Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BESTની બસ સિગ્નલ પર ઊભેલાં વાહનોમાં ઘૂસી ગઈ, એક પછી એક ૧૪ વાહનોને અડફેટે લીધાં

BESTની બસ સિગ્નલ પર ઊભેલાં વાહનોમાં ઘૂસી ગઈ, એક પછી એક ૧૪ વાહનોને અડફેટે લીધાં

Published : 11 July, 2026 10:27 AM | IST | Mumbai
Rajendra B Aklekar

૬ લોકો ઘાયલ, ડ્રાઇવર અને કન્ડક્ટરની અટકાયત, બ્રેક ફેલનું કારણ અપાયું

આ ઘટના અંબોલી નજીક બની હતી (તસવીર : સાર્થક મહેતા)

આ ઘટના અંબોલી નજીક બની હતી (તસવીર : સાર્થક મહેતા)


અંધેરી-વેસ્ટમાં સબવે પાસે આંબોલીમાં શુક્રવારે સાંજે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની CNG બસનો ભયંકર અકસ્માત થયો હતો. આ બસે એક પછી એક ૧૪ વાહનોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં ૬ લોકો ઘાયલ થયા છે.

શુક્રવારે બપોરે ૩.૪૦ વાગ્યાની આસપાસ રૂટ-નંબર ૨૪૨ની CNG વેટ-લીઝ બસ સાન્તાક્રુઝ ડેપો તરફ જતી હતી ત્યારે એસ. વી. રોડ પર રાઇટ ટર્ન લેવા જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને સિગ્નલને લીધે રસ્તા પર ઊભેલાં ૧૪ વાહનોને ટક્કર મારી હતી. ડી. એન. નગર પોલીસના જણાવ્યા અનુસાર ૪ કાર, ૯ રિક્ષા અને એક લોડિંગ વ્હીકલને આ અકસ્માતમાં ભારે નુકસાન થયું હતું. સદ્નસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રસ્તા પરથી જતા બે રાહદારીઓને વધુ ઈજા થઈ હતી અને તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજા થઈ હતી.



ડી. એન. નગર ટ્રાફિક-પોલીસના અધિકારીઓએ ઘટનાસ્થળે ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો. બે કલાક બાદ આ રૂટ પર ટ્રાફિક સામાન્ય બન્યો હતો.


ડ્રાઇવર-કન્ડક્ટરની અટકાયત

બસ-ડ્રાઇવર, સાહિલ સાવંત અને કન્ડક્ટર કિરણ ચૌહાણને પૂછપરછ માટે ડી. એન. નગર પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના નિવેદન અને CCTV કૅમેરાના ફુટેજના આધારે તપાસ બાદ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવશે.


બસે પહેલાં રાહદારીઓને ટક્કર મારી

પ્રત્યક્ષદર્શી લવકુશ દુબેએ કહ્યું હતું કે ‘અકસ્માત થયો ત્યારે હું સામેના રોડ પર હતો. સ્પીડમાં આવતી બસે પહેલાં રાહદારીઓને અડફેટે લીધા હતા અને પછી સિગ્નલ પર ઊભેલાં વાહનોને ટક્કર મારતી આગળ વધી હતી.’

રિક્ષા તો રિપેર પણ નહીં થાય : ડ્રાઇવર

અકસ્માતગ્રસ્ત રિક્ષાના ડ્રાઇવરે કહ્યું હતું કે ‘૨૦૦૯થી હું રિક્ષા ચલાવું છું. આવો અકસ્માત ક્યારેય નથી જોયો. એક પછી એક વાહનોને આ બસ અડફેટે લેતી જ ગઈ. મારી રિક્ષાનો તો ભુક્કો બોલાઈ ગયો છે. રિપેર પણ નહીં થાય એવી સ્થિતિ છે.’ 

 

- સાર્થક મહેતા અને રાજેન્દ્ર બી. અકલેકર

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 10:27 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK