Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બૅન્કિંગના નેજા હેઠળ બ્રૉડ-બેઝ્ડ રૅલીમાં બજાર ૮૨૭ પૉઇન્ટ અપ

બૅન્કિંગના નેજા હેઠળ બ્રૉડ-બેઝ્ડ રૅલીમાં બજાર ૮૨૭ પૉઇન્ટ અપ

Published : 11 July, 2026 08:12 AM | IST | Mumbai
Anil Patel

જે. કે. બૅન્ક તગડા ઉછાળે લાઇફટાઇમ હાઈ, ઇન્ડિયન બૅન્કમાં પરિણામની તેજી: હેલિઓશના હેતમાં અદાણી ગ્રુપના શૅર ડિમાન્ડમાં : એક્સ-બોનસ થતાં ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ ૨૦ ટકા ઊછળી, કલ્યાણ જ્વેલર્સ સતત ત્રીજા દિવસે ઝમકમાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ગલ્ફમાં શરૂ થયેલા વૉરના નવા ટેન્શન વચ્ચે ક્રૂડ ૭૬ ડૉલરે સીમિત રહ્યું છે. સરવાળે શૅરબજારો એકંદર સુધારાતરફી રહ્યાં છે. ગઈ કાલે એશિયા ખાતે તાઇવાન રજામાં હતું. સિંગાપોર ૦.૭ ટકાની આગેકૂચમાં નવી વિક્રમી સપાટીએ ગયું છે. સાઉથ કોરિયા અઢી ટકા, જપાન દોઢેક ટકો, થાઇલૅન્ડ પોણો ટકો, હૉન્ગકૉન્ગ અડધો ટકો, ઇન્ડોનેશિયા સાધારણ પ્લસ હતાં. ચાઇના એક ટકો ઘટ્યું છે. યુરોપ રનિંગમાં સાંકડી વધઘટે પૉઝિટિવ બાયસ દાખવતું હતું. ડૉલર સામે રૂપિયો ૯૫.૩૯ના આગલા બંધ સામે ૯૫.૪૨ થઈ રનિંગમાં ૯૫.૩૨ ચાલતો હતો. બિટકૉઇન પોણાબે ટકા વધીને ૬૪૩૬૦ ડૉલર થયો છે.

ઘરઆંગણે સેન્સેક્સ પૉઝિટિવ ઓપનિંગ બાદ મજબૂત વલણ જાળવી રાખતાં ૮૨૭ પૉઇન્ટની આગેકૂચમાં ૭૭૫૬૯ તથા નિફ્ટી ૨૪૪ પૉઇન્ટ વધીને ૨૪૨૦૭ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૭૩૨૦ અને ઉપરમાં ૭૭૬૪૨ વટાવી ગયો હતો. માર્કેટબ્રેડ્થ સ્ટ્રૉન્ગ હતી. NSEમાં વધેલા ૨૩૩૯ શૅર સામે ૯૭૬ કાઉન્ટર માઇનસ થયાં છે. માર્કેટકૅપ ૫.૮૧ લાખ કરોડના ઉમેરામાં હવે ૪૮૧.૭૫ લાખ કરોડને વટાવી ગયું છે. બન્ને બજારના તમામ ઇન્ડેક્સ વધ્યા છે. રિયલ્ટી બેન્ચમાર્ક વધુ સાડાત્રણ ટકા ઊંચકાઈને ટૉપ પર્ફોર્મર બન્યો છે. IT ઇન્ડેક્સ બે ટકા, ફાઇનૅન્સ દોઢ ટકો, કૅપિટલ ગુડ્સ દોઢ ટકો, મેટલ ઇન્ડેક્સ ૧.૬ ટકા, ઑઇલ-ગૅસ સવા ટકો, યુટિલિટીઝ ૧.૪ ટકા, PSU બૅન્ક-નિફ્ટી ૩ ટકા, બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા, નિફ્ટી ડિફેન્સ ૧.૯ ટકા પ્લસ થયા છે. નિફ્ટી મિડકૅપ બેન્ચમાર્ક નવી વિક્રમી સપાટી બનાવીને સવાથી દોઢ ટકા નજીક અપ હતા.



સમીર અરોરાની હેલિઓસ કૅપિટલ તરફથી એના નેજા હેઠળનાં વિવિધ ફન્ડ મારફત જૂન ક્વૉર્ટરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસના ૭.૭૦ લાખ શૅર ખરીદવામાં આવ્યા હોવાના અહેવાલ પાછળ ગઈ કાલે અદાણી ગ્રુપના શૅરમાં ફૅન્સી જામી હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ સવાબે ટકા, અદાણી પોર્ટ્સ દોઢ ટકો, અદાણી એનર્જી પોણાબે ટકા, અદાણી ગ્રીન સવાત્રણ ટકા, અદાણી ટોટલ સવાત્રણ ટકા, અદાણી પાવર એક ટકો, ACC અને અંબુજા સિમેન્ટ્સ પોણાબે ટકા, સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ૧.૪ ટકા વધી છે. રિલાયન્સની જસ્ટ ડાયલ પરિણામ પૂર્વે સાડાત્રણ ટકા ઊંચકાઈને ૫૬૫ બંધ થઈ છે તો લાર્સન ફાઇનૅન્સ રિઝલ્ટ પૂર્વે ૩૨૧ના લેવલે ફ્લૅટ હતી.


સનફાર્મા ૧૯૫૪ની નવી ટૉપ બનાવી નહીંવત્ ઘટાડે ૧૯૩૫ બંધ આવી છે. નિફ્ટી ખાતે ગ્રાસિમ ૩૨૪૬ના બેસ્ટ લેવલ બાદ ૦.૭ ટકા વધી ૩૨૧૩ વટાવી ગઈ છે. ઓસિઆજી ટેક્સફેબ સેબીના સકંજામાં આવતાં શૅર અઢીગણા કામકાજે નીચામાં ૩૪૧ થઈ ૧૧.૫ ટકા તૂટી ૩૫૨ નીચે બંધ થયો છે. ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ એક્સ-બોનસમાં બમણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૭૯ થઈ ૧૯.૯ ટકાની તેજીમાં ૩૭૯ નજીક બંધ આપી A ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બની છે. વૉલ્યુમ પંદરગણું હતું. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ૧૬.૬ ટકાની તેજીમાં ૧૪૧૯ના નવા શિખરે બંધ થઈ છે.

બૅન્કિંગના ૪૧માંથી ૩૯ શૅર વધ્યા, સરકારી બૅન્કો ઝમકમાં


સરકારની ૩૩.૮ ટકા માલિકીની ઇન્ડિયન બૅન્કની ત્રિમાસિક નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૧૭ ટકા વધીને ૭૪૩૫ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૧૦ ટકા વધીને ૩૨૭૩ કરોડ નોંધાયો છે. પ્રોવિઝનિંગ ૭૩ ટકા વધીને ૧૧૯૬ કરોડ રહી છે. શૅર ૧૧ગણા કામકાજે ૭૯૬ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઊછળી ૮૭૪ થઈ ૯.૮ ટકાના જમ્પમાં ૮૭૧ બંધ થયો છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્રની ત્રિમાસિક નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૧૪.૫૦ ટકા વધી ૩૭૭૦ કરોડ થઈ છે. નેટ નફો ૨૬.૮ ટકા વધી ૨૦૨૦ કરોડ આવ્યો છે. ભાવ બમણા વૉલ્યુમે ૮૭ વટાવી ૨.૯ ટકા વધી ૮૪ બંધ હતો. ગઈ કાલે PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની મજબૂતીમાં ઉપરમાં ૮૫૬૧ વટાવી ૩ ટકા વધી ૮૪૫૧ બંધ હતો. બૅન્ક ઑફ ઇન્ડિયા ૪.૫ ટકા, યુનિયન બૅન્ક ૪.૫ ટકા, કૅનેરા બૅન્ક ૩.૨ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૨.૮ ટકા વધી હતી. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૪ શૅરના સથવારે ૧.૪ ટકા કે ૭૯૩ પૉઇન્ટ પ્લસ થયો છે. બૅન્કિંગના કુલ ૪૧માંથી ૩૯ શૅર ગઈ કાલે વધ્યા હતા. એમાં જે. કે. બૅન્ક ૨૦૨ની ટૉપ બતાવી ત્રણગણા વૉલ્યુમે ૧૪ ટકાની આગેકૂચમાં ૧૯૨ થઈ છે. બંધન બૅન્ક ૫.૨ ટકા, RBL બૅન્ક પાંચ ટકા, તામિલનાડુ બૅન્ક ૪.૬ ટકા, જના સ્મૉલ ફાઇ. બૅન્ક ૪.૩ ટકા, ઇક્વિટાસ બૅન્ક ૫.૧ ટકા, ઉજજીવન બૅન્ક ૪.૪ ટકા, સૂર્યોદય બૅન્ક ચાર ટકા, કરૂર વૈશ્ય ૩.૨ ટકા ઝમકમાં હતી. ફ્રન્ટલાઇનમાં HDFC બૅન્ક પોણો ટકો, ICICI બૅન્ક દોઢ ટકો, ઍક્સિસ બૅન્ક ૧.૯ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૪ ટકા વધતાં સેન્સેક્સને કુલ ૩૧૫ પૉઇન્ટ લાભ થયો હતો. કોટક મહિન્દ્ર બૅન્ક નજીવા સુધારે ૩૭૮ હતી. ઇન્ડસઇડ બૅન્ક ૧૦૧૪ના લેવલે ફ્લૅટ રહી છે.  

આનંદરાઠી વેલ્થ રિઝલ્ટ પાછળ નવા શિખરે

મુંબઈની ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ એક શૅરદીઠ ૩ બોનસ શૅરમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે ઉપર ૩૭૯ થઈ ૧૯.૯ ટકા ઊછળી ૩૭૯ રહી છે. સિટી ગ્રુપ દ્વારા ૭૫૦ના ટાર્ગેટ પ્રાઇસથી સ્ટ્રૉન્ગ બુલિશ વ્યુ જારી થવાના પગલે ડિમાન્ડમાં આવેલી કલ્યાણ જ્વેલર્સ આગલા દિવસની ૧૮.૮ ટકાની તેજી બાદ ગઈ કાલે ઉપરમાં ૪૮૩ થઈ ૭ ટકા વધી ૪૭૬ હતી તો ૧૯ માસની ટૉપ બનાવી ૧૫ ટકાના જમ્પમાં ૨૩૨ બંધ રહેલી TBZ ગઈ કાલે ઉપરમાં ૨૪૧ બનાવી પોણાબે ટકા ઘટી ૨૨૮ હતી. થંગમયિલ જ્વેલરી એક ટકો ઘટી ૬૫૨૪ થઈ છે. અન્યમાં એસ. જે. કૉર્પ પાંચ ટકા, ડી. પી. આભૂષણ ૪ ટકા, સેન્કો ગોલ્ડ ૩.૯ ટકા, PNGS રેવા ડાયમન્ડ બે ટકા, અજાનયી જ્વેલર્સ ૧.૯ ટકા, વૈભવ ગ્લોબલ બે ટકા વધી છે. PNGS ગાર્ગી ૮૧૮ થઈ ૪ ટકા ઊંચકાઈ ૭૯૯ હતી. 
અમદાવાદની મંગલમ વર્લ્ડવાઇડ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ૪૨ની નવી ટોચે જઇ એક ટકો ઘટી ૩૭ બંધ હતી. મુંબઈની જી.એમ. બ્રુઅરીઝે જૂન ક્વૉર્ટરમાં ૨૬ ટકા જેવા વધારામાં ૮૦૩ કરોડ આવક પર ૪૬ ટકાના વૃદ્ધિદરથી ૩૭૭૪ લાખનો નેટ નફો મેળવ્યો છે. શૅર ગઈ કાલે ઉપર ૯૮૦ થઈ ૨.૭ ટકા ઘટી ૯૪૧ હતો. આનંદરાઠી વેલ્થ દ્વારા ત્રિમાસિક ગાળામાં ૧૮ ટકા વધારામાં ૩૩૬ કરોડની આવક પર ૨૪ ટકા વૃદ્ધિદરથી ૧૧૬ કરોડ નેટ પ્રૉફિટ બતાવાયો છે. શૅર ઉપરમાં ૨૨૧૫ની ટૉપ બનાવી અઢી ટકા વધી ૨૧૫૦ થયો છે. એલિકોન એન્જિનિયરિંગની ત્રિમાસિક આવક છ ટકા વધી ૫૨૧ કરોડ થઈ છે, પણ નફો ૬૦ ટકા ગગડીને ૭૦૪૦ લાખ રહ્યો છે. શૅર ૫૨૨ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૪૮૨ થયા બાદ અડધો ટકો ઘટીને ૫૧૦ બંધ થયો છે. 

સેન્સેક્સમાં રિલાયન્સ, નિફ્ટીમાં જિયો ફાઇનૅન્શિયલ બેસ્ટ ગેઇનર બની

ગઈ કાલે નિફ્ટી ખાતે જિયો ફાઇનૅન્શિયલ ઉપર ૨૪૪ નજીક જઈ ૩.૭ ટકા વધી ૨૪૨ બંધમાં ઝળકી છે. એનાં રિઝલ્ટ્સ ૧૬ જુલાઈએ છે. એની પેરન્ટ્સ રિલાયન્સ ૨.૩ ટકા વધી ૧૩૦૯ બંધમાં બજારને ૧૬૬ પૉઇન્ટ ફળી છે. HDFC લાઇફ ૨.૯ ટકાની આગેકૂચમાં ૫૬૮ હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ ઉપરમાં ૩૧૮૩ થઈ ૨.૪ ટકાની મજબૂતીમાં ૩૧૫૭ હતી. અદાણી પોર્ટ્સ દોઢ ટકો વધી ૧૮૨૮ રહી છે. SBI લાઇફ બે ટકા વધીને ૧૮૬૦ હતી. LIC એક ટકો સુધરી છે. મૅક્સ ફાઇનૅન્શિયલ ૩.૫ ટકા ઊંચકાઈ ૧૬૩૨ હતી.

ધારણા કરતાં સારાં પરિણામો પાછળ TCS પ્રારંભિક જોશમાં ૨૧૩૨ બતાવી છેલ્લે એક ટકો વધી ૨૦૬૯ બંધ આવી છે. TCSનાં રિઝલ્ટ્સ પાછળ ITમાં માનસ સુધર્યું હતું. સરવાળે ટેક મહિન્દ્ર ૨.૨ ટકા, ઇન્ફોસિસ ૧.૭ ટકા, HCL ટેક્નોલૉજીસ દોઢ ટકો, વિપ્રો દોઢ ટકો પ્લસ હતા. લાર્સન માઇન્ડ ટ્રી પાંચેક ટકા કે ૧૮૮ રૂપિયા ઊંચકાઈ છે. IT બેન્ચમાર્ક બે ટકા કે ૫૩૬ પૉઇન્ટ વધ્યો છે. સાઇડ શૅરમાં ઝેનસાર ટેક્નોલૉજીસ ૧૩.૮ ટકા, ન્યુજેન સૉફ્ટવેર ૯.૫ ટકા, આઇવૅલ્યુ ૬.૧ ટકા, હૅપીએસ્ટ માઇન્ડ ૫.૭ ટકા, બિરલા સૉફ્ટ ૫.૬ ટકા, તાન્લા પ્લૅટફૉર્મ ૫.૬ ટકા, ઈમુદ્રા ૪.૭ ટકા, સાસ્કેન પાંચ ટકા, ઇન્ફોબીન ૪.૬ ટકા, સુબેક્સ પાંચ ટકા, ઑરેકલ ૪.૮ ટકા કે ૫૩૫ રૂપિયા વધી હતી. પર્સિસ્ટન્ટ ૪.૨ ટકા ઊંચકાઈ ૫૦૩૩ થઈ છે. સેન્સેક્સ નિફ્ટી ખાતે અન્યમાં તાતા સ્ટીલ, બજાજ ફાઇનૅન્સ, અલ્ટ્રાટેક, ઇન્ડિગો, લાર્સન, મહિન્દ્ર, તાતા મોટર્સ પૅસેન્જર, JSW સ્ટીલ સવાથી પોણાબે ટકા વધ્યા હતા. ભારત ઇલે. ૨.૨ ટકા વધી ૪૧૫ હતી. ડૉ. રેડ્ડીઝ લૅબ નરમાઈની હૅટ-ટ્રિકમાં બે ટકા બગડી ૧૨૪૪ બંધમાં નિફ્ટીમાં ટૉપ લૂઝર હતી. એટર્નલ એકાદ ટકા ઢીલી થઈ છે. 

આઇ. સી. ઇલેક્ટ્રિકલ્સમાં ૭૬ ટકાનો દમદાર લિસ્ટિંગ ગેઇન છૂટ્યો

ગઈ કાલે SME સેગમેન્ટમાં નવી દિલ્હીની આઇ. સી. ઇલેક્ટ્રિકલ્સ ૧૦ના શૅરદીઠ ૯૯ની ઇશ્યુપ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે ૨૮થી શરૂ થઈ ઉપરમાં પંચાવન થયા બાદ છેલ્લે બોલાતા ૪૨ના પ્રીમિયમ સામે NSEમાં ૧૬૬ ખૂલી ૧૭૪ બંધ રહેતાં ૭૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૪૮ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૩૭૨ ગણા સહિત કુલ ૪૨૦ ગણો છલકાયો હતો.

મેઇન બોર્ડમાં મુંબઈના વિલે પાર્લે વેસ્ટની કુસુમગર લિમિટેડનો એકના શૅરદીઠ ૪૧૯ના ભાવનો ૬૫૦ કરોડનો પ્યૉર OFS IPO ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૨૮ ગણા સહિત કુલ ૧૩૬ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૫૮ ચાલે છે. ચાલુ ભરણામાં મેઇન બોર્ડની કલકત્તા ખાતેની લેસર પાવરનો પાંચના શૅરદીઠ ૨૧૪ના ભાવનો કુલ ૭૪૨ કરોડનો ઇશ્યુ સોમવારે પૂરો થશે. ભરણું બીજા દિવસના અંતે કુલ એક ગણું ભરાયું છે. પ્રીમિયમ વધીને ૩૫ થયું છે. SME સેગમેન્ટમાં સુરેન્દ્રનગરની દેવસન કૅટલિસ્ટનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ની અપરબૅન્ડ સાથે ૪૨ કરોડનો BSE SME ઇશ્યુ અત્યાર સુધીમાં કુલ ૨૯ ગણો તથા લુધિયાણાની હૅપી સ્ટીલ્સનો ૧૦ના શૅરદીઠ ૬૬ના ભાવનો આશરે ૨૪ કરોડનો NSE SME ઇશ્યુ ત્રણગણો ભરાયો છે. બન્ને ભરણાં ૧૩ જુલાઈએ એટલે કે સોમવારે બંધ થશે. હાલ દેવસનમાં ૪૫ રૂપિયા તથા હૅપી સ્ટીલ્સમાં પાંચ રૂપિયા પ્રીમિયમ બોલાય છે.

તાજેતરમાં લિસ્ટેડ થયેલાં ભરણાંમાં નેક પૅકેજિંગ ગઈ કાલે ૮ ટકા વધી ૨૧૦, તેજા એન્જિનિયરિંગ પાંચ ટકા વધી ૪૯૯, સીમેક્સ રિસોર્સિસ પાંચ ટકા ગગડી ૯૨, વિનીત મોબાઇલ પાંચ ટકા તૂટી ૧૨૬ બંધ રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 08:12 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK