India – Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સંઘર્ષ પર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે… અમેરિકા આ તણાવમાં સામેલ થવાનું નથી
યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની ફાઇલ તસવીર
પાકિસ્તાન (Pakistan)એ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ૨૨ એપ્રિલે કરેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ના જવાબમાં ભારતે ઓપરેશન સિંદુર (Operation Sindoor) હાથ ધર્યું હતું. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સંઘર્ષ (India – Pakistan Tension) વચ્ચે, અમેરિકા (United States of America - USA)ના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ (JD Vance) તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, અમેરિકા આ સંઘર્ષમાં સામેલ થવાનું નથી અને તેનો તેમની સાથે કોઈ લેવાદેવા નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાન સતત ભારતીય શહેરો પર ડ્રોન હુમલા કરી રહ્યું છે અને ભારત તેનો કડક જવાબ આપી રહ્યું છે.
ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે કહ્યું કે, ‘આપણે જે કરી શકીએ છીએ તે એ છે કે આ લોકોને થોડા શાંત થવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીએ, પરંતુ અમે યુદ્ધની વચ્ચે સામેલ થવાના નથી. મૂળભૂત રીતે અમારો તેમાં કોઈ વાંધો નથી અને તેનો અમેરિકાની તેને નિયંત્રિત કરવાની ક્ષમતા સાથે કોઈ સંબંધ નથી.’
ADVERTISEMENT
તેમણે ઉમેર્યું, ‘તમે જાણો છો કે અમેરિકા ભારતીયોને તેમના શસ્ત્રો મૂકવાનું કહી શકતું નથી. અમે પાકિસ્તાનીઓને તેમના શસ્ત્રો મૂકવાનું કહી શકતા નથી, તેથી અમે રાજદ્વારી માધ્યમો દ્વારા આ મુદ્દાને આગળ ધપાવતા રહીશું. અમારી આશા અને અપેક્ષા એ છે કે ભગવાન ન કરે, આ એક વ્યાપક પ્રાદેશિક યુદ્ધ અથવા, પરમાણુ સંઘર્ષમાં ફેરવાય નહીં. અમે આ બાબતો વિશે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાનના ઠંડા મગજના લોકોનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે આ પરમાણુ યુદ્ધમાં ફેરવાય નહીં અને જો તે થાય છે તો તે વિનાશક હશે, પરંતુ હાલમાં અમને નથી લાગતું કે એવું થશે.’
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસ (Tammy Bruce)એ જણાવ્યું હતું કે, ‘આજે સવારે, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર સાથે વાત કરી હતી. બંને કોલમાં, સેક્રેટરી ઓફ સ્ટેટે તાત્કાલિક તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને હિંસાનો અંત લાવવા હાકલ કરી હતી. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત માટે યુએસનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને વાતચીત દ્વારા તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી.’
તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે, પાકિસ્તાને ભારતના ૧૫ લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેના (Indian Army)એ તમામ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા. પાકિસ્તાનના આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા બાદ સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ભારત તેની સાર્વભૌમત્વ અને નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને નિયંત્રણ રેખા (LOC) પર ગોળીબાર કરી રહ્યું છે, જેનો ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે.

