અત્યાર સુધી ખાસ કોઈ ટૅક્સમાં વધારો ન કરનારી BMC એક પછી એક કર વધારવાના મૂડમાં ઃ હવે એણે પ્રૉપર્ટી ટૅક્સના દરમાં ૧૩ ટકાનો વધારો સૂચવ્યો
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન
ખાલી તિજોરી ભરવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) આ વર્ષે એક પછી એક ટૅક્સ વધારવાની તજવીજમાં છે. શહેરને ગંદું કરનારાઓ પાસેથી લેવામાં આવતા દંડમાં વધારો કરવાથી લઈને યુઝર ફીના નામે ગાર્બેજ ટૅક્સ વસૂલ કરવાનો પ્રસ્તાવ મૂક્યા બાદ હવે BMCના અસેસમેન્ટ ઍન્ડ કલેક્શન ડિપાર્ટમેન્ટે પ્રૉપર્ટી ટૅક્સમાં ૧૩ ટકાનો વધારો કરવાની પ્રપોઝલ કમિશનરને આપી છે.
અત્યારે ૫૦૦ સ્ક્વેરફુટ સુધીના ઘર પર પ્રૉપર્ટી ટૅક્સ લેવામાં આવતો નથી. થોડા સમય પહેલાં એવી વાત હતી કે સુધરાઈના અમુક અધિકારીઓએ આ ફ્લૅટધારકો પાસેથી ફરી એક વાર ટૅક્સ લેવાનું શરૂ કરવું જોઈએ. જોકે BMCની ચૂંટણી હજી બાકી હોવાથી પૉલિટિકલી આ નિર્ણય ભારે પડે એવો હોવાથી એને અત્યારે હોલ્ડ પર રાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
આ પહેલાં ૨૦૧૪-’૧૫માં પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૨૦૨૦-’૨૧માં એમાં વધારો કરવો અપેક્ષિત હતો, પણ કોરોનાને લીધે સરકારે પ્રૉપર્ટી ટૅક્સમાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ૨૦૨૨-’૨૩ અને ૨૦૨૩-’૨૪માં પણ વિવિધ કારણોસર એમાં વધારો કરવામાં નહોતો આવ્યો. જોકે ગયા વર્ષે BMCએ પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કર્યો હતો, પણ એનો જોરદાર વિરોધ થયા બાદ રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ સૂચિત વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
છેલ્લાં બે વર્ષથી રેડી રેકનરના રેટમાં કોઈ વધારો ન કર્યા બાદ આ વખતે રાજ્ય સરકારે એમાં પણ વધારો કર્યો હોવાથી એને ધ્યાનમાં રાખીને BMCએ પણ પ્રૉપર્ટી ટૅક્સના દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. જોકે ૧૩ ટકાના પ્રસ્તાવની સામે આઠથી ૯ ટકાના વધારાને મંજૂરી મળે એવું જાણકારોનું કહેવું છે.
૨૦૨૫-’૨૬માં BMCએ ૫૨૦૦ કરોડ રૂપિયા પ્રૉપર્ટી ટૅક્સ પેટે વસૂલ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. ઑક્ટ્રૉયની આવક બંધ થયા બાદ પ્રૉપર્ટી ટૅક્સ અત્યારે સુધરાઈ માટે આવકનો સૌથી મોટો સ્રોત છે.

