Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નબળી માર્કેટબ્રેડ્થ વચ્ચે છેલ્લા કલાકના ખેલમાં બજાર સુધર્યું

નબળી માર્કેટબ્રેડ્થ વચ્ચે છેલ્લા કલાકના ખેલમાં બજાર સુધર્યું

Published : 31 July, 2026 11:07 AM | IST | Mumbai
Anil Patel

અદાણીની PSP પ્રોજેક્ટ્સ નફામાં જબ્બર વધારાના પગલે મજબૂત થઈ પ્રૉફિટ બુકિંગમાં ૭ ટકા ગગડી : પરિણામ પાછળ રેડિંગ્ટન ઑલટાઇમ હાઈ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


સનફાર્મા, નેસ્લે, ટાઇટન, અપોલો હૉસ્પિટલ્સમાં નવી ટૉપ બની : હેલ્થકૅર બેન્ચમાર્ક લાઇફટાઇમ હાઈ થઈને પાછો પડ્યો : રિલાયન્સ અને HDFC બજારને ૨૦૭ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા, અદાણી પોર્ટ્‌સ બૅક-ટુ-બૅક ટૉપ લૂઝર : મનીપાલ હેલ્થમાં પ્રીમિયમ ગગડીને પાંચ થયું, MV ઇલેક્ટ્રિકલ્સનો ઇશ્યુ પ્રથમ દિવસે જ ૪ ગણો ભરાઈ જતાં પ્રીમિયમ વધીને ૧૨૦ થયું : અદાણીની PSP પ્રોજેક્ટ્સ નફામાં જબ્બર વધારાના પગલે મજબૂત થઈ પ્રૉફિટ બુકિંગમાં ૭ ટકા ગગડી : પરિણામ પાછળ રેડિંગ્ટન ઑલટાઇમ હાઈ

બ્રેન્ટ ક્રૂડ ૮૯ ડૉલર વટાવીને ૮૭ ડૉલર આસપાસ આવ્યું છે. એશિયા ખાતે સાઉથ કોરિયન શૅરબજાર બે દિવસના ભારે કડાકા બાદ ગઈ કાલે સવા ટકો જ નરમ પડ્યું છે. થાઇલૅન્ડ રજામાંથી કામે લાગતાં ૧.૭ ટકા બગડ્યું છે, ચાઇના અડધો ટકો તો તાઇવાન નહીંવત નરમ હતું. સામે જપાન પોણો ટકો અને ઇન્ડોનેશિયા દોઢ ટકો અપ હતાં. સિંગાપોર પોણો ટકો પાછું પડ્યું છે. હૉન્ગકૉન્ગ સાધારણ સુધર્યું છે. યુરોપ ખાતે રનિંગમાં ફ્રેન્ચ માર્કેટ એક ટકો પ્લસ હતું, અન્ય બજાર અડધા ટકા આસપાસ પ્લસમાં દેખાતાં હતાં. ડૉલર સામે રૂપિયો ૯૫.૬૫ના આગલા બંધ સામે સુધારાને બ્રેક મારતાં ૯૫.૭૬ થઈ નજીવા ઘટાડે ૯૫.૬૮ બંધ થયો છે. દરમ્યાન અમેરિકાએ નવેસરથી ઈરાન ઉપર હવાઈ હુમલા શરૂ કર્યા છે. ઈરાન-અમેરિકા વચ્ચેનું ઘર્ષણ હવે સમગ્ર મધ્ય-પૂર્વમાં ફેલાય અેવી દહેશત જાગી છે. અમેરિકન ફેડ તરફથી વ્યાજદરમાં કશો ફેરફાર કરાયો નથી. 



ઘરઆંગણે રિઝર્વ બૅન્કની નાણાનીતિ સમીક્ષા માટેની મીટિંગ ૩ ઑગસ્ટથી શરૂ થશે, પાંચ ઑગસ્ટે રિઝર્વ બૅન્ક નાણાનીતિ વિશેની જાહેરાત કરશે. બહુમતી માને છે કે ફુગાવો માથું ઊંચકી રહ્યો છે છતાં રિઝર્વ બૅન્ક રેપોરેટ યથાવત રાખશે. સેન્સેક્સ ગુરુવારે આગલા બંધથી ૧૬ પૉઇન્ટ નરમ, ૭૭,૬૩૯ ખૂલી છેલ્લા કલાકની વનવે લેવાલીના પગલે ૨૭૩ પૉઇન્ટ વધીને ૭૭,૯૨૮ તથા નિફ્ટી ૬૭ પૉઇન્ટની આગેકૂચમાં ૨૪,૩૧૭ બંધ થયો છે. બજાર નીચામાં ૭૭,૪૪૧ અને ઉપરમાં ૭૮,૦૦૭ થયું હતું. છેલ્લી ૪૦ મિનિટમાં માર્કેટ નીચલા મથાળેથી ૪૧૨ પૉઇન્ટ ઊંચકાયું હતું. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે ૧૩૨૬ શૅર સામે ૧૯૭૩ જાતો ઘટી છે. માર્કેટકૅપ પણ ૧૪,૦૦૦ કરોડ ઘટીને ૪૮૩.૨૧ લાખ કરોડ નજીક ગયું છે. 


બજારના ૦.૪ ટકાના સાધારણ સુધારા સામે ઑટો બેન્ચમાર્ક ૧.૬ ટકા કે ૯૬૭ પૉઇન્ટ પ્લસ થયો છે. રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૧ ટકા અને કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ અડધો ટકો ડાઉન હતો. હેલ્થકૅર ૫૦,૯૬૭ની વિક્રમી સપાટી બનાવી ૧૦૯ પૉઇન્ટના નજીવા ઘટાડે ૫૦,૭૦૦ હતો. IT બેન્ચમાર્ક નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ હતો. મારુતિ સુઝુકી પોણાબે ટકા વધી ૧૪,૧૮૯ના બંધમાં સેન્સેક્સ ખાતે તો મહિન્દ્રા ૧.૯ ટકા વધી ૩૨૮૪ના બંધમાં નિફ્ટી ખાતે મોખરે હતી. કોલ ઇન્ડિયા પોણાબે ટકા, આઇશર દોઢ ટકો, ટેક મહિન્દ્રા દોઢ ટકો, સ્ટેટ બૅન્ક સવા ટકો, પાવરગ્રીડ એક ટકો, વિપ્રો દોઢ ટકો, ONGC ૧.૪ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૧.૩ ટકા, મેક્સ હેલ્થકૅર સવા ટકો પ્લસ હતી. નેસ્લે ૧૫૩૨ની વિક્રમી સપાટી નોંધાવી ૧.૪ ટકા વધી ૧૫૨૦ થઈ છે. સનફાર્મા ૨૦૧૭ની ઑલટાઇમ હાઈ બનાવી અડધો ટકો સુધરી ૨૦૦૧ વટાવી ગઈ છે. નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ્સ ૯૦૦૯ના શિખરે જઈ ૦.૬ ટકા વધી ૮૯૮૮ તથા ટાઇટન ૪૮૭૦ નજીક નવી ટૉપ બતાવી ૪૮૫૦ના લેવલે ફ્લૅટ હતી. રિલાયન્સ ૧.૪ ટકા વધી ૧૨૯૪ બંધમાં બજારને ૧૦૫ પૉઇન્ટ તો HDFC એક ટકો વધી ૭૫૬ બંધમાં ૧૦૨ પૉઇન્ટ ફળી છે. 

અદાણી પોર્ટ્‌સ બીજા દિવસના બગાડમાં સવા ત્રણ ટકા ગગડી ૧૬૬૪ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. HDFC લાઇફ બે ટકા, શ્રીરામ ફાઇનૅન્સ પોણાબે ટકા, અલ્ટ્રાટેક સવા ટકો, જિયો ફાઇનૅન્સ એક ટકો નરમ હતી. TCS અડધો ટકો ઘટી છે, ઇન્ફી ફ્લૅટ રહી છે. તાતા સ્ટીલ રિઝલ્ટ પૂર્વે નજીવી ઘટી ૧૮૭ હતી.


ઑલરાઉન્ડ નબળા દેખાવમાં સિન્જેન ઇન્ટરનૅશનલ ૭૪ માસના તળિયે 

વેદાન્તાના ડી-મર્જર બાદ અસ્તિત્વમાં આવેલી વેદાન્તા પાવરની આવક ૩૧.૩ ટકા વધીને ૨૬૦૭ કરોડ થઈ છે. કંપની ૮૮ કરોડના નફામાંથી ૪૨૩ કરોડની નેટ લૉસમાં સરી પડી છે. શૅર ૩૩.૬૭ના વર્સ્ટ લેવલે જઈ સવાચાર ટકા ગગડી ૩૪ નજીક બંધ હતો. બીજી કંપની વેદાન્તા આયર્ન અૅન્ડ સ્ટીલની આવક ૧૮ ટકા વધીને ૩૬૮૦ કરોડ થઈ છે. કંપની ૧૪૨ કરોડની નેટ લૉસમાંથી ૧૨૨ કરોડના ચોખ્ખા નફામાં આવી છે. શૅર ઉપરમાં ૩૧.૭૧ થઈ નજીવા ઘટાડે ૩૦.૭૫ રહ્યો છે. વેદાન્તા ઑઇલ અૅન્ડ ગૅસની ત્રિમાસિક આવક સાડાઆઠ ટકા વધીને ૨૫૦૭ કરોડ થઈ છે. કંપની ૧૦૪ કરોડની ખોટમાંથી ૯૪૫ કરોડના નેટ નફામાં આવી છે આમ છતાં ભાવ અઢી ગણા વૉલ્યુમે નીચામાં ૩૩.૨૦ થઈ સવાચાર ટકા ગગડી ૩૩.૬૫ બંધ થયો છે. વેદાન્તા અૅલ્યુમિનિયમની આવક ૧૨ ટકા વધીને ૨૧,૩૯૩ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ત્રેવડાઈને ૫૬૨૯ કરોડ નોંધાયો છે. શૅર વૉલ્યુમ સાથે ઉપરમાં ૪૬૩ વટાવી પોણાચાર ટકા વધી ૪૬૫ બંધ થયો છે. વેદાન્તા લિમિટેડે ૫૩.૬ ટકા વધારામાં ૨૪,૨૦૫ કરોડની આવક ઉપર ૭૧.૮ ટકા વધારામાં ૫૪૭૩ કરોડ નફો કરીને શૅરદીઠ ૮નું ઇન્ટરિમ જાહેર કર્યું છે. શૅર ૨૭૦ નજીક જઈને સવા ટકો સુધરી ૨૬૭ ઉપર બંધ આવ્યો છે. 

રેડિંગ્ટન લિમિટેડની આવક ૩૪.૬ ટકા વધીને ૩૪,૯૨૨ કરોડ થઈ છે, ચોખ્ખો નફો ૭૬.૭ ટકા વધીને ૪૮૬ કરોડ આવ્યો છે. શૅર ૩૩૮ના શિખરે જઈ ૨૦ ગણા વૉલ્યુમે ૮.૧ ટકાના જમ્પમાં ૩૧૧ બંધ થયો છે. ડાબર ઇન્ડિયાએ સાડાદસ ટકા વધારામાં ૩૭૬૪ કરોડની આવક ઉપર ૧૫ ટકા વધારામાં ૫૯૧ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર પાંચ ગણા કામકાજે પોણાબે ટકાના ઘટાડામાં ૪૨૫ બંધ હતો. વારિ એનર્જીસ દ્વારા ૭૯ ટકા વધારામાં ૭૯૩૨ કરોડની આવક ઉપર ૧૪ ટકા વધારામાં ૮૫૦ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. ભાવ ૭ ગણા કામકાજમાં નીચામાં ૨૫૬૩ બતાવી ૪.૨ ટકા કે ૧૧૩ રૂપિયા ગગડી ૨૬૨૪ બંધ રહ્યો છે. 

બાયોકૉન ગ્રુપની સિન્જેન ઇન્ટરનૅશનલની આવક ૧૬ ટકા ઘટીને ૭૩૬ કરોડ થતાં કંપની ૮૭ કરોડના નેટ નફામાંથી ૯ કરોડની નેટ લૉસમાં આવી ગઈ છે. શૅર ૩૭૫ના મલ્ટિયર તળિયે જઈ સાડાત્રણ ટકા ઘટી ૩૯૮ થયો છે. અદાણી ગ્રુપની PSP પ્રોજેક્ટસે ૬૪.૭ ટકા વધારામાં ૮૫૩ કરોડની આવક ઉપર અગાઉના ૪૦ લાખ સામે અનેક ગણા વધારામાં ૧૮૩૦ લાખ નેટ નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૧૦૪૧ થયા બાદ હેવી પ્રૉફિટ બુકિંગમાં પાંચ ગણા વૉલ્યુમે નીચામાં ૯૩૩ થઈ ૭ ટકા ગગડી ૯૫૧ બંધ આવ્યો છે.

ઇન્ડો-મીમમાં મજેદાર લિસ્ટિંગ, એક્સ્ટ્રાનેટમાં લિસ્ટિંગ લૉસ

ગઈ કાલે મેઇન બોર્ડમાં ૩ ભરણાં લિસ્ટેડ થયાં છે જેમાં બૅન્ગલોર અર્બનની ઇન્ડો-મીમ લિમિટેડ એકના શૅરદીઠ ૪૮૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૬૮થી શરૂ થઈ ઉપર ૨૧૩ થયા બાદ છેલ્લે ૧૮૭ના પ્રીમિયમ સામે ૭૦૩ ખૂલી ૭૪૨ બંધ રહેતાં ૫૩ ટકા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. કાનપુરની લોહિયા કૉર્પ એકના શૅરદીઠ ૪૨૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ૨૦થી શરૂ થઈ ઉપરમાં ૫૬ થયા બાદ ગગડી ૭ ઉપર આવી ગયા પછી છેલ્લે ચાલતા ૧૭ના પ્રીમિયમ સામે ૪૬૦ ખૂલી ૪૯૫ બંધ આવતાં ૧૬.૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ભોપાલની એક્સ્ટ્રાનેટ ટેક્નૉલૉઝિસ ૧૦ના શૅરદીઠ ૧૨૭ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૨૫થી શરૂ થઈ ઉપરમાં ૨૬ તથા નીચામાં ૭ થયા બાદ છેલ્લે બોલાતા ૧૪ના પ્રીમિયમ સામે ૧૩૦ ખૂલીને ૧૨૫ બંધ રહેતાં પોણાબે ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. આજે, શુક્રવારે SME પ્લૅટફૉર્મ પર કેરલમની સિલ્વર સ્ટૉર્મ પાર્ક્સનું લિસ્ટિંગ છે. શૅરદીઠ ૧૩૩ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૮૨ કરોડ પ્લસનો આ BSE SME IPO કુલ ૧.૯ ગણો ભરાયો હતો. 
દરમ્યાન મેઇન બોર્ડમાં મનીપાલ હેલ્થનો બેના શૅરદીઠ ૫૯૦ના ભાવનો કુલ ૯૨૭૫ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે ૪૭ ટકા ભરાયો છે. પ્રીમિયમ ઘટીને હાલમાં પાંચનું બોલાય છે. જૂનિયર ગ્રીન એનર્જીનો ૧૦ના શૅરદીઠ ૨૨૫ની અપરબેન્ડમાં ૧૮૦૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૧૩ ટકા સહિત કુલ ૩૮ ટકા તથા MV ઇલેક્ટ્રિકલ્સનો પાંચના શૅરદીઠ ૪૨૫ના ભાવનો ૨૯૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં પોણાતેર ગણા સહિત કુલ ૩.૯ ગણો ભરાયો છે. હાલમાં જૂનિયરમાં ૯ રૂપિયા અને MV ઇલેક્ટ્રિકલ્સમાં ૧૧૨ રૂપિયાનું પ્રીમિયમ ચાલે છે.
SME સેગમેન્ટમાં ગઈ કાલે પુણેની પૂજા પ્રિસિશનનો ૧૦ના શૅરદીઠ ૩૦૧ના ભાવનો ૧૬૦ કરોડનો BSE SME IPO રીટેલમાં ૨૪૮ ગણા સહિત કુલ ૨૭૮ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. હાલ પ્રીમિયમ ઘટીને ૨૨૫ બોલાય છે. HR હાઇજીનનો ૧૦ના શૅરદીઠ ૮૮ના ભાવનો ૫૪ કરોડનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧.૮ ગણો ભરાયો છે. હાલ પ્રીમિયમ બેનું ટકેલું છે. અમદાવાદી ધવલ પૅકેજિંગનો ૧૦ના શૅરદીઠ ૯૭ના ભાવનો ૩૬ કરોડનો BSE SME IPO પ્રથમ દિવસે રીટેલમાં ૫૭ ટકા સહિત કુલ ૪૯ ટકા તેમ જ ફરિદાબાદની વનઅૅન્ડિંગ ટેક્નૉલૉઝિસનો ૧૦ના શૅરદીઠ ૯૬ના ભાવનો ૨૮ કરોડનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૬૨ ટકા સહિત કુલ ૪૨ ટકા ભરાયો છે. હાલ ધવલ પૅકેજિંગમાં ૧૩ રૂપિયા તથા વન અૅન્ડિંગમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે.

મુંબઈની ફ્યુઝન ક્લાસરૂમ અને GV ઇલેક્ટ્રિકલ્સનો ઇશ્યુ આજે 
આજે, શુક્રવારે મુંબઈ ખાતેની બે કંપનીઓના SME ઇશ્યુ ખૂલવાના છે. મુંબઈના માહિમ ખાતેની GV ઇલેક્ટ્રિકલ્સ ૧૦ના શૅરદીઠ ૧૩૦ની અપરબેન્ડમાં કુલ ૪૨ કરોડનો BSE SME IPO કરશે. અેમાં OFS ત્રણ કરોડની છે. માર્કેટ મેકર્સ માટે ચાર કરોડના શૅર રિઝર્વ્ડ છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા તથા રીટેલ પોર્શન ૩૫ ટકા આસપાસ છે. ૧૯૮૫માં સ્થપાયેલી આ કંપની પાવર ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ ક્ષેત્રે કામકાજ કરે છે. કંપનીએ ગત વર્ષે ૧૯ ટકા વધારામાં ૧૫૭ કરોડ નજીકની આવક ઉપર ૧૨૫ ટકા વધારામાં ૧૦૪૭ લાખ નેટ નફો બતાવ્યો છે. દેવું વર્ષમાં બમણાથીય વધુ વધી ૧૬૪૭ લાખ થયું છે. ઇશ્યુમાંથી ૬ કરોડ દેવાની ચુકવણીમાં તથા બાવીસ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. કંપનીએ છેલ્લાં બે વર્ષમાં બૉટમ લાઇનમાં ૨૭૪ ટકાનો વધારો દેખાડી દીધો છે એ ખૂંચે એવો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૮થી શરૂ થયા બાદ ઉપરમાં બાવીસ થઈ હાલ પચીસ જેવું ચાલે છે. 
બીજી કંપની ફ્યુઝન ક્લાસરૂમ એજ્યુટેક મુંબઈના બોરીવલી-ઈસ્ટની છે જે આજે ૧૦ના શૅરદીઠ ૧૫૯ની અપરબેન્ડમાં કુલ ૩૯ કરોડનો BSE SME ઇશ્યુ લાવશે. ઇશ્યુમાંથી ૭ કરોડ ઑફર ફૉર સેલ પેટે પ્રમોટર્સના ઘરમાં જશે. માર્કેટમેકર્સ માટે બે કરોડના શૅર અનામત રખાયા છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકાનો છે. ૨૦૧૬માં સ્થપાયેલી આ કંપની ડિજિટલ તેમ જ હાઇબ્રિડ લર્નિંગ મોડલ્સ મારફત દેશનાં વિવિધ શહેરોમાં CA, CS, CMA તેમ જ અન્ય કૉમર્સ રીલેટેડ પરીક્ષાઓ તથા કમ્પેટેટિવ એક્ઝામિનેશન માટે કોચિંગ પૂરું પાડે છે. ગત વર્ષે ૧૨૯ ટકા વધારામાં ૨૩૧૦ લાખની આવક પર ૧૬૨ ટકા વધારામાં ૭૬૦ લાખ નેટ નફો બતાવ્યો છે. બે વર્ષ પૂર્વે આવક ૪૬૨ લાખ અને નફો માત્ર ૩૪ લાખ હતો. આ ગાળામાં દેવું ૩૨ લાખથી વધી ૩૪૩ લાખ થઈ ગયું છે. ઇશ્યુમાંથી ૫૨૨ લાખ જાહેરાતમાં વાપરશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ ઝીરો છે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 11:07 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK