Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સુધારાની ગાડી આગળ વધવાની શરૂ : તેજી રિકવરી સ્વરૂપે થશે, બેફામ વરસાદ સ્વરૂપે નહીં

સુધારાની ગાડી આગળ વધવાની શરૂ : તેજી રિકવરી સ્વરૂપે થશે, બેફામ વરસાદ સ્વરૂપે નહીં

Published : 06 July, 2026 10:23 AM | IST | Mumbai
Jayesh Chitalia

શૅરબજારમાં નવેસરથી વિશ્વાસનો વરસાદ ધીમે-ધીમે પડવો શરૂ થયો છે. ગ્લોબલ માહોલનું હવામાન પણ બદલાઈને પૉઝિટિવ થઈ રહ્યું છે. રોકાણનો સમય આકર્ષક બનતાં રોકાણપ્રવાહ વધવાની આશા રાખી શકાય. વિવેકપૂર્વક વિચારી-સમજીને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરીને સમય અને તકનો લાભ લેવો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ભરપૂર વરસાદ આવશે એવી આગાહી થાય તો આપણે તરત એકદમથી સાચી માની લઈએ છીએ? મોટે ભાગે નહીં, કેમ કે ઘણી વાર એવું બને કે આગાહી ન હોય તો ય એ મુશળધાર વરસે અને આગાહી હોય છતાં ટીપાં પણ ન પડે. બસ તો શૅરબજારનું પણ ક્યારેક વરસાદ જેવું માની શકાય. અનેકવિધ પરિબળોની અસર હેઠળ રહેતું શૅરબજાર ક્યારેક ધારણા બહાર વધે અને ઊછળે અને ક્યારેક ધારણાથી સાવ વિરુદ્ધ ઘટે-તૂટે. આ મહિને વરસાદની આગાહી ઊંચી છે એમ શૅરબજાર વધવાની ધારણા પણ ઊંચી છે. આનું પરિણામ આ દિવસોમાં સામે આવી જશે. 
કહેવાય છે કે જુલાઈ મહિનો શૅરબજાર માટે ઝડપી તેજી તો નહીં, પણ રિકવરીનો વરસાદ લઈને આવ્યો છે. યુદ્ધ મોરચે શાંતિ આગળ વધી રહી છે, ક્રૂડના ભાવ હળવા બની સ્થિર થઈ રહયા છે, રૂપિયો સુધારાતરફી સ્થિર બન્યો છે, વિદેશી રોકાણકારોનું વેચાણનું દબાણ ઘટ્યું છે અને ઓવરઑલ ગ્લોબલ અનિશ્ચિતતા ઘટી હોવાથી વૉલેટિલિટી પણ નીચે ગઈ છે. આ બધા સંજોગો વચ્ચે ભારતીય અર્થતંત્ર સક્ષમ હોવાનું પુરવાર કરતા દાખલા બનતા જાય છે તેમ જ સરકાર તરફથી રિફૉર્મ્સનાં પગલાં પણ ભરાતાં જાય છે. આ ઉપરાંત સીધા વિદેશી રોકાણના અને વેપાર કરારની ઘટનાઓ પણ આકાર પામતી જાય છે. ભારત કપરા સંજોગોનો સામનો કરવામાં વધુ મજબૂતી હાંસલ કરી રહ્યું હોવાથી એની ગ્રોથ સ્ટોરી આશા વધારે છે. પરિણામે લાંબા ગાળામાં તો ખરુ જ, પરંતુ આ મહિનામાં પણ બજારમાં અને સિલેક્ટિવ સ્ટૉક્સમાં સુધારાની આશા રાખી શકાય. છેલ્લાં ૧૦ વર્ષનો ડેટા જોવામાં આવે તો બે વર્ષને બાદ કરતાં ૮ વર્ષમાં જુલાઈ માર્કેટ માટે પૉઝિટિવ મહિનો રહ્યો છે.

ફૉરેન ઇન્વેસ્ટર્સ નેટ બાયર્સ તરફ



અમેરિકા-ઈરાન વચ્ચેની સમજૂતીની સંમતિ સાથે ગ્લોબલ રોકાણકારો ભારત તરફ આકર્ષણની નજરે ફરી જોતા થયા છે. રૂપિયો સુધરી રહ્યો છે, ક્રૂડ ઘટી રહ્યું છે. વિદેશી રોકાણપ્રવાહ અન્ય માર્ગે પણ ભારતમાં આવતો થવાની ઉત્સુકતા અને ગતિ વધી રહી છે. એકમાત્ર ફેબ્રુઆરીમાં ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII) નેટ બાયર્સ રહ્યા હતા જે પછી સતત નેટ સેલર્સ. હવે આ ટ્રેન્ડ પરિવર્તનની દિશામાં આગળ વધવાની ઉમ્મીદ જાગી છે. આનો સ્થાનિક રોકાણકારોએ ઝડપથી લાભ લેવામાં શાણપણ સમજવું જોઈએ. જૂન મધ્યમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ રિઓપન થયા બાદ ૮માંથી ૭ સત્રમાં FII નેટ બાયર્સ રહ્યા. જોકે આ છ મહિનામાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત નેટ બાયર્સ જ રહ્યા છે અર્થાત ફૉરેન ઇન્વેસ્ટર્સ જે વેચતા ગયા એ લોકલ ઇન્વેસ્ટર્સ ખરીદતા ગયા. આને તેમનો ટેકો કહી શકવા ઉપરાંત ભારતીય માર્કેટ અને ઇકૉનૉમી પરનો વિશ્વાસ પણ ગણાય.


બીજી બાજુ દેશનાં આર્થિક ફંડામેન્ટલ્સ પણ સુધારાતરફી દિશામાં આગળ વધી રહ્યાં છે. ઇકૉનૉમીનું ગ્રોથ એન્જિન રિવાઇવ થતું જાય છે. ઑનલાઇન નાણાકીય વ્યવહારો અને માલોના લૉડિંગમાં ઉછાળો આવ્યો છે, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કલેક્શન ૧૪ ટકા જેટલું વધ્યું છે, કારોનું વેચાણ પણ કૂદકા મારી રહ્યું છે. ઇકૉનૉમીનાં ગ્રોથ ઇન્ડિકેટર્સ પૉઝિટિવ બન્યાં છે. પરિણામે રોકાણકારોનો વિશ્વાસ નવેસરથી રિવાઇવ થઈ રહ્યો છે. સેન્ટિમેન્ટ પણ પૉઝિટિવ બનતું જાય છે. રોકાણપ્રવાહ પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટમાં જોર પકડશે એવું માની શકાય. આ દિવસોમાં ઇનિશ્યલ પબ્લિક ઑફિરિંગ (IPO)ને કેવો પ્રતિસાદ મળે છે એ પણ મહત્ત્વનો સંકેત બનશે.

સ્ટેબિલિટી રિપોર્ટ શું કહે છે?


દરમ્યાન રિઝર્વ બૅન્કના ફાઇનૅન્શિયલ સ્ટૅબિલિટી રિપોર્ટ મુજબ ભારતીય અર્થતંત્ર વર્તમાન વિપરિત સંજોગોનો સામનો કરવા સક્ષમ રહ્યું છે, એની સ્ટ્રેસ ટેસ્ટ સારી રહી છે. જોકે સાઇબર સિક્યૉરિટી વિશે ચિંતા કરવી જરૂરી છે એમ વીમા સેક્ટરમાં ગ્રાહક સર્વિસિસ તેમ જ મિસ-સેલિંગ મામલે પણ ચિંતા કરવી રહી. આ ઉપરાંત ગ્લોબલ સ્તરે ચોક્કસ જોખમ પણ છે. તેમ છતાં, ઓવરઑલ ઇકૉનૉમી રેઝિલિયન્ટ (સંજોગોનો સામનો કરવા સજ્જ) છે. રિઝર્વ બૅન્કે નાણાસંસ્થાઓના ઇન્ટરકનેક્શન વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે.

સુધારાની ગાડી આગળ વધી

ગયા સોમવારે માર્કેટમાં પ્રૉફિટ બુકિંગની અસરે કરેક્શન રહ્યા બાદ મંગળવારે પણ બજારે કરેક્શનનો દોર ચાલુ રાખ્યો હતો. જોકે એમાં સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સમાં રિકવરી નોંધાઈ હતી, જ્યારે કે બુધવારે બજારે ઑટો સ્ટૉક્સના આધારે અને ક્રૂડના ભાવ હળવા થવાને પગલે ઉછાળો દર્શાવ્યો હતો. ગુરુવારે સુધારો આગળ વધતો રહ્યો અને શુક્રવારે ગ્લોબલ સ્તરેથી પૉઝિટિવ અહેવાલોને પરિણામે માર્કેટ વધુ રિકવરી સાથે ખુલ્યું હતું જે પછીથી બંધ થતાં પહેલાં પ્રૉફિટ બુકિંગને લીધે વધીને બજાર ઘટ્યું હતું, પરંતુ પૉઝિટિવ બંધ રહ્યું હતું. અમેરિકા ફેડરલ રિઝર્વ વર્તમાન સકારાત્મક સંજોગોને ધ્યાનમાં રાખી વ્યાજદર વધારવાનું ટાળશે એવા સંકેત હતા. અમેરિકા જૉબ માર્કેટમાં પણ સુધારો નોંધાયો હતો. IT સ્ટૉક્સની રિકવરી પણ કારણ બની હતી. સેન્સેક્સ ૭૮,૦૦૦ પાર કર્યા બાદ પાછો ફરી ૭૭,૭૦૦ ઉપર બંધ રહ્યો અને નિફ્ટી ૨૪,૩૦૦ પાર કર્યા બાદ ૨૪,૨૭૦ બંધ રહ્યો હતો. અગ્રણી ફન્ડ એડલવાઇસ મ્યુચ્યુઅલ ફન્ડના અભ્યાસ મુજબ નિફ્ટીનો ટ્રૅક રેકૉર્ડ કહે છે કે બે વર્ષ મંદ કે ઠંડો રહેનાર નિફ્ટી પછીના એકથી ત્રણ વર્ષમાં બહુ જ સારું વળતર આપે છે. આ અભ્યાસ છેલ્લાં પચીસ વર્ષના નિફ્ટીની વધ-ઘટને અને વળતરને આધારે કરાયો છે.

અલબત્ત, આ અભ્યાસને આધાર બનાવીને ચાલી શકાય નહીં, પણ એમાંથી સંકેત લઈ શકાય. વરસાદની આગાહી કરતાં શૅરબજારની આગાહી વધુ અઘરી છે, કારણ કે એમાં ગ્લોબલ પરિબળો અસર કરતાં રહે છે, પણ એક હકીકત પાકી છે કે લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હંમેશાં ફળે છે, એને આગાહીની નહીં, ધીરજ અને શિસ્તની જરૂર પડે છે. આખરે કંઈ ન સુઝે તો પણ ઇક્વિટી સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) પુનઃ શરૂ કરવા જોઈએ અથવા વધારવા જોઈએ.

મહત્ત્વના આર્થિક સમાચાર - સંકેત

ભારત-અમેરિકા વેપાર સમજૂતી ફાઇનલાઇઝેશનના આખરી તબક્કામાં પહોંચી ગઈ છે.

યુદ્ધના માહોલ વચ્ચે પણ ભારતમાં ઉત્પાદન પ્રવૃત્તિમાં મે મહિના દરમ્યાન વૃદ્ધિ નોંધાઈ હતી.

ભારત અને જપાન સેમી-કન્ડક્ટર્સ તેમ જ ડેટા સેન્ટર્સ મારફત AI ક્ષેત્રે પાર્ટનરશિપ વિશે વાટાઘાટ કરી રહ્યા છે. આ બન્ને દેશો વચ્ચે ચોક્કસ રોકાણના કરાર થઈ રહ્યા છે.

ભારતે વર્ષ ૨૦૨૭ દરમ્યાન એક ટ્રિલ્યન ડૉલરની નિકાસનો લક્ષ્યાંક તૈયાર કર્યો છે.

ભારતે ચીન સાથે સંકળાયેલી ૪ પાવર ઇક્વિપમેન્ટ કંપનીઓને સરકારી પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી છે.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 10:23 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK