ચોમાસાની ખેંચ અને એલ નીન્યોની અસરથી ઉત્પાદન ઘટવાની ભીતિ વચ્ચે સ્થાનિક બજારમાં પુરવઠો વધારવા અત્યંત મહત્ત્વનો નિર્ણય
પ્રતીકાત્મક તસવીર
વિશ્વમાં ખાંડનું ઉત્પાદન કરતા દેશોમાં ભારત બીજો સૌથી મોટો દેશ છે. જોકે તાજેતરમાં સ્થાનિક બજારમાં ખાંડના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. આગામી તહેવારોની સીઝનમાં ખાંડની માગણી વધવાની શક્યતા છે. આથી વધતા ભાવને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર ખાંડની આયાત પર લાગતો ૧૦૦ ટકા ટૅક્સ ઘટાડવા અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવાના અત્યંત મહત્ત્વના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.
સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો પુરવઠો જાળવી રાખવા સરકારી અધિકારીઓ આ દિશામાં કામ કરી રહ્યા છે. વૈશ્વિક બજારમાં પણ અત્યારે ખાંડની અછત વર્તાઈ રહી છે. ખરાબ હવામાન અને ઍલ નીન્યોની અસરને કારણે પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. આ જ કારણસર ન્યુ યૉર્ક ફ્યુચર્સમાં પણ ખાંડના ભાવ એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. ભારતીય હવામાન ખાતાના અહેવાલ મુજબ ભારતમાં પણ શેરડીના પાક માટે જરૂરી વરસાદ સામાન્ય કરતાં ૧૩ ટકા ઓછો નોંધાયો છે.
ADVERTISEMENT
જૂન મહિનાના અંત સુધીમાં આ વરસાદની ઘટ ૪૦ ટકાથી વધુ હતી જેના કારણે શેરડીની વાવણી ખૂબ જ મોડી થઈ છે. જોકે અન્ન અને વાણિજ્ય મંત્રાલયે હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
