પોલીસ કમિશનરને મળીને પરિવારે આવી ધારદાર રજૂઆત કર્યા બાદ વિદ્યાવિહારના ગુજરાતી યુવાનના શંકાસ્પદ મૃત્યુનો કેસ રીઓપન કરવામાં આવ્યો : વકીલે મર્ડર થયું હોવાના ૧૨ પુરાવા રજૂ કર્યા
પ્રવીણ છેડા અને રાજેશના પરિવારજનોએ મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીને રજૂઆત કરી હતી
વિદ્યાવિહારના ખલઈ વિલેજમાં રહેતા ૩૩ વર્ષના રાજેશ પરમારના ૨૦૨૫ની ૯ ઑક્ટોબરે થયેલા મૃત્યુના કેસમાં નગરસેવક પ્રવીણ છેડા અને પરમાર પરિવાર દ્વારા મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીને કરવામાં આવેલી રજૂઆત બાદ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કેસ રીઓપન કરીને વધુ તપાસ હાથ ધરી છે. રાજેશની ડેડ-બૉડી ૨૦૨૫ની ૯ ઑક્ટોબરે કુર્લાના HDIL કમ્પાઉન્ડના બિલ્ડિંગ-નંબર ૯ નજીકથી મળી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે એને આત્મહત્યા ગણાવીને ૧૭ વર્ષના ટીનેજર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર ફરિયાદ નોંધી હતી. જોકે પરિવારજનોએ રાજેશની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરીને ૧૨ પુરાવા સાથે કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. આ પુરાવાના આધારે તપાસ ફરી શરૂ થતાં પરિવારને ન્યાય મળશે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
શું બની હતી ઘટના?
ADVERTISEMENT
રાજેશ BMCમાં સફાઈ-કર્મચારી હતો અને તેને સારો પગાર હતો એમ જણાવતાં રાજેશના બનેવી નરેશ બોરીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે ૯ ઑક્ટોબરે બપોરે દોઢ વાગ્યા સુધી રાજેશ ઘરે ન આવ્યો એટલે મારી સાસુએ તેને ફોન કર્યો હતો. એ વખતે ફોન એક પોલીસ-અધિકારીએ ઉપાડ્યો હતો અને તેણે રાજેશનો ઍક્સિડન્ટ થયો છે કહીને રાજાવાડી હૉસ્પિટલ બોલાવ્યા હતા. ત્યાં પહોંચ્યાં ત્યારે અમને રાજેશનું મૃત્યુ થયું હોવાની જાણ થઈ હતી. વધુ પૂછપરછ કરતાં વિનોબા ભાવે નગર પોલીસ-સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે રાજેશે HDIL કમ્પાઉન્ડમાં બિલ્ડિંગ-નંબર ૯ના પાંચમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે. એ સમયે પોલીસે અકસ્માત્ મૃત્યુની નોંધ કરી હતી. જોકે રાજેશ આત્મહત્યા કરી જ ન શકે એવી અમને ખાતરી હતી એટલે અમે પોલીસને સતત પૂછપરછ કરતાં પોલીસની કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોવાનું જોવા મળ્યું હતું. અમારા સતત ફૉલોઅપ બાદ પોલીસે ૧૫ નવેમ્બરે ૧૭ વર્ષના ટીનેજર સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવા સંદર્ભે ફરિયાદ નોંધીને ફાઇલ બંધ કરી દીધી હતી.’
શંકામાં વધારો
નરેશ બોરીચાએ વધુમાં કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં પોલીસે દાવો કર્યો હતો કે રાજેશ ગે હતો અને એક ઍપ્લિકેશનની મદદથી એક યુવકને મળવા માટે HDIL કમ્પાઉન્ડમાં બિલ્ડિંગ-નંબર ૯ના પાંચમા માળે ગયો હતો. ત્યાં એક પુરુષ સાથે જાતીય આનંદ માણી રહ્યો હતો એ દરમ્યાન ૧૭ વર્ષના ટીનેજરે તેમને જોયા. એ પછી તેણે રાજેશને કહ્યું કે તું આવું કરે છે? આ વાત તારા ઘરના લોકોને કહી દઈશ. જોકે એ સમયે ઘરનાઓને વાત ન કહેવા માટે રાજેશે તેને પૈસા આપવાની તૈયારી દેખાડી હતી, પણ ટીનેજર તેની કોઈ વાત સાંભળવા તૈયાર ન થતાં રાજેશ ગભરાઈ ગયો અને બેઇજ્જતી થવાના ડરથી તેણે પાંચમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. એ ઘટના વખતે ત્યાં ચાર જણ હાજર હતા એવું પોલીસ-રેકૉર્ડ કહે છે. તો પછી માત્ર એક ટીનેજર સામે કેમ પોલીસે ફરિયાદ નોંધી અને બાકીના લોકો ત્યાં શું કરી રહ્યા હતા એવા સવાલ ઊભા થયા છે. અમારો ચોક્કસ મત છે કે રાજેશની હત્યા થઈ છે અને પોલીસે ૧૭ વર્ષના ટીનેજરને આરોપી બનાવીને ફરિયાદ નોંધીને બીજા આરોપીઓની મદદ કરી છે એવો અમારો આરોપ છે.’
હત્યાના ૧૨ પુરાવા રજૂ કર્યા રાજેશના ઍડ્વોક્ટ હિત શાહે
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજેશનો મૃતદેહ બિલ્ડિંગની દીવાલથી ચાર-પાંચ પગલાં દૂર પડ્યો હતો જે પાંચમા માળેથી પડવાની પરિસ્થિતિમાં ન બને. સામાન્ય રીતે આત્મહત્યા કરનારની ડેડ-બૉડી વધુ અંતરે પડવી જોઈએ. CCTV કૅમેરાના ફુટેજમાં રાજેશ આસમાની રંગનું ટી-શર્ટ અને સોનાની ચેઇન પહેરેલો જોવા મળ્યો હતો, જ્યારે પોલીસ તરફથી અમને મળેલાં કપડાંમાં ગ્રે કલરનું ટી-શર્ટ હતું. એ ઉપરાંત ગયા વર્ષે ૯ ઑક્ટોબરે રાજેશનો મોબાઇલ વ્યવસ્થિત હતો પણ પછીથી પોલીસ-કસ્ટડીમાંથી સ્ક્રીન તૂટેલી હાલતમાં હતી જે હેરફેર થયાની સંભાવના દર્શાવે છે. પોલીસે રજૂ કરેલા એવિડન્સ મુજબ કોઈ ઝઘડો કે અવાજ સંભળાયો નહોતો. ડેડ-બૉડી પર અનેક ઈજા હતી જે હુમલાની સંભાવના દર્શાવે છે છતાં હત્યાની દિશામાં તપાસ કરવામાં આવી નહોતી. ઘટનાસ્થળ પર ૪ જણ હાજર હતા, પરંતુ માત્ર એક ટીનેજરને આરોપી બનાવવામાં આવ્યો હતો, જ્યારે બાકીના ૩ જણને સાક્ષી ગણવામાં આવ્યા છે. એ બદલ પણ શંકા જાય છે, કારણ કે બાકીના ૩ જણની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી નથી. તેઓ શંકાસ્પદ રીતે સ્થળ પરથી ભાગી ગયા હતા. કૉલ ડેટા રેકૉર્ડ, ટાવર લોકેશન અથવા ફૉરેન્સિક જેવી કોઈ તપાસ કરવામાં આવી નહોતી, આપવામાં આવેલું કારણ (બ્લૅકમેઇલ, સમલૈંગિક સંબંધી મુદ્દો) પુરાવા સાથે મેળ ખાતું નથી. આ એક રહસ્યમય મૃત્યુ છે છતાં હત્યાની દિશામાં તપાસ કરવામાં આવી નહોતી અને ફૉરેન્સિક સ્તરે ગંભીર ખામી રહી ગઈ છે. આ તમામ પુરાવા અમે પોલીસ સમક્ષ રાખ્યા છે.’
પોલીસ-કમિશનરને રજૂઆત
નગરસેવક પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિદ્યાવિહારના ખલઈ વિલેજમાં રહેતા રાજેશ પરમારના શંકાસ્પદ મૃત્યુને આત્મહત્યા તરીકે રજૂ કરવામાં આવ્યું છે. જોકે સંજોગો શંકાસ્પદ હત્યા સૂચવે છે. મેં મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીને મળીને પારદર્શક અને સંપૂર્ણ તપાસ માટે આ કેસ રીઓપન કરી ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી.’
પોલીસ શું કહે છે?
કુર્લાના વિનોબા ભાવે નગર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર દીપાલી કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવકના મૃત્યુ બાદ અમે આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો નોંધ્યો હતો અને એની તપાસ હાથ ધરી હતી. આ મામલે ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. દરમિયાન તાજેતરમાં ફરિયાદી પરિવારે પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ આ કેસની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. કેસ સંબંધિત તમામ દસ્તાવેજો અને પુરાવાઓ અમે ક્રાઇમ બ્રાન્ચની હેડ ઑફિસને સોંપી દીધા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે વધુ તપાસ કરી રહી છે.’
