Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકા-ઈરાન તનાવની અનિશ્ચિતતા વચ્ચે શૅરબજાર પર ગ્લોબલ પરિબળોની અસરથી ટેવાઈ જવું અને ટકી જવું મહત્ત્વનું

અમેરિકા-ઈરાન તનાવની અનિશ્ચિતતા વચ્ચે શૅરબજાર પર ગ્લોબલ પરિબળોની અસરથી ટેવાઈ જવું અને ટકી જવું મહત્ત્વનું

Published : 20 July, 2026 08:59 AM | Modified : 20 July, 2026 09:00 AM | IST | Mumbai
Jayesh Chitalia

શું આપણને ખાતરી છે કે અમેરિકા-ઈરાન યુદ્ધ પૂરું થઈ ગયું છે યા થઈ જશે? સમજૂતીની વાટાઘાટ ચાલી રહી છે એ ખરું, પરંતુ એ પછી શું કોઈ તનાવ નહીં રહે એની ગૅરન્ટી કોઈ આપી શકે? કોઈ ન આપી શકે, ટ્રમ્પસાહેબ પણ નહીં અર્થાત્ અનિશ્ચિતતા એક યા બીજા સ્વરૂપે ઊભી રહેશે.

ઈરાને શનિવારે કુવૈતના એક શહેરના વીજળી અને પાણીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરેલા મિસાઇલ-હુમલા પછી શહેરમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

સ્ટૉક ટ્રેન્ડ

ઈરાને શનિવારે કુવૈતના એક શહેરના વીજળી અને પાણીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરેલા મિસાઇલ-હુમલા પછી શહેરમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.


એક જ્યોતિષી પાસે એક નિષ્ફળ બિઝનેસમૅન આવે છે અને પૂછે છે, મારી કુંડળી જુઓ અને મને જણાવો મારો ખરાબ સમય કયાં સુધી ચાલશે, મારે કયાં સુધી તકલીફ રહેશે? જ્યોતિષીએ કહ્યું, તમને બસ હજી દોઢથી બે વર્ષ સુધી તકલીફ રહેશે. બિઝનેસમૅન થોડો હાશકારો ફીલ કરતાં પૂછે છે, એ પછી? જ્યોતિષીએ કહે છે, પછી તમે ટેવાઈ જશો. આ જોક જૂનો અને જાણીતો છે, પરંતુ બહુ જૂજ લોકો એને ખરા અર્થમાં સમજી શકે છે. બાય ધ વે, આપણે આ બાબતને રોકાણ જગત માટે થોડા ગંભીર થઈને સમજીએ. આપણે સૌએ હવે ગ્લોબલ પરિબળોની અનિશ્ચિતતા સ્વીકારીને જ ચાલવું પડે એમ છે. સમયની ફ્રિકવન્સી બદલાયા કરશે. અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધ ચાલ્યું, ઈરાન-ઇઝરાયલ ચાલ્યું, ઈરાન-અમેરિકા યુદ્ધ શરૂ થયું, અગાઉ ભારત-પાક વચ્ચે છમકલાં થયાં. જોકે છેલ્લા અમુક સમયથી અમેરિકા-ઈરાન વચ્ચેનો તનાવ સતત ઘર્ષણથી ભરેલો છે જે પતાવવાના પ્રયાસ થયા કરે છે છતાં પત્યા હોવાનું પાકે પાયે કહી શકાતું નથી.

યુવા વર્ગ સહિત નવા રોકાણકારો



બજારની વધઘટનાં કારણોમાં હાલ સૌથી મોટું અને અસરકારક કારણ યુદ્ધના તનાવનું જ રહ્યું છે જેની અસર ક્રૂડ અને કરન્સી પર તેમ જ ઓવરઑલ ઇકૉનૉમીની ગતિવિધિ પર થયા કરે છે. ભારત આ સંજોગોનો સામનો કરવા સજ્જ બનતું જાય છે એ ખરું, પરંતુ બજાર પણ એની ચંચળતા અને અનિશ્ચિતતા દર્શાવ્યા વિના રહી શકે એમ નથી. રસપ્રદ અને નોંધપાત્ર વાત એ છે કે રોકાણકાર વર્ગ ટૂંકા ગાળાની ચંચળતા વધુ સારી રીતે સમજતો અને સ્વીકારતો થઈ ગયો છે, તેઓ માને છે કે આગામી સમય આ પરીક્ષાનાં સારાં ફળો આપશે. વધુ મજાની વાત એ છે કે રોકાણકારોનો યુવા વર્ગ, જેને ઝેન-જી કહેવામાં આવે છે તે વધુ ને વધુ સંખ્યામાં બજારમાં પ્રવેશતો જાય છે. આપણે ગયા વખતે વાત કરી હતી કે ડીમૅટ અકાઉન્ટ્સની સંખ્યા પુનઃ વધી રહી છે જેનું એક કારણ યુવા વર્ગ છે અને બીજું કારણ ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) પણ છે, જ્યારે કે હવે બજારે બૉટમ બનાવી લીધી હોવાની માન્યતા અને યુદ્ધ કોઈ આકરું સ્વરૂપ ધારણ નહીં કરે એવી ધારણા પણ રોકાણકારોને નવી આશા અને વિશ્વાસ સાથે બજાર તરફ વાળી રહી છે. આપણે ગયા વખતે એ વાત પણ કરી હતી કે બજારનો વર્ગ હવે યુદ્ધના તનાવથી ટેવાતો ગયો છે જેથી બજારમાં પેનિક સેલ આવતું નથી. તેઓ જાણે છે કે માર્કેટમાં ઉછાળામાં નફો બુક કરવામાં આવશે અને કડાકામાં ખરીદી કરવામાં આવશે. સોના-ચાંદી એકંદરે ઠંડાં પડ્યાં છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના સ્ટૉક્સ પણ ખૂબ ફૂલ્યા બાદ નરમ પડ્યા છે, ફૉરેન-ગ્લોબલ ઇન્વેસ્ટર્સ આ મામલે સમયસર સાવચેત થઈ ગયા હોવાનું કહેવાય છે. પરિણામે આ રોકાણકારો પાછા ભારતીય માર્કેટ તરફ સક્રિય થતા જાય છે.


ટ્રમ્પ વિશે આગાહી થઈ શકે નહીં

કોટક મહિન્દ્ર એસેટ મૅનેજમેન્ટના ચીફ નીલેશ શાહના મતે ટ્રમ્પસાહેબનાં નિવેદન કે પગલાં વિશે કોઈ ધારણા બાંધી શકાય નહીં, તેઓ અનિશ્ચિતતા માટે જાણીતા છે. બીજું, ભારતનો સવાલ છે ત્યાં ભારત મિડલ ઈસ્ટ પર મિસાઇલ્સ પડે એ કરતાં ક્રૂડના ભાવ વિશે વધુ ચિંતિત રહે છે. ભારતને સ્ટ્રેટ ઑફ હોર્મુઝની ચિંતા વધુ રહે છે જ્યાં એક યા બીજાં છમકલાં થયાં કરે છે. આ મામલે જ્યાં સુધી ચિત્ર પાકે પાયે સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી બજારનું તેલ ક્યાંક ને ક્યાંક લીસુ રહેશે અને લોકો એમાં લપસતા રહેશે.


ક્વૉર્ટરલી પરિણામોની અસર

વીતેલા સપ્તાહમાં બજારે યુદ્ધના તનાવની અસરે વધઘટ દર્શાવી હતી. સોમવારે ભારે ઘટાડા બાદ ભારે રિકવરી સાથે બજાર પૉઝિટિવ બંધ રહ્યું, મંગળવારે પાછું પટકાયું અને બુધવારે પુનઃ રિકવરી તરફ વળ્યું હતું. આ વધઘટને અસર કરનાર પરિબળ સ્ટ્રેટ હોર્મુઝનું રહ્યું હતું. ટ્રમ્પસાહેબના સ્ટેટમેન્ટ સપાટો બોલાવવામાં કારણ બનતા રહે છે. ગુરુવારે બજારે સ્થિર રહેવાનું નક્કી કર્યું હોય એવો ઘાટ હતો. જોકે શુક્રવારે બજારે ગ્લોબલ પરિબળો એકંદરે બહુ મજબૂત ન હોવા છતાં મોટો કુદકો માર્યો હતો. સેન્સેક્સ ૯૬૪ પૉઇન્ટના જમ્પ સાથે ૭૮,૦૦૦ને પાર તેમ જ નિફ્ટી ૨૬૦ પૉઇન્ટના કુદકા સાથે ૨૪,૩૦૦ને પાર કરી બંધ રહ્યો હતો. આની પાછળનાં કારણોમાં લાર્જ IT સ્ટૉક્સમાં ભારે લેવાલીથી IT સ્ટૉક્સમાં ઉછાળા જોવાયા હતા, ક્વૉર્ટરલી પરિણામ સારાં હોવાનું કારણ પણ હતું. જિયો ફાઇનૅન્સ સર્વિસીસના જૂન અર્નિંગ્સ પણ બહેતર રહેતાં તેમ જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંકેતો ઊંચા રહેતા બજાર પર ઓવરઑલ પૉઝિટિવ અસર હતી. હાલ તો ક્વૉર્ટરલી રિઝલ્ટના આધારે સ્ટૉક્સ ચાલે એમ જણાય છે.

દરમ્યાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સંસ્થા ગોલ્ડમૅન સાક્સે ભારત માટેનું આઉટલુક સુધરવાની આશા વ્યક્ત કરી છે. તાજેતરના સમયમાં કૉમોડિટીઝના નીચા ગયેલા ભાવો, કરન્સીમાં આવેલી સ્થિરતા, સક્ષમ સ્થાનિક ગ્રોથ અને બીજા ક્વૉર્ટરમાં સારા અર્નિંગ્સની ધારણા બજારમાં રિકવરી લાવવામાં સહાયરૂપ થશે. ખાસ કરીને ચોક્કસ સ્ટૉક્સમાં સુધારો જોવાશે. ગ્લોબલ સિચુએશનના સુધારાને પગલે ફૉરેન રોકાણનો પ્રવાહ વધશે. બીજી તરફ અમેરિકામાં ફુગાવો ધારણા કરતાં નીચો રહેતા વ્યાજદર વધવાની શક્યતા ઘટી છે જે રોકાણને પ્રોત્સાહન આપશે. નવા સપ્તાહમાં ગ્લોબલ સમાચારો અને સંકેતો જ બજાર પર સવાર રહેશે

મહત્ત્વના આર્થિક સમાચાર - સંકેત

ભારત-બ્રિટન વેપાર સંબંધનો સરસ આરંભ થયો છે. બન્ને દેશો વચ્ચે ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ અમેરિકન ડૉલર જેટલો દ્વિપક્ષીય વેપાર થવાનો અંદાજ મુકાયો છે.

ત્રીજી ઑગસ્ટથી સેબીએ શૅરબજારમાં ક્લૉઝિંગ ઑક્શન (લિલામ) સત્ર દાખલ કરવાનું નક્કી કર્યું છે. શરૂઆત

ફ્યુચર્સ-ઑપ્શન્સ (F&O)માં ટ્રેડ થતા સ્ટૉક્સથી થશે.

કેન્દ્રીય કૅબિનેટે ૭ દરખાસ્તોને મંજૂરી આપી છે જેનો ખર્ચ આશરે બે લાખ કરોડ રૂપિયાથી વધુનો છે. આમાં સેમીકન્ડક્ટર ૨.૦, મોબાઇલ ફોન મૅન્યુફૅક્ચરિંગ સ્કીમ, યુરિયા પૉલિસી, રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.  

મેકમાય ટ્રિપ કંપની એનો IPO લાવવાની તૈયારીમાં છે, એણે પોતાનાં ડ્રાફ્ટ પેપર્સ સેબીમાં ફાઇલ કર્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 09:00 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK