ભણસાલી પ્રોડક્શન્સમાં ૩૨૫ કરોડના રોકાણથી ૪૯.૯ ટકા હિસ્સો લેવાની યોજનામાં સારેગામા ગગડી: પ્રમોટર્સના વેચાણ પાછળ ઓલા ઇલેક્ટ્રિક નવા ઑલટાઇમ તળિયે ગઈ : હિન્દુસ્તાન ઝિન્કમાં સતત નવાં શિખર, વેદાન્તા ઑલટાઇમ હાઈ : રિલાયન્સ ઇન્ફ્રામાં ઉપલી સર્કિટની હૅટ-ટ્રિક
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- સરકારના ડાઇવેસ્ટમેન્ટમાં ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક સવાછ ટકા ડૂલ
- અદાણી એન્ટરપ્રાઇઝનો પાર્ટપેઇડ તળિયે, ઇન્ડિયા સિમેન્ટ્સ વૉલ્યુમ સાથે સર્વોચ્ચ સપાટીએ બંધ
- મીશો લિમિટેડ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૧૬ના બેસ્ટ લેવલે
અમેરિકા ખાતે જૉબડેટા નબળા આવ્યા છે. ગયા મહિને બેરોજગારીનો વૃદ્ધિદર સાડાચાર ટકાથી વધુ નોંધાયો છે. જોકે ત્યાં ઑક્ટોબરથી શરૂ થયેલું ૪૧ દિવસનું શટડાઉન મિડ નવેમ્બર સુધી ચાલ્યું હતું. એ સંદર્ભમાં જોઈએ તો આ આંકડો એટલો ખરાબ ન કહી શકાય. હવે આજે ઇન્ફલેશનના ડેટા જાહેર થવાના છે એના ઉપર નજર છે. વિશ્વબજારમાં ક્રૂડ પ્રેશરમાં છે. બ્રૅન્ટ ક્રૂડ પોણાત્રણેક ટકા ઘટી ૫૮.૭૦ ડૉલર થયું છે જે ફેબ્રુઆરી ૨૦૨૧ પછીની બૉટમ છે. નાઇમેક્સ ક્રૂડ ૫૫ ડૉલર આસપાસ પહોંચી ગયું છે. જૉબડેટાના અફસોસમાં અમેરિકન ડાઉ મંગળવારની રાત્રે ૪૮ની અંદર જઈને છેવટે ૩૦૨ પૉઇન્ટ ઘટી ૪૮,૧૧૪ બંધ હતો. બે દિવસની નબળાઈ બાદ બુધવારે એશિયન બજારો મિશ્ર વલણમાં હતાં. ચાઇનીઝ શૅરબજાર સવા ટકો વધીને ૩૮૭૦ થયું છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં અહીં ૧૮.૬ ટકાનો વધારો થયો છે. સાઉથ કોરિયન માર્કેટ દોઢ ટકો, હૉન્ગકૉન્ગ પોણો ટકો તથા જપાન સાધારણ પ્લસ હતા. સિંગાપોર, તાઇવાન, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા નહીંવત્થી સામાન્ય નરમ હતા. યુરોપમાં લંડન ફુત્સી રનિંગમાં દોઢ ટકાની મજબૂતીમાં ૯૮૩૬ થયો છે અન્ય માર્કેટ સાધારણથી અડધા ટકા જેવા ઉપર ચાલતાં હતાં. બિટકૉઇન દિશાહીન ચાલમાં દોઢ ટકો ઘટી ૮૬,૪૯૦ ડૉલર દેખાયો છે.
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૭૬ પૉઇન્ટ પ્લસ, ૮૪,૮૫૬ ખૂલીને ઉપરમાં ૮૪,૮૮૯ વટાવી ગયો ત્યારે લાગતું હતું કે બુધવાર સુધારામાં જશે, પરંતુ આ શરૂનો સુધારો ઊભરા જેવો નીવડ્યો હતો. બજાર ઝડપથી રેડઝોનમાં ઊતરીને આખો દિવસ ત્યાં રહી નીચામાં ૮૪,૪૧૬ થઈને છેવટે ૧૨૦ પૉઇન્ટ ઘટી ૮૪,૫૬૦ નજીક તો નિફ્ટી ૪૧ પૉઇન્ટ ઘટી ૨૫,૮૧૮ બંધ રહ્યો હતો. માર્કેટ બ્રેડ્થ બગડેલી જ રહી છે. NSEમાં વધેલા ૧૦૫૫ શૅર સામે ૨૦૮૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ વધુ ૧.૬૨ લાખ કરોડના ઘટાડામાં ૪૬૬.૦૨ લાખ કરોડે આવી ગયું છે. એનર્જી, IT, મેટલ, ટેક્નૉલૉજીઝ, ઑઇલ-ગૅસ જેવા ગણતરીના બેન્ચમાર્ક ઘણા નાના કે સીમિત સુધારે બંધ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી સર્વાધિક સવા ટકો મજબૂત હતો. જોકે એના બારમાંથી ૬ શૅર જ પ્લસ હતા. કૅનેરા બૅન્ક એમાં સૌથી વધુ બે ટકા વધીને ૧૫૦ રહી હતી. સામે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એકાદ ટકો, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક પોણા ટકાથી વધુ, નિફ્ટી ડિફેન્સ એક ટકાથી વધુ, પાવર-હેલ્થકૅર-ફાઇનૅન્સ તથા FMCG અડધા ટકા આસપાસ માઇનસ થયા છે.
ADVERTISEMENT
ઍક્ઝોનોબલ ઐતિહાસિક ૪૯૧ના કડાકામાં એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બની છે. શક્તિ પમ્પ્સ સવાનવ ટકા, રિફેક્સ ઇન્ડસ્ટ્રીઝ સવાઆઠ ટકા, સારેગામા સાડાછ ટકા ડૂલ થઈ છે. કૃષિવલ ફૂડ્સ એક્સ રાઇટ થતાં સવાઆઠ ટકા તૂટીને ૪૨૬ બંધ આવી છે. એ-વન લિમિટેડ ઉપલી સર્કિટની હૅટ-ટ્રિક બાદ ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૯૫૨ હતી. અદાણીની NDTV આગલા દિવસની પોણાબાર ટકા તેજી બાદ ગઈ કાલે સવાત્રણ ટકા ઘટી ૮૯ થઈ છે. ACC ૧૭૫૪ની લગભગ અઢી વર્ષની નવી બૉટમ બનાવી વધુ અડધો ટકો ઘટી ૧૭૬૦ હતી. BSE ખાતે ગઈ કાલે ભાવની રીતે બાસ્ફ, બાટા ઇન્ડિયા, બ્લુ ડાર્ટ, કૉલગેટ, કૉન્ફોર્ડ બાયો, કૉમ્પ્ટન, DCX ઇન્ડિયા, દિસા ઇન્ડિયા, ઇમુદ્રા, હેપ્પીએસ્ટ માઇન્ડ, HFCL, જ્યુબિલન્ટ ફૂડ્સ, મેનકાઇન્ડ ફાર્મા, લિબર્ટી શૂઝ, નોસિલ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, પાવર ફાઇનૅન્સ, પિરામલ ફાર્મા, RPP ઇન્ફ્રા પ્રોજેક્ટસ, SKF ઇન્ડિયા, સનોફી, સુલાવાઇન યાર્ડ જેવી જાણીતી કંપનીઓ સહિત ૧૯૬ શૅર નવા ઐતિહાસિક તળિયે ગયા હતા.
નેફ્રોકૅરનું સાધારણ તથા પાર્ક મેડિવર્લ્ડનું નબળું લિસ્ટિંગ
ગઈ કાલે હૈદરાબાદી નેફ્રોકૅર હેલ્થ સર્વિસિસ બેના શૅરદીઠ ૪૬૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૨૦થી શરૂ થયા બાદ નીચામાં ૧૧ બતાવી છેલ્લે ચાલતા ૩૭ના પ્રીમિયમ ચાલે ૪૯૨ ખૂલી ૪૭૧ બંધ થતાં અઢી ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. નવી દિલ્હીની પાર્ક મેડિવર્લ્ડ બેના શૅરદીઠ ૧૬૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ૩૦થી શરૂ થઈ ઉપરમાં ૩૩ થયા બાદ ગગડી પાંચ થઈ ગયેલા પ્રીમિયમ સામે ૧૫૫ ખૂલી ૧૪૮ બંધ રહેતા એમાં ૮.૬ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. આ ઉપરાંત SME સેગમેન્ટમાં કર્ણાટકાના હાવેરી ખાતેની યુનિસેમ ઍગ્રિટેક પાંચના શૅરદીઠ ૬૫ની ઇશ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે ૬૫ ખૂલી ૬૧.૭૫ બંધ થતાં અત્રે પાંચ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. મૅન્ગલોર ખાતેની શિપવેવ્સ ઑનલાઇન એકના શૅરદીઠ ૧૨ની ઇશ્યુ પ્રાઇસ અને એક જ દિવસ માટે ૪ રૂપિયા બોલાઈને ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૧૨ ખૂલી ૧૧.૪૦ બંધ રહેતાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ મળેલ છે. આજે SME કંપની પેજસન ઍગ્રો ઇન્ડિયા અને અમદાવાદી HRS ઍલ્યુગ્લેઝનું લિસ્ટિંગ છે. હાલ પેજસનમાં ગ્રેમાર્કેટમાં ૬ રૂપિયા તથા HRSમાં ૨૨ રૂપિયા પ્રીમિયમ બોલાય છે.
સંજય ભણસાલીએ પણ કરણ જોહર વાળી કરી છે. ચાલુ વર્ષના મધ્યમાં કરણ જોહરે તેની ધર્મા પ્રોડક્શન્સનો ૫૦ ટકા હિસ્સો આદર પૂનાવાલાને વેચી ૧૦૦૦ કરોડ ઊભા કરી લીધા હતા. હવે સંજય ભણસાલી તરફથી તેમની ભણસાલી પ્રોડક્શન્સનો કુલ મળીને ૪૯.૯ ટકા હિસ્સો આરપી-સંજીવ ગોયનકા ગ્રુપની સારેગામા ઇન્ડિયાને ૩૨૫ કરોડમાં વેચવાની યોજના જાહેર થઈ છે. સારેગામા ઇન્ડિયા ૩૨૫ કરોડ રૂપિયામાં ભણસાલી પ્રોડક્શન્સમાં ૯૯૬૦ જેટલા કમ્પલ્સરી કન્વર્ટિબલ પ્રેફરન્સ શૅર લેશે. ૨૦૨૮ સુધીમાં એનું કુલ કન્વર્ઝન થતાં કંપનીમાં એ ૪૯.૯ ટકા હિસ્સો મેળવશે, સારેગામાનો શૅર ગઈ કાલે નીચામાં ૩૪૭ થઈ સાડાછ ટકા તૂટીને ૩૫૫ બંધ થયો છે.
રિલાયન્સમાં ૧૮૪૭ના અપવર્ડ ટાર્ગેટ સાથે મૉર્ગન સ્ટૅનલી બુલિશ
મૉર્ગન સ્ટૅનલી તરફથી રિલાયન્સમાં ૧૭૦૧ની ટાર્ગેટ પ્રાઇસ ૧૮૪૭ કરી અપવર્ડ રિવિઝન સાથે ફરીથી બુલિશ વ્યુ જારી થયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૫૫૦ થઈને નહીંવત્ સુધરી ૧૫૪૪ બંધ થયો છે. જિયો ફાઇનૅન્સ અડધો ટકો ઘટીને ૨૯૩ હતી. શ્રીરામ ફાઇનૅન્સ દ્વારા રાઇટ સહિતના વિવિધ માર્ગે ભંડોળ ઊભું કરવા ૧૯મીએ બોર્ડમીટિંગ બોલાવાઈ છે. એમાં ભાવ ગઈ કાલે ૮૭૫ ઉપર નવી ઑલટાઇમ હાઈ બતાવી ૧.૯ ટકા વધીને ૮૬૪ નિફ્ટી ખાતે બંધ થયો છે. સેન્સેક્સ ખાતે સ્ટેટ બૅન્ક ૯૭૮ની ઇન્ટ્રા-ડે હાઈ દેખાડી દોઢ ટકા વધી ૯૬૪ રહી છે. આગલા દિવસના ૫ ટકાના ધબડકા બાદ ઍક્સિસ બૅન્ક અડધો ટકો સુધરી ૧૨૨૫ હતી. અન્યમાં હિન્દાલ્કો ૧.૪ ટકા, આઇશર મોટર્સ એક ટકા, વિપ્રો પોણો ટકો, ઇન્ફી અડધો ટકો વધ્યા છે.
મેક્સ હેલ્થકૅર ચારેક ટકા ગગડી ૧૦૩૧ના બંધમાં નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોર્મર બની છે. HDFC લાઇફ ૧.૪ ટકા, SBI લાઇફ સવા ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૧.૮ ટકા, ટ્રેન્ટ ૧.૬ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૯ ટકા, બજાજ ઑટો સવા ટકો, અદાણી એન્ટર અડધો ટકો ડાઉન હતા. અદાણી એન્ટર.નો પાર્ટપેઇડ ૧૩૦૦ના બૉટમે જઈને ૧.૩ ટકા ઘટીને ૧૩૧૨ હતો. HDFC બૅન્ક બમણા કામકાજમાં નીચામાં ૯૮૧ થઈ એક ટકો ઘટીને ૯૮૪ બંધમાં બજારને ૧૨૭ પૉઇન્ટ તો ICICI બૅન્ક એક ટકો ઘટીને ૧૩૫૩ બંધમાં ૮૯ પૉઇન્ટ નડી છે.
તાજેતરમાં લિસ્ટેડ થયેલી મીશો લિમિટેડ દોઢા કામકાજે તેજીની ચાલ આગળ વધારતાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૧૬ પ્લસની ઑલટાઇમ હાઈ બતાવી ત્યાં જ બંધ થઈ છે. ખોટ કરતી આ કંપની એકના શૅરદીઠ ૧૧૧ના ભાવથી ૫૪૨૧ કરોડનો ઇશ્યુ લાવી હતી. ૧૦મીએ લિસ્ટિંગમાં ભાવ ૧૬૧ ખૂલી ૧૭૦ બંધ થયો હતો. દિલ્હી પોલીસ દ્વારા એક્સ પ્રમોટર સામે નવો એફઆઇઆર દાખલ થતાં સમ્માન કૅપિટલ ૧૫૩ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૪૧ થઈ પોણો ટકો ઘટી ૧૪૬ રહી છે.
ઇન્ડિયા સિમેન્ટ્સ પાંચ ગણા કામકાજે ૪૪૭ની વિક્રમી સપાટી હાંસલ કરીને ૯.૫ ટકાના ઉછાળે ૪૪૭ બંધ આપીને એ-ગ્રુપમાં ઝળકી છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ ભાવ ૨૩૯ના તળિયે હતો. નવી તાતા મોટર્સ એટલે કે તાતા મોટર્સ કૉમર્શિયલ ૩૯૭ ઉપર નવી ઑલટાઇમ હાઈ બનાવી નજીવી ઘટી ૩૮૭ રહી છે. તાતા મોટર્સ પૅસેન્જર નજીવી સુધરીને ૩૪૬ હતી.
ઉદયપુરની ફાઇટોકેમ રેમેડીઝનો ૯૮ના ભાવનો SME ઇશ્યુ આજે
આજે રાજસ્થાનના ઉદયપુર ખાતેની ફાઇટોકેમ રેમેડીઝ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવથી ૩૮૨૨ લાખ રૂપિયાનો BSE SME IPO કરવાની છે. ૨૦૦૨માં સ્થપાયેલી આ કંપની કોરુગેટેડ બૉક્સ તેમ જ કોરુગેટેડ બોર્ડ્સ અને સંબંધિત પૅકેજિંગ મટીરિયલ્સ બનાવે છે. કંપનીએ ગયા વર્ષે ૧૨ ટકા વધારામાં ૩૬૮૧ લાખની આવક ઉપર ૯૪ ટકા વૃદ્ધિદરથી ૪૪૮ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૨૫૦૧ લાખ તથા ચોખ્ખો નફો ૩૭૫ લાખ કર્યો છે. દેવું ૧૯૩૨ લાખ છે. છેલ્લા દોઢ વર્ષમાં જે નફો બતાવ્યો છે એ શંકાસ્પદ છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર દોઢથી ચાર રૂપિયાની છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૧૭૮ લાખ થશે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૫.૮નો પીઇ સૂચવે છે. ગ્રેમાર્કેટમાં હાલ પ્રીમિયમ નથી.
મેઇન બોર્ડમાં પુણેની KSH ઇન્ટરનૅશનલનો પાંચના શૅરદીઠ ૩૮૪ની અપર બૅન્ડમાં ૭૧૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ત્રીસેક ટકા ભરાયો છે. પ્રીમિયમ નથી. SME સેગમેન્ટમાં કચ્છની નેપ્ચ્યુન લૉજિટેકનો ૧૦ના શૅરદીઠ ૧૨૬ના ભાવનો BSE SME IPO એના છેલ્લા દિવસે રીટેલમાં ૩ ગણા સહિત કુલ ૧.૭ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ ઝીરો થઈ ગયું છે. તો ગઈ કાલે બીજા દિવસના અંતે હરિયાણાના ગુડગાંવની માર્ક ટેક્નોક્રેટ્સનો ૧૦ના શૅરદીઠ ૯૩ની અપરબૅન્ડમાં ૪૨૫૯ લાખનો NSE SME ઇશ્યુ રીટેલમાં એક ગણા સહિત કુલ ૬૫ ટકા ભરાયો છે. જ્યારે મુંબઈના અંધેરી ઈસ્ટની ગ્લોબલ ઓસિયન લૉજિસ્ટિક્સનો ૧૦ના શૅરદીઠ ૭૮ના ભાવનો ૩૦૪૧ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૨૮ ટકા સહિત કુલ ૧.૪ ગણો ભરાયો છે. બન્ને ભરણાં શુક્રવારે બંધ થશે. હાલ ગ્લોબલમાં ઝીરો તેમ જ માર્ક ટેક્નોક્રેટ્સમાં પણ ઝીરો પ્રીમિયમ છે.
ઍક્ઝોનોબલ પોણાછ વર્ષનો મોટો કડાકો દેખાડી ૪૯૧ રૂપિયા તૂટી
ઓલા ઇલેક્ટ્રિકના CMD ભાવિશ અગરવાલે પ્રમોટર્સ તરીકે લીધેલી ૨૬૦ કરોડની લોન ચૂકવવા શૅરદીઠ ૩૫ નજીકના ભાવથી ૨.૬ ટકા માલ આશરે ૯૨ કરોડમાં મંગળવારે બ્લૉકડીલમાં વેચ્યો હોવાના અહેવાલ છે. જ્યારે કંપનીનો IPO આવ્યો હતો ત્યારે આ માણસે ૩.૬ ટકા હોલ્ડિંગ શૅરદીઠ ૭૬ના ભાવે રોકાણકારોને પધરાવ્યું હતું. હવે એનાથી અડધા ભાવે માલ વેચાઈ રહ્યો છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે કંપનીમાં ભાવિશનું હોલ્ડિંગ ૩૦ ટકા હતું એમાં હવે ૨.૬ ટકાનો ઘટાડો થશે. ૧૦ ટકાથી વધુ માલ ગિરવે મૂકેલો છે. ઓલા ઇલેક્ટ્રિકનો શૅર મંગળવારે પોણાઆઠ ટકા તૂટી એ-ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો હતો. ભાવ ગઈ કાલે ૩૨.૬૮ના વર્સ્ટ લેવલે જઈને ૪.૬ ટકા ગગડી ૩૩ નજીક રહ્યો છે.
ઍક્ઝોનોબલમાં વિદેશી પ્રમોટર તરફથી શૅરદીઠ ૩૧૫૦ના ભાવથી ૪૧ લાખ શૅર કે ૯ ટકા હોલ્ડિંગ બ્લૉક ડીલ મારફત વેચીને ૧૩૦૦ કરોડની રોકડી કરવામાં આવતાં શૅર નીચામાં ૩૦૮૦ થઈને ૧૩.૬ ટકા તૂટી ૩૧૩૨ બંધ થયો છે. ડીમર્જર માટે લીલી ઝંડી પછી વેદાન્તા બમણા કામકાજે ૫૮૦ની સર્વોચચ સપાટી નોંધાવી નહીંવત્ સુધરી ૫૭૦ રહી છે. હિન્દુસ્તાન ઝિન્ક ચાંદીના વધતા ભાવની હૂંફ જાળવી રાખતાં ૫૮૭ ઉપર નવી ઐતિહાસિક ટૉપ દેખાડીને ૧.૮ ટકા વધીને ૫૭૮ હતી. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કમાં ૯૪.૬ ટકાના હોલ્ડિંગમાંથી ૩ ટકા માલ ઑફર ફોર સેલ મારફત સરકારે વેચવા કાઢતાં ભાવ ગઈ કાલે ૬.૨ ટકા તૂટી ૩૪ બંધ આવ્યો છે.
ઇક્લેરેક્સ સર્વિસિસમાં ૪૫૦૦ની બાયબૅક પ્રાઇસ વધારીને ૪૮૦૦ કરવામાં આવતાં શૅર ઉપરમાં ૪૬૪૨ વટાવ્યા બાદ નજીવો ઘટીને ૪૪૬૫ નજીક થયો છે. નોમુરાએ ૨૩૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપતાં ઇન્દ્રપ્રસ્થગૅસ ૧૫ ગણા વૉલ્યુમમાં ૧૯૭ નજીક જઈને ૫.૨ ટકા ઊછળી ૧૯૩ રહ્યા છે. બહુલુવાલિયા કૉન્ટ્રૅક્ટ્સને બિહાર સ્ટેટ ટૂરિઝમ તરફથી ૮૮૮ કરોડનો ઑર્ડર મળતાં ભાવ ૨૮ ગણા કામકાજે ૧૦૨૨ નજીક જઈને અડધો ટકો સુધરી ૯૬૦ થયો છે. અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રા પાંચ ટકાની ઉપલી સર્કિટની હૅટ-ટ્રિક મારી ૧૫૭ વટાવી ગઈ છે. રિલાયન્સ પાવર ઉપરમાં ૩૭ની પાર થઈને ત્રણ ટકા વધીને ૩૬ નજીક હતી.


