરમાં નરમાઈ વચ્ચે શ્રીરામ એએમસી ૧૦ ટકાની સર્કિટ સાથે નવી ટોચ પર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેન્સેક્સ ૩૭૪ મહિનામાં ૧૦૦૦ પરથી ૬૦૦૦૦ થઈ ગયો, વર્ષે સરેરાશ ૪૫૦ ટકાનું રિટર્ન : સંખ્યાબંધ આઇટી શૅરોમાં નવાં શિખર, આઇટી, ટેક્નૉલૉજીઝ તથા ટેલિકૉમ ઇન્ડેક્સ બેસ્ટ લેવલે : ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓના શૅરમાં નરમાઈ વચ્ચે શ્રીરામ એએમસી ૧૦ ટકાની સર્કિટ સાથે નવી ટોચ પર : સ્ટીલ શૅરોના નેજા હેઠળ મેટલ શૅર મુરઝાયા, બૅન્કિંગમાં વ્યાપક ઘટાડો : ફર્ટિલાઇઝર શૅર લાઇમલાઇટમાં જોવા મળ્યા

‘મારે ત્યાં ધોધમાર વરસાદ છે, વાદળોનો ભારે ગડગડાટ અને વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને અફકોર્સ, શૅરબજાર પણ ૬૦નું થઈ ગયું છે.’ મુરબ્બી વડીલ મિત્ર તલકશી ગોસરની યાદ આવી ગઈ. વર્ષો પહેલાં તેમણે આવા જ માહોલમાં શૅરબજારની તેજીને લઈને પ્રૉફિટમાં હેડિંગ આપ્યું હતું એ પણ યાદ આવી ગયું અને એના સંદર્ભમાં જ આજે મને ઉપરનું મથાળું કે હેડિંગ સૂઝ્‍યં છે. થૅન્ક યુ ગોસરભાઈ, દિલ સે ઍનીવે, શૅરબજાર છેવટે પૂર્ણપણે ૬૦નું થઈ ગયું છે. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ ને શુક્રવારે શૅરબજારે એક નવો માઇલસ્ટોન સર કરી લીધો છે. અમે થોડા દિવસ પહેલાં અહીંથી કહ્યું હતું. સપ્ટેમ્બર વલણની વિદાય સુધીમાં સેન્સેક્સ ૬૦નો થઈ ગયો હશે એ વાત પણ અત્યારે યાદ આવી રહી છે.



૧૯૯૦ની ૨૫ જુલાઈએ સેન્સેન્સ પ્રથમ વાર ચાર આંકડે (૧૦૦૦) થયો હતો અને આજે એ વાતને ૩૧ વર્ષ ચોક્કસ કહીએ તો ૩૭૪ મહિના થાય છે. આટલા સમયમાં ૫૯૦૦ ટકાનું રિટર્ન થયું. હવે પછીનાં ૩૧ વર્ષે બજાર ક્યાં હશે? સેન્સેક્સ કમસે કમ બે લાખે જોવા મળશે. જોકે ત્યારે અમે નહીં હોઇએ. સેન્સેક્સ ગઈકાલે ૬૦ ઉપર ખૂલી ૬૦૩૩૩ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને ૧૬૩ પૉઇન્ટની આગેકૂચમાં ૬૦૦૪૮ ઉપર, તો નિફ્ટી ૧૭૯૪૮ નજીક નવી લાઇફટાઇમ હાઈ દેખાડી ૩૦ પૉઇન્ટ વધીને ૧૭૮૫૩ બંધ રહ્યો છે. આઇટી, ટેક્નૉ, ટેલિકૉમ, ઑટો તથા રિયલ્ટી એકંદર ઝમકમાં હતા. બાકી સઘળે પીછેહઠનો માહોલ દેખાયો છે. રોકડું અને બ્રૉડર માર્કેટ સારા એવા પ્રૉફિટ-બુકકિંગમાં હોવાથી માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ બની છે. બજારનું માર્કેટકૅપ પણ ૫૫૦૦૦ કરોડ રૂપિયાના ઘટાડે ૨૬૧.૧૮ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. એશિયન પેઇન્ટ્સ ૩૫૦૪ની વિક્રમી સપાટી બનાવી પોણાચાર ટકા જેવી મજબૂતીમાં ૩૪૪૩ પ્લસના બંધમાં સેન્સેક્સના વધેલા ૧૪ તથા નિફ્ટીના વધેલા ૨૦ શૅરમાં ટૉપ ગેઇનર હતો. તો તાતા સ્ટીલ પોણાચારેક ટકાની આસપાસની ખરાબીમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. માર્કેટ-લીડર રિલાયન્સ ૨૫૦૫ નજીક સર્વોચ્ચ સપાટી દેખાડીને સામાન્ય પીછેહઠમાં ૨૪૮૩ બંધ હતો. તાતા મોટર એક ટકો અને એનો ડીવીઆર બે ટકા ડાઉન હતા. મારુતિ સુઝુકી ૧૦૬ રૂપિયા કે દોઢ ટકો વધી ૬૯૫૦ થયો છે. બજાજ ફાઇનૅન્સ સવા ટકો ઢીલો પડ્યો છે, પરંતુ બજાજ ફિનસર્વ ૧૮૮૧૪ નજીક નવું શિખર હાંસલ કરીને સહેજ સુધારામાં ૧૮૫૨૮ જોવાયો છે. ફર્ટિલાઇઝર્સ શૅર લાઇમલાઇટમાં હતા. આરએફસી, ચંબલ ફર્ટિ, મદ્રાસ ફર્ટિ, મૅન્ગલોર કૅપિ., નૅશનલ ફર્ટિ, ફૅક્ટ સાડાછથી સાડાઅગિયાર ટકા ઊંચકાયા હતા. ઝુઆરી, નાગાર્જુના, જીએનએફસી તથા જીએસએફસી ૪થી ૫ ટકા અપ હતા. રિયલ્ટી ઇન્ડેક્સ વધુ પોણાબે ટકાની આગેકૂચમાં નવી ટોચે બંધ થયો છે. ઑબેરૉય રિયલ્ટી ૯૬૭ની સર્વોચ્ચ સપાટી બાદ ૧૦ ટકાના ઉછાળે ૯૩૨ બંધ રહી છે.


એક્સેન્ચરના ઊજળા દેખાવથી ઘરઆંગણે આઇટી શૅર મજબૂત

ગ્લોબલ આઇટી જાયન્ટ એક્સેન્ચર્સે ધારણા કરતાં સારાં પરિણામ રજૂ કરતાં ચાલુ વર્ષમાં ૫૦.૫ અબજ ડૉલરની વિક્રમી રેવન્યુ મેળવી છે અને આગામી વર્ષ માટે ૧૨થી ૧૫ ટકાના દરે રેવન્યુ ગ્રોથના ગાઇડન્સિસ આપ્યાં છે. આની સીધી અસરમાં શુક્રવારે ઘરઆંગણે આઇટી શૅરોને નવું જોમ મળી ગયું છે. આઇટી ઇન્ડેક્સ ૩૬૬૧૯ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૩૦૩ પૉઇન્ટ કે પોણો ટકો વધીને ૩૬૦૭૯ના શિખરે બંધ થયો છે. ઇન્ડેક્સના ૬૦માંથી ૩૭ શૅર પ્લસ હતા. ઇન્ફી ૧૭૮૭ની નવી વિક્રમી સપાટી હાંસલ કરીને સવા ટકો વધી ૧૭૬૩ બંધ રહેતાં એનું માર્કેટકૅપ ૭.૪૮ લાખ કરોડ વટાવી ગયું છે. એચસીએલ ટેક્નૉ ૧૩૭૭ની નવી ટૉપ બાદ ૨.૨ ટકા ઊંચકાઈ ૧૩૫૮, વિપ્રો ૬૯૯ના નવા શિખરે જઈ સહેજ વધી ૬૭૬, લાર્સન ઇન્ફોટેક ૬૪૩૮, લાર્સન ટેક્નૉ ૫૦૦૦ની વિક્રમી સપાટી મેળવી બે ટકા વધી ૪૮૫૭, માઇન્ડ ટ્રી નવા સર્વોચ્ચ શિખરની હારમાળામાં ૪૭૩૨ વટાવી એક ટકો વધી ૪૬૦૧, ટેક મહિન્દ્ર ૧૫૪૭ની નવી ટૉપ બાદ અડધો ટકો ઘટી ૧૫૧૪, એમ્ફાસિસ ૩૫૩૪ના બેસ્ટ સ્તરે જઈ નજીવો વધી ૩૩૪૫, ટીસીએસ સહેજ વધી ૩૮૭૧ બંધ હતા. સાઇડ કાઉન્ટર્સમાં નીટ લિમિટેડ ૩૮૭ની ઐતિહાસિક ટૉપ દેખાડી ૩૭૦ તો એપટેક ૩૧૯ની નવી હાઈ બાદ ૧૦.૭ ટકાના જમ્પમાં ૩૧૧ બંધ હતા. ડીલિન્ક, કેપીઆઇટી ટેક્નૉ, નેલ્કો, સુબેક્સ ત્રણથી સાત ટકા ઊંચકાયા હતા. માસ્ટેક ૩૨૩૫ની નવી ઊંચી સપાટી બનાવી સાધારણ વધીને ૩૧૩૯ હતો.


ટેક્નૉલૉજી અને ટેલિકૉમ આંક પણ નવા શિખરે, ઇન્ડસ ટાવર ઝળક્યો

આઇટી શૅરોની હૂંફ સાથે ટેલિકૉમ તથા મીડિયા સેગમેન્ટના સિલેક્ટિવ શૅર સારાએવા વધવાની અસરમાં બીએસઈનો ટેક્નૉલૉજી ઇન્ડેક્સ પણ ૧૬૨૯૫ની સર્વોચ્ચ સપાટી રણકાવી એક ટકો વધી ૧૬૦૮૦ બંધ રહ્યો છે. અહીં ૨૭માંથી ૧૮ શૅર પ્લસ હતા. ઇન્ડસ ટાવર તેજીને આગળ ધપાવતાં ૩૨૪ની ત્રીસેક મહિનાની નવી ટૉપ બતાવી ૧૩.૮ ટકાના ઉછાળે ૩૧૭ બંધ આવ્યો છે. એની પેરન્ટ્સ ભારતી ઍરટેલ ૭૫૩ નજીક નવી ઐતિહાસિક ટોચે જઈ ૧.૮ ટકા વધી ૭૩૯ હતી. વોડાફોન ઉપરમાં ૧૧.૬૩ થઈ ૮.૭ ટકાની મજબૂતીમાં ૧૧.૫૦ બંધ રહ્યો છે. સ્ટરલાઇટ ટેક્નૉ ૩.૮ ટકા અપ હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ પણ ૧૪માંથી ૬ શૅરના સુધારામાં નવી ટૉપ બનાવી ૨.૮ ટકા વધ્યો છે. ઇન્ડસ તથા વોડાફોન ઉપરાંત અહીં તેજસનેટ પાંચ ટકાની તેજીની સર્કિટ મારીને ૪૩૫ રૂપિયા બંધ હતો. તાતા કમ્યુ., આર.કૉમ, ઑન મોબાઇલ, જીટીપીએલ તથા એચડીએફસી દોઢેક ટકાથી લઈ ત્રણ ટકા જેવા ઢીલા હતા. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરની નરમાઈમાં અડધો ટકો ડાઉન હતો. અહીં ડિશ ટીવી ૧૦ ટકા વધ્યો છે. સામે પીવીઆર ૩.૬ ટકા, સનટીવી ૩.૩ ટકા, ટીવી૧૯ બ્રૉડકાસ્ટ ૧.૮ ટકા માઇનસ હતા. સહારા વન મીડિયામાં પાંચ ટકાની ઉપલી સર્કિટ હતી. ઝી એન્ટર નહીંવત્ વધી ૩૧૮ હતો. ઝી મીડિયા ૪.૮ ટકા વધ્યો હતો. ઝી લર્ન એક ટકો ઉપર હતો. પાંચ દિવસની ઉપલી સર્કિટ બાદ ગઈ કાલે એનડીટીવી ઇન્ટ્રા-ડેમાં ૧૦૬નું નવું ઊંચું લેવલ મેળવી પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૯૬ બંધ થયો છે. શેમારુ, પૅનોરામા, પ્રીતીશ નાંદી, પ્રાઇમફોક્સ, ઇરોઝ અઢીથી પાંચ ટકા ડાઉન હતા. પૂજા એન્ટર પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૨૦૭ બંધ હતો.

સ્ટીલ શૅરોની પાછળ મેટલમાં નરમાઈ, બૅન્કિંગમાં પ્રૉફિટ ટેકિંગ

ગઈ કાલે તાતા સ્ટીલ નીચામાં ૧૨૫૯ થઈ ૩.૬ ટકાની ખરાબીમાં ૧૨૭૨ બંધ આવ્યો છે. જિન્દલ સ્ટીલ ૩.૨ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૭ ટકા, સેઇલ ૨.૧ ટકા ડાઉન હતા. નૉન-ફેરસ પેટલ સેગમેન્ટમાં વેદાન્તા ૨.૩ ટકા, હિન્દાલ્કો એક ટકો, નાલ્કો ૨.૬ ટકા, હિન્દુસ્તાન કૉપર અઢી ટકા, એપીએલ અપોલો સવાબે ટકા નરમ હતા. માઇનિંગ શૅરમાં ઓડિશા મિનરલ્સ અઢી ટકા, આશાપુરા માઇન ૧.૬ ટકા, સાન્ડુર ૦.૩ ટકા, એનએમડીસી બે ટકા, મોઇલ ૦.૭ ટકા તો જીએમડીસી બે ટકા ઢીલા હતા. સરવાળે મેટલ ઇન્ડેક્સ નીચામાં ૧૯૫૭૨ બતાવી ૪૬૬ પૉઇન્ટ કે ૨.૩ ટકા પીગળી ૧૯૭૬૪ બંધ રહ્યો છે.

બે દિવસની બાદશાહી બાદ બૅન્કિંગ શૅરોમાં એકંદર બગાડનો માહોલ હતો. ઉદ્યોગના ૩૫માંથી કેવળ ૪ શૅર પ્લસ હતા. એચડીએફસી બૅન્ક સર્વાધિક બે ટકા તો આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકો અપ હતા, સામે ઇન્ડિયન બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, એયુ બૅન્ક, બંધન બૅન્ક, કર્ણાટક બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, કૅનેરા બૅન્ક, પંજાબ-સિંધ બૅન્ક, સૂર્યોદયા બૅન્ક, સ્ટેટ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, પીએનબી, સિટી યુનિયન બૅન્ક જેવી જાતો પોણાબે ટકાથી માંડી સવાત્રણ ટકા સુધી ખરડાઈ હતી. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅર નરમ હોવા છતાં હેવીવેઇટ્સના સુધારાને લઈ ગઈ કાલે ૫૯ પૉઇન્ટ પ્લસ છે. પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ૧૩ શૅરના ઘટાડે ૧.૮ ટકા ડાઉન હતો.

સનસેરાનું લિસ્ટિંગ ધારણા કરતાં સારું, શ્રીરામ એએમસી નવી ટોચે

બે રૂપિયાના શૅરદીઠ ૭૪૪ની ઇશ્યુ પ્રાઇસવાળી સનસેરા એન્જીનું લિસ્ટિંગ ગ્રે માર્કેટની એકંદર ધારણા કરતાં બેશક સારું રહ્યું છે. શૅર ૮૧૧ રૂપિયા ખૂલી ઉપરમાં ૮૪૨ અને નીચામાં ૮૦૧ બતાવી ૮૧૯ જેવો બંધ થયો છે. બંધની રીતે ૧૦ ટકાથી વધુનો તો ઇન્ટ્રા-ડે હાઈની રીતે લગભગ ૧૦૦ની પત્તી અહીં છૂટી છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૬૦-૬૨ રૂપિયાનાં હતાં.

આદિત્ય બિરલા સન લાઇફ એએમસીનો ૨૭૬૮ કરોડનો આઇપીઓ ૨૯મીએ ખૂલવાનો છે. પાંચના શૅરની પ્રાઇસબૅન્ડ શૅરદીઠ ૬૯૫થી ૭૧૨ રખાઈ છે. આ જ પ્રકારના લિસ્ટેડ શૅરમાં ગઈ કાલે એચડીએફસી ઍસેટ મૅનેજમેન્ટ કંપની શુક્રવારે પોણો ટકો ઘટીને ૩૨૧૩ રૂપિયા યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ કંપની સવા ટકો ઘટી ૧૦૯૯ રૂપિયા તો નિપ્પોન લાઇફ એએમસી પોણાબે ટકાની નરમાઈમાં ૪૩૫ રૂપિયા બંધ હતા. શ્રીરામ ઍસેટ મૅનેજમેન્ટનો શૅર ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૩૯ના બેસ્ટ લેવલે બંધ થયો છે. દરમ્યાન ડોમ્બિવલીની બીઈડબ્લ્યુ એન્જીમાં લિસ્ટિંગ પછી તેજીની સર્કિટનો સિલસિલો જારી છે. ભાવ પાંચ ટકા વધીને ૧૭૯ના નવા શિખરે બંધ હતો. શૅરની ઇશ્યુ પ્રાઇસ ફક્ત ૫૮ રૂપિયા હતી.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2021 08:54 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK