Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૭૨થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે મુંબઈમાં સેંકડો ઝાડ તૂટી પડ્યાં

૭૨થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે મુંબઈમાં સેંકડો ઝાડ તૂટી પડ્યાં

Published : 06 July, 2026 07:01 AM | Modified : 06 July, 2026 08:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસાદની ગતિ ધીમી પડી, પણ તારાજી હજી ચાલુ : જુલાઈ મહિનાનો ૮૫ ટકા વરસાદ પાંચ દિવસમાં પડી ગયો: ઝાડ પડવાના, મકાનો ધસી પડવાના અને પાણી ભરાવાના બનાવોને કારણે જનજીવન હજી સામાન્ય નથી

ભારે વરસાદને કારણે મુંબઈ, પાલઘર, થાણે, રાયગડની સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે મુંબઈ, પાલઘર, થાણે, રાયગડની સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.


મુંબઈ સહિત રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલા વરસાદમાં શનિવારે રાતે ફૂંકાયેલા જોરદાર પવને તબાહી મચાવી હતી. એ જ પ્રમાણે ગઈ કાલે પણ આખો દિવસ વરસાદનાં ભારે ઝાપટાંએ મુંબઈગરાનું જનજીવન ખોરવી નાખ્યું હતું. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ગઈ કાલે જોરદાર પવન સાથે ભારે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગઈ કાલે મુંબઈમાં ૭૨થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાયો હતો જેની સૌથી ખરાબ અસર મુંબઈનાં વૃક્ષો પર પડી હતી. અનેક જગ્યાએ વર્ષો જૂનાં વિશાળ વૃક્ષો તૂટી પડ્યાં હતાં. BMCના જણાવ્યા અનુસાર મુંબઈમાં કુલ ૨૦૩ ઝાડ અને ઝાડની ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ હતી. એમાં મુંબઈ સિટીમાં ૧૧૬, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૮૩ અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૮૪ ઝાડ તૂટી પડ્યાં હતાં. કુર્લા અને ગોરેગામમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ઝાડ તૂટી પડતાં બે જણનાં મોત થયાં હતાં. અન્ય ઘટનાઓમાં ગોરેગામના એમ. જી. રોડ પર ઝાડ તૂટી પડવાને કારણે બે મહિલાઓ અને વરલીની BDD ચાલમાં ૩ જણ ઘાયલ થયા હતા. અન્યત્ર પણ કેટલાક લોકોને નાની-મોટી ઈજા થઈ હતી.

BMC ખડેપગે
BMCનાં કમિશનર અશ્વિની ભિડેએ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સહિત અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સતર્ક રહીને રવિવારની રજા હોવા છતાં ગ્રાઉન્ડ પર હાજર રહીને કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને હૅન્ડલ કરીને ઉપાય યોજવાની સૂચનાઓ આપી હતી. એથી BMCના ઑફિસરો અને કર્મચારીઓ મળી અંદાજે ૧૦,૦૦૦નો સ્ટાફ ગઈ કાલે ખડેપગે ડ્યુટી બજાવી રહ્યો હતો.  



વસઈ-વિરાર અને નાલાસોપારા હજીયે જળબંબાકાર
પાલઘર જિલ્લામાં પડી રહેલા અતિશય ભારે વરસાદને કારણે જનજીવન હજી પણ ખોરવાયેલું છે. વિરારના શ્રીપાલ કૉમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વૉલ તૂટી પડતાં એના કાટમાળ હેઠળ ૨૦ જેટલાં ટૂ-વ્હીલર ચગદાઈ ગયાં હતાં. વસઈના મીઠાગરમાં પાણી ભરાઈ જતાં ૧૫૦ પરિવાર રઝળી પડ્યા હતા. તેમણે ઘરવખરી લઈને સ્થળાંતર કરવાની જરૂર પડી હતી. નાલાસોપારા અને વસઈને જોડતો મુખ્ય માર્ગ પાણી નીચે હોવાને કારણે કોઈ રીતે ટ્રાન્સપોર્ટ શક્ય બન્યું નહોતું. ઉલ્હાસ નદી બે કાંઠે વહેવા માંડતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવાનું કહેવામાં આવ્યું હતું.  


સુસવાટા મારતા પવન અને વરસાદે મુંબઈમાં અનેક ઝાડ ધરાશાયી કર્યાં


ઝાડ પડવાને કારણે મુંબઈમાં બે લોકોનાં મૃત્યુ, પાંચ લોકોને ગંભીર ઈજા : ઘાટકોપરમાં ૪ કારને નુકસાન, સાયનમાં વાહનો ચગદાયાં, દાદરમાં સાત તોતિંગ ઝાડ તૂટી પડ્યાં

છેલ્લા ૩-૪ દિવસથી મુંબઈને બાનમાં લેનાર વરસાદની બૅટિંગ ગઈ કાલે પણ ચાલુ રહી હતી. શનિવારે રાતે અને રવિવારે આખો દિવસ ભારે પવન સાથે વરસાદ ખાબકતાં મુંબઈના અનેક વિસ્તારોમાં ઝાડ તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ હતી. BMCએ પણ જાહેર ચેતવણી આપી છે કે જરૂરી કામ હોય તો જ બહાર નીકળજો. હજી બે દિવસ ભાર વરસાદના છે

આરે કૉલોનીમાં ઝાડની ડાળી પડી, બાઇકરનું મોત

આરે કૉલોનીના રોડ-નંબર ૧૩ પરથી શનિવારે બપોરે ૩.૩૦ વાગ્યે બાઇક પર પસાર થઈ રહેલા ૧૮ વર્ષના હસન રઝા સૈયદ પર ઝાડની ડાળી પડતાં તેને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાની માહિતી આપતાં આરે પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રવીન્દ્ર પાટીલે કહ્યું હતું કે ‘તેની પાછળ બેસેલો પિલ્યન રાઇડર તેને મલાડની બાલાજી હૉસ્પિટલમાં લઈ ગયો હતો, પણ ગંભીર ઈજાઓને કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાય એ પહેલાં જ તેનું મોત થયું હતું.’

વરલીમાં ઝાડ પડતાં ૩ લોકોને ઈજા, ગોરેગામમાં બે મહિલા પર ઝાડ પડ્યું

ભારે પવનને કારણે વરલીની BDD ચાલમાં એક મોટું ઝાડ પડી ગયું હતું, જેમાં ૩ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં પાર્ક કરેલાં અનેક વાહનોને પણ નુકસાન થયું હતું તેમ જ મુંબઈના ગોરેગામમાં એમ. જી. રોડ પર કેમિસ્ટની એક શૉપની બહાર એક મોટું ઝાડ તૂટી પડ્યું હતું જેની નીચે બે મહિલા ફસાઈ ગઈ જતાં તેમને ગંભીર ઈજા થઈ હતી.

થાણેના વાગળે એસ્ટેટમાં ૪૫ વર્ષ જૂના બિલ્ડિંગની બાલ્કની પડી, બે જણ જખમી

થાણેના વાગળે એસ્ટેટમાં તિવારી ભવન ખાતે ભારે વરસાદને કારણે ૪૫ વર્ષ જૂના બિલ્ડિંગની રૂમ-નંબર એકની બાલ્કની તૂટી પડી હતી. આ ઘટનામાં બે જણ જખમી થયા હતા તથા નીચે આવેલી દુકાનોની છતને પણ નુકસાન થયું હતું. આ ઘટનામાં જખમી થયેલાં નૂર શેખ નામનાં ૬૫ વર્ષનાં મહિલાને અને ૩૬ વર્ષના સુરેશ થાપાને નજીકની અષ્ટવિનાયક હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

...અને મેયર ભડક્યાં

કુર્લામાં ઘટનાસ્થળની મુલાકાતે પહોંચેલાં મેયર રિતુ તાવડેએ કહ્યું કે આ સમય રાજકારણ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવાનો નથી, વિરોધ પક્ષ પણ ગ્રાઉન્ડ લેવલ પર ઊતરીને કામ કરે

કુર્લામાં ઝાડ તૂટી પડવાને કારણે યુનુસ કૂંડાવાળાનું મૃત્યુ થવાની જાણ થતાં મુંબઈનાં મેયર રિતુ તાવડે સ્પૉટ પર ધસી ગયાં હતાં અને માહિતી મેળવી હતી તથા મરનાર યુનુસ કૂંડાવાળાના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. એ વખતે ભેગા થયેલા લોકોએ તેમને સવાલ કર્યા હતા કે ‘આટલાં બધાં ઝાડ કેમ પડે છે? લોકો મરી રહ્યા છે અને નુકસાન થઈ રહ્યું છે ત્યારે BMC કરે છે શું?’ ત્યારે મેયર રિતુ તાવડે ભડકી ગયાં હતાં. હું છેલ્લા બે મહિનાથી મૉન્સૂન પહેલાંની તૈયારીઓ પર દેખરેખ રાખવા ફરી રહી છું એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘આ એક કમનસીબ ઘટના છે. એમાં BMC કે પ્રશાસનને છાવરવાનો સવાલ જ આવતો નથી. આ જગ્યાનું ઝાડ ડેન્જર ઝોનમાં હોવાનું જણાઈ રહ્યું છે. એવો લેટર પણ આપવામાં આવ્યો હતો, પણ BMC પ્રશાસને એના પર ધ્યાન આપ્યું નહીં. આ તપાસનો ભાગ છે અને એ તપાસ થશે જ. વિરોધ પક્ષવાળા એવું ચિત્ર ઊપસાવી રહ્યા છે કે સત્તાધારીઓ અને મેયર કૉન્ટ્રૅક્ટરોને છાવરે છે. આમ કરીને તેઓ મુંબઈગરાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે એનો હું વિરોધ કરું છું. આ આપણી સામૂહિક જવાબદારી છે. એમાં રાજકારણ કરવાની જરૂર નથી. આવી પરિસ્થિતિમાં આરોપ-પ્રત્યારોપ ન કરતાં વિરોધ પક્ષે પણ ગ્રાઉન્ડ પર ઊતરીને કામ કરવું જોઈએ.’

ભારે વરસાદમાં પણ SIR ડ્યુટી કરનારા કર્મચારીઓને BMCનાં કમિશનરે બિરદાવ્યા

મુંબઈમાં મતદારયાદી અપડેટ કરવાના ઇલેક્શન કમિશનના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની નોંધ કરવા બૂથ લેવલના ઑફિસરો દ્વારા ઘરે-ઘરે જઈને માહિતીની ચકાસણી કરાઈ રહી છે. મુંબઈના ધોધમાર વરસતા વરસાદમાં પણ તેઓ કામગીરી કરી રહ્યા છે. તેમની એ કામગીરી જોવા મુંબઈનાં મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડે ગઈ કાલે ધોબીતળાવ, ચીરાબજાર વિસ્તારમાં પહોચી ગયાં હતાં. તેમણે તેમની કામગીરી જોઈને કેટલાંક સૂચનો કર્યાં હતાં અને કામગીરીને બિરદાવી હતી.

બારિશ મેં... ચક ધૂમ ધૂમ

વરસાદ અને મોજમસ્તીનો માહોલ ગઈ કાલે ચેમ્બુરના તિલકનગરમાં જોવા મળ્યો હતો. તિલકનગર ગ્રાઉન્ડમાં યોજાયેલી એક ઇવેન્ટમાં અબાલવૃદ્ધોએ ભાગ લીધો હતો. વરસતા વરસાદમાં મસ્ત ઝુમ્બા રેઇન ડાન્સ સાથે જ ફુટબૉલ ફીવરની લોકોએ મજા માણી હતી. લિયો ફિટનેસ, GD ઇવેન્ટ, અમિત સાતરડેકર અને કલા વિશિષ્ટ ડાન્સ કંપની દ્વારા આયોજિત કરાયેલી આ ઇવેન્ટમાં બચ્ચાંઓ અને મોટા પણ દિલથી નાચ્યાં હતાં. 

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK