દિલ્હીના લાલ કિલ્લાને બૉમ્બથી ઉડાવવાની ધમકી આપતો ફોન કૉલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. તપાસમાં આ કૉલ ખોટું હોવાનું સામે આવ્યું છે. પોલીસે લાલ કિલ્લા અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા તપાસ હાથ ધરી હતી.
લાલ કિલ્લાની ફાઇલ તસવીર
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાને બૉમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે મુંબઈ પોલીસને એક ફોન કૉલ મળ્યો હતો, જેના બાદ પછી સુરક્ષા એજન્સીઓ વધુ ઍલર્ટ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને લાલ કિલ્લાને બૉમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. કૉલ મળ્યા બાદ મુંબઈ પોલીસે તરત જ આ માહિતી દિલ્હી પોલીસના કંટ્રોલ રૂમને આપી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે આ માહિતી ઉત્તર જિલ્લા પોલીસ સાથે શૅર કરી અને તપાસ શરૂ કરી હતી. જોકે, પ્રાથમિક તપાસ બાદ આ ધમકીભર્યો ફોન ખોટો (હોક્સ કૉલ) હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી મળતા જ ઉત્તર જિલ્લા પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સુરક્ષાકર્મીઓએ સંપૂર્ણ વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ કે ખતરો મળી આવ્યો નહીં. તપાસ બાદ પોલીસે આ ફોન કૉલને ખોટો ગણાવ્યો હતો. આ પહેલી વાર નથી કે દિલ્હીના કોઈ મહત્ત્વના સ્થળને આવી ધમકી મળી હોય. તાજેતરના દિવસોમાં દિલ્હી સ્થિત કોર્ટ અને સરકારી ઇમારતો સહિતના ઘણા મહત્ત્વના સ્થળોને પણ બૉમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી ચૂકી છે.
ADVERTISEMENT
લાલ કિલ્લાને અગાઉ પણ મળી ચૂકી છે ધમકીઓ
દિલ્હીનો ઐતિહાસિક લાલ કિલ્લો દેશની ઓળખ સાથે જોડાયેલું મહત્ત્વનું સ્થળ છે. આ કારણે આતંકી ધમકીઓ અને સુરક્ષા સંબંધિત મામલાઓમાં લાલ કિલ્લો હંમેશા સુરક્ષા એજન્સીઓના નિશાને રહ્યો છે. લાલ કિલ્લાને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ જુદા-જુદા સમયે ફોન કૉલ, ઈમેલ અને અન્ય માધ્યમો દ્વારા લાલ કિલ્લાને નુકસાન પહોંચાડવાની ધમકીઓ મળી ચૂકી છે. વર્ષ 2024માં પણ લાલ કિલ્લાને બૉમ્બથી ઉડાવવાની ધમકી આપતો એક કૉલ આવ્યો હતો. આ પછી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તરત તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કોઈ ખતરો કે શંકાસ્પદ વસ્તુ મળી નહોતી અને આ ધમકી ખોટી હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય દિલ્હી સ્થિત કોર્ટ, સરકારી ઇમારતો અને અન્ય મહત્ત્વના સ્થળોને પણ અગાઉ બૉમ્બ ધમકીઓ મળી ચૂકી છે. આવી ઘટનાઓ બાદ સુરક્ષા એજન્સીઓ દરેક માહિતીની ગંભીરતાથી તપાસ કરે છે. લાલ કિલ્લા પર દર વર્ષે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનું આયોજન થતું હોવાથી તેની સુરક્ષા પહેલેથી જ ખૂબ કડક રાખવામાં આવે છે. કોઈપણ ધમકી મળ્યા બાદ પોલીસ વધારાની તપાસ કરીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આવી ખોટી ધમકીઓ ઘણી વખત માત્ર ભય ફેલાવવાનો પ્રયાસ હોય છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ દરેક કૉલને ગંભીરતાથી લઈને સંપૂર્ણ તપાસ કરે છે.
