Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આવા નરેન્દ્ર મોદીને જોયા-જાણ્યા નથી

આવા નરેન્દ્ર મોદીને જોયા-જાણ્યા નથી

Published : 18 March, 2025 11:38 AM | Modified : 18 March, 2025 12:36 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘હું મારા પિતાની ચાની દુકાને બેસતો થયો ત્યારે લોકો પાસેથી ઘણું શીખ્યો હતો.

અમેરિકન પૉડકાસ્ટર લેક્સ ફ્રિડમૅન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી

અમેરિકન પૉડકાસ્ટર લેક્સ ફ્રિડમૅન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી


અમેરિકન પૉડકાસ્ટર લેક્સ ફ્રિડમૅનને વડા પ્રધાને આપેલો દીર્ઘ ઇન્ટરવ્યુ તાજેતરમાં પ્રસારિત થયો છે. આ ઇન્ટરવ્યુમાં નરેન્દ્ર મોદીએ એવી વાતો કરી છે અને એવા વિચારો વ્યક્ત કર્યા છે જેના વિશે અગાઉ આપણે અજાણ હતા


નરેન્દ્ર મોદીને મન ઉપવાસનું મહત્ત્વ શું છે?



ઉપવાસ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘હિન્દુ ધર્મ પૂજા-પાઠ અથવા પૂજા-પદ્ધતિ નથી, જીવન જીવવાનો રસ્તો છે. અમારાં ધર્મશાસ્ત્રોમાં શરીર, મન, બુદ્ધિ, આત્મા અને મનુષ્યતત્ત્વને કયા પ્રકારે ઊંચાઈ પર લઈ જઈ શકાય એ તમામ વિષયોની વ્યાખ્યા કરવામાં આવે છે અને કેટલીક પરંપરાઓ પણ છે, એમાંથી એક છે ઉપવાસ. હિન્દુ ધર્મમાં ઉપવાસને મહત્ત્વપૂર્ણ અને અભિન્ન અંગ માનવામાં આવે છે. ઉપવાસ રાખવાથી આપણી ઇ​ન્દ્રિયો જાગૃત થઈ જાય છે અને સક્રિય થાય છે તેમ જ તેમની ક્ષમતા ઘણી વધી જાય છે. ઉપવાસ વિચારોને નવો આયામ આપી શકે છે જે આધ્યાત્મિક વિકાસ કરે છે. મોટા ભાગના લોકોને લાગે છે કે ઉપવાસમાં ખાવાનું છોડી દેવું જોઈએ, પણ એવું નથી. મારા માટે ઉપવાસ એ ભક્તિ છે, એક શિસ્ત છે. ઉપવાસ સાથે હું ઘણી બહારની પ્રવૃત્તિ કરું છું, પણ અંતર્મનમાં ખોવાયેલો રહું છું. મારો એ અનુભવ અદ્ભુત અનુભૂતિ હોય છે. નવરાત્રિના ઉપવાસમાં હું ફક્ત ગરમ પાણી પીવું છું. 


મારા પિતાની ચાની દુકાનમાં આવતા લોકો પાસેથી હું ઘણું શીખ્યો : નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘હું મારા પિતાની ચાની દુકાને બેસતો થયો ત્યારે લોકો પાસેથી ઘણું શીખ્યો હતો. મારા પિતાજી વહેલી સવારે ૪ કે ૪.૩૦ વાગ્યે ઘરેથી નીકળી જતા હતા, ઘણાં મંદિરે જતા અને પછી તેમની ચાની દુકાને પહોંચતા હતા. ચાની દુકાને આવતા લોકો પાસેથી હું જે શીખ્યો એ મારા જીવનમાં લાગુ કર્યું હતું. હું એ જોતો કે લોકો એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરે છે. હું લોકોના હાવભાવ અને તેમની બોલવાની પદ્ધતિ જોતો હતો. આ ચીજોએ મને ઘણું શીખવ્યું છે. એ સમયે હું મારા જીવનને કોઈ પરિસ્થિતિમાં ઢાળી શકું એમ નહોતો, પણ મેં વિચાર કર્યો કે જ્યારે મને મોકો મળશે ત્યારે હું એ કરીશ.’


નરેન્દ્ર મોદીને મૃત્યુથી ડર લાગે છે?

શું આપને મૃત્યુનો ડર લાગે છે? એવો સવાલ સાંભળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જોરથી હસી પડ્યા હતા અને ઇન્ટરવ્યુ લેનારા લેક્સ ફ્રિડમૅનને સામો સવાલ પૂછ્યો હતો. નરેન્દ્ર મોદીએ પૂછ્યું હતું કે ‘જીવન અને મૃત્યુ એક સિક્કાની બે બાજુ જેવા છે, પણ બેમાંથી કઈ વધુ નિશ્ચિત છે? આના જવાબમાં ફ્રિડમૅને કહ્યું કે જીવન નહીં પણ મૃત્યુ જ જીવનનું સૌથી મોટું સત્ય છે.
ત્યાર બાદ એક ફિલોસૉફરની જેમ જવાબ આપતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘જીવન છે એટલે મૃત્યુ છે. જે કોઈ જીવિત છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જ્યાં સુધી જીવનનો સવાલ છે એ લગાતાર આગળ વધતું રહે છે. મૃત્યુ તો અટલ સત્ય છે એટલે જે નિશ્ચિત છે એનાથી ડરવાની શું જરૂર છે? આપણે આપણી પૂરી ઊર્જા જીવનને આગળ વધારવામાં લગાવવી જોઈએ, નહીં કે મૃત્યુ વિશે વિચાર કરીને પોતાના મગજને હેરાન કરવું જોઈએ. જે અનિશ્ચિત છે એ જીવન છે. એના માટે મહેનત કરવી જોઈએ, જીવનને સ્ટ્રીમલાઇન કરવું જોઈએ, દરેક સ્ટેજે એને અપગ્રેડ કરવું જોઈએ જેથી જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી જીવનને પુરબહારમાં ખીલવી શકો. પોતાના દિમાગમાંથી મૃત્યુને કાઢી નાખો. મૃત્યુ તો નિશ્ચિત છે, એ લખેલું છે. એને જ્યારે આવવું હોય ત્યારે આવે, એને ફુરસદ હશે ત્યારે આવશે.’

યુવાનો માટે નરેન્દ્ર મોદીનો મંત્ર: શૉર્ટકટની પાછળ ન ભાગો, ધીરજ અને મહેનત જ સફળતાની ચાવી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને ધીરજ રાખવાની અને શૉર્ટકટથી બચવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે ‘પડકારો આપણને હરાવવા માટે નહીં પણ મજબૂત કરવા માટે હોય છે. શૉર્ટકટ જિંદગીને કટ શૉર્ટ કરી દેતી હોય છે. રાત ભલે ગમે એટલી અંધારી લાગે એ રાત છે, પણ સવાર ચોક્કસ આવશે. ધીરજ અને આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે.’ જીવનમાં કઠિનાઈઓ આવે છે પણ એ સ્થાયી હોતી નથી એમ કહીને વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘એ આપણને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. દરેક પડકારને અવસર તરીકે જોવાનું રાખવું જોઈએ કારણ કે મુશ્કેલ સમય જ આપણને નવી ચીજો શીખવે છે અને આપણા વ્યક્તિત્વને બહેતર બનાવે છે.’ શૉર્ટકટના મુદ્દે બોલતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘યુવાનોએ શૉર્ટકટથી બચવું જોઈએ. રેલવે-સ્ટેશનો પર ચેતવણી લખેલી હોય છે કે શૉર્ટકટ તમને નાના કરી દેશે. જો તમે મહેનતથી બચવા માટે શૉર્ટકટ અપનાવો છો તો તમારો વિકાસ અટકી જાય છે. ધીરજ અને દૃઢતા જરૂરી છે. પોતાની જવાબદારીઓને પૂરા મનથી અને ઝનૂન સાથે નિભાવવી જોઈએ. યાત્રાનો આનંદ લો અને એમાં પૂર્ણતાને શોધો.’

ભારત અને પાકિસ્તાનમાંથી કઈ ક્રિકેટ ટીમ સારી?

નરેન્દ્ર મોદીને પૂછવામાં આવ્યું કે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં કઈ ટીમ સારી છે? ત્યારે તેમણે બહુ જ સરસ જવાબ આપ્યો હતો : રમતોનું કામ ઊર્જા ભરવાનું છે. રમતની ભાવના વિવિધ દેશોને એકસાથે લાવતી હોય છે એટલે હું કદી નહીં ઇચ્છું કે રમતને બદનામ કરવામાં આવે. મારું વાસ્તવમાં માનવું છે કે રમતો માનવવિકાસમાં એક મુખ્ય ભૂમિકા નિભાવે છે. એ માત્ર એક ખેલ નથી પણ લોકોને ઊંડા સ્તરે જોડે છે. કઈ ટીમ સારી છે એવી વાત આવે ત્યારે ખેલમાં ટેક્નિકની વાત આવે છે અને હું કોઈ નિષ્ણાત નથી. આ મુદ્દે એ લોકો જ કહી શકે જેઓ નિષ્ણાત છે. એક્સપર્ટ્સ કહી શકે કે કઈ ટીમ સારી છે, કયો ખેલાડી સારો છે. જોકે ક્યારેક-ક્યારેક રિઝલ્ટ ખુદ આ જણાવે છે. થોડા દિવસ પહેલાં ભારત અને પાકિસ્તાનની એક મૅચ થઈ હતી. પરિણામથી ખબર પડે છે કે કઈ ટીમ સારી છે.’

મધ્ય પ્રદેશનું શહડોલ ભારતનું મિની બ્રાઝિલ, ૪ પેઢીઓથી નીકળી રહ્યા છે ફુટબૉલપ્લેયર : નરેન્દ્ર મોદી

અમેરિકન પૉડકાસ્ટર લેક્સ ફ્રિડમૅન સાથેની ચર્ચામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં આવેલા શહડોલ જિલ્લાની વાત કરી હતી જેને ભારતમાં મિની બ્રાઝિલ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વિવિધ રમતો પ્રત્યે લગાવ અને ફુટબૉલની વધતી જતી લોકપ્રિયતાના મુદ્દે વાત કરતાં નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લાની વાત કરી હતી. શહડોલનું વિચારપુર ગામ ફુટબૉલને સમર્પિત છે. તેમણે કહ્યું હતું કે ‘અમારે ત્યાં મધ્ય પ્રદેશ નામનું રાજ્ય છે અને એમાં શહડોલ નામનો જિલ્લો છે. આ આદિવાસી બેલ્ટ છે અને અહીં આદિવાસી લોકો રહે છે. ત્યાં હું એક કાર્યક્રમમાં ગયો હતો. ત્યાં મેં જોયું કે ૮૦થી ૧૦૦ નવયુવાનો સ્પોર્ટ્સના ડ્રેસમાં બેઠા હતા. એક જ પ્રકારના ડ્રેસમાં તેમને જોઈને હું તેમની પાસે ગયો અને પૂછ્યું, તમે લોકો ક્યાંથી આવો છો? તેમણે કહ્યું કે અમે મિની બ્રાઝિલના છીએ. મેં પૂછ્યું, આ મિની બ્રાઝિલ શું છે ભાઈ? તેમણે કહ્યું કે અમારા ગામને મિની બ્રાઝિલ કહે છે. મેં પૂછ્યું, કેવી રીતે મિની બ્રાઝિલ કહે છે? તેમણે કહ્યું કે અમારા ગામમાં દરેક પરિવારમાં ચાર-ચાર પેઢીથી લોકો ફુટબૉલ રમે છે. અમારા ગામમાંથી ૮૦ જેટલા નૅશનલ પ્લેયર નીકળ્યા છે. આખું ગામ ફુટબૉલને સમર્પિત છે. ભારતમાં હાલના દિવસોમાં ફુટબૉલનો જે ક્રેઝ વધી રહ્યો છે એને હું શુભ સંકેત માનું છું, કારણ કે એ ટીમસ્પિરિટ પણ પેદા કરે છે. આ ગામમાં વાર્ષિક ફુટબૉલ મૅચ થાય છે એ જોવા માટે ૨૫,૦૦૦થી વધારે લોકો આવે છે.’

હું કદી એકલતા મહેસૂસ કરતો નથી, હું 1+1 સિદ્ધાંતમાં માનું છું, ઈશ્વર સદાય મારી સાથે છે : નરેન્દ્ર મોદી

પોતાના જીવનને લગતા એક સવાલના જવાબમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘હું ક્યારેય એકલતા મહેસૂસ કરતો નથી. હું 1+1 સિદ્ધાંતમાં માનું છું. એ મારું સાત્ત્વિક સમર્થન કરે છે. પહેલો એક હું છું અને બીજો એક ઈશ્વર છે. હું ક્યારેય વાસ્તવમાં એકલો હોતો જ નથી, કારણ કે ભગવાન હંમેશાં મારી સાથે હોય છે. મને ઈશ્વરનું સમર્થન છે. જેમ મેં કહ્યું એમ હું જીવનમાં સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો જીવ્યો છું. તેઓ કહેતા કે નરસેવા એ જ નારાયણસેવા. મારા માટે દેશ એ જ દેવ છે, નર એ જ નારાયણ છે. જનસેવા એ જ પ્રભુસેવા એ ભાવને લઈને હું ચાલ્યો છું અને તેથી મને એકલતા લાગતી નથી. મારા જીવનમાં એકલતાને મૅનેજ કરવાનો કોઈ પ્રસંગ આવ્યો નથી. જેમ કોવિડ સમયે સર્વત્ર લૉકડાઉન હતું, લોકો ઘરની બહાર નીકળી શકતા નહોતા, સર્વત્ર બંધનો હતાં, ટ્રાવેલિંગ બંધ હતું તો સમયનો કેવી રીતે સદુપયોગ કરવો? મેં શું કર્યું? ગવર્નન્સ ને વિડિયો-કૉન્ફરન્સના માધ્યમથી મૉડલ ડેવલપ કર્યું. વર્ક ફ્રૉમ હોમ અને વર્ચ્યુઅલ મીટિંગો શરૂ કરી. આમ હું પોતાને બિઝી રાખવા લાગ્યો. જે લોકો સાથે મેં જીવનભર કામ કર્યું છે એવા ૭૦ વર્ષથી વધારે ઉંમરના કાર્યકર્તાઓનો ફોનથી સંપર્ક શરૂ કર્યો. હું રોજ ૩૦-૪૦થી વધારે ફોન કરતો, તેમના વિસ્તારમાં વ્યવસ્થા કેવી છે એની વાત કરતો. આમ હું મારી જાતને વ્યસ્ત રાખવાનું શોધી કાઢું છું. હું જાતે વાતચીત કરવાનો અભ્યાસી છું. મારી હિમાલયની લાઇફ મને મદદ કરી રહી છે.’

સ્કૂલમાંથી સફેદ ચૉકના ટુકડા ઘરે લાવીને કૅન્વસ શૂઝને ચમકાવતા નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ પૉડકાસ્ટમાં બાળપણનો એક કિસ્સો શૅર કરતાં કહ્યું હતું કે ‘મારું બાળપણ દારુણ ગરીબીમાં વીત્યું હતું પણ કદી એનો બોજ મહેસૂસ કર્યો નથી. બાળપણમાં મેં કદી શૂઝ પહેર્યાં નહોતાં. પછી મારા મામાએ મને કૅન્વસનાં સફેદ શૂઝ ગિફ્ટમાં આપ્યાં હતાં. હું સ્કૂલમાં વપરાયેલા ચૉકના ટુકડા એકઠા કરીને એનો મારાં શૂઝને ચમકાવવા માટે ઉપયોગ કરતો હતો. અમે કપડાંને ઈસ્ત્રી કરવા માટે તાંબાના વાસણમાં પાણી ગરમ કરતા હતા અને એ ગરમ પાણી ભરેલું વાસણ કપડાં પર ફેરવીને ઈસ્ત્રી કરતા હતા.’ ગરીબીના મુદ્દે બોલતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આટલી કઠિનાઈઓ વચ્ચે પણ ક્યારેય અભાવનો અનુભવ કર્યો નહોતો. જીવનના દરેક તબક્કાને કૃતજ્ઞતા સાથે અપનાવી હતી અને ગરીબીને કદી સંઘર્ષના રૂપમાં જોઈ નથી. ગરીબીનો બોજ ફીલ કર્યો નથી, કારણ કે અમે તો બાળપણમાં શૂઝ પહેર્યાં નહોતાં એટલે અમને શું ખબર કે શૂઝ પહેરવાં એ પણ મોટી વાત છે. અમે તુલના કરવાની અવસ્થામાં જ નહોતા.

પત્રકારો મધમાખી જેવા હોવા જોઈએ, માખીઓ જેવા નહીં : નરેન્દ્ર મોદી

પત્રકારો વિશે બોલતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘એક વાર લંડનમાં મારું ભાષણ હતું, કોઈ ગુજરાતી ન્યુઝપેપરનો કાર્યક્રમ હતો. મેં ભાષણમાં કહ્યું કે પત્રકારિતા કેવી હોવી જોઈએ? પત્રકારો હંમેશાં મધમાખી જેવા હોવા જોઈએ, માખીઓ જેવા નહીં. માખીઓ ગંદી ચીજો પર બેસે છે અને ગંદકી ફેલાવે છે, પરંતુ મધમાખીઓ ફૂલો પર બેસે છે અને મધ ભેગું કરે છે... તેઓ દરેક જગ્યાએ મીઠાશ વહેંચે છે. જોકે કોઈ ખોટું કરે તો મધમાખીઓ એટલો જોરદાર ડંખ મારે છે કે ત્રણ દિવસ સુધી ચહેરો પણ છુપાવવો પડે. મેં જે કહ્યું એની અડધી ચીજો ઉપાડી અને મોટો વિવાદ ઊભો કર્યો. હું ઈમાનદારીથી કોઈ પ્રત્યે નકારાત્મકતા વિના કહી રહ્યો હતો કે મધમાખીનો ડંખ લાગે તો ત્રણ દિવસ મોં દેખાડી શકો નહીં. પત્રકારની આ તાકાત હોવી જોઈએ, પણ ઘણા લોકોને માખીવાળો રસ્તો સારો લાગે છે.’

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2025 12:36 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK