રોકડું અને બ્રૉડર માર્કેટ પ્રમાણમાં સારું રહેતાં માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી મજબૂતી : પાંચેક મહિના પહેલાં ૧૫ના ભાવવાળો બાયોગ્રીન પેપર્સ ઉપલી સર્કિટની હારમાળામાં ૧૦૦ના શિખરે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ખાનગી બૅન્કો અને IT સેક્ટરના ચલણી શૅરોમાં માનસ ખરડાયું : રોકડું અને બ્રૉડર માર્કેટ પ્રમાણમાં સારું રહેતાં માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી મજબૂતી : પાંચેક મહિના પહેલાં ૧૫ના ભાવવાળો બાયોગ્રીન પેપર્સ ઉપલી સર્કિટની હારમાળામાં ૧૦૦ના શિખરે : એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ સહજ સોલરમાં ૧૦ ટકાની તેજી : સરકારી દેવાના ઇક્વિટીમાં કન્વર્ઝનથી વોડાફોનમાં કરન્ટ આવ્યો, કેટલો ટકશે એ મોટો સવાલ : ઇન્ફોનેટિવના SME ઇશ્યુમાં ફૅન્સી જમાવવા ગ્રેમાર્કેટમાં ૧૪ના ભાવથી સોદા શરૂ થયા
બજારમાં નવા નાણાકીય વર્ષનો આરંભ અવળા ગણેશથી થયો છે. ટ્રમ્પ અને ટૅરિફની તાણમાં સેન્સેક્સ મંગળવારે ૧૩૯૦ પૉઇન્ટ તૂટી ૭૬,૦૨૪ તથા નિફ્ટી ૩૫૪ પૉઇન્ટ લથડી ૨૩,૧૬૬ બંધ થયો છે. બજાર ૫૩૩ પૉઇન્ટની ગૅપમાં નીચે ૭૬,૮૮૨ ખૂલ્યા પછી ઝડપી સુધારામાં ૭૭,૪૮૭ વટાવી ગયું હતું. જોકે આ શરૂઆતનો સુધારો ક્ષણજીવી હતો. માર્કેટ પછી આખો દિવસ રેડઝોનમાં હતું, જેમાં શૅરઆંક સતત ઘસાતો રહી નીચામાં ૭૫,૯૧૨ દેખાયો હતો. નિફ્ટી પણ ૨૩,૫૬૫ના ઉપલા મથાળેથી ૪૨૯ પૉઇન્ટ ખરડાઈ નીચામાં ૨૩,૧૩૬ થયો હતો. ઈશ્વરનો પાડ માનો કે ૨૩,૧૦૦નું લેવલ તૂટ્યું નથી. મતલબ કે ૨૩,૧૦૦ તૂટશે તો નિફ્ટીમાં બહુ ખરાબી જોવાશે. અમને લાગે છે ૨૩,૧૦૦ તૂટશે, બહુ નજીકમાં જ તૂટશે, નિફ્ટી મીડિયા સવાબે ટકા, ટેલિકૉમ ઇન્ડેક્સ બે ટકા તથા ઑઇલ ગૅસ બેન્ચમાર્ક અડધો ટકો વધ્યો છે. બાકીનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે. સેન્સેક્સ નિફ્ટીની દોઢ-પોણાબે ટકા જેવી ખરાબી સામે રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા, IT સવાબે ટકા, ટેક્નૉલૉજીઝ પોણાબે ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અઢી ટકા, ફાઇનૅન્સ ૧.૮ ટકા, હેલ્થકૅર દોઢ ટકા, કૅપિટલ ગુડ્સ દોઢ ટકા, નિફ્ટી ફાર્મા બે ટકા, બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા નજીક નરમ હતો. મિડ કૅપ એક ટકા તો બ્રૉડર માર્કેટ સવા ટકો કટ થયું છે,પણ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩૪ પૉઇન્ટ વધીને બંધ આવ્યો છે. રોકડુંઅને બ્રૉડર માર્કેટ પ્રમાણમાં ઓછું બગડવાને લીધે માર્કેટ બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રૉન્ગ હતી. NSEમાં વધેલા ૧૯૫૫ શૅરની સામે ૯૬૦ જાત ઘટીછે. બજારનું માર્કેટ કૅપ ૩.૪૪ લાખ કરોડના ઘટાડે ૪૦૯.૪૩ લાખ કરોડ રહ્યું છે.
ADVERTISEMENT
એશિયન બજારો સોમવારની નરમાઈ પચાવી ગઈ કાલે સુધારાતરફી હતાં. તાઇવાન પોણાત્રણ ટકા, સાઉથ કોરિયા દોઢ ટકાથી વધુ, થાઇલૅન્ડ પોણો ટકો, ચાઇના-હૉન્ગગકૉન્ગ અડધા ટકા નજીક પ્લસ હતા. સિંગાપોર નામકે વાસ્તે નરમ હતું. યુરોપ પણ રનિંગમાં એકથી સવા ટકો મજબૂત જણાયું છે. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં નહીંવત્ સુધારે ૧,૧૭,૮૦૭ હતું. અત્રે ૧૬ માર્ચના રોજ ૧,૧૯,૪૨૨ની ઑલટાઇમ હાઈ બની હતી. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ૮૧,૩૧૪ ડૉલરની નીચી સપાટીથી ઉપરમાં ૮૪,૨૩૮ થઈ રનિંગમાં સવાત્રણ ટકાના સુધારામાં ૮૪,૧૩૮ ડૉલર ચાલતો હતો.
મુંબઈના અંધેરી-ઈસ્ટની રિટાજો ઇન્ડ્સ્ટ્રીઝનો શૅરદીઠ પચીસના ભાવનો ૧૫૫૦ લાખનો BSE SME ઇશ્યુ આજે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ સવા ગણું ભરાયું છે. ૨૮ માર્ચે ખૂલેલો સ્પિનારો કૉમર્શિયલનો શૅરદીઠ ૫૧ના ભાવનો ૧૦૧૭ લાખનો SME ઇશ્યુ અત્યાર સુધીમાં ૧૮ ટકા તથા નવી દિલ્હીની ઇન્ફોનેટિવ સૉલ્યુશન્સનો એકના શૅરદીઠ ૭૯ની અપરબૅન્ડવાળો ૨૪૭૧ લાખનો BSE SME ઇશ્યુ ૭૯ ટકા ભરાયો છે. બન્ને ભરણાં ગુરુવારે બંધ થશે. ગ્રેમાર્કેટ ખાતે ઇન્ફોનેટિવમાં ૧૪ રૂપિયાથી કામકાજ શરૂ થયા હોવાનું કહેવાય છે.
BSE લિમિટેડનું શૅરદીઠ બે બોનસ, ભાવ વધઘટે ૬૦૦૦ થવાની વાતો
BSE લિમિટેડ દ્વારા ફરી એક વાર એક શૅરદીઠ બેના પ્રમાણમાં બોનસ જાહેર કરાયું છે. અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૨માં આ જ પ્રમાણે મેઇડન બોનસ જાહેર થયું હતું. શૅર જોકે સુધારાની હૅટ-ટ્રિક બાદ ગઈ કાલે ૫૫૭૫ વટાવી છેવટે નજીવા ઘટાડે ૫૪૬૬ બંધ રહ્યો છે. બોનસની રેકૉર્ડ ડેટ જાહેર થઈ નથી, પરંતુ ૨૯ મે આવે એ પહેલાં એ નક્કી થઈ ચૂકી હશે. આ દરમ્યાન જાણકારો અહીં વધઘટે ૬૦૦૦ ઉપરનો ભાવ જુએ છે. BSEની સબસિડિયરી CDSL પોણાબે ટકા ઘટી ૧૧૯૮ હતી. MCX દોઢ ટકા ઘટી છે.
બુધવારે અમદાવાદી રણજિત મેક્ટ્રોનિક્સ અને સહજ સોલર તથા નવી દિલ્હીની કૅપિટલ ટ્રેડલિન્ક્સ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થશે. ગઈ કાલે રણજિત મેક્ટ્રોનિક્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે બાવન વટાવી ત્યાં જ, સહજ સોલર ઉપરમાં ૪૨૧ વટાવી ૧૦ ટકાના ઉછાળે ૪૧૧ તથા કૅપિટલ ટ્રેડ ૪૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણો ટકો ઘટી ૪૩ બંધ હતી. મોહાલીની સાલ ઑટોમોટિવ શૅરદીઠ એકના મેઇડન બોનસમાં ૩ એપ્રિલે એક્સ બોનસ થવાની હોવાથી શૅર ઉપરમાં ૬૯૩ બતાવી છ ટકાની તેજીમાં ૬૭૮ બંધ થયો છે. બાયોગ્રીન પેપર્સ ૮૩ શૅરદીઠ ૬૭ શૅરના પ્રમાણમાં શૅરદીઠ ૪૯.૨૫ના ભાવથી રાઇટ ઇશ્યુમાં ૪થીએ એક્સ રાઇટ થવાનો છે. શૅર સતત વધતો રહી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ગઈ કાલે ૧૦૦નું બેસ્ટ લેવલ બનાવી ત્યાં જ બંધ થયો છે. પાંચેક મહિના પહેલાં ૩૧ ઑક્ટોબરના રોજ અત્રે ૧૫નું બૉટમ દેખાયું હતું. આ હૈદરાબાદી કંપનીની ફેસવૅલ્યુ ૧૦ની છે સામે બુકવૅલ્યુ ૧૧ રૂપિયા આસપાસ છે. કંપનીમાં ફન્ડામેન્ટલ્સ જેવું કશું છે નહીં.
સુરતના ઉમરા ખાતેની ડિસ્કો ઇન્ફ્રાટેક ૧૦ના શૅરદીઠ ૧૫૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૬૦ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૮ બતાવી ત્યાં બંધ થતાં એમાં બાર ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ૩૦૭૫ લાખનો આ SME IPO ૮૩.૮ ગણો છલકાયો હતો અહિમ્સા નેચરલ્સનું લિસ્ટિંગ આજે થશે. ૧૧૯ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રેમાર્કેટમાં હાલ વીસનું બૅન્ક બોલાય છે.
HDFC બૅન્કના ધબડકાથી બજારને ૪૦૦ પૉઇન્ટનો માર
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી બે તથા નિફ્ટીના ૫૦માંથી ૧૩ શૅર પ્લસ હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક ૫.૧ ટકાની મજબૂતીમાં ૬૮૩ બંધ આપી બન્ને બજારમાં મોખરે હતી. અન્યમાં તાતાની ટ્રેન્ટ પોણાપાંચ ટકા કે ૨૫૨ રૂપિયા, બજાજ ઑટો દોઢ ટકા કે ૧૧૪ રૂપિયા, જીઓ ફાઇનૅન્સ સવા ટકો, હીરો મોટોકૉર્પ તથા HDFC લાઇફ એક ટકો વધી છે. HCL ટેક્નૉલૉજીઝ ચારેક ટકા લથડી ૧૫૨૯ના બંધમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ લૂઝર હતી. એનાં પરિણામ બાવીસમીએ છે. HDFC બૅન્ક સવાબે ગણા વૉલ્યુમ સામે ૩.૪ ટકા ખરડાઈને ૧૭૬૭ના બંધમાં બજારને સર્વાધિક ૪૦૦ પૉઇન્ટ નડી છે તો ICICI બૅન્કની ૨.૩ ટકાની નબળાઈએ માર્કેટને ૧૮૯ પૉઇન્ટનો માર માર્યો છે.
ઇન્ફીનાં રિઝલ્ટ આ વેળા થોડાંક મોડાં, ૧૭મીએ છે. શૅર ૨.૭ ટકા બગડી ૧૫૨૭ બંધ થતાં બજારને ૧૩૨ પૉઇન્ટની હાનિ થઈ હતી. ટીસીએસ દોઢ ટકા ડાઉન હતો. એનાં પરિણામ ૧૦મીએ આવવાનાં છે. રિલાયન્સ સરેરાશ કરતાં સારા કામકાજે ૧.૮ ટકાની નરમાઈમાં ૧૨૫૨ બંધ આપી બજારને ૧૩૧ પૉઇન્ટ નડ્યો છે. અન્યમાં બજાજ ફિનસર્વ સવાત્રણ ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૮ ટકા, ટાઇટન અઢી ટકા, સનફાર્મા સવાબે ટકા, ભારત ઇલે. ત્રણ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૨.૮ ટકા, હિન્દાલ્કો ૨.૭ ટકા, ટેક મહિન્દ્ર દોઢ ટકા, લાર્સન ૧.૬ ટકા કટ થયા છે. એશિયન પેઇન્ટસ, ઍક્સિસ બૅન્ક, NTPC, કોટક બૅન્ક, અલ્ટ્રાટેક, હિન્દુસ્તાન યુનિલીવર, મહિન્દ્ર એકથી દોઢ ટકા જેવા માઇનસ હતા.
અદાણી ગ્રુપ ખાતે અદાણી ગ્રીન ત્રણ ટકા, અદાણી ટોટલ સવા ટકો, અંબુજા સિમેન્ટ્સ દોઢ ટકા, અદાણી પોર્ટ્સ અડધો ટકો, અદાણી પાવર પોણો ટકો નરમ હતા. સામે અદાણી એન્ટર. પોણો ટકો, NDTV અઢી ટકા, અદાણી વિલ્મર પોણા ત્રણ ટકા વધ્યા છે. સ્ટેટ બૅન્ક નામજોગ દસ પૈસાના ઘટાડે ૭૭૧ બંધ રહ્યો છે.

