° °

આજનું ઇ-પેપર
Sunday, 01 August, 2021


નરમાઈની હેટટ્રિક: સેન્સેક્સ-નિફ્ટીના મુકાબલે બજારમાં વ્યાપક ખરાબી

21 July, 2021 03:47 PM IST | Mumbai | Anil Patel

બૅન્કિંગ ક્ષેત્રમાં એક શૅર વધ્યો સામે ૩૪ જાત ઘટી, ફાઇનૅન્સ ઇન્ડેક્સના ૧૧૦માંથી ફક્ત ૪ શૅર પ્લસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં, એનએસઈ ખાતે ૨૨૬૯ શૅરમાં કામકાજ થયાં તેમાં વધેલા શૅરની સંખ્યા ૪૫૯ની : બૅન્કિંગ ક્ષેત્રમાં એક શૅર વધ્યો સામે ૩૪ જાત ઘટી, ફાઇનૅન્સ ઇન્ડેક્સના ૧૧૦માંથી ફક્ત ૪ શૅર પ્લસ : રોકડામાં સાર્વત્રિક વેચવાલી, બ્રોડર માર્કેટ પણ ડૂલ : સિમેન્ટ શૅરો સામા પ્રવાહે, ડઝનથી વધુ જાતો નવાં શિખરે : સેબી-ડીઆરઆઇની અદાણી સામેની તપાસ ચર્ચામાં વધુ, શૅરમાં અસર ઓછી!

ફુગાવાની ફિકર વચ્ચે કોરોનાની ત્રીજી લહેર ધારણા કરતાં વધુ ઝડપથી અને વ્યાપક રીતે ત્રાટકી છે. સ્થિતિ હજી વધુ કપરી બનશે. આના લીધે રિકવરીની ક્ષમતા અને તેના ટકાઉપણાને લઈ ભારે શંકા-કુશંકા પેદા થવા માંડી છે. સોમવારે એશિયા-યુરોપની પાછળ અમેરિકન શૅરબજાર પણ ડામાડોળ થયું હતું. ડાઉ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં આશરે ૯૫૦ પૉઇન્ટ તૂટી છેવટે બે ટકા કે ૭૨૬ પૉઇન્ટની ખરાબીમાં ૩૩૯૬૨ બંધ રહ્યો. તેની અસરમાં ગઈ કાલે એશિયન બજારો સાધારણથી લઈને દોઢ ટકો વધુ ઢીલાં પડ્યાં. યુરોપ સાંકડી રેન્જમાં સહેજ પૉઝિટિવ બાયર્સ સાથે રનિંગમાં ફ્લૅટ દેખાતું હતું. ઘરઆંગણે સેન્સેક્સ ૩૫૫ પૉઇન્ટ તથા નિફ્ટી ૧૨૦ પૉઇન્ટ ઘટીને બંધ આવ્યા છે. ઘટાડો પ્રમાણમાં નાનો રહેવા પાછળનાં કારણોમાંનું એક ડાઉ ફ્યુચરમાં ૨૫૦ પૉઇન્ટથી વધુનો સુધારો ગણાવાય છે.

મહત્ત્વની વાત એ છે કે સેન્સેક્સ અને નિફ્ટી નરમાઈની હેટટ્રિકમાં ગઈ કાલે પોણા ટકા જેવા જ ઢીલા પડ્યા છે પરંતુ બજારનો આંતરપ્રવાહ ખાસ્સો ખરાબ હતો. સેન્સેક્સના ૩૦માંથી ૯ અને નિફ્ટીના ૫૦માંથી ૧૦ શૅર પ્લસ હતા. એશિયન પેઇન્ટ સારા પરિણામના જોશમાં સાડા ત્રણ ગણા કામકાજમાં ૩૧૭૮ની ઑલટાઇમ હાઈ બનાવી છ ટકાની તેજીમાં ૩૧૫૯ બંધ આપી બન્ને મેન આંક ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. અલ્ટ્રેક્ટ દોઢ ટકો તો હિન્દુ. યુનિલીવર એક ટકો પ્લસ હતા. રિલાયન્સ સાધારણ ઘટાડે ૨૦૯૩ જોવાયો છે.

અદાણી ગ્રુપ કે જેની સામે નિયત ધારાધોરણોના ભંગ બદલ સેબી તેમ જ ડીઆરઆઇની તપાસ શરૂ થઈ હોવાના અહેવાલ બે દિવસથી ગાજી રહ્યા છે, પરંતુ શૅરના ભાવમાં આનાથી વીજળી ત્રાટકી હોય એવું જોવાયું નથી. ગઈ કાલે અદાણી ટોટલ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવર પાંચ-પાંચ ટકાની નીચલી સર્કિટમાં બંધ હતા, પરંતુ ફ્લેગશિપ કંપની અદાણી એન્ટર ફક્ત એક ટકો તો અદાણી પોર્ટસ માત્ર એક રૂપિયો જ ઘટીને બંધ આવ્યા છે, જ્યારે અદાણી ગ્રીન પાંચ ટકાની મંદીની સર્કિટ માર્યા પછી છેલ્લે ૩.૯ ટકાના ઘટાડે ૯૩૮ રહ્યો છે. વાત સમજાય છે? સંસદનું સત્ર ચાલુ છે અને આ સરકાર કેટલાક ચોક્કસ કામમાં ઘણી માહિર છે, ખબર છેને?

જૂન ક્વૉર્ટરના પરિણામના જોરમાં એસીસી નવી સર્વોચ્ચ સપાટીએ

અંબુજા સિમેન્ટસ જેમાં ૫૦ ટકાનું હોલ્ડિંગ ધરાવે છે તે એસીસી દ્વારા જૂન ક્વૉર્ટરમાં આવકમાં ૫૧ ટકાના વધારા સાથે બમણાથી વધુ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. ઑપરેટિંગ પ્રૉફિટ માર્જિન સવા બે ટકા વધ્યું છે. તેના પગલે શૅર મંગળવારે ૧૪ ગણા વૉલ્યુમમાં ૨૩૪૩ની નવી સર્વોચ્ચ સપાટી બતાવી ૭.૩ ટકા ઊંચકાઈ ૨૩૦૮ રૂપિયા બંધ આવ્યો છે. અંબુજા સિમેન્ટસ પણ અઢી ગણા કામકાજમાં ૪૦૮નું બેસ્ટ લેવલ બતાવી ૪.૮ ટકાની મજબૂતીમાં ૪૦૪ બંધ રહ્યો છે. આ ઉપરાંત બિરલા કોર્પ, જેકે લક્ષ્મી, મંગલમ સિમેન્ટસ, ઓરિએન્ટ સિમેન્ટ, રામકો સિમેન્ટ્સ, સાગર સિમેન્ટ જેવા અન્ય ડઝન કાઉન્ટર પણ ઐતિહાસિક શિખરે ગયા છે.

ઉદ્યોગની ૪૨માંથી ૨૫ જાતો ગઈ કાલે વધી હતી. એસીસી તેમાં ટૉપ ગેઇનર હતી. આ સિવાય શ્રી દિગ્જામ ૭.૨ ટકા, જેકે લક્ષ્મી ૬.૩ ટકા, બિરલા કોર્પ ૬.૧ ટકા, મંગલમ ૪.૫ ટકા, આંધ્ર સિમેન્ટ ૪.૯ ટકા, અંજની પોર્ટલેન્ડ ૧.૭ ટકા, સૌરાષ્ટ્ર સિમેન્ટ ૩.૨ ટકા ઊંચકાયા હતા. ઇન્ડિયા સિમેન્ટ ૨.૨ ટકા વધ્યો હતો, સામે પક્ષે સહ્યાદ્રી સિમેન્ટ, દાલમિયા ભારત, બિગબ્લોક, શિવા સિમેન્ટ, કીર્તિ જેવી જાતો ૨.૮થી ૪ ટકા નરમ બંધ રહી છે.

આઇટીમાં એચસીએલ ટેકનો.ની માયુસી સામે હેવીવેઇટ્સનો સપોર્ટ મળ્યો

ગઈ કાલે અગ્રણી આઇટી કંપની એચસીએલ ટેક્નૉલૉઝીસ ૧૦૦૮ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી નીચામાં ૯૬૯ થયા બાદ ૨.૩ ટકાની નરમાઈમાં ૯૭૭ બંધ રહ્યો છે. કારણ એ જ ધારણા કરતાં નબળા પરિણામ. અહીં વિચારવાનું એ છે કે કંપનીના પરિણામ સોમવારે બંધ બજારે આવી ગયા હતા. શૅર આગલા દિવસે ૧૦૦૦ રૂપિયા બંધ હતો. જે ગઈ કાલે ૯૯૧ ખૂલ્યો ને પછી વધીને ૧૦૦૮ થયો હતો. જો ખરેખર પરિણામ જ કારણભૂત હોય તો પછી આગલા બંધથી નવ રૂપિયા નીચે ખૂલ્યા પછી ત્યાંથી ૧૭ રૂપિયા વધ્યો કેમ? અને આટલો વધ્યા પછી ૩૯ રૂપિયા ગગડ્યો શા માટે? વૉલ્યુમ તો રાબેતા મુજબનું હતું. એની વે, હાલે છે તેમ હાલવા દ્યો!

મંગળવારે આઇટી ઇન્ડેક્સ ૫૦માંથી ૩૭ શૅરની નરમાઈ વચ્ચે ૧૩ પૉઇન્ટ જ ઘટીને બંધ રહ્યો છે. હેવીવેઇટ ઇન્ફી અડધો ટકો વધીને ૧૫૫૦ તથા ટીસીએસ ૦.૭ ટકા વધીને ૩૨૦૫ બંધ હતા. માસ્ટેક સારા પરિણામના પગલે દોઢા કામકાજ સાથે ૨૬૦૦નું નવું શિખર જાળવી સાધારણ વધી ૨૪૯૯ બંધ રહ્યો છે. ત્રણ મહિના પહેલાં ભાવ ૧૩૫૦ આસપાસ હતો. વર્ષનો નીચો ભાવ તો ૪૧૩નો છે. ડેટામેટિક્સમાં તેજીનું ભૂત પ્રવેશ્યું લાગે છે. ભાવ ગઈ કાલે ૩૨૭ની નવી ઊંચી સપાટી હાંસલ કરીને ૪.૧ ટકાની આગેકૂચમાં ૩૧૩ બંધ આવ્યો છે. વૉલ્યુમ સાડાચાર ગણું હતું. પાંચ દિવસ પૂર્વે ભાવ ૧૮૫ની નીચે હતો. ફેસવૅલ્યુ પાંચની છે. આની સામે તાતા એલેક્સી જે વેચાણ અને નફામાં ડેટામેટિક્સ કરતાં ક્યાંય આગળ છે અને તેનો શૅર ૧૦નો છે, તે સતત ત્રીજા દિવસે ઘટતો રહી ગઈ કાલે ૪૧૦૬ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ અડધા ટકાની નબળાઈમાં ૫૬૮ રૂપિયા હતો. સિગ્નેટી, ફર્સ્ટ સોર્સ, સાસ્કેન, સુબેક્સ, ન્યુજેન, એક્સપ્લીઓ, સિએન્ટ, ડીલિન્ક, ટ્રાયજેન, એક્સલ્યા, હિન્દુજા ગ્લોબલ, રામકો સિસ્ટમ્સ, ઝેન સાર, આરપીએસજી વેન્ચર્સ ઇત્યાદી ત્રણથી પાંચ ટકા ડાઉન હતા.

૬૩ મૂન્સ સાડાછ ગણા કામકાજમાં ૯૬ની ઇન્ટ્રા-ડે બૉટમથી પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૦૪ વટાવી ત્યાં જ બંધ હતો.

બૅન્ક નિફ્ટીમાં બીજા દિવસે પણ બુરાઈ, ૬૬૪ પૉઇન્ટની વધુ ખરાબી

આગલા દિવસના ૬૭૩ પૉઇન્ટના ધબડકાને આગળ ધપાવતાં બૅન્ક નિફ્ટી ગઈ કાલે પણ બારેબાર શૅરના ઘટાડામાં ૬૬૪ પૉઇન્ટ ખરડાઈને ૩૪૪૧૫ બંધ રહ્યો છે. નીચામાં આંક ૩૪૩૫૭ થયો હતો. ગઈ કાલની ખાસ વાત એ છે કે બૅન્ક નિફ્ટીના તમામ શૅર સવા ટકાથી લઈ સાડા ત્રણ ટકા સુધી કપાયા હતા. એયુ બૅન્ક ૩.૬ ટકા ડૂલ થયો હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી જે. કે. બૅન્કના ૦.૪ ટકાના સુધારાને અપવાદ ગણતા બાકી ડઝન શૅરની બુરાઈમાં ૧.૯ ટકા તૂટ્યો છે. અહીં સેન્ટ્રલ બૅન્ક ૩.૬ ટકાના ધોવાણમાં અગ્રક્રમે હતી. તો પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી તમામ ૧૦ શૅરની સવાથી ૩.૩ ટકાની લપસણીમાં બે ટકા ડાઉન હતો.

બૅન્કેક્સ સોમવારે ૭૧૧ પૉઇન્ટની ખુવારી પછી ગઈ કાલે નીચામાં ૩૯૦૧૩ થઈ ૭૧૩ પૉઇન્ટના ધબડકામાં ૩૯૦૭૪ બંધ હતો. તેના તમામ ૧૦ શૅર ડૂલ્યા હતા એ કહેવાની જરૂર નથી. બૅન્કિંગ સેક્ટરમાં બગાડની હાલત એ હતી કે અહીં જે.કે. બૅન્કને બાદ કરતાં ઉદ્યોગના બાકીના તમામ ૩૪ શૅર માઇનસમાં બંધ હતા. મતલબ કે એક શૅર વધ્યો સામે ૩૪ ડાઉન. ઇક્વિટાસ ૫.૬ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૫.૩ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૩ ટકા, સિટી યુનિયન બૅન્ક ૩.૨ ટકા, યુનિયન બૅન્ક ૩.૧ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૨.૯ ટકા ધોવાયા છે. અત્રે ૩૦ બૅન્ક શૅર સવા ટકાથી માંડીને સાડા પાંચ ટકા સુધી સાફ થયા છે.

એચડીએફસી બૅન્ક ૧.૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૧ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૬ ટકા, કોટક બૅન્ક ૧.૧ ટકા, એક્સીસ બૅન્ક ૧.૨ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૩.૩ ટકા ઢીલા પડતાં ગઈ કાલે સેન્સેક્સને ૨૭૭ પૉઇન્ટનો માર પડ્યો હતો. એચડીએફસી એક ટકો ડાઉન થતાં તેમાં બીજા ૩૯ પૉઇન્ટ ઉમેરાયા હતા.

બૅન્કિંગ જેવી જ બુરાઈ ફાઇનૅન્સ ઇન્ડેક્સમાં દેખાઈ છે. અત્રે ૧૧૦માંથી ફક્ત ૪ શૅર વધ્યા છે. આઇએફસીઆઇ સાડા સાત ટકા અને રિલાયન્સ હોમ ૪.૪ ટકા વધી તેમાં મોખરે હતા. જેએમ ફાઇ., આદિત્ય બિરલા મની, એડલવીસ, મોતીલાલ, એબી કેપિટલ, એન્જલ બ્રોકિંગ જેવી જાતો ૪થી ૭ ટકા તૂટી હતી. આંક પોણા બે ટકા ડાઉન હતો.

રોકડું વધુ ખરડાયું, સ્મૉલ કૅપમાં વધેલા પ્રત્યેક શૅર સામે છ નરમ

ગઈ કાલે રોકડું અંદરખાને વધુ ખરાબ થયું છે. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ આમ તો માંડ દોઢ ટકો ડાઉન હતો પરંતુ તેની ૭૧૭માંથી માત્ર ૧૧૦ જાતો પ્લસ હતી. બીએસઈનો મિડ કૅપ ઇન્ડેક્સ સવા ટકો ઢીલો હતો પરંતુ અહીં ૯૮માંથી કેવળ ૧૫ શૅર પ્લસ હતા. બ્રોડર માર્કેટનો માપદંડ ગણાતો બીએસઈ-૫૦૦ એક ટકાથીય ઓછો નરમ હતો, પરંતુ તેના ૫૦૧ શૅરમાં વધેલી જાતોની સંખ્યા ૮૩ની હતી. મિડ કૅપ તથા સ્મૉલ કૅપની ચુનંદા જાતોને આવરી લેતો બીએસઈ-૪૦૦ મિડ સ્મૉલ કૅપ ૧.૪ ટકા માઇનસ હતો છતાં તેની ૪૦૦માંથી ૩૪૦ સ્ક્રીપ્સ રેડ ઝોનમાં હતી. એનએસઈ ખાતેના મિડ કૅપ, સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૧.૪ ટકાથી લઈને ૧.૭ ટકા ડૂલ થયા છે.

માર્કેટ બ્રેડ્થ ઘણી ખરાબ જોવાઈ છે. એનએસઈ ખાતે કુલ ૨૨૬૯ શૅરમાં કામકાજ થયાં હતાં જેમાં વધેલા ૪૫૮ શૅરની સામે ૧૪૯૨ કાઉન્ટર નરમ હતા. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે બીએસઈ ખાતે ૧૧૧૯ શૅર પ્લસ હતા, સામે ૨૧૧૨ સ્ક્રીપ્સ નરમ હતી. ૪૪૬ શૅર તેજીની સર્કિટમાં તો ૨૪૮ જાતો મંદીની સર્કિટમાં બંધ રહી છે.

21 July, 2021 03:47 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

તમે ઓવરટાઈમ કરો છો ? તો આ મહત્વના સમાચાર તમારા માટે

હવે તમે ઑફિસમાં 30 મિનિટથી પણ વધારે કામ કરશો તો ઓવરટાઇમ ગણાશે અને તે કામના તમને અલગથી પૈસા મળશે.

31 July, 2021 03:22 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારેરા હેઠળ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ટ્રાન્સફર કરવાનું પણ શક્ય છે

એનું કારણ એ છે કે મહારેરા (મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઍક્ટ) હેઠળ પ્રોજેક્ટની ટ્રાન્સફર શક્ય બની છે. જો કોઈ ડેવલપર પોતે હાથમાં લીધેલો પ્રોજેક્ટ પૂરો કરી શકે નહીં તો એ પ્રોજેક્ટ બીજા ખમતીધર ડેવલપરને ટ્રાન્સફર કરીને પૂરો કરાવી શકાય છે

31 July, 2021 01:31 IST | Mumbai | Parag Shah

સોયાબીન વાયદાએ ૧૦ હજારની ઐતિહાસિક સપાટી પાર કરી

સોયાબીન વાયદો પંદર દિવસમાં ૨૫૦૦ રૂપિયાથી વધુ અને ફેબ્રુઆરી બાદ બમણો વધ્યોઃ વાયદામાં હવે ગમે ત્યારે નવા-જૂનીની સંભાવનાઃ સોયાખોળનો ભાવ ૯૦,૦૦૦ રૂપિયા થયો

31 July, 2021 02:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK