Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકામાં ટ્રમ્પની પાંખ કપાઈ એટલે દલાલ સ્ટ્રીટમાં ઘીના દીવા થયા

અમેરિકામાં ટ્રમ્પની પાંખ કપાઈ એટલે દલાલ સ્ટ્રીટમાં ઘીના દીવા થયા

Published : 06 November, 2026 07:10 AM | Modified : 06 November, 2026 09:12 AM | IST | Mumbai
Anil Patel

નિફ્ટી રિયલ્ટી સાડાત્રણ ટકા, IT અઢી ટકા પ્લસ, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક બે ટકા બગડ્યો, નિફ્ટી ડિફેન્સ પોણાબે ટકા ડાઉન:  ICICI બૅન્ક, એટર્નલ, કોટક બૅન્ક, JSW સ્ટીલ અને અદાણી પોર્ટ્‍સમાં નવાં બેસ્ટ લેવલ બન્યાં.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


સેન્સેક્સ ૨૦૦૯ પૉઇન્ટની તેજીમાં ૭૯,૩૧૦, નિફ્ટી ૫૭૬ પૉઇન્ટની છલાંગ મારી ૨૪,૫૩૬ બંધ : બજારનું માર્કેટકૅપ ૨૯ લાખ કરોડ વધીને ૫૦૧.૬૧ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ: સળંગ ૬ દિવસની ચાલુ વર્ષની લાંબી રૅલીમાં બજારે કુલ ૬૪૬૪ પૉઇન્ટનોજમ્પ મારતાં રોકાણકારોને ૨૯ લાખ કરોડનો ફાયદો થયો:  મધ્યપૂર્વમાં હવે શાંતિ પ્રસ્થાપિત થવાના આશાવાદમાં બ્રેન્ટ ક્રૂડ ૧૦૪ ડૉલરથી ગગડી ૯૩ ડૉલરે દેખાયું: સેન્સેક્સ-નિફ્ટી અઢી ટકાની મજબૂતી સામે ઑટો ઇન્ડેક્સ ૪ ટકાથી વધુ, બૅન્ક નિફ્ટી ૩.૩ટકા, ફાઇનૅન્સ ૩.૮ ટકા, નિફ્ટી રિયલ્ટી સાડાત્રણ ટકા, IT અઢી ટકા પ્લસ, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક બે ટકા બગડ્યો, નિફ્ટી ડિફેન્સ પોણાબે ટકા ડાઉન:  ICICI બૅન્ક, એટર્નલ, કોટક બૅન્ક, JSW સ્ટીલ અને અદાણી પોર્ટ્‍સમાં નવાં બેસ્ટ લેવલ બન્યાં

વિધિની વક્રતા જીઓ... અમેરિકા ખાતે પ્રમુખપદની ચૂંટણીમાં જે ટ્રમ્પના વિજય માટે ભારતમાં હોમ-હવન અને પૂજાપાઠ થતાં હતાં, આજે એ જ માણસની અમેરિકન મિડ-ટર્મ પોલમાં કારમી હાર થતાં આપણી દલાલ સ્ટ્રીટમાં રીતસર ઘીના દીવા થવા માંડ્યા છે. અમેરિકા ખાતે બન્ને ગૃહમાં ડેમોક્રૅટસનો પરચમ લહેરાતાં ટ્રમ્પની પાંખો કપાઈ ગઈ છે. જોકે અમેરિકન વ્યવસ્થા પ્રમાણે ટ્રમ્પ આજે પણ તેનું ધાર્યું કરવા સ્વતંત્ર છે, પરંતુ અગાઉ તેને છુટ્ટો દોર હતો જે હવે નથી રહ્યો. સત્તાના નવા સમીકરણ પછી ટ્રમ્પ હવે ઢીલા પડે છે, શાણપણથી વર્તે છે કે પછી વધુ છાકટા બને છે એ જોવું રહ્યું. મિડ-ટર્મ પોલમાં બ્લુ વેવની અસરમાં ઈરાન સામે અમેરિકાનો યુદ્ધ-જ્વર ઠંડો પડશે, મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાશે એવી આશા પ્રબળ બની છે જેમાં ૧૦૪ ડૉલરવાળું બ્રેન્ટ ક્રૂડ ૯૩ ડૉલરે જઈ હાલ ૯૬ ડૉલર આસપાસ છે. AI ઉપર રેગ્યુલેશન્સ આવશે એની ભીતિમાં સેમિકન્ડકટર્સ ચિપ્સ તથા AI સંબંધિત શૅરમાં માનસ ખરડાયું છે. એશિયા ખાતે સાઉથ કોરિયા સવાપાંચ ટકા, તાઇવાન સવાત્રણ ટકા, જપાન બે ટકા બગડ્યું છે સામે હૉન્ગકૉન્ગ સાડાત્રણ ટકા, ઇન્ડોનેશિયા સવાબે ટકા, સિંગાપોર અડધો ટકો પ્લસ હતું. યુરોપ રનિંગમાં પોણાથી એક ટકો વધુ આગળ વધ્યું છે. ડૉલર સામે રૂપિયો વધુ ૧૮ પૈસા વધીને ૯૪.૪૭ થયો છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૭૬,૬૦૪ થઈને રનિંગમાં ૩૧૨૯ પૉઇન્ટની આગેકૂચમાં ૧,૭૫,૧૪૩ દેખાયું છે.



પાંચ દિવસની સળંગ રૅલીમાં કુલ ૪૦૫૫ પૉઇન્ટ વધ્યા પછી સેન્સેક્સ આગલા બંધથી ૧૬૧૦ પૉઇન્ટની તેજીમાં ૭૮,૯૧૧ ખૂલી છેવટે ૨૦૦૯ પૉઇન્ટ નજીક ઊછળી ૭૯,૩૧૦ તથા નિફ્ટી ૫૭૬ પૉઇન્ટના જમ્પમાં ૨૪,૫૩૬ ગઈ કાલે બંધ થયો છે. સેન્સેક્સ નીચામાં ૭૮,૫૨૦ અને ઉપરમાં ૭૯,૪૭૦ થયો હતો. માર્કેટકૅપ ૮.૧૭ લાખ કરોડના ઉમેરામાં ૫૦૧.૬૧ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. કામકાજના છેલ્લા છ દિવસમાં બજાર કુલ ૬૪૬૪ પૉઇન્ટ પ્લસ થતાં રોકાણકારોને ૨૮.૯૩ લાખ કરોડનો તડાકો પડ્યો છે.


ICICI બૅન્ક ૧૫૦૧ના શિખરે જઈ ૫.૩ ટકા ઊછળીને ૧૪૯૯ બંધ થતાં બજારને ૪૫૬ પૉઇન્ટનો, HDFC સવાત્રણ ટકા વધી ૭૬૦ બંધ થતાં ૩૦૮ પૉઇન્ટ મળ્યા છે. ઍક્સિસ બૅન્ક ૩.૯ ટકા, સ્ટેટ બૅન્ક ૨.૯ ટકા, કોટક બૅન્ક પોણાબે ટકા વધતાં એમાં બીજો ૨૬૬ પૉઇન્ટનો ઉમેરો થયો છે. તમામ ૧૪ શૅરની તેજીમાં બૅન્ક નિફ્ટી ૩.૩ ટકા કે ૧૮૬૦ પૉઇન્ટ વધ્યો છે. બજાજ ફાઇનૅન્સ ૭.૭ ટકાના જોરમાં ૧૦૭૦ બંધ આપી બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બની છે. બજાજ ફિનસર્વ ૪.૭ ટકા વધી ૧૮૩૭ હતી. આ બન્ને શૅર થકી ૧૫૫ પૉઇન્ટ મળ્યા છે. નોંધપાત્ર વધેલા અન્ય શૅરમાં ઇન્ડિગો પોણાછ ટકા, એશિયન પેઇન્ટ્સ સાડાચાર ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૬.૧ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર સાડાપાંચ ટકા, આઇશર મોટર્સ ૪ ટકા મુખ્ય હતા. એટર્નલ, કોટક બૅન્ક, JSW સ્ટીલ તથા અદાણી પોર્ટ્‍સમાં ગઈ કાલે નવા ઊંચા ભાવ જોવાયા છે. રિલાયન્સ નામપૂરતા સુધારામાં ૧૩૧૩ના લેવલે ફ્લૅટ હતી. અદાણી પોર્ટ્‍સ નવી ટૉપ બનાવી અડધો ટકો ઘટી ૧૮૯૭ થઈ છે. પરિણામ પૂર્વે ભારતી ઍરટેલ ચારેક રૂપિયા ઘટી ૨૦૬૨ તો ટાઇટન પોણાબે ટકા વધી ૪૮૩૧ હતી. ઑટો ઇન્ડેક્સ સર્વાધિક ૪.૧ ટકા વધ્યો છે. અશોક લેલૅન્ડના રિઝલ્ટ ૧૪મીએ છે, શૅર સાડાદસ ટકાની તેજીમાં ૧૭૦ વટાવી ગયો છે. ક્રૂડની નબળાઈમાં ONGC બે ટકા તથા ઑઇલ ઇન્ડિયા સાડાત્રણ ટકા ઘટી છે. ચેન્નઈ પેટ્રો ૯.૪ ટકા અને MRPL ૭.૨ ટકા લપસી છે. રિઝલ્ટ પાછળ PI ઇન્ડસ્ટ્રીઝ ૧૭૪૯ના વર્સ્ટ લેવલે જઈ ૪૧૨ કે ૧૮.૯ ટકા તૂટી ૧૭૭૪ બંધ હતી.

અંધેરી-વેસ્ટની બૉમ્બે કોટેડ સ્ટીલ્સનું પ્રોત્સાહક લિસ્ટિંગ


મુંબઈના અંધેરી-વેસ્ટની બૉમ્બે કોટેડ ઍન્ડ સ્પેશ્યલ સ્ટીલ્સ શૅરદીઠ ૮૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૮થી શરૂ થઈ ઉપરમાં ૯ અને નીચામાં ૭ થયા બાદ છેલ્લે બોલાતા સાડાઆઠ રૂપિયાના પ્રીમિયમ સામે ગઈ કાલે મેઇન બોર્ડમાં ૯૨ ખૂલીને ૯૫ બંધ રહેતાં ૧૬.૫ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૧૮૩ કરોડનું આ ભરણું રીટેલમાં ૩૫.૫ ગણા અને HNIમાં ૧૬૬ ગણા રિસ્પૉન્સ સાથે કુલ ૬૪ ગણા નજીક છલકાયું હતું. આજે, શુક્રવારે SME સેગમેન્ટમાં મૅક્સવેલ એન્જિનિયરિંગ, વેક્ટ્રાસ એન્પ્રોકોન, HGS ઇન્ડિયા તેમ જ જૉન્સન કૅબ ઇલેક્ટ્રિકલ્સ લિસ્ટિંગમાં જવાની છે. હાલ મૅક્સવેલમાં ૧૧૧નું, જ્હૉન્સન કૅબમાં ૮નું, HGS ઇન્ડિયામાં ૪૦નું અને વેક્ટ્રાસમાં ઝીરો પ્રીમિયમ બોલાય છે.

આગલા દિવસે નીરસ લિસ્ટિંગમાં ૧૬૨ ઉપર બંધ થયેલી મુંબઈના બાંદરા-વેસ્ટની એમ.કે. સન્સ ફાઇન જ્વેલ્સ ગઈ કાલે ૧૫૯નું નવું બૉટમ બનાવી સવા ટકો ઘટી ૧૩૦ રહી છે. SME સેગમેન્ટમાં ૧૮ ટકા પ્લસના લિસ્ટિંગ ગેઇન સાથે ૯૪ ઉપર બંધ થયેલી રાજકોટની કારવેર રોબોવેલ્ડ ગઈ કાલે ૯૦નું નવું તળિયું બતાવી પાંચ ટકા વધી ૯૪ તો પાંચ ટકા લિસ્ટિંગ લૉસમાં ૧૯૩ બંધ આવેલી સુરતની આજવા પ્રોજેક્ટ્સ ૧૮૩નું વર્સ્ટ લેવલ દેખાડી પાંચ ટકા ગગડી ત્યાં જ બંધ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ અન્ય શૅરમાં SFC એન્વાયર્નમેન્ટલ ગઈ કાલે નીચામાં ૪૦૭ નોંધાવી સવા ટકો સુધરી ૪૧૧, BLS પૉલિમર્સ ઉપર ૨૬૫ થઈ ૨.૪ ટકા ઘટી ૨૪૯, વિસ્કોન ઇન્ડસ્ટ્રીઝ ૨૧૨ની ટોચે જઈ પોણો ટકો વધી ૨૦૫, ઇઆ ઇન્ડિયા ઑલ્ટરનેટિવ્સ ઉપર ૧૭૧૪ બતાવી ૦.૭ ટકા સુધરી ૧૭૦૧ બંધ થઈ છે. જિયો પ્લૅટફૉર્મ નજીવી ઘટીને ૧૪૧૮ તો પારસ હેલ્થકૅર ૩ ટકા વધી ૭૭૪ બંધ આવી છે. રાજકોટની એન્ટાલા ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅર ૬૬ના ભાવનો ૨૩ કરોડનો BSE SME IPO આમ તો કુલ ૪ ગણાથી વધુ એના આખરી દિવસે ભરાઈ ગયો હતો, પરંતુ રીટેલ પોર્શન અને HNI પોર્શનમાં પ્રતિસાદ ઘણો નબળો હતો. સામે ભરણામાં માત્ર એક ટકાવાળો QIB પોર્શન ૬૬ ગણાથી વધુ છલકાયો હતો. મતલબ કે કંઈક ખેલ થયો હતો. આથી રીટેલને અરજી વિડ્રો કરવાની તક આપતાં ઇશ્યુની મુદત લંબાવીને પાંચ નવેમ્બર કરવાની સત્તાવાળાએ ફરજ પાડી હતી. હવે આ ભરણું ગઈ કાલે નવી મુદત પ્રમાણે એના આખરી દિવસે QIBમાં ૬૭ ગણું, HNIમાં ૫૦ ગણું, રીટેલમાં ૪.૮ ગણું એમ કુલ મળી ૧૨.૫ ગણું ભરાઈ પાર પડ્યું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ પહેલેથી નથી.

GMM ફોડલર નફાશક્તિમાં નબળાઈ પાછળ ગગડ્યો

ટૉરન્ટ પાવરની આવક સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૪.૪ ટકા વધીને ૯૮૦૨ કરોડ થઈ છે. નફો સવાતેર ટકા વધી ૮૨૦ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૧૨૪૪ થઈ સવાબે ટકા વધી ૧૨૬૨ હતો. ફિઝિક્સવાલાએ સવાઅઢાર ટકા વધારામાં ૧૨૪૨ કરોડની આવક ઉપર ૧૦૩ ટકાના વધારામાં ૧૪૬ કરોડ નફો બતાવ્યો છે. શૅર ઉપરમાં ૧૪૦ થઈ પોણાચાર ટકા વધી ૧૩૨ બંધ થયો છે. કંપની નવેમ્બર ૨૦૨૫માં એકના શૅરદીઠ ૧૦૯ના ભાવથી ૩૨૮૦ કરોડનું ભરણું લાવી હતી. સેન્ટમ ઇલેક્ટ્રિકલ્સે ૫૮.૬ ટકા વધારામાં ૩૧૨ કરોડની આવક ઉપર ૪૫૮ ટકા વૃદ્ધિદરથી ૨૨૯૦ લાખ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૪૩૯૦ થઈને સવાત્રણ ટકા બગડીને ૪૧૧૫ નજીક હતો. GMM ફોડલરની આવક ૧૮ ટકા વધીને ૧૦૬૫ કરોડ થઈ છે, નફો સવાસોળ ટકાના ઘટાડે ૩૩૩૦ લાખ રહ્યો છે. શૅર નીચામાં ૧૧૬૦ થઈ સવાનવ ટકા તૂટી ૧૨૦૦ બંધ થયો છે.

JSW ડિલક્સની આવક સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં સવાસોળ ટકા વધી ૯૬૨ કરોડ થવા છતાં નેટ પ્રૉફિટ ૯૫.૮ ટકા ગગડી ૭૧ કરોડ જોવાયો છે. જોકે અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૫ના ક્વૉર્ટરમાં ૧૬૮૩ કરોડનો નેટ નફો નોંધાયો હતો. એમાંથી ૧૮૭૪ કરોડના વન-ટાઇમ ગેઇનની અસર બાદ કરીએ તો ખરેખર ત્યારે ૧૯૧ કરોડની નેટ લૉસ આવે છે. આ સંદર્ભમાં કંપની આ વખતે ટર્નઅરાઉન્ડમાં ખોટમાંથી નફામાં આવી હોવાનું કહી શકાય. શૅર ગઈ કાલે નીચામાં ૨૬૭ બતાવી ૪.૫ ટકાના વધારામાં ૨૭૬ બંધ રહ્યો છે. સ્વાન કૉર્પ.ની આવક ૮ ટકા ઘટીને ૧૦૪૬ કરોડ થઈ છે પણ કંપની પોણાચાર કરોડની નેટ લૉસમાં ૫૦૭ કરોડના જંગી નફામાં આવી છે. અલબત્ત, ગ્રોસ લેવલે કંપનીએ પાંચ કરોડના નફા સામે આ વખતે સાડાચાર કરોડની નેટ લૉસ કરી છે એટલે જે જંગી નફો દેખાય છે એ કોઈક અસાધારણ આવકનું પરિણામ હોવું જોઈએ. શૅર ઉપર ૨૫૯ દેખાડી દોઢ ટકો વધી ૨૪૮ હતો.

લેન્સકાર્ટ ૧૨૨ ટકાની નફાવૃદ્ધિમાં લાઇફ ટાઇમ હાઈ થયો

રેલવેની સરકારી કંપની ઇરકોન ઇન્ટરનૅશનલે ૧૫ ટકા જેવા વધારામાં ૨૨૭૨ કરોડની આવક કરવા છતાં ૨૬ ટકાના ઘટાડે ૧૦૩ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ઉપરમાં ૧૧૦ બનાવી ૩.૨ ટકા વધી ૧૦૭ હતી. રેલવેની અન્ય કંપની રાઇટસ લિમિટેડે દોઢ ટકા વધારામાં ૫૫૭ કરોડ આવક ઉપર ૧૧ ટકાની પીછેહઠમાં ૯૭ કરોડ નેટ નફો મેળવ્યો છે. ભાવ ઉપરમાં ૨૦૦ થઈ નજીવો ઘટી ૧૯૭ હતો. અપોલો ટાયર્સે સાડા સોળ ટકાના વધારામાં ૭૯૬૮ કરોડની આવક ઉપર સવાતેર ટકા વૃદ્ધિદરથી ૨૯૨ કરોડ નફો દર્શાવ્યો છે. શૅર ઉપરમાં ૪૩૬ બતાવી ૪ ટકા વધી ૪૧૯ હતો. કેમપ્લાસ્ટસન્મારની આવક ૨૮ ટકા વધી ૧૩૨૩ કરોડ થતાં નેટ લૉસ ૫૧ કરોડથી ઘટીને ૫૫૦ લાખ રહી છે. શૅર ઉપરમાં ૨૨૦ થઈ ૨.૮ ટકા વધી ૨૧૨ થયો છે.

નાયકા લિમિટેડે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૮ ટકા વધારામાં ૩૦૦૬ કરોડની આવક મેળવી છે. નેટ નફો ૧૯૭ ટકા ઊછળી ૧૦૧ કરોડ નોંધાયો છે. ભાવ ૩૬૫ની પાંચ વર્ષની ટોચે જઈ દોઢ ટકા ઘટીને ૩૫૦ હતો. ISGEC હેવી એન્જિનિયરિંગે સવાતેર ટકા વધારામાં ૧૮૫૦ કરોડની આવક ઉપર ૨૦ લાખની સામે અનેકગણા વધારામાં ૫૬૪૦ લાખ નેટ નફો હાંસલ કર્યો છે. શૅર ઉપરમાં ૯૮૭ દેખાડી ૩.૩ ટકા વધીને ૯૭૫ રહ્યો છે. નિવા બુપા હેલ્થની વીમાની આવક ૨૭ ટકા વધી ૨૪૧૨ કરોડ થઈ છે, નફો ૧૨૪ ટકા વધી ૧૩૫ કરોડ વટાવી ગયો છે. શૅર ઉપરમાં ૮૦ થઈ નજીવો ઘટી ૭૭ નજીક હતો. નવનીત એજ્યુકેશનની ત્રિમાસિક આવક ૫૯ ટકા ઘટી ૩૨૪ કરોડ રહેતાં કંપની ૧૪૧ કરોડના નેટ નફામાંથી ૪ કરોડની ચોખ્ખી ખોટમાં સરી પડી છે. ભાવ ઉપર ૧૩૫ બનાવી ૩ ટકા ઘટીને ૧૨૯ હતો. લેન્સકાર્ટ સૉલ્યુશન્સે ૩૫.૭ ટકા વધારામાં ૨૮૪૫ કરોડ આવક ઉપર ૧૨૨ ટકાના વધારામાં ૨૨૭ કરોડ નફો કર્યો છે. શૅર ૭૬૭નું શિખર બતાવી ૪ ટકા વધી ૭૧૮ થયો છે.

BSE લિમિટેડ પરિણામ પાછળ ૧૮૮ રૂપિયા મજબૂત

ડાબર ઇન્ડિયાએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૧.૬ ટકા વધારામાં ૩૫૬૩ કરોડની આવક મેળવી છે. માર્જિન પ્રેશરમાં રહેતાં નફો સાડાસાત ટકા વધી ૬૩૨ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૪૦૨ થઈ સવાબે ટકા ઘટી ૩૮૫ બંધ થયો છે. અગ્રણી એક્સચેન્જ BSE લિમિટેડે ત્રિમાસિક ગાળામાં ૩૪.૧ ટકા વધારામાં ૧૪૩૨ કરોડ આવક ઉપર ૪૪.૯ ટકાથી વધીને ૬૮.૭ ટકા નોંધાયું છે. જૂન ક્વૉર્ટરમાં આવક ૧૫૬૬ કરોડ તથા નફો ૮૭૪ કરોડ આવ્યો હતો. એ સંદર્ભમાં આવક સાડાઆઠ ટકા તો નફો ૭.૪ ટકા આ વખતે ઘટ્યો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૮૪૨ બતાવી સવાપાંચ ટકા ઊછળી ૩૭૮૦ થયો છે. અગાઉ PDS મલ્ટિનૅશનલ ફૅશન્સ તરીકે ઓળખાતી મુંબઈના અંધેરી-ઈસ્ટની PDS લિમિટેડ ૨૯.૬ ટકા વધારામાં ૪૪૩૨ કરોડની આવક ઉપર ૪૧.૩ ટકા વૃદ્ધિદરથી ૪૨૪૦ લાખ નેટ નફો કર્યો છે. શૅર ૪૨૨ના શિખરે જઈ ૧૧.૭ ટકા વધી ૪૦૧ રહ્યો છે. બાલક્રિશ્ના ઇન્ડસ્ટ્રીઝે ૪૫ ટકા વધારામાં ૩૪૭૨ કરોડની આવક ઉપર માર્જિનમાં ૩.૨ ટકા ઘટાડા સાથે ૭ ટકાના વૃદ્ધિદરમાં ૨૯૩ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ઉપર ૨૪૨૨ બતાવી ૭.૨ ટકા ઊછળી ૨૪૦૬ રહ્યો છે.

ક્રિશ્ના ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસ કીમ્સ તરફથી ૪૦ ટકા વધારામાં ૧૩૪૪ કરોડની આવક ઉપર ૧૨ ટકા વૃદ્ધિદરમાં ૭૫ કરોડ નેટ નફો બતાવાયો છે. ગઈ કાલે ભાવ ઉપરમાં ૭૪૯ થઈ ૦.૭ ટકા ઘટી ૭૩૫ હતો.

SKF ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલની આવક ૨૮.૩ ટકા વધારામાં ૧૦૪૩ કરોડ થઈ છે, નફો ૩૩.૮ ટકા વધીને ૧૦૩ કરોડ જોવાયો છે. શૅર ઉપરમાં ૨૫૦૦ થઈ દોઢ ટકા ઘટીને ૨૪૦૩ થયો છે. પ્રીમિયર એનર્જીસે ૪૩.૩ ટકાના વધારામાં ૨૬૩૨ કરોડની આવક તથા ૨૯.૯ ટકા વધારામાં ૪૫૮ કરોડ નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૯૦૨ નોંધાવીને અઢી ટકા ઘટી ૮૮૨ હતો. કંપની ઑગસ્ટ ૨૦૨૪માં એકના શૅરદીઠ ૪૫૦ના ભાવથી ૨૮૩૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. ગુજરાત પીપાવાવની આવક સાડાતેર ટકા વધીને ૩૩૯ કરોડ થઈ છે. નફો પાંચ ટકા ઘટી ૧૫૩ કરોડ આવ્યો છે. શૅરદીઠ ૩નું ઇન્ટરિમ જાહેર કર્યું છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૬૭ થઈ સવાબે ટકા ઘટી ૧૬૧ હતો. સોમાણી સિરામિક્સે ત્રિમાસિક ગાળામાં ૨૫.૬ ટકા વધારામાં ૮૬૧ કરોડની આવક ઉપર ૧૭૬ ટકા વધારામાં ૪૧૫૦ લાખ નફો દર્શાવી શૅરદીઠ ૬ રૂપિયા ઇન્ટરિમ જાહેર કર્યું છે. શૅર ઉપરમાં ૬૦૨ થઈ સવાપાંચ ટકા તૂટી ૫૪૦ રહ્યો છે. જેકે લક્ષ્મી સિમેન્ટ્સની આવક સાડાપાંચ ટકા વધીને ૧૬૧૭ કરોડ થઈ છે પણ નફો ૭૪.૬ ટકા ગગડી ૨૦૫૫ લાખ રહ્યો છે. માર્જિન ૪.૧ ટકા બગડ્યું છે. શૅર ગઈ કાલે નીચામાં ૪૬૮ બતાવી સવા ટકો ઘટી ૪૭૩ હતો.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 09:12 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK