વાલ્મીકિ રામાયણ; તુલસીદાસજીનું રામચરિતમાનસ; અદ્ભુત, અધ્યાત્મ, આનંદ, યોગવાસિષ્ઠ, જૈન, બૌદ્ધ રામાયણ જેવાં રામાયણનાં ૩૦૦થી વધુ સંસ્કરણો છે
પ્રતીકાત્મક તસવીર
એક જ કથા પણ પાત્રોના સ્વભાવ, ઘટનાક્રમ અને અંતમાં ચોંકાવનારા તફાવત છે; જેમ કે સૌથી મહત્ત્વના અને મુખ્ય ગણાતા આદિ કાવ્ય વાલ્મીકિ રામાયણ મુજબ લક્ષ્મણે સીતાજી માટે લક્ષ્મણરેખા જેવું કંઈ બનાવ્યું જ નહોતું, શબરીએ ભગવાન રામને એંઠાં બોર ખવડાવ્યાં જ નહોતાં, રામના નામે પથ્થર તર્યા જ નહોતા, રામસેતુ માટે ખિસકોલીના યોગદાનની વાત જ નથી. આવા તો કેટલાય પ્રસંગો છે. આજે જ્યારે ‘રામાયણ’ ફિલ્મમાં રાવણનું ફેમિનિઝમ કે સીતાજીની તલવારબાજીના સીનની ઑથેન્ટિસિટી પર વિવાદ શરૂ થયો છે ત્યારે પોતાનું અડધું જીવન રામાયણને સમર્પિત કરનારા અને રામાયણને દુનિયાનો એકમાત્ર ડેમોક્રૅટિક ગ્રંથ ગણાવતા ડૉ. વિજય પંડ્યા પાસેથી રામાયણનાં વિવિધ વર્ઝન પાછળ રહેલું સત્ય જાણીએ
ભારતમાં કુલ કેટલી રામાયણ છે?
ADVERTISEMENT
ભારતીય સાહિત્ય અને લોકસાહિત્યના જગતમાં પ્રોફેસર, અગ્રણી ભાષાશાસ્ત્રી, કવિ અને લોકવાર્તાકાર તરીકે આગવું સ્થાન ધરાવતા એ. કે. રામાનુજનના ખૂબ જ પ્રચલિત એવા ‘Three Hundred Ramayanas : Five Examples and Three Thoughts on Translation’ ટાઇટલ હેઠળ લખાયેલા સૌથી પ્રભાવશાળી અને ચર્ચાસ્પદ નિબંધની શરૂઆત જ આ ચોંકાવનારા સવાલથી થાય છે : ‘ભારતમાં કુલ કેટલી રામાયણ છે?’ રામાનુજન લખે છે કે રામકથા દરેક પ્રદેશ અને સંસ્કૃતિમાં બદલાય છે. તેમના મતે આ કોઈ એક વાર્તાનો અનુવાદ નથી; તામિલ, બંગાળી, કન્નડા, થાઈ, પ્રાકૃત વગેરે જેવી જુદી-જુદી ભાષાઓમાં અને જુદી-જુદી વૈચારિક પરંપરાઓમાં સ્વતંત્ર રીતે રચાયેલી મહાકથાઓ છે. એક જ રામ, સીતા કે રાવણ જુદી-જુદી પરંપરાઓમાં તદ્દન અલગ ભૂમિકાઓ ભજવે છે. ક્યાંક રામ સર્વોચ્ચ ઈશ્વર છે, તો ક્યાંક તેઓ માનવીય મર્યાદાઓથી ઘેરાયેલા પાત્ર છે. જોકે બૌદ્ધિક રીતે પ્રશંસનીય બનેલા આ નિબંધની ટીકા પણ પારાવાર થઈ. ૧૯૯૪માં દિલ્હી યુનિવર્સિટીએ આ નિબંધને એના ઇતિહાસના અભ્યાસક્રમમાં સામેલ કર્યો, પણ ભારે વિવાદ અને દબાણના કારણે ૨૦૧૧માં અભ્યાસક્રમમાંથી હટાવી પણ લીધો હતો.
‘રામાયણ’ ફિલ્મમાં દેખાડેલા કેટલાક સીનના વિરોધને પગલે આજે ફરી રામાયણની ચર્ચા નીકળી છે. રાવણ આમ ‘રામાયણ’નો વિલન છે; પણ તેની ફિલ્મમાં દેખાડાયેલી હીરો જેવી એન્ટ્રી, સીતાજીનું રાક્ષસો સાથે તલવારયુદ્ધ કે રાવણનું ફેમિનિઝમ - આ બધું જ વિવાદ અને પ્રશ્નોના ઘેરામાં છે. એ વાત કોઈ નકારી નહીં શકે કે ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાની સંસ્કૃતિમાં રામાયણ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, જીવન જીવવાની કલા છે. દરેક પ્રદેશ, ભાષા અને ધર્મ પ્રમાણે રામકથાનાં રંગ અને રૂપ બદલાયાં છે. સદીઓથી રામકથાએ ભારતીય સમાજને જોડવાનું, નૈતિક મૂલ્યો શીખવવાનું અને પારિવારિક તેમ જ સામાજિક સંબંધોની મર્યાદાઓ સમજાવવાનું કામ કર્યું છે. જોકે એ જ રામકથા કહેતા રામાયણનાં ૩૦૦થી વધુ સંસ્કરણો હોવાનું મનાય છે. આજે જાણીએ કે રામાયણનાં વિવિધ સંસ્કરણોમાંથી મુખ્ય કયું અને એમાંથી સાચું કોને માનવું? ‘રામાયણ’ ફિલ્મમાં દેખાડેલા પ્રસંગોમાં કેવા તાર્કિક લૅપ્સ છે? રામાયણનાં પ્રમુખ સંસ્કરણોમાં શું ખાસ છે એ વિષય પર સંસ્કૃતના પ્રખર વિદ્વાન લેક્ચરર, રીડર, પ્રોફેસર તેમ જ સંસ્કૃત વિષયનાં ૬૫થી વધુ પુસ્તકો લખનારા ડૉ. વિજય પંડ્યા સાથે વાત કરીએ. તેમની સૌથી ઐતિહાસિક અને વિક્રમજનક સિદ્ધિ એટલે વાલ્મીકિ રામાયણની વડોદરાની સમીક્ષિત આવૃત્તિના સાત કાણ્ડના ૧૮,૭૬૬ શ્ળોકોનો એકલે હાથે કરેલો ગુજરાતી અનુવાદ. વિશ્વમાં અંગ્રેજી સિવાય માત્ર ગુજરાતીમાં જ આ અનુવાદ થયો છે, જેમાં વિજયભાઈની બાવીસ વર્ષની મહેનત જોડાયેલી છે. સાત કાણ્ડમાંથી બાલકાણ્ડ, અયોધ્યાકાણ્ડ, અરણ્યકાણ્ડ, સુન્દરકાણ્ડ અને કિષ્કિન્ધાકાણ્ડ પ્રકાશિત થઈ ચૂક્યા છે તથા યુદ્ધ અને ઉત્તર કાણ્ડ પ્રેસમાં છે. તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો ૨૦૨૨નો અનુવાદ અવૉર્ડ, શીલચંદ્રવિજય મહારાજસાહેબની સંસ્થા તરફથી હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક, પૂ. મોરારિબાપુની પ્રેરણાથી ‘વાલ્મીકિ અવૉર્ડ’, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવતનું સન્માનપત્ર તેમ જ મુંબઈ યુનિવર્સિટી દ્વારા વિશેષ સન્માન પ્રાપ્ત થયાં છે, ઉપરાંત તેમણે યુનાઇટેડ નેશન્સ ઑર્ગેનાઇઝેશન (UNO) દ્વારા વાલ્મીકિ રામાયણને માનવજાતના વારસા તરીકે માન્યતા મળે એ માટે ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર ધી આર્ટ્સ (દિલ્હી) આયોજિત સત્રમાં શોધપત્ર પણ રજૂ કર્યું છે. આ સાથે જ રાષ્ટ્રપતિ અવૉર્ડ, ગુજરાત રાજ્યનો સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર, કાશીની મહામહોપાધ્યાય ઉપાધિ જેવાં અનેક સર્વોચ્ચ સન્માનો મેળવ્યાં છે.
શું કામ ખાસ?
રામાયણનાં ઢગલાબંધ સંસ્કરણો એ જ એની વિશેષતા છે એમ જણાવીને વિજયભાઈ કહે છે, ‘રામાયણને હું દુનિયાનો સર્વશ્રેષ્ઠ લોકશાહી ગ્રંથ ગણાવું છું. યસ, ઇટ ઇઝ મોસ્ટ લવ્ડ ડેમોક્રૅટિક સ્ટોરી. જેને જે ફાવ્યું તેણે તે ઉમેર્યું. દરેક સ્થાન, ભાષા અને માન્યતા સાથે રામાયણના પ્રસંગો, એનું વિશ્ળેષણ બદલાયું છે; પરંતુ એ પછીયે એનું મુખ્ય માળખુ એનું એ રહ્યું. ઈશ્વાકુ કુળ, દશરથની ત્રણ પત્નીઓ, રામનો વનવાસ, સીતાજીનું હરણ, હનુમાનજીનું લંકાદહન, રામ અને રાવણનું યુદ્ધ અને યુદ્ધમાં રાવણની હાર. આ જે સ્ટોરીની મુખ્ય ધારા છે એ લગભગ બધી જ રામાયણમાં સમાન છે. તો બદલાય છે શું? બદલાય છે પાત્રોની પર્સનાલિટી. જેમ કે રામાયણનો સૌથી પ્રાચીન ગ્રંથ એટલે વાલ્મીકિ રામાયણ, જેનો ઈસવી સન પૂર્વે ૮૦૦ વર્ષ પહેલાં ઉદ્ભવ થયો હોવાનું મનાય છે. વાલ્મીકિ રામાયણમાં રામ એક સામાન્ય રાજા છે, પતિ છે, પુત્ર છે અને માનવસહજ ભૂલો કરનારા છે; તેઓ રડે છે, મદદ માગે છે, વિલાપ કરે છે. બીજી બાજુ તુલસીદાસજીની સૌથી વધુ લોકભોગ્ય બનેલી રામાયણ એટલે કે રામચરિતમાનસમાં રામ એ ભગવાન અને પરમ બ્રહ્મ જ છે. એટલે તેમની દરેક ઍક્શનમાં દૈવત્વ અને ઈશ્વર તત્ત્વ ઝળકતું દેખાશે. વાલ્મીકિ રામાયણમાં રાવણ સાથે યુદ્ધ જીત્યા પછી પ્રજાને સીતાના ચરિત્ર પર શંકા છે એટલે રામ સીતાને ત્યાગી દે છે, જ્યારે ધોબીની વાતવાળો પ્રસંગ તુલસીદાસજીની રામાયણનો છે. આ જ ભેદ હનુમાનજીના ચરિત્ર-ચિત્રણમાં પણ દેખાશે. વાલ્મીકિજીની રામાયણમાં હનુમાનજી કનફ્યુઝ્ડ છે. તેઓ પણ ભૂલો કરી બેસે છે; જેમ કે મંદોદરીને પહેલાં ભૂલથી સીતા સમજી બેસે છે, જ્યારે તુલસીદાસજીની રામાયણમાં હનુમાનજી એવા પરમ ભક્ત છે જેમના પર રામજીની અસીમ કૃપાને કારણે ભૂલ થાય જ નહીં અને એથીયે સાવ વિપરીત એટલે થાઇલૅન્ડની રામાયણ રામકિએનમાં હનુમાનજીને બ્રહ્મચારી નથી દર્શાવાયા; નીડર, રસિક અને જેને જીતી ન શકાય એવા યોદ્ધા તરીકે તેમનું ચરિત્રચિત્રણ છે. કેટલાક પ્રસંગોમાં પણ આવું મળશે, જેમ કે વાલ્મીકિ રામાયણમાં લક્ષ્મણરેખાનો પ્રસંગ જ નથી. લક્ષ્મણ સીતાજીને સાવધાન રહેવાનું કહીને નીકળે છે, લક્ષ્મણરેખા નથી દોરતા; પરંતુ મારા સંશોધનમાં મેં જોયું કે આનંદ રામાયણમાં લક્ષ્મણ ધનુષ્યબાણથી રેખા જેવું બનાવીને સીતાજીને એમાં રહેવાનું કહે છે. શબરીએ એંઠાં બોર રામજીને ખવડાવ્યાં હોય એવું વાલ્મીકિ રામાયણમાં નથી, પરંતુ શબરીએ વિવિધ કંદમૂળ અને સારામાં સારાં બોરના ભોજનથી રામજીનું સ્વાગત કર્યું હોય એવું જરૂર છે. બીજો એક પ્રચલિત પ્રસંગ છે જેમાં રાવણના મૃત્યુ સમયે ભગવાન રામ લક્ષ્મણને રાવણ પાસેથી રાજકારણના પાઠ શીખી લેવાનું કહે છે, એ પ્રસંગ પણ ક્યાંય ઓરિજિનલ રામાયણમાં નથી. વાલ્મીકિ રામાયણમાં સીતાજી છેલ્લે પોતાની જાતને નિર્દોષ સાબિત કરતાં ધરતીમાં સમાઈ જાય છે અને પછી રામ ભયંકર વિલાપ કરીને પણ રાજ્યધર્મ નિભાવીને અગિયાર હજાર વર્ષ રાજ કરે છે, જ્યારે તુલસીદાસજીની રામાયણમાં રામરાજ્યની સ્થાપના થાય છે અને બીજી રામાયણમાં અંત આનાથીયે જુદો છે. વાલ્મીકિ રામાયણમાં ચમત્કારો નથી, પરંતુ મૂલ્યો અને સંસ્કારોની વાત છે.’
અહીં બીજી એક વાત જણાવતાં ડૉ. પંડ્યા કહે છે, ‘અત્યારે ગીતા પ્રેસ જેવા પ્રસિદ્ધ પબ્લિકેશનમાં જે વાલ્મીકિ રામાયણ મળે છે એમાં ચોવીસ હજાર શ્ળોક છે, પરંતુ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે સંકળાયેલી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટે આખા દેશ અને નેપાલમાંથી ૨૦૦૦ હસ્તપ્રતો ભેગી કરીને વિદ્વાનોની એક મંડળી બનાવીને એમાં સંશોધન અને સંકલનનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું. કુલ ૬ વિદ્વાનો હતા. જી. એચ ભટ્ટે બાળકાણ્ડનું, અરણ્યકાણ્ડનું પી. સી. દીવાનજીએ, કિષ્કિંધાકાણ્ડનું ડોલરરાય માંકડે, સુંદરકાણ્ડ ગૌરીપ્રસાદ ઝાલાએ, મહારાષ્ટ્રના પી. એલ. વૈદ્યે અયોધ્યા અને યુદ્ધકાણ્ડનું તથા છેલ્લા ઉત્તરકાણ્ડનું સંપાદન ઉમાકાંત પી. શાહે કર્યું હતું. લગભગ વીસ વર્ષની મહેનત પછી તૈયાર થયેલી આ સમીક્ષિત આવૃત્તિમાં કુલ ૧૮,૪૬૬ શ્ળોક છે એટલે કે ચોવીસ હજાર શ્ળોકમાંથી બાકીના શ્ળોક પાછળથી ઉમેરાયેલા મૂળ વાલ્મીકિ રામાયણના ન હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું.’
અહીં ઉલ્લેખનીય છે કે વાલ્મીકિ રામાયણના આ મોસ્ટ ઑથેન્ટિક વર્ઝનનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે અને ભારતીય પ્રાદેશિક ભાષાની વાત કરીએ તો માત્ર ગુજરાતી ભાષામાં એનો અનુવાદ વિજયભાઈએ પોતે કર્યો છે.
ફિલ્મમાં વિરોધાભાસ
‘રામાયણ’ ફિલ્મ વિશે થયેલા કેટલાક વિરોધને સાચો ઠેરવતાં ડૉ વિજય કહે છે, ‘મેં ફિલ્મ જોઈ નથી, પરંતુ ફિલ્મમાં લેવામાં આવેલા રામાયણના પ્રસંગો વિશે વાંચ્યું છે અને જેમણે ફિલ્મ જોઈ છે તેમના મોઢે સાંભળ્યું છે એના આધારે કેટલીક બાબતો તમને અતાર્કિક લાગશે, જેમ કે ફિલ્મમાં સીતાજી તલવારબાજી કરે છે અને રાક્ષસો સાથે લડે છે એવું દર્શાવાયું છે. ફિલ્મનિર્માતાઓ એના માટે તર્ક આપે છે કે તેમણે એ પ્રસંગ અદ્ભુત રામાયણમાંથી લીધો છે જેમાં સીતાજી પરાક્રમી દર્શાવાયાં છે. જોકે વાલ્મીકિ રામાયણમાં માતા સીતાને પવિત્રતા, ત્યાગ, કરુણા અને સમર્પણનાં પ્રતીક તરીકે જોવામાં આવે છે. હવે તમે જ કહો કે ધારો કે સીતામા શસ્ત્ર ચલાવતાં હોય તો રાવણની લંકામાં કે રાક્ષસો સાથેના અન્ય એન્કાઉન્ટરમાં કેમ તેમની એ કલા બહાર ન આવી. દૈત્યો સામે લડી શકતાં સીતાજી રામની રાહ ન જુએને, પોતે કંઈક તો ઍક્શન લે. આ વિરોધાભાસ છે. બીજું, ફિલ્મમાં રાવણને ફેમિનિસ્ટ એટલે કે સ્ત્રીઓનું સન્માન કરનારો દેખાડ્યો છે અને વામપંથી વિચારધારાનો પણ દેખાડ્યો છે, પરંતુ વાલ્મીકિ રામાયણનો ઉત્તરકાણ્ડ જુઓ તો ખબર પડે કે રાવણ કેવો પાપી, અધમ અને સ્ત્રીઓનું અપમાન અને શોષણ કરનારો, તેમની સાથે તમામ પ્રકારની ગેરરીતિ કરનારો હતો. ફિલ્મમાં રાવણના પાત્રને હૉલીવુડની ફૅન્ટસી શૈલીમાં એક અત્યંત શક્તિશાળી અને કૂલ વિલન તરીકે રજૂ કરવો એ તેના વાસ્તવિક ચરિત્રથી દૂર લઈ જવાનું કામ કરતી બાબત લાગે છે. બીજો એક પૉપ્યુલર પ્રસંગ ફિલ્મમાં છે પણ વાલ્મીકિ રામાયણમાં નથી. સીતાજીને જ્યારે રાવણ વિમાનમાં લઈ જઈ રહ્યો છે ત્યારે સીતાજી એક પછી એક પોતાનાં આભૂષણો નીચે નાખે છે જેથી એ મળે તો તેમનું અપહરણ થયું છે એ સમાચાર રામજી સુધી પહોંચી જાય. આ આભૂષણો સુગ્રીવને મળે છે અને જ્યારે સુગ્રીવ એક પછી એક આભૂષણો લક્ષ્મણને દેખાડે છે ત્યારે બધામાં લક્ષ્મણ કહે છે કે મને નથી ખબર. છેલ્લે જ્યારે પગનાં પાયલ દેખાડે છે ત્યારે તે ઓળખી જાય છે કે આ મા સીતાનાં છે, કારણ કે લક્ષ્મણે હંમેશાં ચરણસ્પર્શ કરતી વખતે સીતાનાં ચરણ જ જોયાં હતાં, એ સિવાય ક્યારેય નજર ઊંચી પણ નથી કરી. હવે આ પ્રસંગ વાલ્મીકિ રામાયણમાં ક્યાંય છે જ નહીં.’
જોકે છેલ્લે એટલું કહેવું રહ્યું કે રામાયણનાં સેંકડો સંસ્કરણો અને એમાં સમય સાથે આવેલા ફેરફારો એ કોઈ વિરોધાભાસ નથી. ભારતીય સંસ્કૃતિની અદ્ભુત ઉદારતા, વ્યાપકતા અને સર્જનાત્મક સ્વતંત્રતાનો પુરાવો છે. ભલે એ વાલ્મીકિનું આદિકાવ્ય હોય, તુલસીદાસની ભક્તિ હોય, જૈન-બૌદ્ધ પરંપરાઓ હોય કે આધુનિક સિનેમાના પ્રયોગો હોય; રામકથા દરેક યુગમાં માનવજાતને ધર્મ, ન્યાય અને કર્તવ્યનો માર્ગ ચીંધતી રહી છે. છેલ્લે વિજયભાઈ કહે છે, ‘રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે. ભારતીય સંસ્કૃતિમાંથી જો રામાયણ ખેંચી લો તો શું બાકી રહે?’.
થાઇલૅન્ડના રાષ્ટ્રીય મહાકાવ્ય ‘રામકિએન’ તરીકે ઓળખાતા રામાયણમાં હનુમાનજી બાળબ્રહ્મચારી નથી, પરંતુ તેમનું વ્યક્તિત્વ રંગીન માનવામાં આવ્યું છે. સુવર્ણમત્સ્યા(થાઇલૅન્ડમાં ઉચ્ચારણ થાય ‘સુફન્નામત્છા’) તેમનાં પત્ની છે. ભારતની રામલીલાની જેમ થાઇલૅન્ડમાં ખોન નામનું પરંપરાગત નાટક ભજવાય છે જેમાં હનુમાનજી અને તેમનાં પત્ની સુવર્ણમત્સ્યાના પ્રસંગો ખૂબ જ લોકપ્રિય છે, એની તસવીરી ઝલક જુઓ.
આંતરરાષ્ટ્રીય રામાયણ
ભારત ઉપરાંત થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા, કંબોડિયા, મલેશિયા, લાઓસ, મ્યાનમાર, શ્રીલંકા, નેપાલ, જપાન અને ચીન જેવા પંદરથી વધુ દેશોમાં રામાયણનાં સ્થાનિક રૂપાંતરો પ્રચલિત છે.
થાઇલૅન્ડની રાષ્ટ્રીય કથા ‘રામકિએન’ અને ઇન્ડોનેશિયાની ‘કાકાવિન રામાયણ’ ત્યાંની સંસ્કૃતિમાં વણાયેલી છે. થાઇલૅન્ડની ‘રામકિએન’માં હનુમાન બ્રહ્મચારી નથી; એક અત્યંત આકર્ષક, રમૂજી, રસિક અને વીર યોદ્ધા છે. અંતમાં રામ અને સીતાનું પુનર્મિલન થાય છે.
કેટલીક પ્રચલિત રામાયણની આગવી ખાસિયતો
૧. વાલ્મીકિ રામાયણ
લગભગ ૩૪૦૦ વર્ષ પહેલાં રચાયેલો અને આદિકાવ્ય ગણાતો આ સૌથી પ્રાચીન અને મૂળ ગ્રંથ માનવામાં આવે છે. એમાં ભગવાન રામને એક આદર્શ મનુષ્ય એટલે કે મર્યાદા પુરુષોત્તમ તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જેઓ પોતાનાં કર્મ અને ધર્મથી મહાન બને છે.
૨. રામચરિતમાનસ
૧૬મી સદીમાં ગોસ્વામી તુલસીદાસજી દ્વારા લખાયેલું આ મહાકાવ્ય ભક્તિ આંદોલનનું શિખર છે. અહીં રામ માત્ર મનુષ્ય નથી, સાક્ષાત્ પરબ્રહ્મ પરમેશ્વર છે. સીતાહરણ પહેલાં અગ્નિદેવ અસલી સીતાને પોતાની પાસે સુરક્ષિત રાખે છે અને છાયા સીતાનું હરણ થાય છે. આ પ્રસંગ તુલસીદાસજીની વિશેષતા છે.
૩. કંબન રામાયણ
બારમી સદીમાં કવિ કંબન દ્વારા
લખાયેલી આ તામિલ રામાયણ કાવ્યસૌંદર્ય માટે જાણીતી છે. આમાં રાવણ
સીતાને સ્પર્શ્યા વગર જમીનના ટુકડા સાથે જ ઉપાડી જાય છે, જેથી તેનો શ્રાપ ફળે નહીં. ઉપરાંત, રાવણના પુત્ર ઇન્દ્રજિત
અને કુંભકર્ણનાં પાત્રોને અહીં અત્યંત
વીર અને ગૌરવશાળી દર્શાવવામાં આવ્યાં છે.
૪. કૃત્તિવાસી રામાયણ
પંદરમી સદીમાં કૃત્તિવાસ ઓઝાએ લખેલી આ રામાયણમાં બંગાળની સંસ્કૃતિ અને શાક્ત પરંપરાની ઊંડી અસર છે. રાવણનો વધ કરતાં પહેલાં ભગવાન રામ અકાળે દેવી દુર્ગાની પૂજા કરે છે અને પોતાના કમળ જેવાં નેત્ર અર્પણ કરવા તૈયાર થાય છે, એ પ્રસંગ અહીંથી જ પ્રખ્યાત થયો.
૫. અદ્ભુત રામાયણ
અને આનંદ રામાયણ
અદ્ભુત રામાયણમાં શાક્ત દર્શનનો પ્રભાવ છે, જ્યારે આનંદ રામાયણમાં રામના રાજ્યાભિષેક પછીની અનેક લોકકથાઓ અને ગૃહસ્થ જીવનની વાતો છે. અદ્ભુત રામાયણમાં સહસ્રમુખ રાવણનો વધ ભગવાન રામ નહીં પણ માતા સીતા મહાકાળીનું રૂપ ધારણ કરીને કરે છે.
૬. જૈન રામાયણ
જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંત પર આધારિત પૌમચરિય નામનો આ ગ્રંથ ઈસવી સનની શરૂઆતની સદીઓમાં જૈન મહાત્મા વિમલસૂરિ દ્વારા પ્રાકૃત ભાષામાં લખાયો હતો. અહિંસાના નિયમ મુજબ ભગવાન રામ કોઈની હત્યા કરતા નથી. આ સંસ્કરણમાં રાવણનો વધ લક્ષ્મણના હાથે થાય છે અને રામ અંતે જૈન દીક્ષા લઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. રાવણને અહીં એક પ્રખર જૈન વિદ્વાન અને વિદ્યાધર રાજા તરીકે દર્શાવાયા છે.
૭. બૌદ્ધ રામાયણ
બૌદ્ધ ધર્મની જાતકકથાઓમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મ તરીકે રામની કથા આવે છે. આમાં રાવણ કે સીતાહરણનો પ્રસંગ નથી. રામ, લક્ષ્મણ અને સીતા ભાઈ-બહેન હોય છે અને વનવાસ પૂરો થયા બાદ રામ અને સીતાનાં લગ્ન થાય છે.
તમને ખબર છે?
રવિવારના દિવસે પ્રસારિત થતી અને સમગ્ર ભારતને એક તાંતણે બાંધનારી રામાનંદ સાગરની ૧૯૮૭-૮૮માં પ્રસારિત થયેલી ‘રામાયણ’ સિરિયલ ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. રામાનંદ સાગરે તેમની ઐતિહાસિક ટેલિવિઝન સિરિયલ બનાવવા માટે ૧૪થી વધુ પ્રાચીન ગ્રંથો અને પ્રાદેશિક સંસ્કરણોનો અભ્યાસ કર્યો હતો.
