ઇન્ડેક્સની વૃદ્ધિ અને IPOની કતાર એને સમર્થન આપે છે. એમાં વળી અમેરિકા તરફથી ભારત સાથેના વેપાર-કરારને બહુ જલદી પૉઝિટિવ લીલી ઝંડી મળવાના સંકેત જણાય છે
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શૅરબજારમાં એકંદરે બધું ગુડી-ગુડી હોવાનાં દર્શન થાય છે. ઇન્ડેક્સની વૃદ્ધિ અને IPOની કતાર એને સમર્થન આપે છે. એમાં વળી અમેરિકા તરફથી ભારત સાથેના વેપાર-કરારને બહુ જલદી પૉઝિટિવ લીલી ઝંડી મળવાના સંકેત જણાય છે, પરંતુ હાલ સતત ઊંચા જઈ રહેલાં વૅલ્યુએશન હવે કેટલાં વાજબી સ્તરે કહેવાય એ સવાલ થવા લાગ્યા છે અને થવા પણ જોઈએ તથા એનો યોગ્ય જવાબ મેળવીને આગળ વધવું જોઈએ
હાલમાં શૅરોના ભાવો એની લૉન્ગટર્મ સરેરાશ-ઍવરેજ કરતાં ઊંચા બોલાઈ રહ્યા છે, જેનો સંકેત એ કે અત્યારે શૅરોના ભાવ મોંઘા કહેવાય કે નહીં એ તો દરેક જણ પોતે જાણે, પરંતુ સસ્તા પણ ગણાય નહીં, મિડકૅપ અને સ્મૉલકૅપ સ્ટૉક્સ તો ખાસ ઊંચા બોલાય છે જે એની પાત્રતા કરતાં વધુ હોવાનું ચર્ચામાં છે. લાર્જકૅપ સ્ટૉક્સ તો હજી ક્યાંક વાજબી સ્તરે હશે અને નહીં હોય તો વાજબી બની જશે. જેમણે લાંબા ગાળાનું રોકાણ કર્યું છે તેમને આ ભાર નહીં લાગે કે ઓછો લાગશે, પણ ટ્રેડિંગ કરનારને માથે વધઘટનું જોખમ રહી શકે. જોકે બજારના અનુભવીઓ હજી વર્તમાન ભાવોને ઓવરહીટેડ ગણતા નથી. એટલે કે હજી ભાવો વધી શકે છે, સારાં પરિબળો-પૉઝિટિવ સમાચારો ભાવોને વેગ આપી શકે છે. પ્રૉફિટ-બુકિંગમાં માનનાર વર્ગે સમય સાથે સજાગ રહેવું જોઈશે અને સ્ટૉક-સિલેક્શન બાબતે સ્માર્ટ રહેવું જોઈશે. આ સમયમાં મુખ્ય પરિબળ ટ્રે઼ડ ટૅરિફની સંભવિત અસરોનું રહેવાનું છે.
ADVERTISEMENT
નિયમિત ડિવિડન્ડનો ડંકો વગાડતી કંપનીઓ
શૅરબજારમાં એટલે કે ઇક્વિટીમાં રોકાણ કરનાર એક બહુ મોટો વર્ગ એવો હોય છે જે આ રોકાણમાંથી નિયમિત આવક માટે કંપનીઓ તરફથી ડિવિડન્ડની મોટી અપેક્ષા રાખતો હોય છે, જ્યારે કે બજારમાં આવી કંપનીઓ હોય છે જે પોતાના શૅરધારકોને નિયમિત ડિવિડન્ડ આપીને રાજી અને સંતોષી રાખવામાં માને છે. અમુક રોકાણકાર વર્ગ એવો હોય છે જે ડિવિડન્ડ કરતાં મૂડીવૃદ્ધિને વધુ મહત્ત્વ આપે છે, જેમ કે કંપનીના શૅરના ભાવમાં વધારો થાય એ તેમને વધુ આકર્ષક લાગે છે. અલબત્ત, આ પરિબળ માર્કેટની ચાલ પર પણ આધાર રાખે છે. જે કંપનીઓ રોકાણકારોને નિયમિત આવક આપવા માગતી હોય છે એ શૅરધારકોને પોતાના નફામાંથી ડિવિડન્ડ આપતા રહેવાનું પસંદ કરે છે, જેથી એના નફાનો ઉપયોગ થાય છે, જ્યારે અમુક કંપનીઓ એ નફાને ડિવિડન્ડ આપવા માટે ઉપયોગમાં લેવા કરતાં જમા થવા દઈ પોતાનું રિઝર્વ વધારતી જાય છે અને બોનસ શૅર આપીને રોકાણકારો-શૅરધારકોને રાજી કરે છે તો વળી અમુક કંપનીઓ નફાનો ઉપયોગ બિઝનેસ-વિસ્તરણ કે નવા બિઝનેસ શરૂ કરવા પાછળ કરે છે, જેની મારફત એના શૅરનું પ્રાઇસ-અપ્રિશિએશન (ભાવવૃદ્ધિ) થાય છે. આ ભાવવૃદ્ધિ પણ શૅરધારકોને રાજી કરતી હોય છે.
તાજેતરના એક અભ્યાસ મુજબ ડિવિડન્ડ આપવામાં અગ્રેસર કંપનીઓમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), હીરો મોટોકૉર્પ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, આઇશર મોટર્સ, એલટીઆઇ માઇન્ડટ્રી, ક્રિસિલ, હિન્દુસ્તાન યુનિલીવર, બૉશ, ઇન્ફોસિસ, એચડીએફસી બૅન્ક, કોલ ઇન્ડિયા, એચસીએલ ટેક્નૉલૉજીઝ, ઓએનજીસી, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, હિન્દુસ્તાન ઝિન્ક વગેરેનો સમાવેશ થાય છે. રોકાણકાર કે બજારના ખેલાડીઓ તરીકે કઈ કૅટેગરીમાં આવો છો એ વિચારીને તમારે કંપનીના સ્ટૉક્સની પસંદગી કરવી જોઈએ. ડાઇવર્સિફાઇટ પોર્ટફોલિયો બનાવવામાં પણ આ ઉપયોગી રોકાણ-પોર્ટફોલિયો બને છે.
FIIનાં પસંદગીનાં સેક્ટર્સ
ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII) આજકાલ કયા સેક્ટર પર ખરીદી માટે વધુ ફોકસ કરી રહ્યા છે એવા સવાલ કે ચર્ચા થવાં સહજ છે. પ્રાપ્ત માહિતી મુજબ FII દ્વારા જૂનમાં ભારતીય ઇક્વિટીઝમાં ૨૮,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે; જેમાં મહદંશે ઑટો, ઑઇલ અને ગૅસ સેક્ટરમાં રોકાણ થયું છે. આ ઉપરાંત ફાઇનૅન્સ સર્વિસિસ, ટેલિકૉમ અને IT સેક્ટરમાં પણ રોકાણ થયું છે. જોકે તેમણે પાવર, કૅપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકૅર અને FMCGમાંથી રોકાણ છુટ્ટું અર્થાત્ નેટ સેલ કર્યું છે.
આ ગ્લોબલ રોકાણકાર વર્ગ આમ તો ટૅરિફ-કરારનું પરિણામ શું આવે છે એની રાહ જોઈ રહ્યો છે, જેમાં તેમને ભારત માટે પૉઝિટિવ આશાવાદ છે. જો આ વેપાર-કરાર ભારતની તરફેણમાં રહ્યો તો તેમનો રોકાણપ્રવાહ અહીં ઝડપી બનશે અને વધશે પણ ખરો. અમેરિકા ફેડરલ રિઝર્વ પર પણ તેમની નજર રહેશે તેમ જ અહીં સ્ટૉક-વૅલ્યુએશનના સ્તર પર પણ તેમની દૃષ્ટિ રહેશે. FII ભારતમાં સમય અને તક જોઈને આક્રમક લેવાલી કરશે, પરંતુ એની શરૂઆત ધીમી રાખશે એવું નિષ્ણાતો માને છે. અર્થાત્ તેઓ તેલ અને તેલની ધાર જોશે.
મ્યુચ્યુઅલ ફન્ડ્સનો સપોર્ટ
હાલ શૅરબજારને મ્યુચ્યુઅલ ફન્ડ્સનો ટેકો પણ મજબૂત રીતે મળી રહ્યો છે. જૂનમાં મ્યુચ્યુઅલ ફન્ડનો રોકાણપ્રવાહ સુધરી રહ્યો છે. મેમાં જે બાવીસ ટકા ઘટ્યો હતો એ જૂનમાં ૨૪ ટકા જેટલો વધ્યો છે. આશરે ૨૩ હજાર કરોડથી વધુ રોકાણ મ્યુચ્યુઅલ ફન્ડ્સ તરફથી માર્કેટમાં આવ્યું છે. આ બાબત રોકાણકારોના બેટર સેન્ટિમેન્ટ અને વિશ્વાસની સાક્ષી પૂરે છે. જૂનમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ હેઠળની ઍસેટ્સનું મૂલ્ય ૭૪.૪૧ લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે, નવી ફન્ડ-ઑફર્સ પણ એમાં ઉમેરાતી જાય છે. એક વાત ખાસ નોંધવા જેવી છે કે ફન્ડ્સ તરફથી વધુ પ્રવાહ સ્મૉલ-મિડકૅપ સ્ટૉક્સમાં આવી રહ્યો છે, જેની સામે લાર્જકૅપ સ્ટૉક્સમાં ઓછો છે.
એફ ઍન્ડ ઓમાં હવે શું ચાલી રહ્યું છે?
આપણે ગયા વખતે ફ્યુચર્સ-ઑપ્શન્સની ચર્ચા કરી હતી, ખાસ કરીને એક ફૉરેન ટ્રેડિંગ કંપની સામે આ વિષયમાં નિયમનતંત્ર SEBI દ્વારા લેવાયેલી ઍક્શનની વાત હતી. આ મામલે નિયમન વધુ સખત અને શિસ્તબદ્ધ કરવા SEBI ઑપ્શન્સ ટ્રેડિંગને કૅશ-પોઝિશન્સ સાથે લિન્ક કરવાની દરખાસ્ત ધરાવે છે. અર્થાત્ ટ્રેડર્સ ત્યારે જ ઑપ્શન્સ ટ્રે઼ડિંગ કરી શકશે જ્યારે તેમના કૅશ માર્કેટના પોર્ટફોલિયોમાં અન્ડરલાઇંગ સ્ટૉક્સ હશે. આ નિયમ લાગુ થશે તો બ્રોકર્સ અને એક્સચેન્જની આવકને અસર થશે, કેમ કે ઑપ્શન્સ ટ્રેડિંગથી તેમને સારી આવક થતી હોય છે. જોકે અમેરિકા સ્થિત પ્રૉપરાઇટરી ટ્રેડર જેન સ્ટ્રીટ ટ્રેડિંગના કિસ્સા બાદ SEBIને એના સર્વેલન્સમાં કોઈ નવા કિસ્સા મળ્યા નથી, પરંતુ SEBI એના સર્વેલન્સને વધુ સઘન કરવાનો પ્લાન ધરાવે છે.
એના અનુસંધાનમાં એફ ઍન્ડ ઓ સેગમેન્ટ વિશે તાજતેરમાં નિયમન સંસ્થા SEBIએ જાહેર કરેલી વધુ એક આંચકાજનક માહિતી મુજબ વરસ ૨૦૨૫માં રીટેલ ટ્રેડર્સે ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સોદાઓમાં ૧.૦૫ લાખ કરોડ રૂપિયાની ખોટ નોંધાવી છે જે ૨૦૨૪માં ૭૪,૮૧૨ કરોડ રૂપિયાની થઈ હતી. આમ નાના ટ્રેડર્સે આ વરસે ૪૧ ટકા વધુ નાણાં ખોયાં છે. એમ છતાં આ સટ્ટાનો સંગ તેમનાથી છૂટતો નથી. જોકે આગામી દિવસોમાં આ સેગમેન્ટમાં SEBI તરફથી કોઈ ફેરફાર આવી શકે છે.
વિશેષ ટિપ
શૅરબજારમાં રોકાણકારો સામે વિવિધ કારણો અને પરિબળો સ્વરૂપે ડિસ્ટ્રેક્શન આવ્યા જ કરતાં હોય છે, પરંતુ લૉન્ગ ટર્મ રોકાણકારો કોઈ ડિસ્ટ્રેક્શનથી ચલિત થતા નથી. એથી જ તેઓ સફળ અને સંપત્તિસર્જક ઇન્વેસ્ટર્સ બની શકે છે.

