Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બૉટમની ચિંતાવાળું બજાર હવે નવા વર્ષે નવી ટોચની પ્રતીક્ષામાં આવી ગયું

બૉટમની ચિંતાવાળું બજાર હવે નવા વર્ષે નવી ટોચની પ્રતીક્ષામાં આવી ગયું

Published : 16 November, 2026 10:48 AM | IST | Mumbai
Jayesh Chitalia

તેજી-મંદી તો આવ-જા કરે, બન્નેમાં સફળ રહેવા રોકાણકારોએ શું કરવું જોઈએ?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિવાળી પૂરી અને નવું સંવત વર્ષ શરૂ. બજારે વળાંક લઈ લીધો છે. બૉટમની શોધમાં ગૂંચવાયેલું રહેતું બજાર હવે નવી ટોચની આશાના મિનારા બાંધી રહ્યું છે. ગ્લોબલ સંજોગો બદલાઈ રહ્યા છે, પણ પડકારો પૂરા થઈ ગયા કે અનિશ્ચિતતા સાવ પૂરી થઈ ગઈ એવું માની શકાય નહીં. જોકે આપણી માટે તેજી-મંદીના સંજોગો અને કારણો શું શીખવતા રહે છે એ સમજવું મહત્ત્વનું છે, નવા વર્ષનો આરંભ આવી સમજને વધુ પરિપક્વ બનાવવા સાથે કરીએ

વીતેલા વર્ષમાં આપણે સતત ગ્લોબલ અનિશ્ચિતતા અને ક્રાઇસિસ જોઈ; યુદ્ધો અને એના તનાવો જોયાં; એની અસરોરૂપે સર્જાતી ક્રૂડ, કરન્સીની સમસ્યાઓ જોઈ; ફૉરેન ઇન્વેસ્ટર્સના આક્રમક અને એકધારા વેચાણના દબાણનો પણ સામનો કર્યો; ઊંચા મોંઘવારી દરને અને વ્યાજદરને જોયા; યુએસ દ્વારા ઊભા કરાયેલા ટૅરિફ અને વિવિધ દબાણના પડકારો જોયા; યુરોપની તકલીફો જોઈ; શૅરબજારના મહત્તમ કડાકા અને મૂડીધોવાણ જોયાં, ફીલ કર્યાં, સહન પણ કર્યાં. સ્ટૉક માર્કેટે IPOની સરસમજાની વણજાર જોઈ અને એની સફળતા પણ જોઈ. અર્થાત્ મૂડીસર્જન પણ જોયું. બજારે મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણપ્રવાહ સાથે રીટેલ રોકાણકારોના લાંબા ગાળાના વિશ્વાસ અને નિયમિત રોકાણપ્રવાહને પણ જોયા. આમ એકંદરે બજાર છેલ્લે-છેલ્લે પૉઝિટિવ રહ્યું, જે એની ક્ષમતા અને મજબૂતી દર્શાવે છે. અલબત્ત, હજી પણ આપણે નેગેટિવ માહોલમાંથી બહાર આવી ગયા નથી, તેમ છતાં જેઓ લાંબા ગાળા માટે રોકાણ કરી રહ્યા છે તેમણે ચિંતા કરવાની રહેતી નથી, ખાસ કરીને પાંચ કે ૧૦ વર્ષ માટે રોકાણ કરનારા અત્યારે ઉત્તમ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હોવાનું કહી શકાય. આ બધા પડકારોમાંથી પસાર થયા બાદ દિવાળીના છેલ્લા સપ્તાહમાં ગજબનાક વળાંક જોયો. યુએસ મિડ-ટર્મ ઇલેક્શનના પરિણામમાં ટ્રમ્પની હાર બાદ સમીકરણો એવાં બદલાયાં અને શૅરબજારની રિકવરીની ગતિ એટલી હદે ઝડપી બની કે મંદીના મરસિયા તેજીના રાસમાં ફેરવાઈ ગયા. અગાઉ બૉટમ ક્યાં બનશે એવી ચર્ચામાં રહેતું બજાર હવે નવી ટોચ ક્યારે અને કઈ બનશે એની આશાના ઉત્સાહમાં આવી ગયું. આ છે શૅરબજાર અને આ છે એના ટ્રેન્ડની અનિશ્ચિતતા. બાય ધ વે, અનેક વાર બજારને પણ ખબર હોતી નથી કે એની સાથે ક્યારે શું થશે? 



શૅરબજારમાં તહેવારરૂપી દિવાળી ભલે વર્ષમાં એક વાર આવતી હોય, પરંતુ તેજીરૂપી દિવાળી આવ-જા કરતી રહે છે. મોટી તેજી તો દિવાળી અને મોટી મંદી તો હોળી. બાય ધ વે, આ તો ચાલતું રહે; ભારતમાં જ નહીં, વિશ્વભરમાં ચાલતું રહે. આપણે આમાંથી શું શીખીએ છીએ અને એ શીખીને આગળ કેટલા અને કઈ રીતે વધીએ છીએ એ મહત્ત્વનું છે. અલબત્ત સમજીને રોકાણ કરે, એને જાળવી રાખે, યોગ્ય સમયે ખરીદી અને યોગ્ય સમયે વેચાણ કરી નફો બુક કરે તેના માટે બારેમાસ દિવાળી અને ઉજાસ જ ગણાય.


સફળ રોકાણકરની ઓળખ

આ જેટલું લખવું-સાંભળવું-બોલવું સરળ છે એટલું અમલમાં મૂકવું અઘરું છે, પણ એક વાર આ વિશેની જાગૃતિ આવી જાય તો રોકાણની સફળતાની સંભાવના મજબૂત બની જાય છે. નિષ્ફળતાની શક્યતા દૂર-દૂર થઈ જાય છે. તાજેતરમાં રોકાણકારોના શિક્ષણ-જાગૃતિના ઉદ્દેશ સાથે નૅશનલ સિક્યૉરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા એક સરસ-સરળ સમજૂતી બહાર પાડવામાં આવી હતી, જેનો સંદર્ભ લઈને વાત કરીએ. ભારતીય મૂડીબજાર અભૂતપૂર્વ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. લાખો નવા રોકાણકારો નાણાકીય ઇકોસિસ્ટમમાં પ્રવેશ કરતા જાય છે, ટેક્નૉલૉજીએ રોકાણની તકો ઝડપવાની સ્વતંત્રતા અને સમાનતા બક્ષી છે તેથી નાણાકીય પ્રોડક્ટ્સ પહેલાં કરતાં વધુ સુલભ બની રહી છે. આવી સ્થિતિમાં ઍક્સેસનો અર્થાત્ લોકોની પહોંચનો વિસ્તાર થયો છે ત્યારે આત્મવિશ્વાસ સાથે અનિશ્ચિતતામાંથી સફળતાપૂર્વક માર્ગ કાઢવાની ક્ષમતા એ સફળ રોકાણકારની સાચી ઓળખ છે.


રોકાણનાં લક્ષ્યો સામે અવરોધોનું શું કરવું?

જ્યારે બજારો આશાવાદ અને અનિશ્ચિતતાના ચક્રમાંથી પસાર થાય છે ત્યારના સમયમાં રોકાણકારનું બહેતર જાણકાર (વેલ-ઇન્ફૉર્મ્ડ), શિસ્તબદ્ધ અને ધ્યાનકેન્દ્રિત રહેવું મહત્ત્વનું બની જાય છે. દરેક રોકાણકાર મહેનતથી કમાયેલી બચત વધારવાનું સપનું જુએ છે, પરંતુ લાંબા ગાળાની સંપત્તિનું સર્જન સાવ સીધો રસ્તો નથી. આ માર્ગે તેજી-મંદી એટલે કે રિકવરી અને કરેક્શનના સમયગાળા આવતા રહે છે. વૉલેટિલિટી પણ આવતી રહે છે, જેમાં કામચલાઉ અવરોધો પણ આવતા રહે છે. રોકાણકારોનાં લક્ષ્યોમાં એ અવરોધો બનતા નથી યા બનવા જોઈએ નહીં, બલકે એ પ્રવાસનો એક કુદરતી ભાગ હોય છે અથવા બનવા જોઈએ. રોકાણની તુલના પર્વત પર ચડવા સાથે કરી શકાય. ક્યારેક પર્વત ચડતી પગદંડી ફરીથી ચડતાં પહેલાં નીચે ઊતરે છે, એ કામચલાઉ નીચે આવવાથી તમને શિખરથી વધુ દૂર લઈ જતી નથી. એ ફક્ત માર્ગનો એક ભાગ જ છે. જે રોકાણકારો મજબૂત નાણાકીય સિદ્ધાંતો, સમજદાર જોખમ-વ્યવસ્થાપન અને જાણકારીપૂર્વકના નિર્ણય લેવામાં અડગ રહે છે તેઓ તેમના લાંબા ગાળાના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં સફળ રહે છે.

 રોકાણકારોનું શિક્ષણ એ ફક્ત જાગૃતિ લાવવાની પ્રવૃત્તિ નથી; એ તો બજારની ઇકોસિસ્ટમનો આવશ્યક આધારસ્તંભ છે. જાણકાર-સ્માર્ટ રોકાણકાર છેતરપિંડી, અટકળો અને ખોટી માહિતી પ્રત્યે ઓછો સંવેદનશીલ હોય છે, અને વિચારશીલ નાણાકીય નિર્ણયો લેવામાં વધુ સક્ષમ હોય છે. જ્યારે રોકાણકારોને જ્ઞાનથી સજ્જ કરવામાં આવે છે ત્યારે પોતે તો મજબૂત બને જ છે અને સાથે-સાથે બજાર પણ મજબૂત બને છે અને નાણાકીય વ્યવસ્થામાં વિશ્વાસ વધુ દઢ બને છે.

વર્ષ દરમ્યાનની ધમાલ અને બબાલ

આ વીતેલા વર્ષે છેલ્લા કેટલાક દિવસોમાં જે ધમાલ અને બબાલ જોવા મળી એમાં સોના-ચાંદીના ભાવોમાં કડાકા-ક્રૅશ જોવાયા. AI બબલની ચર્ચા બહુ થઈ, પણ બબલ ફૂટ્યું કે નહીં એ હજી સ્પષ્ટ ન કહી શકાય. જોકે AIને કારણે ટેક સ્ટૉક્સ જબરદસ્ત તૂટ્યા ખરા, જેમાં પૅનિક પણ થયું. ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ (બાઇનૅન્સ)માં અસાધારણ જંગી રકમનું સ્કૅમ થયું. એમ તો યુદ્ધના માહોલની અસરે બજારના નીચા લેવલે બહુ બધાને નિરાશ કર્યા અને જબ્બર મૂડીધોવાણ પણ કરાવ્યું. જોકે દિવાળીની આસપાસ બજારે નિરાશાને આશામાં ફેરવતો ટ્રેન્ડ હાંસલ કર્યો એ અલગ વાત છે.

રિફૉર્મ્સની પ્રોસેસ ચાલુ રહેશે

સેબીએ અને રિઝર્વ બૅન્ક જેવાં નિયમનતંત્રોએ ભારતીય માર્કેટ અને ઇકૉનૉમીમાં વિશ્વાસ વધારવા ઘણી બાબતોમાં નિયમો હળવા-સરળ, વધુ પારદર્શક બનાવ્યા. ખાસ કરીને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ વર્ગને ધ્યાનમાં રાખીને તેમનું મૂડીરોકાણ ભારતમાં આકર્ષવાનાં પગલાં જાહેર કર્યાં. આ વર્ષે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે પણ વિશ્વાસ અને રોકાણપ્રવાહના નવા રેકૉર્ડ બનાવ્યા. SME (સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસઝસ) કંપનીઓએ એક્સચેન્જ પર પ્રવેશનો અને લિસ્ટિંગનો નવો રેકૉર્ડ સ્થાપ્યો. રીટેલ રોકાણકારોએ વધુ પરિપક્વતા હાંસલ કરી. અને હા, સૌથી રસપ્રદ બાબતમાં IPOની માર્કેટે નવા બેન્ચમાર્ક સ્થાપ્યા. NSEના ઑફર ફૉર સેલ મારફત લિસ્ટિંગની ઘટના આકાર પામી. જિયો પ્લૅટફૉર્મ્સ (રિલાયન્સ)ના IPOએ એકસાથે અનેક વિક્રમ કર્યા. સેબીએ રોકાણકારો માટે સરળતા વધારી અને વિશ્વાસ વધે એ માટે ઘણાં પગલાં જાહેર કર્યાં અને અમુક અમલમાં પણ મૂક્યાં. જોકે હજી ઘણું કરવાનું બાકી છે, જે આગામી સમયમાં થશે એવી આશા ચોક્કસ રાખી શકાય, કારણ કે રિફૉર્મ્સની પ્રોસેસ ચાલુ છે અને ચાલુ રહેશે.

હવે પછીના ટ્રેન્ડનાં સંભવિત પરિબળો

દરમ્યાન વીતેલા સપ્તાહના ટ્રેન્ડ પર નજર કરીએ તો ગયા રવિવારે મુહૂર્તના ટ્રેડિંગમાં માર્કેટ સાધારણ માઇનસ રહ્યું, જેમાં નવાઈ જેવું નહોતું. સોમવારે ફરી માર્કેટ રિકવર થયું. મંગળવારે બજાર નવા વર્ષ નિમિત્તે બંધ રહ્યા બાદ બુધવારે પાછો ઉછાળો દર્શાવીને ગુરુવારે સાધારણ સુધારો જાળવ્યો અને શુક્રવારે બજારે કરેક્શન સ્વીકારવું પડ્યું. હાલ સૌથી મોટી ચિંતાનો વિષય ઇન્ફ્લેશન (મોંઘવારી) બન્યો છે, જેને કારણે આગામી મહિનામાં રિઝર્વ બૅન્ક વ્યાજદર વધારે એવી શક્યતા વધી છે. ફૉરેન ઇન્વેસ્ટર્સની નેટ ખરીદી બજારને બૂસ્ટ કરી રહી છે. સોના-ચાંદીના તૂટેલા ભાવ લોકોને ઇક્વિટીઝ તરફ વાળવામાં નિમિત્ત બની રહ્યા છે. સેન્સેક્સ ૮૧,૫૦૦ ઉપર અને નિફ્ટી ૨૫,૧૦૦ ઉપર બંધ રહ્યા છે. ટૂંકા ગાળામાં ગ્લોબલ અસરો કામ કરશે, બીજી બાજુ હવે પછી રિઝર્વ બૅન્ક અને ત્યાર બાદ બજેટ પર નજર રહેશે. દરમ્યાન વૈશ્વિક રોકાણકાર કંપની-સંસ્થા જેફરીઝે બદલાયેલા માહોલમાં ભારતીય માર્કેટ માટેનું એનું ઇન્વેસ્ટમેન્ટ અલોકેશન વધારવાનું નક્કી કર્યું છે, જયારે કે AI બબલના માહોલમાં તાઇવાન અને કોરિયાનું અલોકેશન ઘટાડ્યું હતું. ભારતીય રોકાણકારો માટે હવે પછી દરેક મોટું કરેક્શન ખરીદીની તક ગણી શકાય, પણ લાંબા ગાળાની જ ગણવી. જો દિવાળી દરમ્યાન અચાનક આવેલા વળાંક પહેલાંના નીચા બજારમાં તક ચૂકી ગયા હો તો હવેના કરેક્શનમાં ખરીદી કરવાનો મોકો છોડાય નહીં. બટ, બી સ્માર્ટ ઍન્ડ સિલેક્ટિવ...

ટ્રમ્પને કારણે બગડેલું બજાર તેને કારણે જ સુધર્યું
ટ્રમ્પને કારણે અર્થતંત્ર અને બજારો બગડ્યાં હતાં એ જ ટ્રમ્પને કારણે આ બન્નેમાં સુધારા શરૂ થયા. એક ટ્રમ્પ યુદ્ધ અને તનાવ ઊભા કરવાનું પરિબળ બન્યા હતા અને એને પોતાની જીત-સત્તા માનતા હતા, બીજા ટ્રમ્પ મિડ-ટર્મ ઇલેક્શનમાં હારી જવાથી યુદ્ધ અને તનાવથી મુક્ત થવાનું પરિબળ બન્યા. આ સત્યનો સંદેશ એ જ છે કે યુદ્ધ અને શાંતિ વચ્ચે જે ફરક છે એને સમજવો જોઈએ. યુદ્ધ વિનાશ છે અને શાંતિ સર્જન છે.

Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 10:48 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK