તાતા મોટર્સે વ્યાપારી વાહનોના ભાવ બે ટકા વધારવાની સાનુકૂળ અસર, ડૉ. રેડ્ડીઝ લૅબ નિફ્ટીમાં ટૉપ ગેઇનર, ટ્રેન્ટ અઢી ટકા અપ, આઇપીઓ ઇન્ડેક્સ વર્સ્ટ પર્ફોર્મર, ક્રૂડના ભાવ વધતાં બીપીસીએલ-આઇઓસી ડાઉન
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક બજારોની મજબૂતાઈ વચ્ચે નિફ્ટી ગુરુવારના 22,397ના બંધ સામે 22,353 ખૂલી એને જ દિવસનું લો રાખી વધીને 22,577 થયા બાદ છેલ્લે અડધો ટકો વધી 22,508 રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 33 શૅરો વધ્યા હતા. ડૉ. રેડ્ડીઝ ચાર ટકા વધી 1151 રહ્યો હતો. પુરોગામી સપ્તાહનો હાઈ 22,677 છે, એ ક્રૉસ કરે તો તેજીને વેગ મળશે એવું સમીક્ષકોનું માનવું છે. સેન્સેક્સ પણ 341 પૉઇન્ટ્સના ગેઇને 74,169 બંધ હતો. તાતા મોટર્સે એપ્રિલ ૨૦૨૫થી કમર્શિયલ વાહનોના ભાવ બે ટકા વધારવાની જાહેરાત કરી હતી. શૅરનો ભાવ પોણો ટકો વધીને 660 રહ્યો હતો. બ્રોકરેજ ફર્મ એચએસબીસીએ તાતા મોટર્સને અપગ્રેડ કરીને હોલ્ડથી બાય કર્યો, પણ ટાર્ગેટ ઘટાડીને 930થી 840 રૂપિયા કર્યું છે. ક્રૂડ તેલના ભાવો વધવાના પગલે બીપીસીએલ અને આઇઓસીના ભાવ 1.13 ટકા અને 1.25 ટકા ઘટીને અનુક્રમે 261 રૂપિયા અને 124 રૂપિયા બંધ હતા. જોકે એચપીસીએલમાં નવા ચૅરમૅન એમડીની નિમણૂકના સમાચારે સવા રૂપિયો સુધરી સવાત્રણસો બંધ હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક ઇન્ટ્રા ડેમાં વધીને 709 રૂપિયા જેવો થયો પણ અંતે ઓપનિંગ આસપાસ જ 677 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. આરબીઆઇએ આ બૅન્કના રેશિયો વિશે કરેલી સ્પષ્ટતા બાવજૂદ શૅર શૉર્ટ ટર્મ એએસએમ-1 પ્રકારના સર્વેલન્સ હેઠળ હોવાથી સાવધાની જોવાતી હતી. નિફ્ટીના ટ્રેન્ટ 2.54 ટકા વધી 5150 રૂપિયા, બજાજ ફિનસર્વ પોણાચાર ટકા સુધરી 1875 રૂપિયા, એસબીઆઇ લાઇફ 3.89 ટકાના ગેઇને 1439 રૂપિયા બંધ હતા. ટ્રેન્ટમાં કેટલીક ઍનલિસ્ટ મીટની સાનુકૂળ અસર જોવાતી હતી. બૅન્ક નિફ્ટી અને નિફ્ટી ફાઇનૅશ્યલ સર્વિસિસ અનુક્રમે 0.61 ટકા અને 1.03 ટકાના દૈનિક સુધારા સાથે 48,354 અને 23,529ના સ્તરે બંધ રહ્યા હતા. બીએસઈનો બૅન્કેક્સ 0.71 ટકા પ્લસ થઈ 55,706ના સ્તરે વિરમ્યો હતો.



