NMDC સ્ટીલનાં પરિણામો સારાં આવ્યાં પણ માર્ચ ક્વૉર્ટરની તુલના ચાલતાં ભાવમાં ઑલટાઇમ હાઈ થઈ પ્રૉફિટ બુકિંગમાં સરી પડી
પ્રતીકાત્મક તસવીર
ઝગલ પ્રી-પેઇડનો નફો ૮૬૦ લાખ રૂપિયા ઘટતાં માર્કેટકૅપમાં ૫૩૯ કરોડનો ફટકો, શૅર ૨૦ તૂટી નવા તળિયે : વૅલ્યુ બાઇંગની થીમ ચાલતાં વિક્રમ સોલર ડિમાન્ડમાં આવી : બિઝોટિક કમર્શિયલ એક્સ-બોનસ થતાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં : અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં ૫૨૨ ટકાનો નફામાં વધારો કશા કામ ન આવ્યો : NMDC સ્ટીલનાં પરિણામો સારાં આવ્યાં પણ માર્ચ ક્વૉર્ટરની તુલના ચાલતાં ભાવમાં ઑલટાઇમ હાઈ થઈ પ્રૉફિટ બુકિંગમાં સરી પડી
તમામ અગ્રણી એશિયન બજારોએ હળવા સુધારા સાથે નવા સપ્તાહની શરૂઆત કરી છે. સાઉથ કોરિયા તથા ઇન્ડોનેશિયા રજામાં હતાં. ચાઇના અને હૉન્ગકૉન્ગ ૧.૪ ટકા, જપાન પોણો ટકો, થાઇલૅન્ડ એક ટકો, સિંગાપોર અડધા ટકા જેવું ગઈ કાલે પ્લસ થયું છે. યુરોપ રનિંગમાં પૉઝિટિવ બાયસ બતાવતું હતું. ડૉલર સામે રૂપિયો ૯૫.૪૦ના આગલા બંધ સામે રનિંગમાં ૧૭ પૈસા ઘટી ૯૫.૬૧ ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ ૮૯ ડૉલર ઉપર મક્કમ હતું. સેન્સેક્સ આગલા બંધથી ૧૧૬ પૉઇન્ટ નરમ, ૭૭,૮૯૩ ખૂલી આખો દિવસ માઇનસ ઝોનમાં રહી છેવટે ૨૮૧ પૉઇન્ટના ઘટાડે ૭૭,૭૨૮ તો નિફ્ટી ૭૮ પૉઇન્ટ ઘટી ૨૪,૨૮૮ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૭,૪૫૪ અને ઉપરમાં ૭૭,૯૨૮ થયો હતો. કમજોર માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૬૮૩ શૅર સામે ૧૮૨૫ જાતો ઘટી છે. માર્કેટકૅપ પ્રોવિઝનલ ધોરણે ૭૦,૦૦૦ કરોડ વધી ૪૯૨.૮૬ લાખ કરોડ નજીક ગઈ છે. IT ઇન્ડેક્સ પોણાબે ટકા, ટેલિકૉમ ૧.૨ ટકા, નિફ્ટી FMCG ૧.૧ ટકા ઘટ્યો છે. સામે રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૪ ટકા, મેટલ ઇન્ડેક્સ એક ટકો, કૅપિટલ ગુડ્સ પોણો ટકો વધીને બંધ થયો છે.
નિફ્ટી ખાતે હિન્દાલ્કો બે ટકા વધી ૧૦૫૦ નજીક બંધમાં ટૉપ ગેઇનર તો HCL ટેક્નૉલૉજીઝ ૨.૬ ટકા બગડી ૧૩૨૫ના બંધમાં ટૉપ લુઝર બન્યો છે. સેન્સેક્સ ખાતે તાતા સ્ટીલ દોઢ ટકો વધી બેસ્ટ ગેઇનર તો ઇન્ફોસિસ ૨.૭ ટકા ગગડી ૧૧૩૮ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર જોવાયો છે. બન્ને બજાર ખાતે અન્યમાં અૅક્સિસ બૅન્ક એક ટકો, રિલાયન્સ પોણો ટકો, HDFC લાઇફ ૧.૪ ટકા, ONGC ૦.૯ ટકા વધ્યા હતા, જ્યારે સનફાર્મા ૨.૨ ટકા (નિફ્ટીમાં અઢી ટકા), TCS બે ટકા નજીક, ટેક મહિન્દ્રા પોણાબે ટકા, ITC ૧.૬ ટકા, ટ્રેન્ટ ૧.૩ ટકા, નેસ્લે બે ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૧.૩ ટકા, સિપ્લા સવા ટકો ઘટી છે. ITC ૨૭૩ની ૫૦ મહિનાની નવી બૉટમ બતાવી ૧.૬ ટકા ઘટી ૨૭૩ ઉપર બંધ થઈ છે.
વિક્રમ સોલર જે વેચવાલીનું ભારે પ્રેશર ચાલુ રહેતાં તાજેતરમાં ૧૧ ઑગસ્ટે ૧૫૬ નીચે ઑલટાઇમ તળિયે ગયો હતો એમાં વૅલ્યુ બાઇંગની થીમ ચાલુ થતાં ભાવ ગઈ કાલે ૧૦ ગણા કામકાજમાં ઉપરમાં ૧૮૬ વટાવી સાડાચૌદ ટકા ઊછળી ૧૮૩ બંધ થયો છે. પરિણામની તેજી આગળ વધારતાં મનોરમા ઇન્ડસ્ટ્રીઝ ૧૦ ગણા વૉલ્યુમે ૨૦૪૧ની વિક્રમી સપાટી નોંધાવી ૧૨.૪ ટકા કે ૨૧૫ના ઉછાળે ૧૯૫૪ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે સેકન્ડ બેસ્ટ ગેઇનર બની છે. ઇપ્કા લૅબ સાડાઆઠ ટકા, હિન્દુસ્તાન કોપર સવાઆઠ ટકા તથા જ્યોતિ લૅબ સવાસાત ટકા મજબૂત હતી.
ઝગલ પ્રી-પેઇડ તરફથી ૨૭.૫ ટકા વધારામાં ૪૨૩ કરોડની આવક ઉપર ૭૩ ટકાના ગાબડામાં ૧૭૫૦ લાખ નેટ નફો દર્શાવાતાં શૅર ૪૭ ગણા જંગી વૉલ્યુમે ભાવ ૧૬૦ની લગભગ લાઇફ ટાઇમ બૉટમ બનાવી ૨૦ ટકા તૂટી ત્યાં જ બંધ થયો છે. સ્નેઇડર ઇલેક્ટ્રિક ૧૦ ટકા કે ૧૩૬ના ધબડકામાં ૧૨૩૨, ક્યુપિડ લિમિટેડ સવાઆઠ ટકાની ખરાબીમાં ૨૬૯ તથા બેલ રાઇઝ ઇન્ડસ્ટ્રીઝ સાડાસાત ટકા તૂટીને ૨૩૬ બંધ થઈ છે.
ADVERTISEMENT
પરિણામ પાછળ PTC ઇન્ડસ્ટ્રીઝ નવી ટૉપ સાથે ૧૩૬૦ની તેજીમાં
અમદાવાદની ગાર્મેન્ટ્સ કંપની બિઝોટિક કમર્શિયલ એક શૅરદીઠ પાંચ બોનસ શૅરમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે ઉપરમાં ૧૩૭ થઈ ૨૦ ટકા ઊછળી ત્યાં જ બંધ થઈ છે. કંપની જૂન ૨૦૨૩માં ૧૦ના શૅરદીઠ ૧૭૫ના ભાવે ૪૨ કરોડનો BSE SME ઇશ્યુ લાવી હતી. ભરણું પોણાબે ગણું ભરાયું હતું. ૨૩ જૂન ૨૦૨૩માં લિસ્ટિંગના દિવસે ભાવ ૧૭૧ બંધ થયો હતો. ત્યાંથી ગગડતો રહી વર્ષમાં નીચામાં ૪૩ના ઑલટાઇમ તળિયે ગયા પછી ઑગસ્ટ ૨૦૨૪ બાદ વધઘટે બુલરન જામતાં શૅર ૨૦૨૬ની ૧૩ જાન્યુઆરીએ ૧૦૫૩ના બેસ્ટ લેવલે ગયો હતો. કિર્લોસ્કર ન્યુમેટિક બેના શૅરના એકમાં વિભાજનમાં આજે એક્સ સ્પ્લિટ થવાની છે. ભાવ ગઈ કાલે એક ટકો વધી ૧૫૪૨ રહ્યો છે. ઝેન ટેક્નૉલૉઝીસે શૅરદીઠ પાંચ શૅર બોનસ જાહેર કર્યું છે. રેકૉર્ડ ડેટ ૨૧ ઑગસ્ટ છે. ભાવ ગઈ કાલે ઉપર ૧૮૯૬ થઈ ૦.૯ ટકા સુધરી ૧૮૭૫ હતો.
ક્વૉલિટી વૉલ્સની આવક પોણાસતર ટકા વધી ૮૬૮ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૩૪.૭ ટકા વધારામાં ૫૦૭૦ લાખનો આવ્યો છે. શૅર ઉપર ૩૯.૩૮ થઈ ૮.૨ ટકા વધી ૩૯ નજીક હતો. PTC ઇન્ડસ્ટ્રીઝે ૯૮ ટકા વધારામાં ૧૯૨ કરોડની આવક ઉપર ૪૬૧ ટકાના ઉછાળામાં ૨૯૨૦ લાખ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર ૨૦,૭૪૦ની ટૉપ બતાવી ૭.૧ ટકા ઊછળી ૨૦,૪૧૦ બંધ રહ્યો છે. ઇઝી ટ્રીપ પ્લાનર્સની આવક ૧૭.૫ ટકા વધીને ૧૩૪ કરોડ થઈ છે પણ કંપની ૧૩૦ લાખના નફામાંથી ૧૧૪૦ લાખની નેટ લૉસમાં સરી પડી છે. શૅર નીચામાં ૬ થઈ ચાર ટકા ઘટી ૬.૧૬ હતો. પતંજલિ ફૂડ્સની ત્રિમાસિક આવક ૨૯.૩ ટકા વધી ૧૧,૩૩૭ કરોડ થઈ છે, નેટ પ્રૉફિટ ૮૬.૭ ટકાના વધારામાં ૭૩૬ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૩૫૮ થઈ ૦.૩ ટકા ઘટી ૩૫૨ થયો છે. એમ.એમ. ફોર્જિંગ્સની આવક ૧૭ ટકા વધી ૪૧૦ કરોડ તથા નફો ૮૪.૨ ટકા વધી ૩૪ કરોડ આવ્યો છે. ભાવ નીચામાં ૫૬૪ બતાવી ૫.૯ ટકા વધી ૬૩૦ હતો.
જેનેસિસ ઇન્ટરનૅશનલની આવક ૧૪.૬ ટકા વધી ૮૧ કરોડ વટાવી ગઈ છે. નફો ૨૫.૪ ટકા ઘટી ૫૩૦ લાખ થયો છે. ભાવ ઉપરમાં ૧૮૪ બનાવી પાંચ ટકા તૂટી ૧૭૧ થયો છે. દિશમાન કાર્બોજેનની આવક સવાચાર ટકા ઘટી ૬૭૮ કરોડ રહેતાં કંપની ૨૩ કરોડના નફામાંથી ૫૮ કરોડની ખોટમાં આવી છે. શૅર ૭ ટકા ગગડીને ૧૭૭ હતો. અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સે સાડાસાત ટકા વધારામાં ૬૩૪૪ કરોડની આવક ઉપર ૫૨૨ ટકાના જમ્પમાં ૩૭૨ કરોડ નજીક ચોખ્ખો નફો કર્યો છે. શૅર બે ટકા ઘટી ૬૫ થયો છે.
યુફ્લેક્સ નફામાં ૫૮૦ ટકા વધારા પાછળ ૨૦ ટકા ઉપલી સર્કિટે
જીએમઆર પાવરની આવક સાડાત્રણ ટકા વધી ૧૭૦૫ કરોડ થઈ છે. ચોખ્ખી ખોટ ૪૩૨ ટકા ઊછળી ૪૧૫૦ લાખે પહોંચી છે. શૅર ઉપરમાં ૯૮ થઈ અડધો ટકો ઘટી ૯૬.૬૮ હતો. યુફ્લેક્સ લિમિટેડે ૩૭.૬ ટકા વધારામાં ૫૩૬૬ કરોડની આવક ઉપર ૫૮૦ ટકા વધારામાં ૪૨૨ કરોડ નેટ નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૫૮૭ બતાવી ૨૦ ટકા ઊછળી ૫૮૭ થયો છે. બોરોસિલ લિમિટેડે ૯ ટકા વધારામાં ૨૫૪ કરોડની આવક ઉપર ૨૬ ટકાના ઘટાડામાં ૧૨૮૦ લાખ ચોખ્ખો નફો દર્શાવ્યો છે. શૅર નીચામાં ૨૩૦ થઈ ૧.૪ ટકા વધી ૨૪૨ હતો. NMDC સ્ટીલની આવક સવાઆઠ ટકા વધી ૩૬૬૨ કરોડ થઈ છે એમાં નફો ૧૧૭ ટકા વધી ૫૫૧૫ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૪૦ થઈ ૬ ટકા ગગડી ૪૨ હતો. અગાઉ ડી.બી. રિયલ્ટી તરીકે ઓળખાતી વેલોર એસ્ટેટની આવક ૮૬.૮ ટકા ગગડી ૧૧૧ કરોડ થતાં કંપની ૧૨૪૦ લાખના નફામાંથી ૧૩૦ લાખની ખોટમાં આવી છે, શૅર ઉપર ૧૧૧ બતાવી ૩.૪ ટકા ઘટી ૧૦૮ થયો છે. કોચીન શિપયાર્ડની આવક સવાબે ટકા વધી ૧૦૯૪ કરોડ થઈ છે, પરંતુ નફો ૧૯.૪ ટકા ઘટી ૧૫૧ કરોડ રહ્યો છે. શૅર નીચામાં ૧૪૩૭ બતાવી અઢી ટકા ઘટી ૧૪૫૮ થયો છે. ફિઝિક્સવાલાની આવક ૨૪.૪ ટકા વધી ૧૦૫૪ કરોડ થતાં નેટ લૉસ ૧૨૦ કરોડથી ઘટીને ૭૭ કરોડ થઈ છે. શૅર નીચામાં ૧૧૩ થઈ અઢી ટકા વધી ૧૨૦ બંધ હતો. વૉલ્ટાસની આવક ૧૮.૭ ટકા વધી ૪૬૭૪ કરોડ અને નફો બાવન ટકા વધી ૨૧૪ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૧૩૪૯ થઈ ૪.૪ ટકા ઘટી ૧૨૬૭ હતો. નૉલેજ મરીન એન્જિનિયરિંગની આવક ૧૪૦ ટકા વધી ૧૧૫ કરોડ વટાવી ગઈ છે. નેટ પ્રૉફિટ ૪૪૧ ટકા ઊછળીને ૬૧૭૦ લાખ થયો છે. ભાવ ૨૯૯૮ની ટ ટૉપ બતાવી નજીવો ઘટી ૨૭૨૭ હતો.
ધૂત ટ્રાન્સમિશન અને મોલબાયોનું ધમાકેદાર લિસ્ટિંગ થયું
ગઈ કાલે પુણેના ચાકણ ખાતેની ધૂત ટ્રાન્સમિશન બેના શૅરદીઠ ૮૭૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૪૬થી શરૂ થઈ ઉપરમાં ૨૭૬ થયા બાદ છેલ્લે બોલાતા ૨૫૫ના પ્રીમિયમ સામે ૧૧૯૪ ખૂલી ૧૧૮૨ બંધ રહેતાં ૩૫.૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૩૦૬૭ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૮.૩ ગણા સહિત કુલ ૭૫ ગણો છલકાયો હતો. ગોવાની મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ એકના શૅરદીઠ ૮૦૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૭૦થી શરૂ થઈ ઉપરમાં ૨૨૦ બતાવી ઘટાડામાં ૧૧૫ થયા બાદ છેલ્લે ચાલતા ૧૧૬ના પ્રીમિયમ સામે ૯૮૦ ખૂલી ૧૦૫૪ બંધ થતાં ૩૦.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૯૪૦ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૧૩ ગણા સહિત કુલ ૭૦.૩ ગણો ભરાયો હતો. આજે મંગળવારે મિલ્કી મિસ્ટ ડેરી તથા શામ ફોમનું લિસ્ટિંગ થવાનું છે. હાલ શામ ફોમમાં તથા મિલ્કી મિસ્ટમાં ૧૯ પ્રીમિયમ છે. દરમ્યાન પોણાનવ ટકા લિસ્ટિંગ લૉસમાં ૧૪૫ બંધ રહેલી ગોરેગામની લીપ ઇન્ડિયા ગઈ કાલે નીચામાં ૧૫૦ બતાવી ૭.૫ ટકા વધી ૧૫૬ તો ૪૬.૮ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૩૧૧ બંધ થયેલી ટેકનોક્રાફટ વેન્ચર્સ ઉપર ૩૧૪ દેખાડી ૪.૫ ટકા ગગડી ૨૯૭ રહી છે. વિપુલ ડી. શાહની ઑપ્ટિમાયસિક્સ આઠ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં આગલા દિવસે ૧૮૯ બંધ થયા પછી ગઇ કાલે ૧૯૫ના ટોચે જઈ ૩.૭ ટકા ઘટી ૧૮૨ હતી.
ગઈ કાલે પ્રથમ દિવસે મુંબઈના લોઅર પરેલની કોટ કરતી હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સનો ૧૦ના શૅરદીઠ ૬૦ની અપરબેન્ડમાં ૨૬૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨૦ ટકા સહિત કુલ ૧૫ ટકા તેમ જ ચેન્નઈની લલિતા જ્વેલરી માર્ટનો પાંચના શૅરદીઠ ૨૦૧ની અપરબેન્ડમાં ૧૭૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૮ ટકા સહિત કુલ ૭૩ ટકા ભરાયો છે. હાલ હોરાઇઝોનમાં બે રૂપિયા અને લલિતામાં ૩૫ રૂપિયા પ્રીમિયમ છે.
SME સેગમેન્ટમાં ક્રિડેન્સ કનેક્ટનો ૧૦ના શૅરદીઠ ૧૮૯ના ભાવનો ૯૪ કરોડનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૧૩૯ ગણા સહિત કુલ ૧૫૩ ગણો છલકાઈ પૂરો થયો છે. પ્રીમિયમ હાલ પંચાવન ચાલે છે. બીજા દિવસના અંતે વસઈ-ઈસ્ટ, પાલઘરની ટેકનોકેટ્સ પ્લાઝમાનો ૧૦ના શૅરદીઠ ૧૩૨ના ભાવનો ૬૧ કરોડનો BSE SME IPO કુલ ૫.૬ ગણો નોએડાની ENS એન્ટરપ્રાઇસિસનો ૧૦ના શૅરદીઠ ૯૨ના ભાવનો ૩૩ કરોડનો BSE SME ઇશ્યુ કુલ ૧.૪ ગણો તથા બૅન્ગલોરની સ્કાયટેક ઇન્ફિનિટનો ૧૦ના શૅરદીઠ ૭૭ની અપરબેન્ડમાં ૨૩ કરોડનો NSE SME ઇશ્યુ કુલ ૯૩ ટકા ભરાયો છે. હાલ ટેકનોક્રેટસમાં ૩૦નું, ENSમાં ઝીરો સ્કાયટેકમાં ૪નું પ્રીમિયમ છે જેનું ભરણું પ્રથમ ટ્રાયલે ફ્લૉપ જતાં મુદત લંબાઈ હતી એ ફેસિનેટ ટેક્સટાઇલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૫૧ના ભાવનો ૬૪૮૩ લાખનો NSE SME ઇશ્યુ અત્યાર સુધીમાં કુલ ૮૬ ટકા ભરાયો છે. ઇશ્યુ ૧૯મીએ બંધ થશે.
વિપુલ શાહ-શેફાલી શાહનો સનશાઇન પિક્ચર્સ ઇશ્યુ આજે ખૂલશે
આજે, મંગળવારે મેઇન બોર્ડમાં બે નવા ઇશ્યુ ખૂલવાના છે. મુંબઈના ઝવેરીબજારની શાંકેશ જ્વેલર્સ પાંચના શૅરદીઠ ૯૩ની અપરબૅન્ડમાં કુલ ૩૬૭ કરોડનું ભરણું લાવશે. એમાંથી ૯૩ કરોડ રૂપિયા OFS પેટે પ્રમોટર્સ જૈન ફૅમિલી લઈ જશે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની ગોલ્ડ જ્વેલરી બનાવીને વેચે છે. ગત વર્ષે ૧૬ ટકાના વધારામાં ૧૬૩૧ કરોડની આવક ઉપર કંપનીએ ૧૬૫ ટકાના વૃદ્ધિદરથી ૧૦૭ કરોડ નજીકનો નેટ પ્રૉફિટ બતાવ્યો છે. દેવું ૧૪૬ કરોડથી વધી ૧૬૭ કરોડ વટાવી ગયું છે. ઇશ્યુમાંથી ૧૫૮ કરોડ દેવાની પરત ચૂકવણીમાં તથા ૩૮ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. કંપનીના ચોપડે માત્ર ૪૬ કાયમી કર્મચારી છે. ગયા વર્ષની સુપર અર્નિંગના કારણે ઇશ્યુ પ્રાઇસ ૧૨.૮નો પીઇ બતાવે છે. ગ્રે માર્કેટમાં ૭થી શરૂ થયેલું પ્રીમિયમ વધી ૮ થયા બાદ હાલમાં ત્રણ જેવું છે.
બીજી કંપની મુંબઈના અંધેરી-વેસ્ટ ખાતેની સનશાઇન પિક્ચર્સ લિમિટેડ છે એ ૧૦ના શૅરદીઠ ૩૬૦ની અપરબેન્ડમાં કુલ ૨૮૨ કરોડનો ઇશ્યુ આજે કરશે. એમાંથી ૧૦૯ કરોડ રૂપિયા ઑફ ફૉર સેલ પેટે વિપુલ અમૃતલાલ શાહ તેમ જ તેમનાં ૫૮ વર્ષનાં અને જાણીતાં અભિનેત્રી શેફાલી શાહ લઈ જશે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપની ફિલ્મ્સ, ટીવી સિરિયલ્સ તથા વેબ સિરીઝ ઇત્યાદી બનાવે છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા છે. કંપની બે ૨૦૨૪-૨૫ના વર્ષે ૨૪ ટકાના ઘટાડામાં ૧૦૬ કરોડ નજીકની આવક ઉપર ૩૫.૪ ટકાના ઘટાડામાં ૩૪૪૬ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૧૬૬૭ લાખથી ઘટી ૧૧૧૬ લાખ રહ્યું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૩૧૧૫ લાખ થશે એમાં પ્રમોટર્સ વિપુલ શાહ અને શેફાલી શાહનો હિસ્સો ૭૪.૮ ટકા રહેશે. તેમની શૅરદીઠ પડતર ૪૪ પૈસાથી માંડી ૮૭ પૈસાની છે. ગત વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૮નો પીઇ બતાવે છે. ગત વર્ષે આવક ઘટી ૭૬૨૭ લાખ તથા નફો ઘટી ૪૦૦૨ લાખ થયો છે. પ્રીમિયમ ૧૭થી શરૂ થઈ વધતું રહી ૫૩ થયા બાદ હાલમાં ૬૨ બોલાય છે.
