થર્ડ પાર્ટી દ્વારા ઑડિટ કરવા માટે BMCએ આપી પરવાનગી
બીએમસી હેડક્વૉર્ટર
મુંબઈમાં કન્સ્ટ્રક્શન-સાઇટ્સ પર ચાલતી પ્રવૃત્તિ પર નજર રાખવા અને એને કારણે હવાની ગુણવત્તા ખોરવાય છે કે નહીં એનું ધ્યાન રાખવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની સ્થાયી સમિતિ દ્વારા પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ મુજબ કન્સ્ટ્રક્શન-સાઇટ્સનું નિરીક્ષણ કરવા માટે થર્ડ પાર્ટી ઑડિટને મંજૂરી આપવામાં આવી છે. ૧૧.૨૮ કરોડ રૂપિયાના ખર્ચે આ ઑડિટ હાથ ધરવામાં આવશે.
કન્સ્ટ્રક્શન-સાઇટ્સ પર નજર રાખતી BMCની ૬૮ ફ્લાઇંગ સ્ક્વૉડ વિશે નગરસેવકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ફ્લાઇંગ સ્ક્વૉડ હોવા છતાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની જરૂર હોવા બાબતે નગરસેવકોએ પ્રશ્ન પૂછ્યો હતો. આશરે ૩૦૦૦ કરતાં વધુ કન્સ્ટ્રક્શન-સાઇટ્સનું ઇન્સ્પેક્શન આ સ્ક્વૉડ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની જરૂર ન હોવાનો મત અમુક નગરસેવકોએ આપ્યો હતો.
ADVERTISEMENT
જોકે આ મામલે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનરે જવાબ આપીને કહ્યું હતું કે ‘સ્ક્વૉડ ફક્ત ત્યારે જ કાર્યવાહી કરે છે જ્યારે તેમને કોઈ ફરિયાદ મળી હોય અથવા નાગરિકોએ વાંધો ઉઠાવ્યો હોય. થર્ડ પાર્ટી દ્વારા ફરિયાદ ન મળી હોવા છતાં પણ કન્સ્ટ્રક્શન-સાઇટ્સ પર નજર રાખીને નિયમોનું ઉલ્લંઘન થતું હશે તો કામ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.’
