Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > યુદ્ધવિરામ કે વિવાદ : કરેક્શનનો લાભ લેવા વૅલ્યુએશનને સમજીને નિર્ણય લેવા

યુદ્ધવિરામ કે વિવાદ : કરેક્શનનો લાભ લેવા વૅલ્યુએશનને સમજીને નિર્ણય લેવા

Published : 27 April, 2026 10:01 AM | IST | Mumbai
Jayesh Chitalia

બજારની ચિંતા ઓછી કરવા કોવિડના સમયને યાદ કરો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


શૅરબજારમાં ચાલી રહેલા કરેક્શનના દોર માટે યુદ્ધ હજી પણ કારણ બનીને ઊભું છે, યુદ્ધને કારણે ક્રૂડના ભાવ ઊંચા જવાથી ઇકૉનૉમી પર ઇન્ફ્લેશનનું પ્રેશર વધી રહ્યું છે, જ્યારે અનિશ્ચતતાનો અંત દેખાતો નથી. યુદ્ધવિરામની મંત્રણા સફળ થાય તો પણ સ્થિતિમાં તરત કોઈ ફરક પડે એવાં એંધાણ નથી છતાં બજારમાં લૉન્ગ ટર્મમાં વિશ્વાસ રાખતા વર્ગ માટે કોવિડનું ઉદાહરણ માર્ગદર્શક દાખલારૂપ છે. સમજો તો ઇશારા કાફી!

કોવિડ-19 વખતે શૅરબજારનું શું થયું હતું? ક્યાં સુધી નીચે ગયું હતું? તમને બધાને ખબર છે. હવે એ વિચારો કે રોકાણકારોએ એ સમયે શું કર્યું હતું? જેઓ ક્યારેય શૅરબજારમાં રોકાણ કરતા નહોતા એ લોકોએ શું કર્યું હતું? એક અંદાજ અનુસાર એ  સમયગાળામાં લગભગ પાંચેક કરોડ નવા રોકાણકારો બજારમાં પ્રવેશ્યા હતા. અલબત્ત એ વખતે ‘મજબૂરી કા નામ મહાત્મા ગાંધી’ હતું. લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી, કામધંધા છૂટી ગયા હતા, નોકરીઓના પગાર અડધા યા સાવ બંધ થઈ ગયા હતા. આવકનાં સાધન કે માર્ગ ઘરે બેસીને મેળવવાનાં હતાં ત્યારે અનેક મહિલાઓએ પોતાની રીતે ગૃહઉદ્યોગ શરૂ કર્યા, અનેક યુવાનોએ નવાં સાહસ તરફ મીટ માંડી, પ્રયોગ કર્યા, અનેક લોકો ઇનોવેશનમાં લાગી ગયા, બાકી લાખો લોકો શૅરબ્રોકિંગ કંપનીઓમાં ગ્રાહક બની ગયા અને શૅર્સની લે-વેચમાં તથા રોકાણમાં લાગી ગયા. બાય ધ વે, આખરે થયું શું? સ્ટૉક માર્કેટ વધુ મોટું થયું, વધુ વિસ્તર્યું. લાખો લોકોની આ માર્ગે આવક શરૂ થઈ ગઈ, અનુભવોએ નવા નિશાળિયાઓને તૈયાર કરી દીધા.



યુદ્ધ બન્ને દેશોના હિતમાં નથી


બસ તો હવે કોવિડના સ્થાને યુદ્ધને મૂકી દો, પછી વિચારો શું થઈ શકે? જરા નવાઈ લાગી શકે, સવાલ અને શંકા પણ થઈ શકે અમારા આ નિવેદન પર. હા, અમરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થશે નહીં, જો ખરેખર યુદ્ધ થવાનું હોત તો ક્યારનું થઈ ગયું હોત. અલબત્ત યુદ્ધની ધમકીઓ બહાર આવ્યા કરશે, તનાવ પણ ઊભા થશે અને યુદ્ધના માહોલ કે વિવાદને લીધે ગૅસ-ક્રૂડની સપ્લાય ચેઇનને અસર છે અને હજી થોડો સમય ચાલી શકે, પરંતુ વાસ્તવમાં અમેરિકાને ઈરાન પર દબાણ લાવવામાં રસ છે અને એ દબાણ દ્વારા પોતાનાં કામ કઢાવવામાં રસ છે. બાકી તો બન્ને દેશોને યુદ્ધ પોસાય એમ નથી. રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી શું થયું? અલબત્ત, યુદ્ધના તનાવનો માહોલ માનસિકતા-સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર કરતી રહેશે, જોખમ લાગશે, માર્કેટ સતત ઘટવાથી અને વૉલેટાઇલ રહેવાથી ગભરાટ પણ રહેશે, વિશ્વાસની કટોકટી પણ ચાલુ રહેશે, પરંતુ ખરું સાહસ એ છે કે કોવિડ પસાર થયા બાદ માર્કેટનું જે થયું એ યુદ્ધ પસાર થયા બાદ પુનઃ થઈ શકે છે. બેફામ તૂટેલું બજાર ફરીથી બેફામ વધવા દોડે એવું બની શકે છે.

વૅલ્યુએશનને સમજવામાં સાર


અલબત્ત, આ સાથે અમારે એક ડિસ્ક્લેમર એ કહેવું છે કે આ કોઈ આગાહી નથી, માત્ર ધારણા અને અંદાજ છે, જે હ્યુમન સાઇકોલૉજી આધારિત છે. માર્કેટ બિહેવ પણ એમાં આવી જાય. આમ પણ થોડા વખત પહેલાં એકધારું વધેલું બજાર સૌને ઓવર વૅલ્યુએશનવાળું લાગી રહ્યું હતું. ભાવો વધુ પડતા ઊંચા ચાલ્યા ગયા હતા, જેને બજારની ભાષામાં ચરબી કહે છે. આ ચરબી અથવા ઓવરવૅલ્યુએશન ખાસ્સાં નીચે આવી ગયાં છે. સેન્સેક્સ ૮૫-૮૬ હજારથી લગભગ ૧૦,૦૦૦ પૉઇન્ટ નીચે આવી ગયો છે. જ્યારે ભારતીય અર્થતંત્રમાં એવાં કોઈ મોટાં ગંભીર કરેક્શન થયાં નથી એ અર્થતંત્ર હજી પણ બહેતર સ્થિતિમાં છે. અલબત્ત ક્રૂડ, ગૅસ, સપ્લાય, નિકાસ, કરન્સીમાં રૂપિયાની વૅલ્યુ, ફૉરેન ઇન્વેસ્ટર્સની સતત આક્રમક વેચવાલીની અસરો ચોક્કસ છે, પરંતુ આ યુદ્ધ નિવારણ તરફ જવા લાગતા સમય-સંજોગ ઝડપથી બદલાવાનું શરૂ કરશે. એ ઝડપ પકડે એ પહેલાં આ માર્કેટની ગાડીમાં સીટ લઈ લેવી સારી રહેશે. બહુ બધા લોકોનાં ટોળાં આવવા માંડે એ પૂર્વે પ્રવેશ લઈ લેવામાં શાણપણ.

યાદ રહે કે અત્યારે પણ ચોક્કસ સ્ટૉક્સમાં વૅલ્યુએશન ઊંચાં હોઈ શકે યા છે; જેને સમજવાં પડે, એનાં કારણો અને કામગીરીનો ટ્રૅક જોવો-સમજવો પડે. આખરે બજાર ફરી વેગ પકડશે ત્યારે કામગીરીના જોરે જ પકડશે. કંપનીઓનાં ફન્ડામેન્ટલ્સ સૌથી મહત્ત્વનાં બની રહે છે. હાલમાં રોકાણકારોએ કરવા જેવા કામમાં મુખ્ય એ છે કે પોતાની પાસેના સ્ટૉક્સની યાદી જોઈ જવી, કયા સ્ટૉક્સના ભાવ કેટલા ઘટ્યા છે એ જોઈ જવા.

મંત્રણા સફળ થાય તો પણ...

વીતેલા સપ્તાહમાં બજારના ટ્રેન્ડ પર નજર કરીએ તો મહદંશે કરેક્શન ચાલુ રહ્યું છે. ફૉરેન ઇન્વેસ્ટર્સની વેચવાલી જોરમાં ચાલુ રહી છે. યુદ્ધવિરામને બદલે યુએસ-ઈરાન વચ્ચે વિવાદ જ ચાલુ રહ્યા છે, બન્ને દેશો વચ્ચેની મંત્રણા હજી પણ ચાલુ છે. પાયાનો સવાલ પરસ્પર વિશ્વાસનો છે, જે આટલા દિવસો બાદ પણ અધ્ધર છે. એવામાં બજાર પાસે હજી મોટા કે ઝડપી સુધારાની આશા રાખવી અર્થહીન છે. રિપીટ વૅલ્યુ સાથે સિસ્ટમૅટિક ‍ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ની વાત દોહરાવીને કહેવું છે કે મોટી રકમના રોકાણનું જોખમ ન લેવું હોય તો SIP બહેતર સલામત અને સરળ માર્ગ છે. બાયચાન્સ મંત્રણા સફળ થાય અને યુદ્ધ બંધ કરવાના અહેવાલ પણ આવે તોય રોકાણની ઉતાવળ ન કરવી, પણ  તબક્કાવાર રોકાણ કરવું, સ્ટૉક સ્પેસિફિક રહેવું. ગ્લોબલ ગરબડની અસરથી ગ્રસ્ત હોય એવાં સેક્ટર્સ તેમ જ એવી કંપનીઓથી હાલ દૂર રહેવું સલાહભર્યું ગણાશે. અલબત્ત, એક મહત્ત્વની સ્પષ્ટતા જરૂરી છે કે આ બન્ને દેશોના વિવાદ ચાલુ છે ત્યાં સુધી ક્રૂડના ઊંચા ભાવની સમસ્યા રહેશે, જેની નેગેટિવ અસરથી મુક્ત રહી શકાશે નહીં જેથી શૉર્ટ ટર્મ રિકવરીની આશા ન રાખવી.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

HSBCએ ક્રૂડના ઊંચા ભાવને કારણે ઇન્ફલેશનરી દબાણને કારણે ભારતનું રેટિંગ બીજી વાર ડાઉનગ્રેડ કર્યું છે.

ક્રૂડના ગ્લોબલ ઊંચા ભાવોને પરિણામે ભારતમાં ક્રૂડમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં વૉલ્યુમ વધ્યું છે.

ઍમૅઝૉન ઇન્ડિયા આગામી ચાર વર્ષમાં ભારતમાં એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૨૮૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે.

રિઝર્વ બૅન્કે પેટીએમનું પેમેન્ટ બૅન્કનું લાઇસન્સ રદ કર્યું છે. 

વિશેષ ટિપ: ઇન્વેસ્ટમેન્ટની સફળતાનો મુખ્ય આધાર શિસ્ત, ધીરજ અને લૉન્ગ ટર્મ ફોકસ હોય છે, શૉર્ટ ટર્મના ઘોંઘાટ કે હલચલની ચિંતા કરવાનો અર્થ નથી હોતો.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 10:01 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK