Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટ્રમ્પને ટાઢા પાડવાના પ્રયાસ ફળીભૂત થવાની આશા પાછળ શૅરબજારમાં બ્રૉડબેઝ્ડ સુધારો

ટ્રમ્પને ટાઢા પાડવાના પ્રયાસ ફળીભૂત થવાની આશા પાછળ શૅરબજારમાં બ્રૉડબેઝ્ડ સુધારો

Published : 03 April, 2025 07:24 AM | IST | Mumbai
Anil Patel

જ્વેલરી સેક્ટરના ૫૪માંથી ૪૯ શૅર વધ્યા, કલ્યાણ જ્વેલર્સ ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર : ONGCમાં ૩૭૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે જેફરીઝ બુલિશ, બોનસની ધારણા

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


જ્વેલરી સેક્ટરના ૫૪માંથી ૪૯ શૅર વધ્યા, કલ્યાણ જ્વેલર્સ ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર : ONGCમાં ૩૭૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે જેફરીઝ બુલિશ, બોનસની ધારણા : મુંબઈની એટીસી એનર્જીસમાં ૧૪ ટકાની લિસ્ટિંગ લૉસ, અહિંસા નૅચરલ્સનું પ્રોત્સાહક લિસ્ટિંગ : સેન્ટ્રલ બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, યુકો બૅન્ક અને આઇઓબીમાં નવા નીચા ભાવ : જેપી મૉર્ગન તરફથી ડીરેટિંગ વચ્ચે આઇટી શૅરોમાં સુધારો જોવાયો : જેનસોલ એન્જિનિયરિંગ નીચલી સર્કિટની હારમાળામાં ૩૪ મહિનાના તળિયે : સ્પિનારો કમર્શિયલના BSE SME ઇશ્યુ સામે કપરાં ચડાણ


ઑર્ડર બૅકલોગ્સમાં નબળાઈને લઈ અમેરિકાનો ફૅક્ટરી ડેટા કે મૅન્યુચૅક્ચરિંગ આંક માર્ચ મહિનામાં ઘટી ૪૯ આવ્યો છે ત્યારે આપણે ત્યાં નવા ઑર્ડરના જોરમાં મૅન્યુચૅક્ચરિંગ PMI ઇન્ડેક્સ વધીને આઠ મહિનાની ટોચે, ૫૮.૧ નોંધાયો છે. બીજા એક અહેવાલ પ્રમાણે ટ્રેડ ડીલના મામલે અમેરિકાની શરતોને ભારતે (સહર્ષ) સ્વીકારી લીધી છે, PMOની દરમ્યાનગીરીના કારણે આ શક્ય બન્યું હોવાનું પણ ખાસ કહેવાયું છે. મતલબ કે કુલડીમાં ગોળ ભંગાઈ ચૂક્યો છે. બઢિયા હૈ... આગામી સપ્તાહે રિઝર્વ બૅન્કની ધિરાણ નીતિ છે. વ્યાજદરમાં વધુ ૦.૨૫ ટકાનો ઘટાડો નક્કી મનાય છે. CRR પણ ઘટી શકે છે. બજાર આગલા દિવસે ૧૩૯૦ પૉઇન્ટ લથડ્યું હતું એટલે ટેક્નિકલ બાઉન્સબૅક જેવું કશુંક આવે એવી શક્યતા પણ હતી જ. સરવાળે બજાર બુધવારે ૫૯૩ પૉઇન્ટના સુધારે ૭૬,૬૧૭ તથા નિફ્ટી ૧૬૭ પૉઇન્ટ ઘટી ૨૩,૩૩૨ બંધ થયો છે. સેન્સેક્સ ૧૨૨ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૭૬,૧૪૬ ખૂલી આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં હતો. બજાર નીચામાં ૭૬,૦૬૫ થઈ ઉપરમાં ૭૬,૬૮૦ દેખાયું હતું. સેન્સેક્સ નિફ્ટીના પોણા ટકા જેવા સુધારા સામે મિડકૅપ દોઢેક ટકો, સ્મૉલકૅપ એક ટકા તથા બ્રૉડર માર્કેટ સવા ટકા વધતાં માર્કેટ બ્રેડ્થ વધુ સ્ટ્રૉન્ગ બની છે. NSEમાં વધેલા ૨૧૪૮ શૅર સામે ૭૫૭ જાતો નરમ હતી. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ હતાં. રિયલ્ટી ઇન્ડેક્સ ૩.૬ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અઢી ટકા, ટેલિકૉમ સવા ટકો, FMCG ઇન્ડેક્સ ૧.૧ ટકો, ટેક્નૉલૉજીઝ સવા ટકો, આઇટી ફાઇનૅન્સ નિફ્ટી ફાર્મા તથા બૅન્ક નિફ્ટી પોણાથી એક ટકો વધ્યા હતા. બજારનું માર્કેટકૅપ ૩.૫૫ લાખ કરોડ રૂપિયા વધી ૪૧૨.૯૮ લાખ કરોડ થયું છે.



ગઈ કાલે એશિયન બજારો સાંકડી વધઘટે મિશ્ર વલણમાં તો યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો માઇનસ હતું. બિટકૉઇન ૮૫,૦૨૦ ડૉલર દેખાતો હતો. મુંબઈના અંધેરી-ઈસ્ટની એટીસી એનર્જીસ સિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ૧૦૭ ખૂલી ૧૦૧ બંધ થતાં અત્રે ૧૪ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. શ્રી અહિમ્સા (કે અહિંસા?) નૅચરલ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૯ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૨૦ના પ્રીમિયમ સામે ૧૪૦ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૪૭ બતાવી ત્યાં જ બંધ રહેતાં એમાં ૨૩.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સુરતની આઇડેન્ટિક્સવેબ લિમિટેડ આજે લિસ્ટિંગમાં જશે. ૫૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઘટી હાલ ૪ બોલાય છે. મુંબઈના અંધેરી-ઈસ્ટની રિટાજો ઇન્ડસ્ટ્રીઝનો શૅરદીઠ ૨૫ના ભાવનો ૧૫૫૦ લાખનો BSE SME IPO કુલ ૧.૯ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં સોદા નથી. સ્પિનારો કમર્શિયલનો શૅરદીઠ ૫૧ના ભાવનો ૧૦૧૭ લાખનો ઇશ્યુ આજે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં ૩૨ ટકા ભરાયું છે. ઇન્ફોનેટિવ સૉલ્યુનો એકના શૅરદીઠ ૭૯ની અપર બૅન્ડ સાથેનો ૨૪૭૧ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૧.૪ ગણો ભરાઈ ગયો છે એ પણ આજે બંધ થવાનો છે. ગ્રેમાર્કેટમાં ૧૪નું પ્રીમિયમ છે. સેબીએ NSDLનો ઇશ્યુ લાવવા માટેની ડેડલાઇન લંબાવીને જુલાઈ સુધીની કરી છે. અનલિસ્ટેડ માર્કેટમાં ભાવ ૧૧૦૦  ચાલે છે જે ૧૩ માર્ચના રોજ ૯૯૦ હતો. તાતા કૅપિટલ હાલ ૯૫૦ આસપાસ ક્વોટ થઈ રહ્યો છે. દરમ્યાન BSE લિમિટેડ સાડાત્રણ ટકા વધી ૧૮૯ની તેજીમાં ૫૬૫૫ બંધ થયો છે.  


બર્નસ્ટેનના ડીરેટિંગમાં વારિ એનર્જી સવાચાર ટકા ગગડ્યો

બર્નસ્ટેન તરફથી વારિ એનર્જીમાં ૧૯૦૨ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ વ્યુ જારી થતાં ભાવ નીચામાં ૨૨૭૧ થઈ સવાચાર ટકા તૂટી ૨૨૮૦ બંધ થયો છે. પ્રીમિયમ એનર્જીસમાં પણ એણે ૬૯૩ની ટાર્ગેટ પ્રાઇસ સાથે ડીરેટિંગ આપ્યું છે. ભાવ નીચામાં ૮૮૩ થઈ સવાબે ટકા ઘટી ૮૯૦ હતો. ભારે નાણાભીડ સાથે અનેક વિવાદમાં સપડાયેલી જેનસોલ એન્જિનિયરિંગ મંદીની સર્કિટની હારમાળામાં પાંચ ટકા તૂટી જૂન ૨૦૨૨ પછીની બૉટમ બનાવી ૧૬૬ બંધ રહ્યો છે. ગત વર્ષે ૧૯ ફેબ્રુઆરીએ અહીં ૧૩૭૭ની સર્વોચ્ચ સપાટી બની હતી. થાણેની RRP સેમિકન્ડક્ટર ઑપરેટર્સની ધમાલમાં એકધારી તેજી પકડી રાખતાં બે ટકાની ઉપલી સર્કિટે ૬૩૦ના બેસ્ટ લેવલે બંધ રહ્યો છે. વૉલ્યુમ પાંચ શૅરનું હતું. ભાવ વર્ષ પૂર્વે બીજી એપ્રિલે ૧૫ના તળિયે હતો.


ONGCમાં જેફરીઝ દ્વારા સામાન્ય સંજોગોમાં ૩૭૫ અને બુલરનમાં ૪૩૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ અપાયું છે. શૅર ઉપરમાં ૨૫૧ થઈ એક ટકો વધીને ૨૫૦ બંધ રહ્યો છે. પાંચ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૨૮૧ જેવી છે. છેલ્લે બોનસ ઑક્ટોબર ૨૦૧૬માં આવ્યું હતું. હિન્દુસ્તાન પેટ્રો, ભારત પેટ્રો, ઇન્ડિયન ઑઇલ, ઑઇલ ઇન્ડિયા જેવી તમામ સરકારી તેલ કંપનીઓમાં બોનસ આવી ગયું છે. હવે ONGCનો વારો છે. સ્વિગીને આવકવેરા ખાતાની ૧૫૮ કરોડની ડિમાન્ડ નોટિસ અપાઈ છે, કંપની એની સામે લડી લેવાની છે. શૅર ઉપરમાં ૩૫૧ થઈ ચાર ટકા વધી ૩૪૫ બંધ હતો. ઝોમાટોએ ફૂડ ડિલિવરી બિઝનેસમાં સ્લો ડાઉનને લઈ ૬૦૦ જેટલા કૉન્ટ્રૅક્ટ વર્કર્સને છુટા કરવાનું નક્કી કર્યું છે. શૅર પાંચેક ટકા ઊછળી ૨૧૨ રહ્યો છે. વાડીલાલ એન્ટર ૧૧,૫૫૦ની ઑલટાઇમ હાઈ બનાવી સાડાપાંચ ટકા કે ૬૦૬ રૂપિયાની મજબૂતીમાં ૧૧,૪૦૦ થયો છે. ૩૧ મેએ ભાવ ૩૨૦૧ના તળિયે હતો. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૫૮૬ છે. બોનસનું ખાનું ખાલી છે. પ્રમોટર્સ પાસે ૫૧.૩ ટકા માલ છે. ૯૯૯ કરોડની આવક ઉપર ગત વર્ષે ફક્ત ૭ કરોડ નફો બતાવ્યો છે.   

ગોલ્ડમૅન સાક્સના બુલિશ વ્યુ પાછળ તાતા કન્ઝ્યુમર ઊછળ્યો 

ગોલ્ડમૅન સાક્સ તરફથી તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં ૧૨૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૧૦૭૩ વટાવી સાત ટકાની તજીમાં ૧૦૬૩ બંધ આપી નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. એકના શૅરની બુકવૅલ્યુ ૧૯૩ છે. છેલ્લે બોનસ ઑક્ટોબર ૧૯૯૪માં આવ્યું હતું. સેન્સેક્સ ખાતે ઝોમાટો પોણાપાંચ ટકાના ઉછાળે ૨૧૧ ઉપર બંધ આપી મોખરે હતો. ટાઇટન ૨૯૭૩ની ૨૦ મહિનાની બૉટમ બતાવી તગડા બાઉન્સબૅકમાં ૩૧૦૪ થઈ પોણાચાર ટકા ઊચકાઈ ૩૦૯૮ બંધ રહ્યો છે. ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૯ ટકા, ટેક મહિન્દ્ર બે ટકા, મારુતિ બે ટકા નજીક, અદાણી પોર્ટ્સ પોણાબે ટકા, ભારતી ઍરટેલ પોણાબે ટકા, અપોલો હૉસ્પિટલ્સ અને અદાણી એન્ટર દોઢ-દોઢ ટકો પ્લસ હતા. રિલાયન્સ ૧૨૫૨ના આગલા લેવલે યથાવત્ હતો. આગલા દિવસે સાડાત્રણ ટકા નજીકના ધોવાણ સાથે બજારને ૪૦૦ પૉઇન્ટ નડેલી HDFC બૅન્ક ગઈ કાલે પોણાબે ટકાના સુધારે ૧૭૯૮ બંધ આપી બજારને સર્વાધિક ૨૦૨ પૉઇન્ટ ફળ્યો છે. ICICI બૅન્ક એક ટકો વધતાં એમાં બીજા ૮૦ પૉઇન્ટનો ઉમેરો થયો હતો.

નવા ઑર્ડરનું ગાઇડન્સિસ પાર ન પડતાં ભારત ઇલેક્ટ્રૉનિક્સ નીચામાં ૨૭૪ થઈ સવાત્રણ ટકાની ખરાબીમાં ૨૮૨ બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યો છે. તો બોફા દ્વારા ડાઉન રેટિંગમાં નેસ્લે નીચામાં ૨૧૫૦ થઈ સવા ટકાથી વધુની નરમાઈમાં ૨૨૦૨ નજીકના બંધમાં સેન્સેક્સ ખાતે વર્સ્ટ પર્ફોર્મર હતો. અન્યમાં અલ્ટ્રાટેક એક ટકો, પાવરગ્રીડ પોણો ટકો, લાર્સન અડધો ટકો, બજાજ ફીનસર્વ પોણા ટકા નજીક નરમ હતા.

કલ્યાણ જ્વેલર્સ ૬ ગણા કામકાજે પોણાબાર ટકા ઝળકી ૫૧૨ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. જેમ જ્વેલરી સેક્ટરના ૫૪માંથી ૪૯ શૅર ગઈ કાલે વધ્યા હતા. ડીબી રિયલ્ટી પોણાબાર ટકા નજીક તથા વીમાર્ટ સાડાદસ ટકા ઊછળી હતી. સેન્ટ્રલ બૅન્ક ૧૧ ટકા જેવા ધબડકામાં ૩૭ નીચે બંધ આપી ઐતિહાસિક નીચી સપાટીએ ગઈ છે. આ સિવાય આઇઓબી, પંજાબ સિંઘ બૅન્ક અને યુકો બૅન્કમાં પણ ગઈ કાલે નવા નીચા ભાવ દેખાયા છે. એસ્ટ્રાઝેનેકા પાંચેક ટકા કે ૪૧૪ રૂપિયા ગગડ્યો હતો. હેસ્ટર બાયો તગડા કામકાજે ૨૦ ટકા કે ૨૯૮ રૂપિયાની તેજીમાં ૧૭૮૯ વટાવી ગયો છે.  

હૅપીએસ્ટ માઇન્ડ અને બિરલા સૉફ્ટ નવા બૉટમ બાદ વધીને બંધ

માર્ચ ક્વૉર્ટરનાં પરિણામની સીઝન ૧૦મીથી ટીસીએસના રિઝલ્ટ સાથે શરૂ થવાની છે ત્યારે જેપી મૉર્ગન તરફથી એકંદર સાધારણથી નબળાં પરિણામની ધારણા સાથે ભારતીય આઇટી સેક્ટર માટે રિવાઇઝ્ડ આઉટલુક જારી થયો છે. એમાં ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, લાટિમ, એમ્ફાસિસ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, HCL ટેક્નૉલૉજીઝ, કોફોર્જ, તાતા ઍલેક્સી, તાતા ટેક્નૉલૉજીઝ, KPIT ટેક્નૉલૉજીઝ જેવી સંખ્યાબંધ અગ્રણી કંપનીઓની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડવામાં આવી છે. આઇટી બેન્ચમાર્ક ગઈ કાલે એક ટકા નજીક કે ૩૨૭ પૉઇન્ટ વધી બંધ થયો છે. એના ૬૦માંથી ૪૪ શૅર પ્લસ હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી બે દિવસની નબળાઈ બાદ દોઢ ટકો વધી ૧૫૫૦ હતો. ટીસીએસ સરેરાશ કરતાં ૪૦ ટકા વૉલ્યુમે નજીવો ઘટી ૩૫૪૫ રહ્યો છે. ટેક મહિન્દ્ર બે ટકા, તાતા ઍલેક્સી ૩.૨ ટકા, માસ્ટેક ૩.૬ ટકા, લાર્સન ટેક્નૉ સવા ટકો, પર્સિસ્ટન્ટ સવાબે ટકા, ઑરેકલ સવાબે ટકા, એમ્ફાસિસ સવા ટકો પ્લસ હતા. ઇન્ફીબીમ, રામકો સિસ્ટમ્સ, વકરાંગી, કેસોલ્વ્સ ઝેનસાર સુધારામાં મોખરે હતા. HCL ટેક્નૉલૉજીઝ નહીંવત્ તો વિપ્રો સાધારણ વધ્યો છે. ટેલિકૉમ બેન્ચમાર્ક આગલા દિવસના સુધારા બાદ ગઈ કાલે સવા ટકો વધ્યો હતો. આગલા દિવસના ૧૯ ટકાના ઉછાળા પછી વોડાફોન દોઢ ટકા વધી ૮.૨૩ રહ્યો છે. સુયોગ ટેલિમેટિક્સ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૮૮૨ વટાવી ત્યાં જ બંધ હતો. ઇન્ડ્સ ટાવર સવાબે ટકા, રેલટેલ પોણાબે ટકા, તેજસનેટ દોઢ ટકા તથા ભારતી ઍરટેલ ૧.૮ ટકા અપ હતા.

આઇટી તથા ટેલિકૉમની હૂંફ વચ્ચે ટેક્નૉલૉજીઝ ઇન્ડેક્સ પણ સવા ટકો વધ્યો છે. પૉલિસી બાઝાર ૪.૩ ટકા ઊચકાઈ ૧૫૭૯ થયો છે. ભારતી હેક્સાકોમ ૧.૮ ટકા નરમ હતો. દરમ્યાન ક્વેસકૉર્પના ડીમર્જર માટે ૧૫ એપ્રિલની રેકોર્ડ ડેટ ઠરાવાઈ છે જેમાં ક્વેસકૉર્પના શૅરધારકોને પ્રત્યેક એક શૅરદીઠ નવી કંપની ડીજીટાઇડ સૉલ્યુશન્સનો એક શૅર અપાશે. ક્વેસકૉર્પ ગઈ કાલે ઉપરમાં ૭૦૭ વટાવી છેવટે ૪ ટકાની આગેકૂચમાં ૬૮૬ બંધ થયો છે. ભાવ વર્ષ પૂર્વે ૫૨૦ હતો. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૪માં ૮૭૫નું બેસ્ટ લેવલ બન્યું હતું. હૅપીએસ્ટ માઇન્ડ ૫૮૭ના વર્ષના તળિયે જઈ અઢી ટકા સુધરી ૬૦૭ રહ્યો છે. બિરલા સૉફ્ટ પણ ૩૮૧ની ઐતિહાસિક નીચી સપાટી બનાવી એક ટકો સુધરી ૩૯૨ હતો.

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2025 07:24 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK