Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિના સામે ૧-૦નો સ્કોર કરીને ૩૮ મૅચથી અપરાજિત સ્પેનની ટીમ ૧૬ વર્ષે વર્લ્ડ ચેમ્પિયન

ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિના સામે ૧-૦નો સ્કોર કરીને ૩૮ મૅચથી અપરાજિત સ્પેનની ટીમ ૧૬ વર્ષે વર્લ્ડ ચેમ્પિયન

Published : 21 July, 2026 10:01 AM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્જેન્ટિનાએ શરણાગતિ સ્વીકારી સ્પેનના અભેદ્ય ડિફેન્સ સામે : વર્લ્ડ કપ ફાઇનલમાં ૯૦ મિનિટમાં ગોલપોસ્ટ પર કોઈ શોટ ન ફટકારનારી આર્જેન્ટિના પહેલી ટીમ બની, આખી ટુર્નામેન્ટમાં માત્ર એક ગોલ આપ્યાનો રેકૉર્ડ કર્યો સ્પૅનિશ ટીમે

ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાને વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં હરાવ્યા બાદ સેલિબ્રેશન કરી રહેલી સ્પેનની ટીમ

ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાને વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં હરાવ્યા બાદ સેલિબ્રેશન કરી રહેલી સ્પેનની ટીમ


ન્યુ યૉર્કના મેટલાઇફ સ્ટેડિયમમાં ગઈ કાલે મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપની 23મી આવૃત્તિની ફાઇનલ મૅચ યોજાઈ હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિના સામે સ્પેનની મૅચ પહેલી ૯૦ મિનિટમાં ૦-૦થી ડ્રૉ રહી હતી. નૉકઆઉટના નિયમો અનુસાર રિઝલ્ટ મેળવવા વધુ ૩૦ મિનિટની રમત જોડવામાં આવી હતી. ૧૦૬મી મિનિટે સ્પેનના ફેરન ટોરેસે મૅચનો પહેલો અને એકમાત્ર ગોલ કરીને સ્પેનની ૧-૦થી જીત સુનિશ્ચિત કરી હતી.  

સ્પેનની ટીમ ૨૦૧૦ અને ૨૦૨૬ એમ બે જ ફાઇનલ રમી છે અને બન્ને મૅચમાં જીતીને બે વખતની ચૅમ્પિયન ટીમ બની છે. છેલ્લા વર્લ્ડ કપ સહિત ત્રણ વખતની ચૅમ્પિયન ટીમ આર્જેન્ટિના ૧૯૩૦, ૧૯૯૦, ૨૦૧૪ બાદ ચોથી વખત ફાઇનલ હારીને રનર-અપ ટીમ બની છે.  



સ્પેનની ટીમે ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં સતત ૩૮ મૅચોથી અપરાજિત પહેવાનો વર્લ્ડ રેકૉર્ડ કરીને ૧૬ વર્ષે વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે. માર્ચ ૨૦૨૪માં લંડનમાં કોલંબિયા સામે ૦-૧થી હાર્યા બાદ તેઓ અપરાજિત રહ્યા છે.  


૧૦૬મી મિનિટે ફેરન ટોરેસે ગોલ કરીને સ્પેનને રેકૉર્ડ સતત ૩૮મી મૅચમાં અપરાજિત રાખી હતી


આખા વર્લ્ડ કપમાં માત્ર એક ગોલ આપીને ચૅમ્પિયન બનનાર સ્પેન પહેલી ટીમ બની છે.  અગાઉ ૧૯૯૮માં ફ્રાન્સ, ૨૦૦૬માં ઇટલી અને ૨૦૧૦માં સ્પેન આખા વર્લ્ડ કપમાં માત્ર બે ગોલ આપ્યા બાદ ચૅમ્પિયન બન્યાં હતાં. આ વર્લ્ડ કપની ૮ મૅચોમાંથી સ્પેન સામે માત્ર બેલ્જિયમે ક્વૉર્ટર ફાઇનલમાં એક ગોલ કર્યો હતો. ૭ મૅચોમાં એક પણ ગોલ ન થવા દેનાર સ્પેને આ વર્લ્ડ કપમાં ૧૪ ગોલ કર્યા હતા.  

આર્જેન્ટિના વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસમાં એવી પહેલી ટીમ બની જેણે નિયમિત સમયના સમગ્ર ૯૦ મિનિટમાં એક પણ શૉટ ન માર્યો હોય. પહેલી ૯૦ મિનિટની રમતમાં સ્પેને ગોલપોસ્ટ તરફ ૧૫ શૉટ અને આર્જેન્ટિનાએ ઝીરો શૉટ માર્યા હતા. 

આર્જેન્ટિનાની હાર પછી સ્પેનના લમિન યમાલે લીઅનલ મેસીને ભેટીને સાંત્વન આપ્યું

મૅચ બાદ ૧૯ વર્ષનો યમાલ અને ૩૯ વર્ષનો મેસી એકબીજાને ભેટ્યા હતા

સ્પેનનો યંગ ફૉર્વર્ડ ખેલાડી લમિન યમાલ આર્જેન્ટિનાની જીતથી નિરાશ થઈને બેઠેલા કૅપ્ટન લીઅનલ મેસીને મળવા ગયો હતો. લમિન યમાલને આવતો જોઈ મેસી પણ મેદાન પરથી ઊભો થયો હતો. બન્ને એકબીજાને ભેટ્યા હતા અને યમાલે આ અનુભવી ખેલાડીને સાંત્વન આપ્યું હતું. ફાઇનલ પહેલાં પાંચ મહિનાના લમિન યમાલને સ્નાન કરાવતા મેસીનું ૨૦૦૭નું ફોટોશૂટ વાઇરલ થયું હતું.

લીઅનલ મેસી ૨૦૧૪, ૨૦૨૨ અને ૨૦૨૬ એમ ત્રણ વર્લ્ડ કપ ફાઇનલમાં રમનાર પહેલો ખેલાડી બન્યો છે. યુરોપિયન ચૅમ્પિયનશિપ અને વર્લ્ડ કપ જીતનાર લમિન યમાલ પહેલો ટીનેજર બન્યો છે. યમાલ ૧૩ જુલાઈએ ૧૯ વર્ષનો થયો હતો. તે પોતે ૧૯ નંબરની જર્સી પહેરે છે અને અમેરિકન સમય અનુસાર ફાઇનલ મૅચ ૧૯ જુલાઈએ રમાઈ હતી. લીઅનલ મેસી પોતાનો શરૂઆતના દિવસોમાં ૧૯ નંબરની જર્સી પહેરીને રમતો હતો.

લમિન યમાલનો નાનો ભાઈ સ્પેનની ઉજવણી દરમ્યાન મેદાનમાં છવાયેલો હતો

સ્પેનની વર્લ્ડ કપ ટ્રોફી આપ્યા બાદ સ્ટેજ પર જ રહ્યા અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પ

કોઈ પણ મોટી ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી આપ્યા બાદ જે તે અધિકારી તરત સ્ટેજ છોડીને પ્લેયર્સને ઉજવણી કરવા દેતા હોય છે. જોકે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ આવી કોઈ શિસ્તમાં માનતા નથી એવું લાગી રહ્યું છે.  

ગઈ કાલે વર્લ્ડ કપ વિજેતા ટીમ સ્પેનના કૅપ્ટન રોડ્રિગોને ટ્રોફી આપ્યા બાદ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સ્ટેજ પર ટીમ પાસે જ રહ્યા હતા અને ટીમની વિજયી ઉજવણીના ફોટોમાં આવવાની તક ઝડપી લીધી હતી. ફુટબૉલ ફેડરેશનના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો તેમનો હાથ પકડીને સ્ટેજની નીચે આવવાની વિનંતી કરતા જોવા મળ્યા હતા.

૬૪ વર્ષોથી બૅક-ટુ-બૅક ફાઇનલ રમનાર ટીમ ટાઇટલ ડિફેન્ડ નથી કરી શકી

૬૪ વર્ષોથી એટલે કે ૧૯૬૨થી બૅક-ટુ-બૅક ફાઇનલ રમનાર ટીમો બીજી વખતમાં ટાઇટલ ડિફેન્ડ નથી કરી શકી. મેન્સ વર્લ્ડ કપના ઇતિહાસમાં છઠ્ઠી વખત કોઈ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ 
બૅક-ટુ-બૅક ફાઇનલ મૅચ રમી રહી હતી. અગાઉ ઇટલી ૧૯૩૪ અને ૧૯૩૮માં, જ્યારે બ્રાઝિલ ૧૯૫૮ તથા ૧૯૬૨માં સતત ટાઇટલ જીતવામાં સફળ રહ્યાં હતાં.

ત્યાર બાદ આર્જેન્ટિના ૧૯૮૬ અને ૧૯૯૦માં, બ્રાઝિલ ૧૯૯૪ અને ૧૯૯૮માં તથા ફ્રાન્સ ૨૦૧૮ અને ૨૦૨૨માં બૅક-ટુ-બૅક ફાઇનલ રમ્યાં. તેઓ પહેલી વખત ચૅમ્પિયન બન્યા પણ બીજા વર્લ્ડ કપમાં ટાઇટલ ડિફેન્ડ નહોતા કરી શક્યા.

આ ૮ ટીમો વચ્ચે જ વિભાજિત છે ૨૩ વર્લ્ડ કપ

બ્રાઝિલ

પાંચ વખત (૧૯૫૮, ૧૯૬૨, ૧૯૭૦, ૧૯૯૪, ૨૦૦૨)

જર્મની

ચાર વખત ( ૧૯૫૪, ૧૯૭૪, ૧૯૯૦, ૨૦૧૪)

ઇટલી

ચાર વખત (૧૯૩૪, ૧૯૩૮ , ૧૯૮૨ , ૨૦૦૬ )

આર્જેન્ટિના

ત્રણ વખત (૧૯૭૮ , ૧૯૮૬ , ૨૦૨૨ )

ફ્રાન્સ

બે વખત ( ૧૯૯૮ અને ૨૦૧૮)

સ્પેન

બે વખત (૨૦૧૦ અને ૨૦૨૬)

ઉરુગ્વે

બે વખત (૧૯૩૦ અને ૧૯૫૦ )

ઇંગ્લૅન્ડ

એક વખત (૧૯૬૬)

સ્પેન એક સાથે મેન્સ અને વિમેન્સ બન્ને વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બન્યો

૨૦૨૩માં વર્લ્ડ કપ જીતેલી સ્પેનની વિમેન્સ ટીમ

સ્પેન ઇતિહાસમાં પ્રથમ દેશ બન્યો છે જેણે મેન્સ અને વિમેન્સ બન્ને વર્લ્ડ કપ ટાઇટલ એક સાથે જીત્યાં છે. સ્પૅનિશ મહિલા ટીમે ૨૦૨૩ની ફાઇનલમાં  ઇંગ્લૅન્ડ સામે ૧-૦થી વિજય મેળવીને પોતાની પહેલી ટ્રોફી જીતી હતી. વિમેન્સ વર્લ્ડ કપ ૧૯૯૧થી યોજાઈ રહ્યો છે; જેમાં અમેરિકા ૪ વખત, જર્મની બે વખત તથા નૉર્વે,જપાન અને સ્પેન ૧-૧ વખત વિજેતા બન્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 10:01 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK