Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટના ખેલમાં ૧૧૯૪ પૉઇન્ટનો તગડો ઉછાળો દાખવી શૅરબજાર છેવટે ૬૫૫ વધવામાં સફળ

ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટના ખેલમાં ૧૧૯૪ પૉઇન્ટનો તગડો ઉછાળો દાખવી શૅરબજાર છેવટે ૬૫૫ વધવામાં સફળ

29 March, 2024 07:27 AM IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ ગુરુવારે ૬૫૫ પૉઇન્ટ વધુ આગળ વધી ૭૩,૬૫૧ તથા નિફ્ટી ૨૦૩ પૉઇન્ટ વધીને ૨૨,૩૨૭ નજીક બંધ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી ૨૨,૫૦૦ની ઉપર, સેન્સેક્સ ૭૪,૧૯૦ની પાર થયો, છેલ્લા કલાકમાં ઉછાળો ધોવાઈ અડધો રહ્યો : નિફ્ટીમાં ૩૦ ટકા અને સેન્સેક્સમાં ૨૭ ટકા પ્લસની તેજી સાથે વર્ષ ૨૦૨૩-’૨૪ની વિદાય : માર્ચનું વેચાણ સારું રહેવાની ધારણા પાછળ ઑટો શૅરોમાં મજબૂતી, ઑટો ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ : લાર્સન, એબીબી, થર્મેક્સ, સિમેન્સમાં નવા શિખરની સાથે કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક પણ વિક્રમી સપાટીએ : સુધારાની હૅટ-ટ્રિક સાથે અદાણી પોર્ટ‍્સ સર્વોચ્ચ સપાટી સાથે મજબૂત

નિફ્ટી ડેરિવેટિવ્ઝમાં માર્ચ સિ‌રીઝના સેટલમેન્ટને લઈ લેવલ ખેંચવાની રમતમાં તેજીવાળા ઠીક-ઠીક સફળ થયા છે. સેન્સેક્સ ગુરુવારે ૬૫૫ પૉઇન્ટ વધુ આગળ વધી ૭૩,૬૫૧ તથા નિફ્ટી ૨૦૩ પૉઇન્ટ વધીને ૨૨,૩૨૭ નજીક બંધ રહ્યો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ આગલા બંધથી ૧૧૯૪ પૉઇન્ટના ઉછાળે ૭૪,૧૯૦ તો નિફ્ટી ૨૨,૫૧૬ ઉપરમાં દેખાયો હતો. છેલ્લો કલાક નોંધપાત્ર વેચવાલીનો રહેતાં શાર્પ રેલી લગભગ અડધી ધોવાઈ ગઈ હતી. આ સાથે ૨૦૨૩-’૨૪ના વર્ષની સેન્સેક્સમાં ૨૭ ટકા અને નિફ્ટીમાં ૩૦ ટકાની તેજી સાથે પૂર્ણાહુતિ થઈ છે. ૨૦૨૪-’૨૫ના વર્ષે બજાર ગમે એટલું વધે તો પણ આટલી તેજી થવાની નથી, એ વાત નક્કી છે. છેલ્લા બે દિવસમાં સેન્સેક્સ કુલ મળીને ૧૧૮૧ પૉઇન્ટ વધ્યો છે. આમ છતાં, બજારનું માર્કેટ કેપ તો ફક્ત ૪.૩૭ લાખ કરોડ રૂપિયા જ વધ્યું છે. બન્ને દિવસ સેન્સેક્સ-નિફ્ટી સારા એવા વધવા છતાં માર્કેટ બ્રેડ્થ નકારાત્મક રહી છે. મતલબ કે બજારનો અન્ડરટોન જોઈએ એવો સુધર્યો નથી. ઉછાળે વેચવાલીનું પ્રેશર આવે છે. આ સંજોગોમાં હવે પછી બજાર વધવાના બદલે ઘટે એવી શક્યતા વધુ છે. ચૂંટણીમાં બીજેપીનો વિજય હાલ ભીંતે લખાયેલો છે. એનડીએ ૪૦૦ સીટ લાવે તો પણ એનાથી બજારમાં બહુ મોટી તેજીને અવકાશ નથી, કેમ કે આ બધુ હાલમાં ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. નવું ટ્રીગર નજીકમાં ક્યાંય નથી. 



દરમ્યાન ખાડે ગયેલા પાકિસ્તાની અર્થતંત્રને ઉગારવાના પ્રયાસમાં પાકિસ્તાનની નવી સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ પાસે નવી લોન લેવાની હિલચાલ શરૂ થઈ છે અને એનાથી હરખાઈ પાકિસ્તાની શૅરબજાર ગઈ કાલે ૬૭,૨૪૬ની ઑલટાઇમ હાઈ બનાવી ૬૧૮ પૉઇન્ટ વધી ૬૭,૧૬૬ બંધ આવ્યું છે. આ સાથે ત્યાંનું બજાર છેલ્લા એક વર્ષમાં ૬૬ ટકા વધી ચૂક્યું છે. અમે ફરી વાર કહીએ છીએ, શૅરબજારની તેજી એટલે અર્થતંત્રની સધ્ધરતા એવું માનશો નહીં. દરમ્યાન ભારતી હેક્સાકોનનો પાંચના શૅરદીઠ ૫૭૦ની અપર બેન્ડ સાથેનો ૪૨૭૫ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ૩ એપ્રિલે ખૂલી રહ્યો છે ત્યારે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટીને હાલ ૩૨ આસપાસ આવી ગયું છે. આ રેટ આગળ ઉપર વધુ ઘટવાની ગણતરી રખાય છે.


લાર્સન અને ગ્રાસિમમાં નવી ટૉપ, રિલાયન્સ સાધારણ નરમાઈમાં 
સેન્સેક્સના ૩૦માંથી ૨૬ અને નિફ્ટીના ૫૦માંથી ૪૩ શૅર વધ્યા હતા. બજાજ ટ્વિન્સ ઉપરાંત અત્રે મહિન્દ્ર ૨.૩ ટકાનો જમ્પ મારી ૧૯૨૧ રહી હતી. લાર્સન ૩૮૧૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૧.૮ ટકાની આગેકૂચમાં ૩૭૭૪ બંધ આવી છે. સ્ટેટ બૅન્ક અઢી ટકા, પાવર ગ્રિડ ૨.૨ ટકા, એનટીપીસી ૧.૬ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ પોણાબે ટકા, તાતા સ્ટીલ બે ટકા, વિપ્રો ૧.૭ ટકા, હિન્દુ. યુનિલીવર સવા ટકો, અલ્ટ્રાટેક ૧.૨ ટકા, ટીસીએસ ૧.૨ ટકા, ઇન્ફી એક ટકો, ઇન્ડ્સઇન્ડ બૅન્ક એક ટકો, કોટક બૅન્ક ૦.૬ ટકા, તાતા મોટર્સ દોઢ ટકા અપ હતી. નિફ્ટી ખાતેની અન્ય જાતોમાં ગ્રાસિમ ૨૩૦૯ની વિક્રમી સપાટી બનાવી ૩.૬ ટકા કે ૮૦ રૂપિયાના જોરમાં ૨૨૮૭ હતો. એનો પાર્ટપેઇડ પણ ૧૦૪૯ની ટૉપ દેખાડી ૩.૧ ટકા ઊંચકાઈ ૧૦૨૫ થયો છે. આઇશર મોટર્સ ૨.૭ ટકા કે ૧૦૫ રૂપિયા, હીરો મોટોકૉર્પ ૩.૩ ટકા કે ૧૫૦ રૂપિયા, ઓએનજીસી ૨.૪ ટકા, અદાણી એન્ટર ૨.૪ ટકા, ડિવીઝ લૅબ ૨.૩ ટકા, સિપ્લા સવાબે ટકા, ભારત પેટ્રો સવા ટકો, અપોલો હૉસ્પિટલ્સ બે ટકા કે ૧૨૫ રૂપિયા, એસબીઆઇ લાઇફ ૧.૪ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૯ ટકા, કોલ ઇન્ડિયા એક ટકો, નેસ્લે ૨.૧ ટકા મજબૂત હતી. આગલા દિવસનો હીરો રિલાયન્સ ૦.૪ ટકા ઘટીને ૨૯૭૭ રહ્યો છે. મારુતિ સુઝુકી પોણો ટકો કે ૯૩ રૂપિયા વધી ૧૨,૬૧૩ બંધ થતાં એનું માર્કેટ કૅપ ૩.૯૭ લાખ કરોડની વિક્રમી સપાટીએ ગયું છે. બજાજ ઑટો સાધારણ ઘટીને ૯૧૪૫ રહી હતી. એચડીએફસી બૅન્ક અડધો ટકો વધી ૧૪૪૮ના બંધમાં બજારને ૫૦ પૉઇન્ટ ફળી હતી. આઇસીઆઇસીઆઇ બૅન્ક એની સબસિડિયરી આઇ-સેકને ડી-લિસ્ટ કરી પોતાની સાથે મર્જ કરવાનો જંગ જીતી જતાં ઉપરમાં ૧૧૦૫ થઈ એક ટકો વધી ૧૦૯૬ બંધ રહી છે. સામે આઇ-સેક એટલે કે આઇસીઆઇસીઆઇ સિક્યૉ. નીચામાં ૭૧૦ થઈ ૧.૬ ટકા ઘટી ૭૨૯ હતી. ડી-લિસ્ટિંગ અને મર્જરની સ્કીમ અનુસાર આઇ-સેકના ૧૦૦ શૅરદીઠ આઇસીઆઇસીઆઇ બૅન્કના ૬૭ શૅર બદલામાં અપાશે. 

બજાજ હાઉસિંગ ફાઇ.ના ઇશ્યુની હવામાં બજાજ ટ‍્વિન્સમાં તગડો ઉછાળો 
ટોચની કે અપર લિયર નાણાકંપનીઓને ત્રણ વર્ષમાં બજારમાં લિસ્ટેડ કરાવી દેવાના રિઝર્વ બૅન્કના ફરમાનના સંદર્ભમાં બજાજ ફાઇનૅન્સની પૂર્ણ માલિકીની સબસિડિયરી બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડનો ઇશ્યુ લાવવાની હિલચાલ શરૂ થઈ છે. એની અસરમાં ગઈ કાલે બજાજ ટ્વિન્સના શૅર ખાસા ઝમકમાં રહ્યા છે. બજાજ હાઉસિંગ ફાઇ.નું વૅલ્યુએશન ૭૫,૦૦૦-૮૫,૦૦૦ કરોડનું મુકાયું છે. આ ધોરણે એક અબજ ડૉલર કે ૮૦૦૦ કરોડ રૂપિયાનો આઇપીઓ આવી શકે છે. ઇશ્યુ પ્યૉર ઑફર ફૉર સેલ સ્વરૂપનો હશે, એમ મનાય છે એટલે સમગ્ર ભંડોળ એની પેરેન્ટ્સ બજાજ ફાઇ.ના ઘરમાં જશે. બજાજ ફાઇનૅન્સ સતત ચોથા દિવસની આગેકૂચમાં ગુરુવારે સાડાચાર ગણા કામકાજે ૭૩૪૯ થઈ ત્રણ ટકા કે ૨૧૭ રૂપિયાની તેજીમાં ૭૨૪૦ બંધ થયો છે. બજાજ ફાઇનૅન્સમાં મુખ્ય પ્રમોટર તરીકે બજાજ ફીનસર્વ ૫૧.૪ ટકા હોલ્ડિંગ ધરાવે છે એટલે આ ઘટનાક્રમમાં બજાજ ફીનસર્વ પણ જબરી ડિમાન્ડમાં આવ્યો છે. શૅર ગઈ કાલે ચાર ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૬૬૯ થઈ ૩.૯ ટકાના ઉછાળે ૧૬૪૩ બંધ થયો છે. બજાજ ટ્વિન્સની તેજીથી સેન્સેક્સ ગઈ કાલે ૮૨ પૉઇન્ટ લાભમાં રહ્યો છે. બજાજ ફીનસર્વમાં સહપ્રમોટર્સ તરીકે બજાજ હોલ્ડિંગ્સ ૩૯.૧ ટકા જેવો હિસ્સો ધરાવે છે. એનો શૅર ગઈ કાલે ઉપરમાં ૮૩૩૦ બતાવી અઢી ટકા કે ૨૦૧ રૂપિયા વધીને ૮૨૭૮ હતો. દરમ્યાન ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૫૦માંથી ૯૪ શૅરના સથવારે એક ટકા પ્લસ થયો છે. રિઝર્વ બૅન્કના સપાટે ચડતાં ૧૭ દિવસમાં ૫૦ ટકા ધોવાઈ ૩૧૩ની બે વર્ષની બૉટમ બનાવ્યા પછી બુધવારે દસેક ટકાનો ઉછાળો બતાવનારી આઇઆઇએફએલ ફાઇ. ગઈ કાલે ૩.૪ ટકા ગગડી ૩૩૪ હતી. જેએમ ફાઇ. ૫.૨ ટકા તૂટ્યો છે, જ્યારે સળંગ ૧૧ દિવસની ખરાબી બાદ ૫ ટકા વધેલી તાતા ઇન્વેસ્ટમેન્ટ સતત બીજી ઉપલી સર્કિટે ૫ ટકાની તેજીમાં ૬૨૪૨ વટાવી ત્યાં જ બંધ રહી છે. 


તાતા ટેક્નૉલૉજીઝ ઑલ ટાઇમ તળિયે, આઇટી હેવી વેઇટ્સમાં સુધારો 
કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૬૧,૨૩૦ની નવી વિક્રમી સપાટી નોંધાવી દોઢ ટકા કે ૯૨૫ પૉઇન્ટ વધી ૬૦,૯૪૩ થયો છે, જેમાં લાર્સનનું પ્રદાન ૪૭૫ પૉઇન્ટ હતું. સિમેન્સ ૫૪૧૪ના શિખરે જઈ એક ટકાની પીછેહઠમાં ૫૨૩૦ તથા એબીબી ઇન્ડિયા ૬૪૭૦ની ટોચે જઈ એક ટકો વધી ૬૩૫૦ હતો. ભેલને અદાણી પાવર તરફથી ૪૦૦૦ કરોડ રૂપિયાનો ઑર્ડર મળતાં ભાવ ૧.૮ ટકા વધી ૨૪૭ થયો છે. અદાણી પાવર પણ ૩.૩ ટકા પ્લસ હતો. થર્મેક્સ ૪૨૮૮ની સર્વોચ્ચ સપાટી બનાવી અડધો ટકો ઘટી ૪૧૬૮ હતો. સુઝલોન બમણા કામકાજે પાંચ ટકા ઊંચકાઈ ૪૦ વટાવી ગયો છે. 
માર્ચ મહિનાના વેચાણના આંકડા સારા આવવાની ધારણામાં ઑટો શૅર ઝમકમાં હતા. આંક ૪૯,૫૩૫ની વિક્રમી સપાટી હાંસલ કરી સવા ટકો કે ૫૭૮ પૉઇન્ટ વધી ૪૯,૧૪૨ બંધ થયો છે, જેમાં મહિન્દ્રનું પ્રદાન ૧૯૧ પૉઇન્ટ હતું. હીરો મોટોકૉર્પ ૩.૨ ટકા, આઇશર ૨.૮ ટકા, તાતા મોટર્સ દોઢ ટકા, ટીવીએસ મોટર્સ ૧.૩ ટકા, મારુતિ પોણો ટકા, અશોક લેલૅન્ડ ૧.૩ ટકા, બાલક્રિશ્ના ઇન્ડ. એક ટકો અપ હતા. એમઆરએફ લિમિટેડ સવા ટકો કે ૧૬૧૫ રૂપિયા વધ્યો છે. 

તાજેતરની પીછેહઠ બાદ ટેક્નિકલ કરેક્શનમાં આઇટી બેન્ચમાર્ક ૬૦માંથી ૨૭ શૅરની હૂંફમાં અડધો ટકો વધ્યો છે. ઇન્ફી, ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેક્નૉ, ટેક મહિન્દ્ર, લાટિમ જેવા ફ્રન્ટલાઇન શૅરનો સુધારો આ માટે મુખ્ય કારણભૂત છે. સાઇડ શૅરમાં લેટેન્ટ વ્યુ ૧૧ ટકાની તેજીમાં ૫૦૮ બંધ આપી ઝળક્યો હતો. જેનેસિસ ઇન્ટર. ૧૧.૮ ટકા, સિએન્ટ ૨.૭ ટકા, સાસ્કેન અઢી ટકા, ઑનવર્ડ ટેક્નૉ ત્રણ ટકા મજબૂત હતી. તાતા ગ્રુપની તાતા ટેક્નૉ ૧૦૨૦ના વર્સ્ટ બૉટમ બાદ પોણો ટકો ઘટી ૧૦૨૧ રહી છે. નેલ્કો ૧.૩ ટકા નરમ, તાતા ઍલેક્સી એક ટકો સુધારામાં હતી. 

તમામ સરકારી બૅન્કોના જોરમાં પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૭ ટકા પ્લસ 
વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૨૦૨૪-’૨૫ માટેની ગ્રોથ સ્ટ્રેટેજી અને માર્જિન વધારવા માટેની બ્લુપ્રિન્ટ જારી થતાં શૅર નવ ગણા વૉલ્યુમે ૫૩૯ વટાવી ૧૩ ટકાની તેજીમાં ૫૨૬ બંધ રહ્યો છે. સફારી ઇન્ડસ્ટ્રીઝ ૩.૪ ટકા ગગડી ૧૭૩૦ હતી. આગલા દિવસે ૪૯૪૦ની ઑલટાઇમ ટોચે જઈ ઘટાડે ૪૪૦૫ બંધ રહેલી ફાઇઝર વધુ ૪.૮ ટકા કે ૨૧૩ રૂપિયા ગગડી ૪૧૯૨ થઈ છે. હિન્દુજા ગ્રુપની જીઓસીએલ કૉર્પોરેશને હૈદરાબાદની સ્ક્વેર સ્પેસ બિલ્ડર્સ સાથે આશરે ૨૬૪ એકર લૅન્ડના વેપારીકરણ માટે ૩૪૦૨ કરોડ રૂપિયાની ડીલ થતાં ભાવ ૧૫ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૫૩ વટાવી ગયો છે.

અદાણી ગ્રુપ દ્વારા અદાણી એન્ટરના નેજા હેઠળ મુન્દ્રા ખાતે વિશ્વની લાર્જેસ્ટ સિંગલ લોકેશન કોપર કંપનીના પ્રથમ તબક્કાનો શુભારંભ કરાયો છે. આશરે ૧૨૦ કરોડ ડૉલરના ખર્ચે આ પ્રથમ તબક્કો પુરો થતાં અત્રે પાંચ લાખ ટન રિફાઇન કૉપરની ક્ષમતા કાર્યરત થશે. ગઈ કાલે અદાણી એન્ટર. ઉપરમાં ૩૨૩૫ થઈ બમણા કામકાજે ૨.૩ ટકા વધી ૩૧૯૩ બંધ રહી છે. ગ્રુપ કંપનીમાં અદાણી પોર્ટ્સ સતત ત્રીજા દિવસની આગેકૂચમાં ૧૩૫૯ની ઑલટાઇમ હાઈ બનાવી સવા ટકો વધી ૧૩૪૨ થઈ હતી. અદાણી પાવર ૩.૩ ટકા, એસીસી દોઢ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૧.૮ ટકા, અદાણી એનર્જી એકાદ ટકો પ્લસ હતા. 

આઇડીએફસી ફર્સ્ટ બૅન્કમાં વોરબર્ગ પિનકુસની સહયોગી ક્લોવરડેલ ઇન્વે. દ્વારા બ્લૉકડીલ મારફત સમગ્ર સવાબે ટકા હોલ્ડિંગ વેચી ૧૧૯૧ કરોડની રોકડી થતાં શૅર ત્રણ ટકા ગગડી ૭૫ બંધ થયો છે. ઇન્ડિયન બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, આઇઓબી, યુકો બૅન્ક, પંજાબ-સિંઘ બૅન્કના સાડાચારથી સવાછ ટકાની તેજી સાથે પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરની મજબૂતીમાં ૨.૭ ટકા ઊંચકાયો હતો. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સુધારામાં ૩૩૯ પૉઇન્ટ કે પોણો ટકો વધ્યો છે. 
૦૦૦૦૦

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2024 07:27 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK