Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વબજારોની નરમાઈ વચ્ચે સુસ્ત ચાલમાં ઘરઆંગણે શૅરબજાર નજીવા ઘટાડે ૬૬,૦૦૦ નીચે બંધ

વિશ્વબજારોની નરમાઈ વચ્ચે સુસ્ત ચાલમાં ઘરઆંગણે શૅરબજાર નજીવા ઘટાડે ૬૬,૦૦૦ નીચે બંધ

Published : 27 September, 2023 11:00 AM | IST | Mumbai
Anil Patel

કોલગેટ, જેએસડબ્લ્યુ એનર્જી, ચમનલાલ સટિયા મજબૂતી સાથે નવી ટોચે, ઈકેઆઇ એનર્જીમાં વધુ ૧૦ ટકાનો કડાકો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


એસએમઈ સેગમેન્ટમાં સેબીના સાહેબોને છેવટે સટ્ટાખોરી દેખાતાં સત્તાવાળા કડક બન્યા, એસએમઈ ઇન્ડેક્સ સવાત્રણ ટકા કે ૧૦૩૩ પૉઇન્ટ બગડ્યો : જામનગરની મધુસૂદન મસાલામાં ૬૩ ટકાનો લિસ્ટિંગ ગેઇન, પાલઘરની કુંદન એડીફાઇસમાં લિસ્ટિંગ લૉસ : લક્ષ્મી ઑટોમૅટિક લૂમ્સ ૨૦ ટકા ઊછળી નવી ટોચે, ભાવ ૯ માસમાં ત્રણ ગણો થયો : કોચીન શિપયાર્ડ, ગાર્ડનરિચ અને મઝગાંવ ડૉક નરમ બજારે ઝળક્યા : કોલગેટ, જેએસડબ્લ્યુ એનર્જી, ચમનલાલ સટિયા મજબૂતી સાથે નવી ટોચે, ઈકેઆઇ એનર્જીમાં વધુ ૧૦ ટકાનો કડાકો : પ્રમોટર્સ રોકડી કરતાં વૉલ્ટેમ્પ ટ્રાન્સફૉર્મર્સમાં ૨૮૪નું ગાબડું : માર્કેટ બ્રેડ્થ નેગેટિવ


ગ્રોથ રેટની વિમાસણમાં વૈશ્વિક બજારો ઢીલાં વલણમાં છે. તમામ અગ્રણી એશિયન બજારો મંગળવારે રેડ ઝોનમાં બંધ થયાં છે. હૉન્ગકૉન્ગ દોઢ ટકો, સાઉથ કોરિયા સવા ટકાથી વધુ, જપાન, તાઇવાન, ઇન્ડોનેશિયા તથા થાઇલૅન્ડ એક ટકાની આજુબાજુ, ચાઇના અડધા ટકા નજીક તો સિંગાપોર નહીંવત ઘટ્યું. યુરોપ ખાતે લંડન બજાર રનિંગમાં ફ્લૅટ હતું, અન્યત્ર અડધા-પોણા ટકાની નરમાઈ દેખાઈ છે. ક્રૂડ ઘટીને ૯૩ ડૉલરની અંદર આવી ગયું છે. અમેરિકન ડૉલર સેફ હેવનની ફિલિંગમાં મજબૂત થતો જાય છે.



ઘરઆંગણે સેન્સેક્સ ચાર દિવસની નબળાઈમાં વિરામ લીધા બાદ મંગળવારે ૭૮ પૉઇન્ટ ઘટી ૬૫,૯૪૫ તથા નિફ્ટી ૧૦ પૉઇન્ટની પીછેહઠમાં ૧૯,૬૬૫ બંધ થયો છે. બજાર આગલા બંધથી માંડ ૫૦ પૉઇન્ટના સુધારે ૬૬,૦૭૨ નજીક ખૂલ્યા બાદ ઉપરમાં ૬૬,૦૭૮ બતાવી દિવસનો મોટો ભાગ માઇનસ ઝોનમાં રહ્યું હતું. દિવસ દરમ્યાન વધ-ઘટની રેન્જ માંડ ૨૧૨ પૉઇન્ટ જોવાઈ હતી, જેમાં સેન્સેક્સ નીચામાં ૬૫,૮૬૬ની અંદર ગયો હતો. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૨૪ પૉઇન્ટ જેવો સાધારણ વધ્યો છે, પણ મિડ કૅપ અને બ્રૉડર માર્કેટ નેગેટિવ બાયસ વચ્ચે ફ્લૅટ હતું. બહુમતી બેન્ચમાર્ક ઘટ્યા છે. જોકે બહુધા વધ-ઘટની માત્ર ઘણી સીમિત હતી. નિફ્ટી મીડિયા, પીએસયુ બૅન્ક નિફ્ટી, આઇટી જેવાં સેક્ટોરલ અડધો-પોણો ટકા નરમ હતાં. ટેલિકૉમ ઇન્ડેક્સ એકાદ ટકો વધ્યા છે. અન્ય સુધારો ઘણો સાંકડો હતો.


એસએમઈ સેગમેન્ટમાં સટ્ટાખોરી અને મૅનિપ્યુલેશન બેફામ બન્યા હોવાની સેબીના સાહેબોને હવે જાણ થઈ છે. સેબીની સૂચના મળતાં શૅરબજારના સત્તાવાળા પણ જાગ્યા છે, જેના ભાગરૂપ એસએમઈ સેગમેન્ટના શૅરોમાં પણ ઍડિશનલ સર્વિલીઅન્સ મિઝર્સ (એએસએમ) તથા ટ્રેડ-ટુ-ટ્રેડ સિસ્ટમ્સ જેવા અંકુશ લાદવાનું નક્કી કરાયું છે. આની અસરમાં બીએસઈનો એસએમઈ ઇન્ડેક્સ નીચામાં ૩૪,૫૩૧ બંધ આવ્યો છે. એના ૬૩માંથી ૧૧ શૅર સુધર્યા હતા. 

આઇશર અને નેસ્લે લાઇમ લાઇટમાં, રિલાયન્સ ફ્લૅટ, અદાણીમાં નરમાઈ


ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૬ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ શૅર પ્લસ હતા. નેસ્લે દોઢ ટકો કે ૩૨૭ રૂપિયા વધીને સેન્સેક્સ ખાતે તથા આઇશર અઢી ટકા કે ૮૫ રૂપિયા વધી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યા છે. તાતા સ્ટીલ બ્રોકરેજ હાઉસના અપગ્રેડિંગમાં સવા ટકો સુધરી ૧૨૯ નજીક ગયો છે. મહિન્દ્ર ૦.૭ ટકા, બજાજ ફાઇ. અડધો ટકો, હીરો મોટોકૉર્પ બે ટકા, બજાજ ઑટો સવા ટકો, ઓએનજીસી સવા ટકા નજીક, ગ્રાસિમ એક ટકા નજીક, ડિવીઝ લૅબ અને બ્રિટાનિયા ૦.૭ ટકા વધ્યા છે. રિલાયન્સ દોઢ રૂપિયાના પરચૂરણ સુધારામાં ૨૩૪૧ અને જિયો ફાઇ. ૨૩૦ના આગલા લેવલે ફ્લૅટ હતા.

ટેક મહિન્દ્ર અને ઇન્ડસઇન્ડ બૅન્ક સવા ટકો, ઇન્ફી એક ટકો, એશિયન પેઇન્ટ્સ ૦.૯ ટકા, ટાઇટન, કોટક બૅન્ક તથા આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકો, સિપ્લા ૧.૩ ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૦.૯ ટકા નરમ હતા. અદાણી એન્ટર એક ટકાના ઘટાડે ૨૪૫૭ રહ્યો છે. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પોર્ટ્સ અડધો ટકો, અદાણી પાવર પોણો ટકો, અદાણી ટ્રાન્સ દોઢ ટકો, અદાણી ગ્રીન અડધો ટકો, એનડીટીવી એકાદ ટકો ડાઉન હતા. અંબુજા સિમેન્ટ્સ પોણાબે ટકા નજીક, એસીસી પોણા ટકા નજીક, અદાણી વિલ્મર અડધા ટકા નજીક અને અદાણી ટોટલ નહીંવત પ્લસ હતા. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલાં ૯૫૨ કાઉન્ટર્સની સામે ૧૧૦૧ શૅર ઘટ્યા છે. કોલ ઇન્ડિયા ૨૯૧ની ટોચે જઈ અડધા ટકાની પીછેહઠમાં ૨૮૭ રહ્યો છે. તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પણ ૯૧૦ નજીક નવી ટૉપ હાંસલ કરીને અડધા ટકાની નરમાઈમાં ૮૯૫ બંધ આવ્યો છે.

કી-પર્સન્સનાં રાજીનામાં વચ્ચે બીએસઈનો શૅર તેજીમાં રહ્યો

બીએસઈ લિમિટેડ સારા વૉલ્યુમ સાથે ઉપરમાં ૧૨૮૭ થઈ પોણાછ ટકાની તેજીમાં ૧૨૭૭ બંધ થયો છે. કંપનીમાંથી શિવશંકર પાંડે અને નયન મહેતાએ ચાવીરૂપ હોદ્દા પરથી રાજીનામાં આપ્યાં એની કોઈ માઠી અસર દેખાઈ નથી. એમસીએક્સ ૧૯૬૩ની વીસેક માસની નવી ટૉપ બતાવી નહીંવત ઘટાડે ૧૯૦૧ બંધ હતો, જ્યારે ૬૩ મૂન્સ પોણાચાર ટકા બગડીને ૨૮૫ થયો છે. ઓપન ઑફર પ્રાઇસમાં નિરાશાને લઈ રેલિગેર વધુ સવાત્રણ ટકા ગગડી ૨૪૫ હતો. ડેલ્ટા કૉર્પ ૧૩૪ની અઢી વર્ષની નવી બૉટમ બતાવી ૧.૯ ટકાની નરમાઈમાં ૧૪૦ રહ્યો છે.

જામનગરની મધુસૂદન મસાલા ૭૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૬૧ના પ્રીમિયમ સામે ૧૨૦ ખૂલી ૧૧૪ બંધ રહેતાં અહીં ૬૨.૯ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે, જ્યારે પાલઘરની કુંદન એડીફાઇસ ૯૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટના પાંચના પ્રીમિયમ સામે ૭૫ ખૂલી નીચામાં ૭૧ થઈ ૭૯ નજીક બંધ રહેતાં એમાં સાડાતેર ટકા કે શૅરદીઠ સવાબારની લિસ્ટિંગ લૉસ મળી છે.

રોકડામાં લક્ષ્મી ઑટોમેટિક લૂમ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૮૫ રૂપિયા ઊછળી ૧૭૧૦ના શિખરે પહોંચી. ૩૦ જાન્યુઆરીએ ભાવ ૫૮૦ના તળિયે હતો. શ્રેયસ શિપિંગ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૨૧ની ટોચે બંધ રહી છે. કોચીન શિપયાર્ડ ૮ ગણા કામકાજે ૧૧ ટકા કે ૧૦૯ની તેજીમાં ૧૦૯૨ વટાવી ગયો છે. મઝગાંવ ડોક સાડાત્રણ ટકા વધી ૨૨૩૩ તો ગાર્ડનરિચ છ ટકાના જમ્પમાં ૮૪૪ બંધ હતો. ઈકેઆઇ એનર્જી એક વધુ નીચલી સર્કિટે ૧૦ ટકા તૂટી ૫૦૪ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર હતી. પ્રમોટર્સની રોકડીમાં વૉલ્ટેમ્પ ટ્રાન્સફૉર્મર્સ પોણાછ ટકા કે ૨૮૪ના કડાકામાં ૪૬૬૩ થયો છે.

શુગર શૅરો પ્રૉફિટ બુકિંગમાં નરમ, બૅન્કિંગમાં ધીમા ઘટાડાની સ્થિતિ

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરની પીછેહઠમાં ૧૪૨ પૉઇન્ટ જેવો સામાન્ય ઘટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી અડધા ટકાથી વધુ ડાઉન હતો. બૅન્કિંગના ૩૮માંથી ૧૫ શૅર પ્લસ હતા, જેમાંથી સૂર્યોદય બૅન્ક અને સ્ટેટ બૅન્ક નામપૂરતા પ્લસ હતા. આઇઓબી સાડાચાર ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા દોઢ ટકા, તામિલનાડુ બૅન્ક પોણાત્રણ ટકા, ઇક્વિટાસ બૅન્ક દોઢ ટકો મજબૂત હતી. ઇન્ડસઇન્ડ, આઇડીબીઆઇ, ફીનો પેમેન્ટ બૅન્ક, કર્ણાટકા બૅન્ક, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, કૅનેરા બૅન્ક સવાથી સવાબે ટકા કપાયા છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૬૯ શૅરની હૂંફ વચ્ચે નહીંવત ઘટ્યો છે. આનંદ રાઠી વેલ્થ સાડાચાર ટકાની મજબૂતીમાં ૧૬૯૧ની નવી વિક્રમી સપાટીએ બંધ રહી છે. આઇએફસીઆઇ પોણાબાર ટકા ઊછળી ૨૫ નજીક સરક્યો છે. પ્રૉફિટ બુકિંગમાં શુગર ઉદ્યોગના ૩૫માંથી ૨૮ શૅર ઘટ્યા છે.

એફએમસીજી સ્પેસમાં ફૂડ્સ બેન્ડઇન સાડાદસ ટકા ઊછળી ૧૮૪ વટાવી ગઈ છે. સુખજિત સ્ટાર્ચ અને જ્યોતિ લૅબ સાડાપાંચ ટકા મજબૂત હતા. કોલગેટ ૨૦૮૪ના શિખરે જઈ ૩.૭ ટકા ઊચકાઈ ૨૦૭૫ થયો છે. રાઇસ કંપની ચમનલાલ સેટિયા ૨૫૬ના બેસ્ટ લેવલ બાદ ૪.૭ ટકાની સોડમમાં ૨૪૦ થઈ છે. ટેલિકૉમમાં વોડાફોન ૭ ટકા રણકી ૧૨ને વટાવી ગયો છે. એમટીએનએલ ત્રણેક ટકા વધીને૩૨ ઉપર પહોંચ્યો છે. એનર્જીમાં જેએસડબ્લ્યુ એનર્જી ૪૪૨ની ટૉપ બતાવી સવાચાર ટકા ઝળકી ૪૪૦ નજીક ગયો છે. રિયલ્ટીમાં લોઢાની મેક્રોટેક ચાર ટકા ઊચકાઈને ૭૯૨ થયો છે. રિલાયન્સની નેટવર્ક-૧૮ સવાબે ટકા, ટીવી-૧૮ દોઢ ટકા, સનટીવી સવા ટકો, જસ્ટ ડાયલ એક ટકો, તાતા ટેલી દોઢ ટકો ડાઉન હતા.

કિસ કિસ કો પ્યાર કરું, કૈસે પ્યાર કરું? આજે પ્રાઇમરીમાં રોકાણ માટે ૧૭ ભરણાં મોજૂદ

પ્રાઇમરી માર્કેટ ભરપૂર જવાનીમાં આવ્યું છે કે પછી ગધા પચ્ચીસીમાં મહાલી રહ્યું છે એની ખબર નથી, પરંતુ એના રવાડે ચડેલા રોકાણકારો માટે પૈસા ક્યા નાખવા એ સવાલ બુધવારે ભારે મીઠી મૂંઝવણનો વિષય બનવાનો છે. પ્રાઇમરી માર્કેટમાં બુધવારે રોકાણ માટે એકસાથે ૧૭-૧૭ ભરણાં ઉપલબ્ધ રહેવાનાં છે. બુધવારે મેઇન બોર્ડમાં મુંબઈના મુલુન્ડની વેલિયેન્ટ લૅબોરેટરીઝ ૧૦ના શૅરદીઠ ૧૪૦ની અપરબેન્ડમાં ૧૫,૨૪૬ લાખ રૂપિયાનું ભરણું કરવાની છે. આ સિવાય ૬ એસએમઈ ઇશ્યુ ખૂલશે, જેમાં થાણેની કેન્ટોર સ્પેસ ૧૦ના શૅરદીઠ ૯૩ના ભાવે, બૅન્ગલોરની કેનેરીઝ ઑટોમેશન બેના શૅરદીઠ ૩૧ના ભાવથી, નવી દિલ્હીની ઇફેક્ટર એક્સપિરિયન્સ ૧૦ના શૅરદીઠ ૭૫ના ભાવે, માયસોરની વિન્યાસ ઇનોવેટિવ ૧૦ના શૅરદીઠ ૧૬૫ના ભાવથી, મુંબઈના ઘાટકોપરની વનક્લીક લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૯૯ના ભાવે તથા અમદાવાદી વિવા ટ્રેડકૉમ ૧૦ના શૅરદીઠ ૨૫ના ભાવથી ઇશ્યુ લાવશે.

આ સાત નવાં ભરણશં ઉપરાંત સોમવારે જે સાત ઇશ્યુ ખૂલ્યા છે એ તમામ બુધવારે બંધ થશે, જેમાં મેઇન બોર્ડની જેએસડબ્લ્યુ ઇન્ફ્રા અને અપડેટર સર્વિસિસની સાથે પાંચ એસએમઈ ઇશ્યુ સામેલ છે. વધુમાં મંગળવારે ત્રણ એસએમઇ ઇશ્યુ ખૂલ્યા છે, એ બુધવારે ચાલુ રહેવાના છે. આમ બુધવારે ઇન્વેસ્ટર્સને કુલ મળીને ૧૭ ઇશ્યુ રોકાણ કરવા માટે ઉપલબ્ધ રહેવાના છે. ૧૯૯૫ની પ્રાઇમરી માર્કેટની તેજી પછી આવી ધમાલ પ્રથમ વાર જોવા મળી છે. 

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2023 11:00 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK